શ્રેષ્ઠ અનિરુદ્ધ/૧૫. ત્યારથી
Jump to navigation
Jump to search
સાંજે ફરવા નીકળું છું
ધૂળિયા રસ્તે
આજુબાજુ ખેતરો
થોડે દૂર વળાંક લઈને વહી જાય નદી
રસ્તે સામો મળ્યો એક સાપ
મેં ઊંચકી લીધું એક ઢેફું.
પણ આ શું?
ઢેફાની નીચે જ એક ભોંણ
એમાં સળવળે જાતજાતના સાપ!
સાચવીને ઢેફું ઢાંકી દીધું.
સાપ પાછો વળી ગયો
નદીના કોઈ કોતર તરફ.
કશુંય સમજાયું નહીં
પણ ત્યારથી આ ધરતી પર
બદલાઈ ગઈ છે મારી ચાલ.