શ્રેષ્ઠ અનિરુદ્ધ/૭. ચકલો ભગત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭. ચકલો ભગત

ચકલાની ઓળખાણ વિચિત્ર રીતે થઈ. મેં વડોદરા છોડ્યું અને બીલીમોરાની નવીસવી કોલેજમાં પ્રોફેસરી સ્વીકારી. બીલીમોરામાં તાત્કાલિક કોઈ સારું મકાન ન મળ્યું એટલે બાજુના એક નાનકડા ગામ દેસરામાં મકાન ભાડે રાખ્યું. નામ જૂદું, બાકી બીલીમોરા અને દેસરા એક જેવાં જ છે. સરસામાન ગોઠવાતો હતો ત્યાં એક અજાણ્યો યુવક આવી ચડ્યો અને ‘સલામ શાએબ’ કહીને એ કોઈને ય પૂછ્યાગાઠ્યા વિના સામાન ગોઠવવા મંડી પડ્યો. મારી ઉંમર ત્યારે ચોવીસેકની. એ મારાથી ચારેક વર્ષ મોટો હશે. કપડાં ટેરેલીનનાં પહેરેલાં, પણ પહેરવેશમાં સુઘડતા નહીં. બાંયો ચડાવેલી. માથે ટૂંકા વાળ અને તેમાં તેલ જોઈએ તે કરતાં વધારે નાખેલું. રંગે શ્યામ પણ કોલસા જેવો નહીં, સીસમ જેવો ચમકતો. ચહેરા પર સતત રમતું સ્મિત. જાણે જનમજનમની ઓળખામ હોય એમ એ વર્તે. લગભગ સાંજ પડવા આવી એટલે ‘જાઉં, શાએબ’ કહેતો એ મારી સામે સ્મિત કરતો ઊભો રહ્યો. એને પૈસા આપવા મેં પાકીટ ખોલ્યું તો ‘ની લેવા’ કહીને એ સડસડાટ પગથિયાં ઊતરી ગયો!

બીજે દિવસે સવારે એ આવ્યો. હાથમાં ઉત્તમ પ્રકારનું વિદેશી ટ્રાન્ઝિસ્ટર, ‘સલામ, શાએબ’ કહીને ખુરશીમાં બેઠો. ‘બ્લેડ જોઈતી છે?’ કહીને એણે વિદેશી બનાવટની જીલેટ, સેવન ઓ’ક્લોક, વિલ્કીન્સન વગેરેનાં પૅકેટ બતાવ્યાં. હું ચોંક્યો. મને થયું કે આ નમૂનાથી ચેતવા જેવું છે. ‘વિદેશી બનાવટની બ્લેડ હું વાપરતો નથી.’ મેં કહ્યું એટલે એણે પૅકેટ પોતાના ખિસ્સામાં સેરવી દીધાં અને જાણે કંઈ જ બન્યું નથી એમ ઊભો થઈને એ સીધો રસોડામાં ગયો અને મારાં બા સાથે વાતે વળગ્યો: ‘કેમ બા, ચાપાણી પી લાખ્યાં કે?’ મોં પર એ જ રમતું સ્મિત.

‘તું ચા પીવાનો?’ મેં પૂછ્યું.

‘પીવા.’

અમે ચા પીતા બેઠા.

‘તું શું કરે છે?’

‘હી… હી… હી… હી…’

‘કશું જ નથી કરતો?’

‘માલ લાવવાનો ઢંઢો કરતો છું.’

‘ક્યાંથી લાવે?’

‘વલહાડ, ડમ્મણ, વાપી…’

‘કેવો માલ?’

‘હી… હી… હી… હી…’ કરતો એ ઊભો થઈને ચાલ્યો ગયો.

નામો જાણવા મળ્યાં! કોઈ એને ‘સુખો’ કહે, કોઈ ‘ચકલો’ કહે, કોઈ એને ‘ભગત’ના નામે ઓળખે. પંદરેક દિવસ પછી કોલેજનું નવું વર્ષ શરૂ થયું ત્યારે જાણ્યું કે વિદ્યાર્થીઓમાં એ ‘ચકલો’ અને ‘ભગત’ એ બે નામે જાણીતો હતો. એ ગમે ત્યારે ગમે ત્યાં ફૂટી નીકળે. ટ્રેનમાં, બસમાં, વિદ્યાર્થીઓના ટોળામાં, વહાણમાં એનાં દર્શન થાય. દેસરાથી થોડે દૂર અંબિકાને કાંઠે એનું ગામ; પણ ગામમાં એ ભાગ્યે જ રહેતો હશે. જાતે માછી, વહાણ હંકારવામાં એક્કો. અરબસ્તાન અને ઇંગ્લૅન્ડમાં ઘૂમેલો.

મારા રહેઠાણથી થોડેક છેટે અવાવરું ખુલ્લી જગ્યામાં એક ‘હિલમૅન’ ગાડી પડી રહે. જૂની કાટ ખાઈ ગયેલી ગાડી. મૂળ એનો રંગ આસમાની હશે એની ચાડી થોડાંક ધાબાં ખાય. અનેક જગ્યાએ ગોબા પડેલા. કોઈએ નકામી થઈ જતાં છોડી દીધી હશે એમ મેં માનેલું. દિવસે છોકરાં એ ગાડી પર ચડીને રમે ત્યારે રસ્તે જનારનું ધ્યાન ખેંચાય કે કોઈ નકામું વાહન કોઈકે છોડી દીધું છે; પણ રાત પડે એટલે ગાડીમાં જીવ આવે. કોઈક વાર મોડે સુધી વાંચતો બેઠો હોઉં અને એકાએક ઘરઘરાટ થાય, દીવા ચેતે અને હિલમૅનબાઈ ચાલતાં દેખાય. સવારે જોઉં તો બરાબર એ જ જગ્યાએ ગાડી પડી હોય, જાણે કે વર્ષોથી એમાં કંઈ સંચાર થયો નથી!

એક દિવસ વહેલી સવારે ચારેક વાગ્યે આંખ ઊઘડી ગઈ અને હું ફરવા નીકળી પડ્યો. થોડે છેટે ગયો હોઈશ ને ‘હિલમૅન’ દેખાઈ. નજીક આવી, તો અંદરથી અવાજ આવ્યો. ‘શાએબ, અત્યારનો ક્યાં ચાઈલો? હુરેટ એક્સપ્રેસ પકડવાનો?’ અવાજ ચકલાનો. એ ડ્રાઈવ કરે. ગાડીમાં એકલો. એ મને ‘શાએબ’ કહે, પણ એકવચનમાં જ બોલાવે. શરૂઆતમાં તો હું વિચારમાં પડી ગયેલો; પણ પછી જામ્યું કે સુરત જિલ્લામાં માછી, હળપતિ વગેરે કોમોમાં માનાર્થે બહુવચન વાણીમાં વપરાતું નથી, આંખોમાં ડોકાય છે.

ચકલો ‘હિલમૅન’ લઈને વલસાડ, દમણ કે વાપીનો આંટો મારી આવ્યો હશે. રાતનો રાજા.

મેં એને પૂછેલું. ‘ગાડી કોની?’

‘શેઠની.’

‘શેઠ કોણ?’

બોલે એ બીજા, હી… હી… હી… હી… કરીને એ વાત ટાળી દે.

એક સાંજે આવ્યો. સામે ખુરશીમાં બેઠો. કહે ‘રંગપેટી લાયવો છું. ડમણ ગયેલો ઊંટો.’

‘રંગપેટી?’

‘આ જો’ કહીને એણે કોસ્મેટિક્સની વિદેશી બનાવટના અનેકવિધ પ્રસાધનોથી ભરેલું બોક્સ બતાવ્યું.

‘ભાભી માટે રાખી લે.’

‘ભાભી તેં ક્યાં જોઈ?’ મેં ત્યારે લગ્ન કરેલું નહિ. ઘરમાં હું ને મારાં બા બે જણ રહીએ.

‘આવહે ટેવારે ખપ લાગહે.’

‘તારી બહેનને ભેટ આપજે.’

‘સામ્ભે બી ને જુએ.’

‘કેમ?’ મેં હસતાં હસતાં પૂછ્યું.

‘આ તો પૈહાવાળાની ઓરટોને ફેસ રંગવાની રંગપેટી હે, પારહી લોકોને બઉ ગમે જો.’

એ હી… હી… હી… હી… કરતો બોક્સ લઈને રવાના થઈ ગયો.

મેં એને એક વખત પકડાઈને જતો જોયો. એણે ઇસ્ત્રીવાળાં પૅન્ટ-શર્ટ પહેરેલાં. પોલીસે એના બન્ને હાથે દોરડાં બાંધેલાં. બે પોલીસ અને વચ્ચે એક ચકલો. મને સામેથી આવતો એણે જોયો હશે; પણ નજર ન મેળવી તે ન જ મેળવી. થોડા દિવસ પછી છૂટો થઈને આવ્યો. જાણે કશું જ બન્યું નથી. એની વાત પરથી જાણ્યું કે આવી તો અનેક વાર એણે જેલ વેઠેલી છે. એમાં એને કશી નાનમ નહીં.

‘ચકલા, તું આ ધંધો છોડી દે.’

‘કેમ?’

‘આ ચોરી કહેવાય. ગુનો કહેવાય.’

‘હું ક્યાં ચોરી કરટો છું! મહેનત કરીને પૈહા મેળટો છું. શેઠનો માલ લાવટો છું. ઠોડો વેચી આલટો છું. હું ચોરી ની કરું.’

‘દાણચોરીનો માલ એ ચોરીનો કહેવાય.’

‘હું ઠોડો ચોરી કરટો છું?’

મેં એને દેશનું અર્થતંત્ર તૂટી જાય તેની વાત સમજાવવા માંડી; પણ એ એના મગજમાં કેમે કરી ઊતરી નહીં, એનો તો એક જ જવાબ: ‘હું ઠોડો ચોરી કરટો છું?’

‘ક્યાંક નોકરી કર.’

‘ભણેલો ની મલે.’

‘કોલેજમાં પટાવાળાની નોકરી અપાવું.’

‘પગાર?’

‘મહિને દોઢસો-બસો.’

‘હી… હી… હી… હી… ડમ્મણના એક આંટાના એંહી ટો શેઠ આલટો છે.’

‘એ ચોરી કહેવાય. પોલીસ પકડે. આપણે નીચું જોવું પડે.’

‘હું ઠોડો ચોરી કરટો છું?’ આ ધ્રુવવાક્ય સાથે અમારા પ્રત્યેક વાર્તાલાપનો અંત આવે!

એક વખત મુંબઈથી બે મિત્રો મારે ત્યાં આવ્યા. કહે કે દરિયે ફરવા જવું છે અને બીગરીમાં વહાણ બાંધવાનો જે કસબ છે તે જોવો છે. નદીમાં વહાણ વહેતું મૂકો પછી દરિયો દૂર નહીં. મેં ચકલાને વાત કરી. એ વહાણ લઈ આવ્યો. સવારના અમે નીકળ્યા ત્યારે મનમાં હતું કે બપોરે તો પાછા આવી જવાશે; પણ આવતાં સાંજ પડી ગઈ. વહાણમાં ચકલો સુકાન સંભાળે અને એના થોડા સાગરીતો સાથે એમની ભાષામાં વાતો કરે. પાછા ફરતાં પીવાનું પાણી ખલાસ થઈ ગયેલું અને તરસે ગળું સુકાય. મુંબઈગરાઓ તો આકળવિકળ, ચકલાએ વહાણની દિશા ફેરવી અને એક અજાણ્યા કિનારે નાંગર્યું. થોડેક છેટે ગામ જેવું જણાયું. અમને ફફડાટ કે રાત કાં તો અહીં જ પડશે; પણ ચકલો વહાણમાંથી એક વાસણ લઈને કિનારાના કાદવમાં પચાક પચાક અવાજ કરતો ચાલ્યો. અમને એમ કે ગામમાં જઈ પાણી લઈ આવશે; પણ એણે તો થોડેક છેટે ચારો ચરતી એક બકરીને દોડીને પકડી અને દોહીને વાસણમાં દૂધ લઈ આવ્યો!

‘લે, પી લાખ!’ મુંબઈગરાઓ તો એની સોમ જ જોઈ રહ્યા. ચકલાએ લંગર ઉપાડ્યું, શઢ ખોલ્યો અને વહાણે ગતિ પકડી. સુકાન પર બેઠો બેઠો એ ગાતો હતો:

‘હાંસી રે વલ્લામલીલી, ટારા માલમને મલટી જા.’

આ એનું પ્રિય ગીત. રાત્રે મારા ઘર પાસેથી એ પસાર થાય ત્યારે પણ મોટે ભાગે આ જ પંક્તિ એ ગાતો ગાતો જતો હોય.

એક ચોમાસામાં દક્ષિણ ગુજરાતની લોકમાતાઓ રૂઠી. અંબિકા પણ બન્ને કાંઠે. બપોરનો સમય ને હું અંબિકાને કાંઠે પૂર જોવા ગયો. સામે કાંઠેનું ઘોડ ગામ આખેઆખું પાણીમાં ઘેરાઈ ગયેલું. ઘોડમાં આ કિનારેથી બે મજલાવાળાં એકબે જ મકાનો દેખાય. લોક છાપરે ચડી ગયેલાં અને મદદ માટે હાથમાં કપડું પકડીને ફરકાવે. ત્યાંના કોલાહલના અવાજો આ કાંઠે તો આછા આછા જ સંભળાય. અંબિકાનું આવું ભયંકર પૂર મેં આ પહેલાં જોયેલું નહીં. કોણ હિંમત કરે આ માણસોને બચાવવાની? અંબિકાનો આ કાંઠો દેસરા-બીલીમોરાનાં માણસોથી ઊભરાયેલો; પણ બધાં નિ:સહાય. પાણીનો વેગ કલ્પના બહારનો. દૂર દૂરથી તણાઈ આવતાં ઢોરની માત્ર પીઠ પાણી પર દેખાય ન દેખાય ને દૂર દૂર ખેંચાઈ જાય. બધાં કુદરતના આ પ્રકોપ સામે દિગ્મૂઢ થઈને ઊભાં રહેલાં. ને એટલામાં દૂરથી પાણીના આ ભયંકર વેગમાં ત્રાંસમાં જતી એક હોડી છૂટી. નિશાન એનું ઘોડ ગામ. ને થોડી વાર તો લોકોની કિકિયારી સંભળાઈ: ‘ચકલો, ચકલો…’

ચકલો પહોંચ્યો અને માણસોને આ કાંઠે લઈ આવ્યો. પછી તો બીજો, ત્રીજો અને એના ફેરા શરૂ થયા. બીજાઓને પણ પછી તો હિંમત આવી ને હોડીઓ છૂટી. ચકલાને એના સાચા મિજાજમાં મેં તે દિવસે જોયો.

ચકલાનું એક જૂદું જ રૂપ મેં એક બીજા પ્રસંગે જોયેલું. એક સાંજે હું નદીકાંઠે ફરવા નીકળેલો. ધક્કા પર લોકોનાં ઝૂમખાં બેઠેલાં. હોડીઓ દરિયેથી કિનારા તરફ એક પછી એક આવ્યે જતી હતી. ધીરે ધીરે અંધારું છવાઈ ગયું. ને એકાએક એક માનવઝૂમખામાંથી ચીસાચીસ સંભળાઈ. એક બાળક રમતાં રમતાં નદીમાં પડ્યું અને વેગમાં તણાઈ ગયું. અંધારામાં દેખાય પણ શું? ને પછી તરત નદીમાં પડવાનો એક મોટો ધુબાકો સંભળાયો. લોક તળેઉપર થઈ ગયું, હોડીઓ ફાનસ પેટાવીને છૂટી. બાળકનો પત્તો ન લાગ્યો. કોઈ ત્યાંથી ખસી શક્યું નહીં. કાળાં ભેંકાર પાણી પર સૌની નજર ખોડાઈ ગયેલી. સમત વીતતો ચાલ્યો. સૌ લાચાર. ને એટલામાં નદીમાંથી એક માણસ ધક્કાનો પથ્થર વકડીને ઉપર ચડી આવ્યો.

‘ની મલે. ડરિયાપીર બે ડા’ડા પછી કાંઠે મૂકી જહે.’ અવાજ ચકલાનો. હું એની પાસે પહોંચ્યો. નીતરતું શરીર, અવાજમાં કંપ અને વેદના. જાણે પહેલી જ વાર પાણી સામે હાર સ્વીકારી ન હોય! ને બન્યું પણ એમ જ. બીજા નહિ પણ ત્રીજા દિવસે બેએક માઈલ છેટેથી નદીકાંઠેથી બાળકનો મૃતદેહ મળી આવ્યો. એને હાથમાં ઊંચકીને ચકલો લઈ આવ્યો. ચકલાની આંખો કહેતી હતી: ‘છોકરું મારે ડીવતું લઈ આવવું હતું, પણ…’