શ્રેષ્ઠ અનિરુદ્ધ/૩. તમારી વચ્ચે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩. તમારી વચ્ચે


મંદિરના ગર્ભમાંનો સૂકો અંધકાર
એકાકી દીવાની જ્યોતને
ચાટતો-આળોટતો.
બહારનાં વૃક્ષોએ
ધીમેથી વાત કરી લીધી:
“પાનખર આવ કદી નહોતી બેઠી!”
ભગવાનની સામે ઊભેલો હું
મારી જાતને સંકોરવા,
ઘીના દીવા પેઠે,
મથું છું.
પણ એ તો વેરાઈ જાય છે.
વહાણોના કાફલા વચ્ચે
બરફનાં શિખરો વચ્ચે
સરુનાં વૃક્ષો વચ્ચે
ખરેલાં પર્ણો વચ્ચો
તમારી વચ્ચે —
મોજાં કુદાવતો દરિયાઈ પવન
મને ઓળખી શકતો નથી.
કાગળની રંગીન હોડીમાં
સાત સાત સાગર પાર કરવાની તમન્ના
બાળપણ કાંધે ઉપાડીને ચાલ્યું ગયું…