શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન આબુવાલા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આબુવાલા શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન, ‘શેખાદમ' (૧૫-૧૦-૧૯૨૯, ૨૦-૫-૧૯૮૫): કવિ, નવલકથાકાર. અમદાવાદમાં જન્મ. ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક. ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆત. સામ્યવાદી યુવક મહોત્સવ નિમિત્તે મોસ્કો ગયા. ત્યાંથી પોલૅન્ડ થઈને પશ્ચિમ જર્મનીમાં. ૧૯૫૬થી ૧૯૭૪ સુધી પશ્ચિમ જર્મનીમાં નિવાસ. ત્યાં ‘વૉઇસ ઑફ જર્મની'માં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી–ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યું. ભારતમાં પરત આવ્યા પછી પત્રકાર રહ્યા. આંતરડાની બીમારીથી અવસાન. ‘ચાંદની' (૧૯૫૩) એમનો પ્રયોગલક્ષી ગઝલોનો પ્રથમ કાવ્યસંગ્રહ છે. તેમાં સંસ્કૃત છંદો અને ગઝલો પર એમનું પ્રભુત્વ જણાય છે. ‘અજંપો' (૧૯૫૯), ‘હવાની હવેલી’ (૧૯૭૮), ‘સોનેરી લટ' (૧૯૫૯), ‘ખુરશી' (૧૯૭૫), ‘તાજમહાલ’ (૧૯૭૨) એમના અન્ય પદ્યસંગ્રહો છે. એમનાં કાવ્યોમાં તીવ્ર ભાવસંવેદનો, આરતભરી અભિવ્યક્તિ, સૌંદર્યનો કેફ, પ્રણયની ગુલાબી મસ્તી, સ્વપ્નિલ તરંગોની લીલાનું ચાતુર્ય છે. રાજકીય–સામાજિક વિષયો પર કટાક્ષ કરતાં એમનાં ‘ખુરશી કાવ્યો’ નોંધનીય છે. એમની નવલકથાઓમાં મુખ્યત્વે માનવતાવાદી અભિગમ છે. ‘તમન્નાના તમાશા' (૧૯૭૬), ‘તું એક ગુલાબી સપનું છે’ (૧૯૭૬), ‘આયનામાં કોણ છે?' (૧૯૭૭), ‘નીંદર સાચી સપનાં જૂઠાં' (૧૯૭૮), ‘રેશમી ઉજાગરા' (૧૯૭૯), ‘ફૂલ બનીને આવજો' (૧૯૮૦) વગેરે એમની નવલકથાઓ છે. એમણે જર્મન વાર્તાઓમાંથી ચૂંટીને ‘શ્રેષ્ઠ જર્મન વાતો' (૧૯૭૦) નામે અનુવાદ આપ્યો છે. ‘હું ભટકતો શાયર છું’ (૧૯૭૨) નામે આત્મચરિત્ર આપ્યું છે. ઉપરાંત દેવનાગરી લિપિમાં ‘ઘિરતે બાદલ – ખૂલતે બાદલ’ તેમ જ ‘અપને ઈક ખ્યાબ કો દફના કે આયા હૂં’ જેવા ઉર્દૂ ગઝલસંગ્રહો પણ આપ્યા છે.