શ્રેષ્ઠ અનિરુદ્ધ/૬. અવાશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૬. અવાશે


અવાશે મારી પાછળ પાછળ?
મારા પગ નીચે પાટા નથી
ને પંખીનું પગેરું મળ્યું છે કોઈને?

મારી હિલોળા લેતી હથેળીઓમાં
કોણ જાણે ક્યારે ખીલશે કમળ —
આજે તો ભભૂકે છે વડવાનલ.

મારી શિરાઓમાં અસંખ્ય શ્વેત અશ્વો
ખરી પછાડતા હણહણતા રણે ચડ્યા છે
ને મારી આંખમાં ચક્રવાકની અનિદ્રાનું ઘોળાય છે ઘેન
અવાશે મારી પાછળ પાછળ?

બારી ખોલી નાખ,
કદાચ આકાશ ઝરમરતું હશે
કદાચ મારો ગઈકાલનો ભીનો અવાજ
તારા ઝરૂખે પાંખ પસારીને બેઠો હશે
કદાચ રાણકીવાવમાં એક પનિહારીનું ઝાંઝર ખોવાયું હશે
ને રણકાર એના ઓગળતા હશે પાણીમાં,
મધરાતે રણકે છે એક ઝાંઝર મારાં પોપચાં નીચે.
ને ઝબકીને જોઉં તો જગત જ નહિ!
પાણીમાં તરફડતી મગરી જેવી ક્યાં ગઈ મારી વડોદરાનગરી?
ક્યાં છું હું?
લાવ તારો હાથ —
હું ક્યાં છું?
ક્યાં ક્યાં – ક્યાંના પડઘા પાડતી સારસપંક્તિ
તારા આકાશમાં મધરાતે ઊડી છે કોઈ વાર?

આવ, અડાબીડ જંગલમાં ચાલી આવ,
આકાશ નીચે ચાલી આવ,
દમયંતીનું પગલું ઓળખાશે?
નળનું પગલું તો બગલું બનીને ઊડી ગયું.
સાચું કહું?
નળ રાજા જે વડવાઈને વળગીને હૈયાફાટ રડ્યો
એ વડવાઈને ને મારાં સ્વપ્નોને કોઈ સંબંધ નથી.
વડવાઈને અજગર ન માનીશ.
ને શ્વેતપંખીને કળિ ન માનીશ;
મળી જાય પારધિ તો કહેજે —
પ્રેમની પરીક્ષા ન હોય
ને સતનાં પારખાં ન હોય.
વિભા, આકાશમાં પવન ભૂલો પડે એમાં પંખીનો શો વાંક?

જો, આ સૂસવે ઝંઝાવાત.
હાથ ઉઠાવી લે.
બારી કદાચ હંમેશને માટે બંધ ન પણ થાય
ને હિલોળા લેતાં જળ દેખાય પણ ખરાં.
તને ખબર છે?
ગઈકાલે તો અહીં વડોદરા શહેર હતું
ને આજે ઊછળે છે કાળાંભમ્મર મોજાં
એકાદ વહાણ ભૂલું પડે તો ધ્રુવના તારાને જાળવી લેજે, હોં!
ના, ન અવાય મારી પાછળ પાછળ.