શ્રેષ્ઠ અનિરુદ્ધ/૨૫. વહાણું વાયું, પંખી આવ્યાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૫. વહાણું વાયું, પંખી આવ્યાં


વહાણું વાયું, પંખી આવ્યાં
ઘઉં ને જુવાર ચણવા દો
ભાઈ, ચણનારાંને ચણવા દો.

મોગરો, ગુલાબ, માલતી, પારુલ
ફૂલડાં રંગીન ખીલવા દો
ભાઈ, ખીલનારાંને ખીલવા દો.

રાજુલ, પપ્પુ, માધવી, ઋચા
થુઈ ને થપ્પો રમવા દો
ભાઈ, રમનારાંને રમવા દો.

મેધા, અપુ, નાનકી, નેહા
ભણવા બેઠાં, ભણવા દો
ભાઈ, ભણનારાંને ભણવા દો.

મોરલો નાચ્યો, ડોલ્યાં પારેવાં
સારસ, કુંજને ઊડવા દો
ભાઈ, ઊડનારાંને ઊડવા દો.

હળે જોડીને બળદ ધીંગા
સીમમાં ખેતર ખેડવા દો
ભાઈ, ખેડનારાંને ખેડવા દો.

વાયરો વાયો, વાદળ આવ્યાં
જલની ધારા ઝીલવા દો
ભાઈ, ઝીલનારાંને ઝીલવા દો.

ભીની રેતીમાં દેરી બનાવી
દેવને ધીમે આવવા દો
ભાઈ, આવનારાંને આવવા દો.