શ્રેષ્ઠ અનિરુદ્ધ/૧૭. ભગવાન
મેં ક્યાં કશુંય ઇચ્છ્યું’તું તારી પાસે?
ને તોય તેં જલભર્યાં વાદળોથી કર્યો મારે શિરે અભિષેક,
ઉષા-સન્ધ્યાના અલપઝલપ રંગોની સુરખી આંજી મારા નયનમાં,
પર્વતોમાં સંતાકૂકડી રમતી કેડીઓએ
જીવતું રાખ્યું મારું અકૈતવ કુતૂહલ.
પુષ્પોનાં સુમધુર સ્મિત ને માનવોની અમી ઝરતી આંખોએ
ક્યારેય ના કરમાયા દીધાં મારાં સ્વપ્નોને.
રસ્તાની ડાબી બાજુએ જાળવીને હંકાર્યું છે મેં વાહન,
વનોની ભવ્ય નીરવતામાં ખલેલ ન પડે માટે મૂંગો મૂંગો ચાલ્યો છું
કોઈની આંખમાં આંસુ જોઈને
મારે માટે ક્ષણભર ધૂંધળું બની ગયું છે જગત,
ને ઊડતાં પંખીઓ જોઈને
ઘરમાં રહ્યે રહ્યેય હું નીકળી પડ્યો છું ઘરની બહાર.
ક્યાં કશુંય મેં માગ્યું’તું તારી પાસે?
ને તોયે ઊગતા સૂર્યે હમેશાં પૂછી છે મારી ખબર,
પવને ઝુલાવ્યા છે મારા આંગણાના ફૂલ-છોડ,
ને નદીઓના પાણીએ ભીંજવ્યો છે મને અંત:સ્તલ સુધી;
પર્વતનાં શિખરોએ મને ખભે ઊંચકીને રમાડ્યો છે
ને ક્યાં નથી મળ્યો મારા હઠીલા પ્રેમનો પ્રતિશબ્દ?
ના, મારે કશુંય ન જોઈએ, ભગવાન!
હા, કોઈ શિશુની આંગળી પકડી એને ઓળંગાવી દઉં રસ્તો
ને એ હસીને મને કહી દે ‘આવજો’…