શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/આવે મજા!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આવે મજા!


ખુલ્લામાં ખેલવાની આવે મજા!
ફરફરમાં ન્હાવાની આવે મજા!

હરિયાળી હોય ત્યાં આળોટી આળોટી
વાદળાંને જોવાની આવે મજા!
રાતરે અગાશીમાં આકાશી ગંગાના
તારાઓ ગણવાની આવે મજા!

શેરીના વ્હેળામાં કાગળની હોડીમાં
આમતેમ ફરવાની આવે મજા!
દરિયાનાં મોજાંના ઊછળતા ઘોડલે
ચાંદાને મળવાની આવે મજા!

ડુંગરિયા દાદાના ખંભા પર બેસીને
દુનિયાને દેખવાની આવે મજા!
ધરતીના ખોળાને ખૂંદી ખૂંદીને આમ
મોટાં થવાનીયે ભારે મજા!

* *