શેક્સ્પિયર/અલ્પ લૅટિન, નહિવત્ ગ્રીક
પ્રસિદ્ધ અંગ્રેજ ચિંતક રસ્કિને લખ્યું હતું કે શું વાંચો છો તે જો તમે કહો તો તમે કેવા છો તે હું કહીશ. શેક્સ્પિયર વિષે જે અનુત્તર પ્રશ્નો પુછાયા છે તેમાં એના વાચન વિષેનું કુતૂહલ અનુત્તર નથી રહ્યું. ‘હૅમ્લેટ’ નાટકમાં કારભારી પોલોનિયસે હૅમ્લેટને પ્રશ્ન પૂછ્યો હતો : ‘રાજકુમાર, શુ વાંચો છે?’ હૅમ્લેટનો પ્રત્યુત્તર હતો ‘શબ્દો, શબ્દો, શબ્દો.’ નાટકના સંદર્ભમાં હૅમ્લેટનો જવાબ વીજળીના ઝબકારા જેવો હતો. હૅમ્લેટનો સ્વભાવ અને એનું મનોમંથન તેમજ પોલોનિયસની પરિસ્થિતિ આ પ્રત્યુત્તરમાં સૂક્ષ્મ રીતે વ્યક્ત થયાં હતાં. શેક્સ્પિયરને શું લખો છો એમ પુછાયું હોત તો કદાચને ‘વાસંતી રાત્રિના સ્વપ્ન’ (A Midsummer Night’s Dream)માં આપ્યો હતો તેવો જ ખુલાસો મળી રહેત : “a local habitation and a name to airy nothings.’ (અમૂર્તનું નામકરણ અને એની સ્થળકાળમાં પ્રતિષ્ઠા.) પરંતુ શેક્સ્પિયરે શું વાંચ્યું તેનો જવાબ છાનો નથી રહ્યો. એના વાચનના સંસ્કાર કાવ્યોમાં અને નાટકોમાં એવા સમાયા છે કે બે સૈકામાં વિવેચકોએ એના વાચનનો આધારભૂત હેવાલ લખી નાખ્યો છે. સામાન્ય રીતે દીઠેલું, અનુભવેલું કે વાંચેલું તમામ કદીયે કોઈની કૃતિઓમાં સચવાયું નથી. પરંતુ ઓછું ભણેલો શેક્સ્પિયર ગ્રીક અને લૅટિન સાહિત્યના વ્યાસંગી યુગમાં સ્વલ્પનો બહોળો ઉપયોગ કરીને જ પ્રગતિ કરી શક્યો. એના મિત્ર અને વિવેચક બેન જૉન્સને ઉઘાડું તો પાડ્યું જ હતું કે શેક્સ્પિયરનું લૅટિન અલ્પ હતું, એનું ગ્રીક નહિવત્! એલિઝાબેથ યુગ પછીના યુગોમાં શેક્સ્પિયરના વાચકોએ આશ્ચર્ય અનુભવ્યું છે કે ગ્રીક અને લૅટિન સાહિત્યની પુરાણકથાઓના ઉલ્લેખોથી પોતાની કૃતિઓને સાદ્યંત મંડિત કરનાર શેક્સ્પિયરે બેન જૉન્સનનું મહેણું શીદને સહન કર્યું હશે? પરંતુ બેન જૉન્સનને મન લૅટિન અને ગ્રીક વિદ્વત્તાનું માપ હતાં. એ અર્થમાં શેક્સ્પિયર કળાકાર અવશ્ય હતો, કિન્તુ વિદ્વાન તો નહીં જ. શેક્સ્પિયર અંગ્રેજી ક્યાં અને ક્યારે શીખ્યો તે શોધવું સહેલું નથી. એ કવિ ક્યારે થયો એ તો વળી અણઊકલ્યું રહસ્ય જ રહેશે. જીવન અને કલ્પનની અનુભૂતિને લયમાં રેલાવવાની આવડત કદાચ એના પિંડની સાથે વિકસી હશે. પણ શબ્દો એણે મુખ્યત્વે સમાજમાંથી અને વાંચેલાં લખાણોમાંથી મેળવ્યા છે. બીજું ઘણું વિસ્મૃતિમાં સેરવી ચૂકેલો શેક્સ્પિયર પોતાના વાચનને છુપાવી શક્યો નથી; કારણ એની કૃતિઓ કાલગ્રસ્ત નથી બની. પુસ્તકો એણે મધુકરવૃત્તિથી વાંચ્યાં છે, નહીં કે વિદ્વાન વિવેચકની મલ્લવૃત્તિથી. વાચનના સંસ્કાર એની સ્મૃતિ અને સર્ગવિધિમાં પૂરું જતન પામ્યા છે. એના યુગમાં જેમ અન્ય સ્થળે તેમ સ્ટ્રેટફર્ડની પાઠશાળામાં મુખ્યત્વે લૅટિન ભાષાનો અને વ્યાકરણનો અભ્યાસ થતો. એ શાળામાં પાંચમા ધોરણ સુધી શિખવાડેલાં પુસ્તકોના ઉલ્લેખો શેક્સ્પિયરની આરંભની કૃતિઓમાં અનિવાર્ય રીતે સ્થાન પામ્યા છે. આચાર્ય લીલીનું લૅટિન વ્યાકરણ, લૅટિન સુભાષિત પાઠાવલિ, ઈસપનીતિકથાઓ – પાઠશાળાનાં પહેલાં ત્રણ વર્ષોમાં શીખવાતાં અને ગોખાતાં આ પુસ્તકોના ઉલ્લેખો શેક્સ્પિયરનાં આ નાટકોમાં મળી આવે છે : ‘6ઠ્ઠો હેન્રી-ભાગ 1’, અંક 2, દૃશ્ય 1, પંક્તિ 104. ‘પ્રેમનો વિફલ પ્રયોગ’ (Love’s Labour’s Lost), અંક 4, દૃશ્ય 2, પંક્તિ 82 તથા અંક 5, દૃશ્ય 1. ‘વિન્ડ્ઝરની મનસ્વી લલનાઓ’ (The Merry Wives of Windosor), અંક 4, દૃશ્ય 1. ‘ટિટસ એન્ડ્રોનિસ્, અંક 4, દૃશ્ય 2, પંક્તિ 20-30. ‘વઢકણી વહુ’ (The Taming of the Shrew), અંક 1, દૃશ્ય 1, પંક્તિ 67. ‘રજનું ગજ’ (Much Ado About Nothing), અંક 4, દૃશ્ય 1, પંક્તિ 22. ‘કોજાગ્રિ’ (The Twelfth Night), અંક 2, દૃશ્ય 3, પંક્તિ 2. પ્રત્યેક ઉલ્લેખ પુસ્તકપંડિત ગુરુજીનાં પોથીમાંનાં રીંગણાંને લગતો છે. સાતેક નાટકો સુધી તો શેક્સ્પિયર પાઠશાળાના પંડિતોને વીસરી શક્યો નથી. પાંડિત્યમર્દનનું ભરતવાક્ય રચવું હોય તેમ શેક્સ્પિયરે તો લખી નાખ્યું કે વિદ્યા તો અંતરિક્ષના સૂર્ય સમી છે, ઉઘાડાં નયનોમાં એ કદીયે સમાતી નથી. પુસ્તકો ગાંગરી જનારાઓને મળે છે કેવળ પારકાં પુસ્તકોનો કનિષ્ઠ એવો પ્રતાપ. ઇંગ્લૅન્ડનો અને જગતનો ઉત્તમ નાટ્યકાર ઈસપનીતિની બાલકથાઓને વીસરી શક્યો નથી એ હકીકત છે. ઈસપની સુવાર્તાઓને જે નાટકોમાં એણે સંભારી છે તેની યાદી : ‘6ઠ્ઠો હેન્રી-ભાગ’, અંક 3, દૃશ્ય 1, પંક્તિ 77 તથા 343. ‘રજો રિચર્ડ’, અંક 3, દૃશ્ય 2, પંક્તિ 129. ‘ઍથિન્સનો ટીમન’, અંક 2, દૃશ્ય 1, પંક્તિ 28. ‘રાજા જ્હૉન’, અંક 2, દૃશ્ય 1, પંક્તિ 139. ‘પમો હેન્રી’, અંક 4, દૃશ્ય 3, પંક્તિ 91. આ નાટકોમાં ‘કિસાન અને સાપ’, ‘પારકે પીંછે શોભતો કાક’, ‘ઘેટાંના ચામડામાં વરુ’, ‘શિકારી અને મધમાખી’ અને ‘સિંહના ચામડામાં ગર્દભ’ - વાર્તાઓનો ઉલ્લેખ થયો છે. ઉપરાંત ‘આપને ગમ્યું તેથી’ (As You Like It) નાટકમાં દંતવિહીન શ્વાનની અને ‘સૌ સારું જેનું છેવટ સારું’ (All’s Well That Ends Well) નાટકમાં શિયાળે નિન્દેલી દ્રાક્ષનો ઉલ્લેખ કર્યો છે. સુવાર્તાનો સવિશેષ પ્રયોગ શેક્સ્પિયરે ‘કોરિયોલેનસ’ નાટકમાં ઉદર અને શરીરનાં અન્ય અવયવો વચ્ચેના સંવાદમાં યોજ્યો છે. પરંતુ એ વાર્તા ઈસપનીતિમાંથી ન લેતાં અનેક નાટકો માટે પ્રમાણભૂત એવા ‘પ્લુટાર્કનાં જીવનો’માંથી લેવામાં આવી છે. અભ્યાસકાળનું એક ગોપકાવ્ય શેક્સ્પિયરે ‘પ્રેમનો વિફલ પ્રયોગ’ નાટકમાં યાદ કર્યું છે. શાળાનાં ઉપલાં ધોરણોમાં શીખવાતા ગ્રંથોનો શેક્સ્પિયરનાં નાટકોમાં કશોયે ઉલ્લેખ નથી એ નોંધવા જેવું છે. પાંચમા ધોરણે શાળાજીવન પૂરું થયાની એ નિશાની આ રીતે એની કૃતિઓમાં મળી આવે છે, જેમ કે શેક્સ્પિયરના જમાનામાં રોમન ધારાશાસ્ત્રી સીસેરોના ગ્રંથો વિદ્વાનોમાં માન પામ્યા હતા, છતાં શેક્સ્પિયરન નાટકોમાં સીસેરોના લખાણનો કોઈ ઉલ્લેખ મળતો નથી. ‘જુલિયસ સીઝર’ નાટકમાં સીસેરોનું પાત્ર છે પણ શેક્સ્પિયરે પ્લુટાર્કના આધારે જ એ રચ્યું છે. આરંભનાં નાટકો ‘ટિટસ’ અને ‘વિફલ પ્રેમ’માં શેક્સ્પિયરે લૅટિન ભાષામાં જ શબ્દઝૂમખાં (Phrases) ઉતાર્યાં છે, જાણે કે ‘અલ્પ લૅટિન’નાં શાળાએ આપેલાં પ્રમાણપત્રો ન હોય! હતો શેક્સ્પિયર એટલે શાળાની મગજમારીમાં પણ લૅટિન ભાષાના રંગીન કવિ ઑવિડને મેળવી ચૂક્યો છે. નાની વયે જ અંગ્રેજ ઊર્મિકવિ શેક્સ્પિયરને લૅટિન ભાષાની શ્રેષ્ઠ ઊર્મિકથાઓના કવિ ઑવિડનો સાક્ષાત્કાર થયો છે. એટલે તો શેક્સ્પિયરની પ્રકાશન પામેલી પહેલી કૃતિ ‘રતિ અને ગોપયુવા’ની મુદ્રાપંક્તિ ઓવિડના ‘પ્રણયિકા’ (Amores) સંગ્રહમાંથી લેવામાં આવી છે. ત્રણેક નાટકોમાં લૅટિન ભાષામાં અવતરણો વાપરીને શેક્સ્પિયરે ખપજોગું લૅટિન મેળવ્યાનો તોષ અનુભવ્યો છે. પરંતુ ભાષાંતરકાર ગોલ્ડિંગનું કવિ ઑવિડના પ્રસિદ્ધ કાવ્ય ‘પરિવર્તનો’ (Metamorphoses)નું અંગ્રેજી રૂપાંતર શેક્સ્પિયરે વાંચ્યું છે અને ‘વાસંતી રાત્રિનું સ્વપ્ન’ જેવા આરંભના નાટકમાં અને ‘ઝંઝા’ (The Tempest) જેવા અંતિમ નાટકમાં ઉમંગથી સ્મર્યું છે. ‘રતિ અને ગોપયુવા’નું વસ્તુ ઓવિડના ‘પરિવર્તન-10’માંથી શેક્સ્પિયરે પ્રાપ્ત કર્યુ છે. શેક્સ્પિયરમાં જેમ નાટ્યકારનો સંયમ હતો તેમ કવિનો ઉલ્લાસ પણ હતો. એનું પ્રમાણ શેક્સ્પિયરના ઑવિડ-વળગણમાં છે. ‘ટિટસ’ નાટકમાં ઑવિડની ફિલોમેલાનું નામસ્મરણ છે તો મીડિયા, નાર્સિસસ અને નીઓબી હકર્યુલીસ અને બીજાં દશેક વિશેષ નામો ઑવિડમાંથી શેક્સ્પિયરમાં પરંપરિત બન્યાં છે. એકાદ કાવ્યસમુચ્ચયમાં શેક્સ્પિયરે શાળાજીવનમાં જ રોમન મહાકવિ વર્જિલનો કાવ્યખંડ વાંચ્યો છે. એની જાળવણી ‘લ્યુક્રીસના શીલભંગ’ કાવ્યમાં નાયિકાના શયનખંડમાં ઝૂલતા પડદા પર ચીતરેલા ટ્રોય નગરના વર્ણનમાં સુયોગ્ય કરી છે. નાટ્યકાર થવાનો ખ્યાલ નિશાળિયા શેક્સ્પિયરને કદાચ નહીં હોય! પરંતુ શાળામાં રોમન નાટ્યકાર પ્લોટસનો અભ્યાસ થતો. શેક્સ્પિયરની ત્રીજી નાટ્યકૃતિ ‘ગોટાળાની ગમ્મત’ (The Comedy of Errors) પ્લોટસના ‘મેનીશ્મી’ નાટક પરથી રચવામાં આવી છે. આ નાટકનું અંગ્રેજી ભાષાંતર 1595માં થયું તે પહેલાં શેક્સ્પિયરનું નાટક લખાયું હોવાથી લૅટિન ભાષામાં શેક્સ્પિયરે પ્લોટસ વાંચ્યો હતો તેવી પ્રતીતિ થાય છે. શાળાના અભ્યાસક્રમમાં પ્લોટસ સ્થાન પામ્યો હતો એટલે જ શેક્સ્પિયરે એની જાણકારી દર્શાવી. આથી જુદી પરિસ્થિતિ પ્રસિદ્ધ નાટ્યકાર સેનેકા તોષે છે. એલિઝાબેથીય નાટ્યસાહિત્ય પર સેનેકાનો પ્રભાવ હતો. વિદ્યાપીઠનું શિક્ષણ પામેલા માર્લો આદિ નાટ્યકારોએ સેનેકાના પ્રભાવને અપરોક્ષ ઝીલ્યો છે. શેક્સ્પિયરે એ પ્રભાવ સમકાલીન શિક્ષિત નાટ્યકારોમાં દીઠો છે. સેનેકા એણે અંગ્રેજી નાટકો દ્વારા મેળવ્યો છે. એની અસરમાં શેક્સ્પિયરનાં ‘ટિટસ’, ‘3જો રિચર્ડ’ અને ‘હૅમ્લેટ’ રચાયાં છે. બેન જૉન્સને ચીંધેલું ‘અલ્પ લૅટિન’ શેક્સ્પિયરના હાથે વિવિધ નાટકોમાં કારગત નીવડ્યું છે. અવારનવાર લૅટિન શબ્દપ્રયોગો કરવા જેટલું, કવચિત્ મુદ્રાપંક્તિ શોધવા જોગું અને બહુધા નાટકોના પ્લૉટ લૅટિન ભાષામાં જ પામવા સમું જ્ઞાન શેક્સ્પિયરે વાચન દ્વારા પ્રાપ્ત કર્યું હતું. પાઠશાળામાં સ્થાન ન પામેલા રોમન લેખકો વિષે શેક્સ્પિયરની જાણકારી ન જેવી છે. ગ્રીક ભાષાની કશીયે જાણકારી શેક્સ્પિયરની કૃતિમાં દેખાતી નથી. વાચસ્પતિ શેક્સ્પિયરે કેવળ બે ગ્રીક શબ્દોનો સમ ખાવા પૂરતો ઉપયોગ કર્યો છે : misanthropos (જનદ્વેષી) અને threnos (શોકાંજલિ). છતાંયે કવિ હતો તેથી શબ્દોના ધબકાર એણે એવા પકડ્યા છે કે અંગ્રેજી ભાષામાં એના જેટલા મધુર લૅટિન-પ્રયોગો અને શબ્દો અન્યને નામે નોંધાયા નથી. નહિવત્ એનું ગ્રીક કૌતુક સર્જી શક્યું છે. ગ્રીક ગદ્યસ્વામી પ્લુટાર્ક શેક્સ્પિયરનાં નાટકોનો પ્રમુખ આધાર છે. સીઝર, બ્રુટસ, એન્ટોનિયસ અને કોરિયોલેનસ વિષેનાં નાટકો શેક્સ્પિયરે ‘પ્લુટાર્કનાં જીવનો’ નોર્થના અંગ્રેજીમાં વાંચીને સન્માનપૂર્વક રચ્યાં છે. ઉપરાંત ‘ઍથિન્સનો ટીમન’ એણે પ્લુટાર્કના ‘એન્ટોનિયસ’ અને ‘અલ્સિબિડીસ’માંથી મેળવ્યો છે. પરંતુ શેક્સ્પિયરના જ્ઞાનની વિધિવક્રતા એવી કે આદિકવિ હોમરને ટાળીને ‘ટ્રોયલસ અને ક્રીસિડા’ નાટક એણે મધ્યકાલીન અંગ્રેજી કાવ્યસાહિત્યમાંથી મેળવ્યું છે. ઉત્તરકાલીન ગ્રીકકથાઓ એણે ભાષાંતરોમાં વાંચી છે એનો પુરાવો ‘કોજાગ્રિ’ નાટકમાં ઇજિપ્તના ચોર વિષે થયેલા ઉલ્લેખમાં મળી આવે છે. હેલિયોડોરસ નામના ગ્રીક વાર્તાકારની ‘ઇથિયોપિકા’ નામની કૃતિના અંગ્રેજી ભાષાંતરમાંથી શેક્સ્પિયરને એ વિશેનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. ઇંગ્લૅન્ડના ફ્રાન્સવિજયી ઇતિહાસને રાષ્ટ્રવાદી નાટકોમાં ઉકેલતો શેક્સ્પિયર ફ્રેન્ચ ભાષાથી અજ્ઞાત ન હતો. 5મા હેન્રીના ફ્રાન્સની રાજકુંવરી કૅથેરિન સાથેના સંવાદો ફ્રેન્ચ ભાષામાં રચીને શેક્સ્પિયરે ‘અલ્પ લૅટિનથી અધિક ફ્રેન્ચ’ની સિદ્ધિની પ્રતીતિ કરાવી છે. શેક્સ્પિયરે લંડનનિવાસનાં થોડાંક વર્ષો ક્રિસ્ટોફર માઉન્ટજોય નામના એક ફ્રેન્ચ નિર્વાસિતના કુટુંબમાં ગાળ્યાં હતાં અને યજમાનપુત્રીનું એક અંગ્રેજ યુવાન સાથે ભાગેડુ લગ્ન ગોઠવી આપ્યું હતું અને દશ વર્ષે એ લગ્ન વિષે શંકા ઊઠી ત્યારે અદાલતમાં જુબાની આપી હતી એ જોતાં ખપજોગું ફ્રેન્ચ શેક્સ્પિયરને આવડે એનું વિસ્મય ન હોય. આશ્રયદાતા સાઉધમપ્ટનનો રહસ્યમંત્રી ફ્લોરિયો શેક્સ્પિયરને પરિચિત હતો. 1594માં સાઉધમપ્ટનની જાગીર ટિચફીલ્ડમાં શેક્સ્પિયરનું ‘વિફલ પ્રેમ’ નાટક રચાયું અને ભજવાયું હોવાનો અંદેશો છે. ગ્રામજન એવો શેક્સ્પિયર અમીરાતની ઝાંખી ક્યારેક કરી બેઠેલો. રાજસભા અને રાજપુરુષોનો પ્રથમ અને પ્રત્યક્ષ પરિચય કવિને સાઉધમપ્ટનના દરબારમાં મળ્યો. ફ્લોરિયા સાથેનો નિકટ સંપર્ક પણ ત્યાં જ સધાયો. ફ્રાન્સના સમર્થ ચિંતક અને નિબંધકાર મોન્તેઈનના નિબંધોનું અંગ્રેજી ભાષાંતર ફ્લોરિયાએ કર્યું હતું. શેક્સ્પિયરની પાત્રસૃષ્ટિ અને એમાં વ્યક્ત થતી જીવનદૃષ્ટિમાં મોન્તેઈનના રંગ ઉમેરાયા છે. અંતિમ કૃતિ ‘ઝંઝા’માં શેક્સ્પિયરે ગોન્ઝાલો નામના દરબારીના મુખે રામરાજ્યનું વર્ણન કર્યું છે મોન્તેઈનના નિબંધનું વિશ્વસનીય અવતરણ છે. ત્યાં સુધીમાં ફ્લોરિયોનું ભાષાંતર પ્રકાશન પામ્યું હતું. પરંતુ શેક્સ્પિયરને ફ્લોરિયાની હસ્તપ્રતનો લાભ કેટલાંય વર્ષો મળ્યો હશે. ફ્રેન્ચ કટાક્ષકાર રાબેલેના સાહિત્યનો પરિચય શેક્સ્પિયરે બે સ્થળે આપ્યો છે. ‘આપને ગમ્યું તેથી’ નાટકમાં રોઝેલિન્ડે કરેલા ભીમકાય ગેર્ગેન્ટુઆના ઉલ્લેખમાં અને ‘કોજાગ્રિ’ નાટકમાં સર એન્દ્રની યદ્વાતદ્વા વાણીમાં યોજેલાં રાબેલેનાં વાક્યોમાં આ પરિચયનો પુરાવો મળી આવે છે. કવિ રોન્સાનાં સૉનેટોની અસર શેક્સ્પિયરનાં સૉનેટોમાં સાર્વત્રિક વરતાય છે. આ રીતે સમકાલીન ફ્રેન્ચ સાહિત્યના ત્રણ મહારથીઓનું સેવન શેક્સ્પિયરે કર્યું છે. ઉપરાંત જેમ અંગ્રેજી દ્વારા તેમ ફ્રેન્ચ દ્વારા લૅટિન અને ઇટાલિયન સાહિત્યની અસરો શેક્સ્પિયરે ઝીલી છે. ઈટલીના સમકાલીન જીવન અને સાહિત્યના ન ઉવેખી શકાય તેવા સંસ્કાર શેક્સ્પિયરની રચનાઓ દર્શાવે છે. યુરોપમાં નાટ્યકાર શેક્સ્પિયરનાં નાટકો ઈટલીની નવજાગૃતિનો પરિપાક લેખાયાં છે. રોમ, વેનિસ, ફ્લોરેન્સ, મિલાન, વેરોના, મેસિના,બેલ્મોન્ટ, પેડુઆ – શેક્સ્પિયરની નાટ્યસૃષ્ટિમાં ઈટલીનાં વિશિષ્ટ નગરો યાત્રાધામ બન્યાં છે. ‘રોમિયો અને જુલિયેટ’ના તેમજ ‘વેનિસનો વૈશ્ય’ના કયા વાચકે પોતે ઈટલીમાં નથી એવી આશંકા પણ સેવી છે? યુગ પ્રવર્તક ઈટલીનું હાર્દ ઇંગ્લૅન્ડમાં બેઠાં બેઠાં શેક્સ્પિયરે ગ્રન્થોની સહાયથી પ્રાપ્ત કર્યું છે. ઈટલીનાં ઉલ્લાસ અને સૌંન્દર્યઘેલછા, ત્યાંનું સાહસપ્રિય યૌવન અને ઇશ્કીમિજાજ શેક્સ્પિયરે અનેક નાટકોમાં ચાક્ષુષ ધર્યાં છે. યુરોપને ખૂણે લપાયેલો બ્રિટનનો કવિ ઈટલીના વૈભવને પામી શક્યો તેનો યશ લંડનનાં મુદ્રણાલયોને ઘટે છે. શેક્સ્પિયરે ઈટલીની નવલો (Novelle)ના વાચનમાં કદી અજંપો નથી અનુભવ્યો. વાર્તાકાર સિન્થિયોની ‘હેકાટોમુથી’માં એને ‘ઑથેલો’નું વસ્તુ મળ્યું છે. અંગ્રેજી ભાષામાં સિન્ધિયોનો અનુવાદ થયો ન હતો, એટલે શેક્સ્પિયરે ફ્રેન્ચ ભાષાન્તરનો ઉપયોગ કર્યો છે. ‘જેવા સાથે તેવા’ (Measure for Measure) નાટક માટે કવિએ જૉર્જ વ્હેટસ્ટોનનું અંગ્રેજી ભાષાંતર વાંચી લીધું છે. ‘રજનું ગજ’ નાટક એણે ઈટલીના સાહિત્યકાર બેન્ડેલોની વાર્તાના ફ્રેન્ચ રૂપાંતરને આધારે ગોઠવ્યું છે. એ જ નાટકની એક વિગત એણે કવિ એરિયોસ્ટોનના કાવ્યથી લીધી છે. ‘વેનિસના વૈશ્ય’નાં ‘મંજૂષા-દૃશ્યો’ (Casket Seens) ઈટલીના જેસ્ટા રોમનોરમના વાચને અર્પ્યાં છે. ‘સિમ્બેલિન’ અને ‘સૌ સારું’ નાટકો એણે પ્રથિતયશ બોકાચોની ‘દશ રાત’ (Decameron)ના અંગ્રેજી ભાષાંતર ‘આનંદભવન’ (Palace for Pleasure) વાંચીને લખ્યા છે. ફ્લોરેન્ટીનો નામના વાર્તાકારના ‘ઇલ પેકોરોન’ એ શીર્ષકના વાર્તાસંગ્રહમાં શેક્સ્પિયરને વેનિસનો વૈશ્ય’નો ‘કરાર’ ભાગ (Bond Story) મળ્યો છે. ‘વિન્ડસરની મનસ્વી લલનાઓ’માં ફ્લોરેન્ટીનો, બેન્ડેલો અને સ્ટ્રેપારોલાની નવલોનું વાચન સ્થાન પામ્યું છે. આ ત્રણ સાહિત્યકારોનાં અંગ્રેજી ભાષાંતરો થયાં હોવાથી શેક્સ્પિયરે ઉપયોગમાં લીધાં છે. કાવ્ય અને હાસ્યની શ્રેષ્ઠ સરજત જેવા નાટક ‘કોજાગ્રિ’ની ઓથે વિપુલ ‘નોવેલો’ વાચન – ફ્રેન્ચ અને અંગ્રેજી – છુપાયું છે. જોકે ‘કોજાગ્રિ’ નાટક માટે બાર્નાબે રિચનો ‘એપોલોનિયસ અને સિલ્લા’ નામની વાર્તાનો અંગ્રેજી અનુવાદ લેખે લાગ્યો છે. ‘વઢકણી વહુ’ની ગોઠવણી એરિયોસ્ટોના ‘મેં માન્યું’ના અંગ્રેજી અનુવાદને આધારે કરી છે. ‘સૉનેટ’ કાવ્યપ્રકારના આદિકવિ પેટ્રાર્કનો પરિચય શેક્સ્પિયરે ફ્રેન્ચ અને અંગ્રેજી અનુકરણોની વાટે મેળવી લીધો છે. લૅટિન પ્રહસનોના પ્રચલિત ‘વેશ’ (જેવા કે શાસ્ત્રીજી અથવા ફુલણશી) શેક્સ્પિયરને ઇંગ્લૅન્ડના તખતા ઉપર ભેટ્યા છે. આ રીતે એના જમાનામાં સામાન્ય વાચન બનેલા ઈટેલિયન વાર્તાસાહિત્યને શેક્સ્પિયરે ઉમંગથી આત્મસાત્ કર્યું છે. વાચક શેક્સ્પિયર કદી ‘પુસ્તકપંડિત’ નથી બન્યો. સદૈવ કવિ રહ્યો છે. કશેક વાંચેલી એકાદ ક્ષુલ્લક વિગત પણ સિસૃક્ષાના મુહૂર્તે એને ચાક્ષુષ બની છે. ગ્રંથોનો એણે શુષ્ક અભ્યાસ કદી નથી કર્યો, રસપાન કર્યું છે. સ્પેન તો અંગ્રેજ પ્રજાનું હૃદયશૂળ હતું. સ્પેનના નૌકાકાફલાનો પરાજય અંગ્રેજ પ્રજાની વિજયકૂચનું મંગલ પ્રયાણ ગણાય છે. ‘વિફલ પ્રેમ’ના નાટકમાં ડૉન આર્મેડોનું પાત્ર હાંસી માટે રજૂ થયું છે. ‘વેરોનાના બે ભદ્રિકો’ અને ‘કોજાગ્રિ’ નાટકોમાં યત્રતત્ર સ્પેનના સાહિત્યના ઉલ્લેખો સ્થાન પામ્યા છે. સ્પેનિશ કવિ મોન્તે મેયરના કાવ્ય ‘ડાયાના’ વિષેની જાણકારી ‘વાસંતી રાત્રિનું સ્વપ્ન’ અને ‘કોજાગ્રિ’માં વરતાય છે. અંગ્રેજ લેખ યંગે ‘ડાયાના’નું ભાષાંતર કર્યું હતું; પરંતુ તેનું પ્રકાશન નહોતું થયું. એટલે શેક્સ્પિયરે હસ્તપ્રત વાંચી હશે એવી અટકળ છે. શેક્સ્પિયરનું વિદેશી સાહિત્યનું વાચન મુખ્યત્વે વાર્તાપ્રકારની સીમામાં બંધાયું છે. એ સાહિત્યનો ઉપયોગ શેક્સ્પિયરે પ્રાયઃ નાટકના ખોદકામ માટે કર્યો છે. એનાં નાટકોના પાયા પારકા સાહિત્યના વાચને ખોદી આપ્યા છે. એલિઝાબેથના રાજ્યકાળમાં વિદેશી સાહિત્યનાં અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષાંતરો સુલભ હતાં એટલે ભાગ્યશાળી શેક્સ્પિયરે ઘરઆંગણે ગંગાસ્નાનનું પુણ્ય મેળવી લીધું. અંગ્રેજી સાહિત્યનો શેક્સ્પિયરનો પરિચય જુદા પ્રકારનો રહ્યો છે. અંગ્રેજી સાહિત્યના બધા જ પુરોગામીઓનું શેક્સ્પિયરે વારંવાર સ્મરણ કર્યું છે. મધ્યયુગની ‘પ્રેમશૌર્યઅંકિત’ કવિતા એને જચી છે. ઇંગ્લૅન્ડના વિક્રમાદિત્ય જેવા રાજા આર્થર અને તેના કાવ્યોચિત સામંતોના શેક્સ્પિયરે અનેક ઉલ્લેખો કર્યા છે. ‘વાસંતી રાત્રિનું સ્વપ્ન’ એ નાટકમાં પરીપ્રદેશના રાજા ઓબેરોનનું પગેરું શેક્સ્પિયરે ‘બોર્દોનો હ્યૂ’ નામના મધ્યકાલીન કાવ્યમાં શોધ્યું છે. પંડિત ન હોવાનો લાભ શેક્સ્પિયરે પૂરો ઉઠાવ્યો છે. શિષ્ટ સાહિત્યે પ્રેરેલા ઘમંડનો એનામાં અભાવ હોવાથી બાલસહજ કુતૂહલથી એણે લોકસાહિત્ય અને લોકગીતોને માણ્યાં છે. ડાકુ રોબિનહૂડ વિષે અનેક ઉલ્લેખો એનાં નાટકોમાં સાંપડે છે એટલું જ નહીં, ‘આપને ગમ્યું તેથી’ નાટકમાં તો લોકસાહિત્યના લાડીલા રોબિનહૂડના વનવાસની સ્પર્ધા કરે તેવો ‘સુવર્ણયુગ’ શેક્સ્પિયરે આર્ડનના ઉપવનમાં ગીત અને હાસ્યની છોળો ઉડાવીને રચી બતાવ્યો છે. સોરઠી ચારણ જેવી લગન શેક્સ્પિયરે લોકગીતોના વાચનથી અનુભવી છે. પરિણામે ‘રાજા કોફેટુઆ અને ભિખારણ’ને એ પાંચેક નાટકોમાં યાદ કરે છે, તો ‘કોજાગ્રિ’માં શીલવતી સુઝાનનું અને ‘હૅમ્લેટ’માં જેફથાની દુહિતાનું સંભારણું મૂકી જાય છે. જોડકણાં, ઉખાણાં, કહેવતો અને ભડલીવાક્યોનો તો સર્વસંગ્રહ શેક્સ્પિયરનાં નાટકોમાં સ્થાન પામ્યો છે. ‘રોમિયો અને જુલિયેટ’ અને ‘વિન્ડસરની મનસ્વી લલનાઓ’ – આ બે નાટકોમાં લોકજીવનના કેટલાયે કિસ્સાઓ અને ટોળટપ્પાં તેમજ ભૂતપ્રેત અને પરીઓ વિષેની લોકોક્તિઓ સ્થાન પામ્યાં છે. વિદ્યાપીઠનું રત્ન ન બની શકેલા શેક્સ્પિયરને જગતસાહિત્યનું તેજસ્વી રત્ન બનાવવામાં તિરસ્કૃત લોકસાહિત્યનો ફાળો નાનોસૂનો નથી. અંગ્રેજી શિષ્ટ સાહિત્યના પુરોગામી મહાનુભાવોનો પરિચય શેક્સ્પિયરે કેળવ્યો છે. ‘વાસંતી રાત્રિનું સ્વપ્ન’ એ નાટક અંગ્રેજ આદિકવિ ચોસરની ‘સામંતકથા’ (A Knight’s Tale)થી વિગતપ્રચુર બન્યું છે. શેક્સ્પિયરના ‘ટ્રોયલસ’ નાટકનું પ્રેરણાસ્થાન ચોસરના કાવ્યમાં (ટ્રોયલસ અને ક્રિસીડ) મળી આવે છે. ઇંગ્લૅન્ડના પ્રથમ મુદ્રક-લેખક કેક્સ્ટને લખેલી ટ્રોયની તવારીખનો પણ એ નાટકમાં શેક્સ્પિયરે ઉપયોગ કર્યો છે. મધ્યયુગના હેન્રિસને લખેલા ‘ક્રિસીડના વસિયતનામા’ના વાચને શેક્સ્પિયરના નાટકની ક્રિસીડાને કુષ્ટરોગ વળગ્યો છે. ચોસરની એક અન્ય કૃતિ ‘સતીકથાઓ’(Legend of Good Women)ના વાચને શેક્સ્પિયરને ‘વાસંતી રાત્રિ’નો પિરેમસ અને ‘લ્યુક્રીસનો શીલભંગ’ રચવાની પ્રેરણા આપી છે. ચોસરના મિત્રકવિ ગાવરના ‘કન્ફેશિયો એમેન્ટિસ’ કાવ્યનો ઉલ્લેખ શેક્સ્પિયરે ‘વઢકણી વહુ’ નાટકમાં આપ્યો છે. ‘પેરિક્લિસ’ નાટકનું વસ્તુ પણ એને ગાવરે રચેલા ‘એપોલોનિયસ’ કાવ્યમાં જડ્યું છે. વાચક શેક્સ્પિયર નટ શેક્સ્પિયર જેવો જ ‘સબ બંદરનો વેપારી’ ભાસે છે. મનમોજથી નગરની ગલીકૂંચીઓમાં લટાર મારતા કોઈ વંઠેલા જેવી વાચનવિવિધ એણે અપનાવી છે. શિષ્ટ કૃતિઓને નિષ્ઠાથી આત્મસાત્ કરીને સર્જનનો આરંભ કરવાની કૃતિ કે ખેવના એણે સેવ્યાં નથી. આર્થર બ્રુક જેવા અલ્પખ્યાત કવિના સાધારણ કાવ્ય ‘રોમ્યુસ અને જુલિયેટ’ને એણે ‘રોમિયો અને જુલિયેટ’ જેવું વિશ્વવિખ્યાત નાટક રચીને સાચવી જાણ્યું છે. અંગ્રેજી સાહિત્યના ઇતિહાસમાં જેમને સ્થાન નથી એવા મામૂલી સંપાદકો વ્હેટસ્ટોન, રિચ અને પેટીનાં ભાષાંતરોનું વાચન કરીને શેક્સ્પિયરે વિશ્વસાહિત્યની અવિસ્મરણીય રચનાઓ આપી છે. રખેને શેક્સ્પિયરને સાહિત્યનો ‘ભોટ’ સમજી બેસીએ; શેક્સ્પિયરે એના પર્યન્તના શ્રેષ્ઠ સર્જકોની જાણકારી પોતાની કૃતિઓમાં પૂરી દર્શાવી છે. સમકાલીનોમાં એણે ન્યાતબહાર મૂક્યા છે કેવળ બેકન અને હુકરને. કવિગુરુ સ્પેન્સરે શેક્સ્પિયરનો ઉલ્લેખ ‘કોલિન કલાઉટ’ અને ‘સરસ્વતીનાં આંસુ (Tears of the Muses) એ બે કાવ્યોમાં કર્યો છે. સ્પેન્સરની સૌન્દર્યદૃષ્ટિ માર્લોએ નાટકોમાં યોજી અને માર્લોની પ્રેરણા શેક્સ્પિયરે ઝીલી. પરંતુ શેક્સ્પિયરનું છંદપ્રભુત્વ સ્પેન્સરના વાચને વધુ બલિષ્ઠ બન્યું છે. ‘લીઅર’ નાટકનું ચમત્કારી નામ કોર્ડેલિયા સ્પેન્સરની ‘પરીરાણી’માંથી ઉછીનું લેવાયું છે. ‘વાસંતી રાત્રિ’માં પણ શેક્સ્પિયરે સ્પેન્સરનો આદરસત્કાર કર્યો છે. શેક્સ્પિયરના સમકાલીનોમાં અત્યંત સોહામણું નામ સર ફિલિપ સિડનીનું હતું એનાં સૉનેટો અને એની કાદંબરી ‘આર્કેડિયા’નું વાચન શેક્સ્પિયરે સારું એવું કર્યું છે મહાનાટક ‘લીઅર’ની આડવસ્તુ ‘આર્કેડિયા’ના અંધરાજવી પેફલા ગોનિઆને આધારે શેક્સ્પિયરે ગોઠવી છે. શેક્સ્પિયરનાં સૉનેટો સર્વશ્રી સિડની, ડેનિયલ, કોન્સ્ટેબલ અને વૉટસનના રસીલા વાચકે રચ્યાં છે. ઈટલી અને ફ્રાન્સના સૉનેટપ્રકારો શેક્સ્પિયરને આ સમકાલીન કવિઓનાં કાવ્યોમાં જાણવા મળ્યા છે. પ્રચલિત કાવ્યસાહિત્ય શેક્સ્પિયરે શોખથી વાંચ્યું છે. વાચનથી ઉલ્લસિત બનીને એણે ‘રતિ અને ગોપયુવા’ અને ‘લ્યુક્રીસનો શીલભંગ’ જેવી કાવ્યરચના કરી છે. આ કાવ્યો ઉપર ડેનિયલની ‘રોઝામોન્ડ’ની અને માર્લોની ‘હીરો અને લિએન્ડર’ની છાયા ઢળી છે. ડેનિયલની અન્ય કૃતિ ‘સામંતસંગ્રામ’ (The Baron’s War) શેક્સ્પિયરને ‘બીજા રિચર્ડ’ અને ‘ચોથો હેન્રી’ની નાટ્યરચનામાં સહાયક નીવડી છે. સમકાલીન ગદ્યસાહિત્યમાં શેક્સ્પિયરે લિલિનું ‘યુફિયસ’ ગુરુપદે સ્થાપ્યું છે. આરંભનાં એનાં નાટકોનું ગદ્ય એણે લિલિની પાટીમાં ઘૂંટ્યું છે. કવિ અને વાર્તાકાર લૉજની કૃતિ ‘રોઝેલિન્ડ’ એણે ‘આપને ગમ્યું તેથી’ની રચનામાં ઉપયોગી કરી છે. પ્રતિસ્પર્ધી અને વિદ્વેષી ગ્રીનની વાર્તા ‘પેન્ડોસ્ટો’ના આધારે ગ્રીનના મૃત્યુ પછી સોળ વર્ષે શેક્સ્પિયરે શિશિરકથા નાટક સર્જ્યું છે. ભાગ્યે જ કોઈ વાંચે એવું એક અજાણ્યું પુસ્તક – હાર્સનેટનું ‘પોપિશ ઇમ્પોસ્ટસ’ – વાંચીને શેક્સ્પિયરે ‘લીઅર’ નાટક માટે ‘પાગલ’ એડગરના સંવાદોની ભૂતપ્રેત-પિશાચ નામાવલી હાથ કરી છે. શેક્સ્પિયરે નાટ્યસાહિત્યનું મબલખ વાચન કર્યું છે. અનામી નાટ્યકારોના ઉલ્લેખો એનાં નાટકોમાં સમાયા છે. પ્રેસ્ટન, ગેસોઈન, વ્હેટસ્ટોન જેવા અલ્પખ્યાત નાટ્યકારોને એ વીસર્યો નથી. જ્હૉન, લીઅર, હૅમ્લેટ, પાંચમો અને છઠ્ઠો હેન્રી અને ત્રીજો રિચર્ડ – આટલા રાજવી વિષેનાં અજ્ઞાત જૂનાં નાટકો વાંચીને એણે નવી રચનામાં સમાવ્યાં છે. માર્લોનાં બધાં જ નાટકોનો એણે અભ્યાસ કર્યો છે. એવી સબૂત એણે આરંભનાં નાટકોમાં પૂરી પાડી છે. લિલિનું વાચન કરીને પ્રહસનો અને પ્રણયદૃશ્યો મેળવ્યાં છે. કિડની અસર ‘હેલ્મેટ’માં છતી થાય છે. પીલની પંક્તિઓ એણે પોતાનાં નાટકોમાં સમાવી છે. નટ હોવાથી સમકાલીન નાટકો એણે કંઠસ્થ કર્યાં લાગે છે. બેન જૉન્સનનાં નાટકોમાં એણે અભિનય આપ્યો છે. એનાથી નાનેરા બોમન્ટ અને ફ્લેચરનાં નાટકોની અસર શેક્સ્પિયરનાં અંતિમ નાટકોમાં સારી એવી જણાય છે. શેક્સ્પિયરનાં નાટકોમાં મળી આવતા નાનાવિધ ઉલ્લેખોને આધારે એના વાચનનો આવડો વ્યાપ નોંધાયો છે. એણે ચીવટથી વાંચેલાં બાઇબલ, હોલિનશેડ, હૉલ, ક્લ્યુટ અને પ્લુટાર્ક વિષે તો વિગતે ચર્ચા કરવી પડે. દીઠેલું કે અનુભવેલું બધું જ કળાકારની કૃતિઓમાં સ્થાન નથી પામતું. શેક્સ્પિયરની કૃતિઓમાં સ્થાન પામેલું એનું વાચન એવું વૈવિધ્ય ધરાવે છે કે એના સ્વભાવની ઉદારતાનું એ દ્યોતક બન્યું છે. નાટકોમાં અનુમેય શેક્સ્પિયર વાચક શેક્સ્પિયરમાં સ્પષ્ટ બને છે. નટ શેક્સ્પિયર જેટલો જ આપમતલબી એ પુરવાર થાય છે. થોડી મૂડીએ ઝાઝો વ્યાપાર ખેડવાની એની અનુવંશી વૃત્તિ વાચક શેક્સ્પિયરમાં ઉઘાડી પડે છે. જે વાંચ્યું અને જ્યાંથી પણ વાંચ્યું તેનો લાભદાયી ઉપયોગ એણે સર્જનોમાં કર્યો છે. કવિ શેક્સ્પિયરે વાચક શેક્સ્પિયરને ડૂબતો બચાવ્યો છે. વાચકની સ્મૃતિને એણે કલ્પનાના અમીવર્ષણે નવપલ્લવિત બનાવી છે. નાટકોનો ચેતનવંતો અને સર્વગ્રાહી સર્જક વાચનની ભૂમિકાએ પણ એવાં જ લક્ષણો ધરાવે છે. રસ્કિનનું વિધાન શેક્સ્પિયરના વાચનમાં સાચું ઠરે છે.