શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૪. ભાઈરામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૪. ભાઈરામ


જેઓ મારા ગાઢ દોસ્તો છે તેઓ સૌ જાણે છે કે મારી ભાઈરામ સાથે કેવી નિકટતા છે તે. ભાઈરામ ને હું છૂટા જ નથી પડતા એમ કહીએ તો ચાલે. હું સૂતો હોઉં તો ભાઈરામ પણ મારી પડખે બેસી મને પંખો નાખતો હોય. હું જમતો હોઉ તો ભાઈરામ મારી બાજુમાં પાણીનું પવાલું ભરીને બેઠો હોય. હું નિશાળે જાઉં ત્યારે ભાઈરામ પણ મારી સાથે સાથે ચોપડી વાંચતો ચાલતો હોય. હું રમવા માગું ત્યાં તો ભાઈરામ જ પોતાની આંગળી ઊંચી કરી, મારો ભિલ્લુ થવા ઉમેદવારી નોંધાવી દે. હું ભૂખ્યો થાઉં તો ભાઈરામને અકળામણ થાય. ઘરની અંદર પટારામાં ને કબાટમાં, કોઠીમાં ને શીકામાં, ક્યાંય કશું ખાવાનું ઢાંક્યું ઢૂબ્યું રાખી મૂકેલું હોય તો એ ખાંખાંખોળાં કરવા લાગે. હું તરસ્યો થાઉં કે ભાઈરામ પરબે ને પાણિયારે પહોંચ્યો જ હોય. ભાઈરામ મારામાં ઇચ્છા જાગે એ પહેલાં જ જાણે મારી એ ઇચ્છાને કળી જઈને એ પૂરી કરવામાં લાગી પડે છે. ભાઈરામ પડખે હોય તો બીકનું નામ નહીં; ભલે ને ગમે તેવાં રાક્ષસી સપનાં મને ઘેરી વળે. એની આંગળી પકડી કે સબ સલામત. ભાઈરામ કદી મને એકલાપણું લાગવા દેતો નથી; કદી મને ઓશિયાળો થવા દેતો નથી. એ જાણે મારા હાથપગ, મારાં આંખકાન બધુંયે થઈને બેઠો ન હોય! એ અવનવું સંભળાવે છે ને હું એ સાંભળું છું; એ અવનવું દેખાડે છે ને હું દેખું છું. કોણ જાણે મારા માટે થઈને એને શું શું નહીં કરવું પડતું હોય? મારે તો માત્ર જોવાનું, પણ મારે જે જોવાનું તે પણ શું — એને અંગે ભાઈરામને જ ચિંતા કરવી પડતી હશે ને? હું જોઈ શકું એવો પ્રકાશ જાળવવાનીયે ચિંતા એની જ હશે ને? ભાઈરામ મારા સુખનો સરવાળો ને દુઃખની બાદબાકી કરવાને સતત એનું દિમાગ કસતો હોય છે.

આ ભાઈરામની દોસ્તી માટે મને ગૌરવ છે ને ગર્વ પણ. આ ભાઈરામ વિશે વાત કરવાની મને જો ક્યારેય તક મળે છે તો હું તે ગુમાવતો નથી. એની વાત કરવામાં મને એવો તો રસ છૂટે છે; વાછરડાને ધવરાવતાં ગાયના આંચળમાંથી જેમ દૂધ! કોઈ કોઈ સાથી – મિત્ર કુતૂહલવશ મને પૂછે છેય ખરો: ‘આ ભાઈરામ કોણ છે?’ એનું નામ શું? ને આવા સવાલ વખતે, સાચું કહું? હું શરમના ભાર તળે જાણે દબાઈ જાઉં છું – મૂંઝાઈ જાઉં છું. જે મારી આટલો નજીક, એના વિશે હું આટલો બધો અજાણ! આ ભાઈરામ કોણ છે — એ વિશે તો મેં વિચારેલું જ નહીં! હા, એટલી ખબર છે કે જ્યારથી હું સમજણો થયો છું ત્યારથી હું એને મારી સાથે જ જોઉં છું. મારાં ભાઈબહેન, માતા, પિતા – સૌની સાથે મેં એને જોયો છે. અવારનવાર ભાઈરામના ચહેરામાં મારાં સૌ સ્વજનોની ને મિત્રોની મોંકળાના અણસાર મને આવે છે. મને એ કદીયે અજાણ કે ત્રાહિત લાગ્યો જ નથી. મને મારા વિશે પ્રશ્ન થાય તો એના વિશે થાય ને! મને મારા પરિચયમાં મારા નામની જરૂર પડે છે તે એના નામનીયે જરૂર પડે? પરંતુ સાથી–મિત્ર જો સવાલ કરે તો તો એને સંતોષ થાય એવો ઉત્તર મારે શોધવો જોઈએ. ને ભાઈરામ મારી મૂંઝવણ જોતાં મલકી પડે છે! જાણે મોગરાની કળીઓની એક પડી જ ઊઘડી ગઈ. મીઠી મીઠી ઊજળી ઊજળી મહેક! મારા સવાલનો ઉત્તર એની એ મહેકમાં જ પમરતો હોય જાણે! છતાંય હું મુખરતા ટાળી શકતો નથી; પૂછું છું: ‘ભાઈરામ, કહે તો ખરો, હું તને શું કહું? ‘આકાશ’ કહું? ‘શૈલ’ કહું કે ‘સૂર્યકાન્ત’? તને ‘દિવ્યકાન્ત’ કહું કે ‘વસુંધર’? અથવા તને ‘ટીપુ’ કે ‘ટીનુ’, ‘મહાસુખ માંકડો’ કે ‘બબલ બિલાડો’ કહું?’ મેં કંઈ કંઈ નામ દીધાં ને દરેક નામ સાથે જાણે એક મોગરાની કળી એના સ્મિતમાં ઉમેરાતી હતી. હું તો સેંકડો નામોના મસમોટા જંગલમાં અટવાઈ ગયો – ખાંડના ઢગલામાં કોઈ કીડી અટવાઈ જાય એમ છેવટે થાકીને મેં એને કહ્યું: ‘કહું છું, આ બધાંમાંથી કોઈ એક નામ..ભાઈસા’બ, …ભાઈરામ… ને…’ ને મને આ ‘ભાઈરામ’ જીભે ચોંટી ગયું – વસી ગયું. એને તો વાંધાનો પ્રશ્ન જ નહોતો. હું ત્યારથી પછી એને ‘ભાઈરામ’ નામથી બોલાવું છું.

‘ભાઈરામ’ નામ આવ્યું એટલે ઠામઠેકાણાનો, સરનામાનો સવાલ ઊપડ્યો! મારે ક્યાં એની જરૂર હતી? એ તો અહીં જ રહે છે. જ્યાં હું ત્યાં એ. ને છતાંય કુતૂહલ એક વિચિત્ર વસ્તુ છે! ‘હાથ છે’ એમ આપણે કહીએ તો તેથી કુતૂહલને ધરવ ન થાય; એ તો હાથને હાથમાં લે ત્યારે જ ધરવ અનુભવે. મેં તો કદીયે ભાઈરામને પૂછ્યું નથી કે તું ક્યાંથી આવ્યો? મારી સાથે ક્યાં સુધી રહેવાનો? પછીથી તું ક્યાં જવાનો? – આ બધા પ્રશ્નો મને નિરર્થક લાગે છે – કહો કે અપ્રસ્તુત લાગે છે. આવા બધા પ્રશ્નો માટે તો તેની પાસે છે પેલું એક મોહકમીઠું સ્મિત – મોગરાની કળીઓના ગુચ્છ સરખું. છતાંય કુતૂહલનો જે વળ ચઢ્યો એ કંઈ એમ અમસ્તો છૂટે? કુતૂહલ હજાર જીભે જાણે પોકારી ઊઠે છે: ‘તારું સરનામું શું? તારું સરનામું શું?’ નથી કોઈ ચિઠ્ઠીચપાટી પાઠવવાનો સવાલ, નથી કોઈ સંદેશા ભેજવાનો સવાલ ને છતાંય આ અડપલું–આ અટકચાળું! ભાઈરામ તો સ્વસ્થતાનો સાગર છે, પ્રસન્નતાનો પારાવાર છે. એ તો સહજ રીતે જ કહે છે: ‘તારું સરનામું તે મારું… તારે પછી ક્યાં મૂંઝવણ છે? કોઈ પણ સરનામે કાગળ લખ; પણ મને સંબોધીને હશે તો પહોંચશે જ મને; અરે સરનામા વગરના કાગળોય મને તો પહોંચે છે! ને વળી જો હું તો તારી સાથે જ છું.. તને તારા સરનામાની જરૂર છે તે મારાનીયે હોય પછી?’ હું એની દલીલોથી મૂંગો થઈ જાઉં છું. મેં મારા ભાઈરામને નામ-સરનામું પૂછીનેય એક પ્રકારનો એની સાથેનો મારો અલગતાનો ભાવ જ પ્રગટ કર્યો, જે બરાબર નહોતો જ નહોતો; પણ ભાઈરામ સાથેનો સંબંધ જ એવો છે, કે એમાં થોડું આડુંઅવળુંયે વેતરાઈ જાય છે; પણ એ ભારેનો ઉદાર છે ને તેથી છેવટે તો એ બધું સરખું કરી ઘીને ઠામ ઘી જેવું કરી દે છે ખરો. એની તો હિકમત ને હકૂમત બેય એવાં છે કે બધાય સાલ છેવટે બરાબર બેસીને જ રહે!

ભાઈરામ હંમેશાં મારા આનંદની જ કાળજી લે છે. એ કેટકેટલું મારા માટે કરે છે! જરાક ઘામ થયો નથી ને ઠંડી લહેરખી સાથે એ સેવામાં હાજર થયો નથી. જરાક સ્તબ્ધતા જેવું લાગે તો ત્યાં એનું ઓરકેસ્ટ્રા તૈયાર. જાતભાતના અવાજો ને જાતભાતના તાલ! ઝરણાંના ઝણકાર ને પાંદડાંનાં મર્મર, પંખીઓનાં કૂજન ને ભમરાનાં ગુંજન, અનિલની વાંસળી ને મેઘનું મૃદંગ – સૌનું એક સંવાદભર્યું સંગીત, કેટકેટલા વેશ ને પરિવેશ નજર સામે ધરે છે એ! વાદળે વાદળે જે સિફતથી એ એનાં રંગીન વસ્ત્રો બદલે છે, જે રીતે રંગો પહેરીને એ ફૂલ ફૂલ પર પતંગિયાં સાથે ઉપસ્થિત થાય છે, જે રીતે એ રંગ રંગના પથ્થરોમાં ને પીંછાંમાં, જલની તરંગમાળામાં પોતાની રૂપ-રેખાઓના અપૂર્વ આકારોને ઉપસાવે છે; હું તો એ બધી રીતો જોતાં મોંમાં આંગળાં નાખી જાઉં છું. મારો ભાઈરામ આવો મોટો જાદુગર હશે એની તો ખબર જ નહીં, એ આટલો ઊંડો હશે એનો તો તાગ જ નહીં. મને તો એની આ બધી જાદુગરી જાણ્યા પછીયે મારા જેવો જ માની લેવાનું માફક આવતું! હું તો માનતો હતો કે ભાઈરામને તો આંખે પાટા બાંધ્યા કે સાહેબ પછી આંધળાભીંત! ભાઈરામના હાથ રૂમાલથી જકડ્યા કે ભાઈસાહેબ લાચાર! સહેજ વાઘનું મહોરું બતાવ્યું કે શિયાળાની ઠંડી જેવા થઈ જવાના! કિટ્ટા કરી કે ભાઈસાહેબ રડતા રડતા આપણી પાસે આવવાના! પણ આ તો કંઈક ઇદમ્ તૃતીયમ્ લાગે છે. કદાચ જે હું ભાઈરામનું કરવા માગતો હતો એ ભાઈરામ મારું કરી શકે…

ને ભાઈરામ, તમને કહું? – એને જયારે હું મહાન જાદુગીરીની વાત કરું છું ત્યારે ઉનાળાના કેસૂડાની જેમ હસી ઊઠે છે ને કહે છે: ‘ભાઈ, એ બધું ભૂલી જા…જો ઘરમાંથી વાટકી દૂધપૌંઆ ઉપાડી લાવ, આપણે ખાઈએ ને પછી આપણે સાતતાળી, સંતાકૂકડી, થપ્પો ને એવું બધું રમીએ.’ હુંયે એની વાતમાં સ્વભાવવશ જ તુરત આવી જાઉં છું ને ઝટપટ દાવ પકાવી એને કહું છું: ‘ચાલ, તું આંખો મીંચી દે; હું સંતાઉ જાઉં.’ ભાઈરામ મલકાતો, ઝીણી આંખે મને નીરખતો હા ભણી દે છે ને એક…બે…ત્રણ.. ગણતો આંખ મીંચીને દીવાલ ભણી મોઢું કરીને ઊભો રહે છે. હું ઉતાવળે ક્યાંક સંતાઈ જવા કરું છું…પણ તમે માનશો? હું જ્યાં સંતાઈ જવા કરું ત્યાં મને એમ થાય કે ભાઈરામને આ જગા જરાય અજાણી નથી. ભાઈરામની આંખ મને જાણે જોતી જ જણાય; ને એક વાર તો મેં કહી દીધું: ‘ભાઈરામ, તું તો મને સંતાતાં જ જોઈ જાય છે!’ પણ ત્યારે ભાઈરામ એવું હસ્યો કે હું જ એવો આક્ષેપ એના પર કરવા બદલ શરમાઈ મર્યો. મારો ભાઈરામ અંચઈ કરી શકે એમ તો બને જ ક્યાંથી? હું ગમે ત્યાં સંતાઈ જાઉં, પણ મને તો ત્યાં ભાઈરામની છાયા દેખાયા કરે એમાં વાંક મારો કે એનો! હું જોઈ શક્યો કે ભાઈરામથી હું સંતાઈ શકું એમ કદાચ નહીં થાય. એ મારી મુશ્કેલી સમજી ગયો; એ ખેલદિલીથી મને કહેઃ ‘ચાલ, હું હારી ગયો… ફરી રમત રમીએ…હવે તું મને પકડજે!!’ મેં ઉત્સાહપૂર્વક કહ્યું: ‘કબૂલ.’ હું તો મારી જીત વિશે પાકો શ્રદ્ધાવાન્ હતો. વરસોથી ભાઈરામને ઓળખું છું; છટકીને ક્યાં છટકવાના છે ભાઈસાહેબ? હાથ લંબાવ્યો કે એના ઝભ્ભાની ચાળ હાથમાં. પણ ખરેખરો ખેલ જ્યારે મંડાયો ત્યારે તો મારી કપરી કસોટી થઈ ગઈ. ભાઈરામ મારી આસપાસ હોવાના પાકા ભણકારા વાગે ને આઠ અંગે સાબધો થાઉં પણ નિષ્ફળ. ભાઈરામ મારી ચોપડીમાં મોઢું ઘાલીને મારી સાથે વાંચતો હોય એવું લાગે; પણ ના તો એની આંખ હથેલીથી દાબી શકાય, ના એનો હાથ પકડાય. કિરણનું જંતર વગાડતો પેલી તડકાળી બારીએ ચઢેલો એ લાગે પણ બારી કને જાઉં તો કશુંયે નહીં; કેવળ ચમકતો આકાશનો નીલરંગી દરિયો! ભાઈરામનાં પગલાંની આછી આછી ફોરમ ફૂલમાંથી પકડાય પણ પવનના દોરડામાંથીયે એ ભાઈસાહેબ અટપટા દાવ કરતાંકને છૂ! કેટકેટલી આંખની, કાનની, નાકની – એવી એવી ચોકીઓ, પણ બધીયે વટાવીને એ સાહેબ તો હેમખેમ પાર. હું તો સમજી ગયો કે ભાઈરામ જો દીવાલો વચ્ચેય પકડાતો નથી, જો આપણી નજરના સીમાડામાંય સપડાતો નથી તો એ હવે હાથમાં તો શું આવે? હું થાક્યો! સાચું કહું તો મને એમ પણ થયું કે આમ રમતના બહાને ભાઈરામ મને થાપ આપીને – હાથતાળી દઈ હંમેશ માટે તો મારાથી વેગળો નહીં જતો રહે ને! આંખમાંથી એક ટીપુંયે સરી પડ્યું, સહજ જ ઝિલાઈ ગયું મારી હથેલીમાં ને એમાં જોઉં છું તો મારા ભાઈરામની ખિલખિલ હસતી મૂરત! મને તો જે હાશકારો ત્યારે થયો છે…! ભાઈરામ તો ત્યારે મારા વાંસે હાથ મૂકીને મને સાવ નિર્દોષભાવે કહે: ‘ચાલ બહુ રમ્યા; હવે જરા ખાઈએ-પીએ ને આરામ કરીએ.’ ને હું તો એની સાથે જાણે સોનેરી શેરડીના ખેતરમાં જ ઊતરી પડ્યો! હું શેરડીનો સાંઠો કાપું ને એ ચસચસીને ચૂસે. ને જે ગુલાબીપણું એના ચહેરા પર હતું તે એવું તો અનોખું હતું! …મેં એ શેરડીના પાન પર ટશર રૂપે ફૂટી આવતું કેટલીક વાર જોયું છેય ખરું!

ભાઈરામની સાથે મારો રિસામણાં-મનામણાંનો નાતો. હું ચિડાઉં ત્યારે જ એની તો મજા. શરૂઆતમાં તો એ જાણે મારા પ્રત્યે છેક બેતમા હોય એવી અદાથી ફરતો. હું મારા ઘરના ઉંબર પર હથેલીમાં મોઢું દાટીને, આંખો ઢાળીને બેઠો હોઉં ને એ ભાઈસાહેબ રમતે ચઢે. ખિસકોલીની જેમ સીટીઓ લગાવે; કબૂતરની જેમ ગોળ ગોળ ઘૂમરીઓ લેતા ઘુઘવાટો ચલાવે; વાંદરાની જેમ વડવાઈએ વળગે, મ્યાઉં મ્યાઉં કરતાં એક પછી એક ખૂણે ભરાય; દેડકાની જેમ પગથિયાં કૂદે ને ગાયની જેમ ભાંભરે, ને પાછો ગર્દભની જેમ આળોટેય તે! કેટલીક વાર મકાઈના ડોડાની મૂછો ને ટોપલીનો મુગટ ને કાગડાનાં પીંછાં ને એવું-તેવું બધું સજીને બહુરૂપીનો વેશ કાઢતો મારી સામે જાતભાતના દાવપેચ અજમાવે; પણ હુંયે એનો ભાઈબંધ ને! મારી રીસ પણ પોલાદી… એમ હસી પડું તો તો થઈ જ રહ્યું ને! એય પછી તો અકળાય ને પછી એકાએક એને કશું સૂઝી આવે! એ એકદમ એક ફુગ્ગો લઈ આવે, ફુલાવવા માંડે. જેમ ફુગ્ગો ફૂલતો જાય એમ એના ગાલ ને એનું પેટ પણ ફૂલતું જાય! એક તડીતૂમ અસ્તિત્વ! હુંયે કતરાતી નજરે જોઉં છું કે કોણ પહેલું ફૂટે છે, ફુગ્ગો કે ફાંદ? પણ ફુગ્ગો ફૂટે છે. ભાઈરામ એના અવાજે જ ધૂળમાં ચત્તોપાટ. એકદમ મારાથી દોડી જવાય છે! ને ત્યાં તો ભાઈરામ રૂપાળો ગલગોટા જેવો અડીખમ, મારા સ્વાગત માટે સજ્જ! કેટકેટલી ગાંઠો મારી મારીને માંડ બાંધી રાખેલું મારું રીસનું પોટકું ફસક ફસકી પડે છે! ફૂલની જાણે ફસકી પડેલ ફાંટ! બધે જ એક તંદુરસ્ત ગુલાબી તાજગીનો અબાધિત પમરાટ!

ભાઈરામની અમુક રીતે અવળચંડાઈનો પાર નહીં. આપણે કોઈ કવિનો સીવેલો કોરોકટ તડકો પહેરીને બેઠા હોઈએ ને ભાઈરામ વાદળની પોઠ પર કિસમ કિસમના રંગો લાદીને હાજર. સેર પર સેર! આપણો તો અસલી રંગ જ કોણ જાણે કયા કયા રંગોમાં સેળવીભેળવી દે. આપણે કોઈ મહામૂલું મોતી હાથ કર્યું હોય, મુઠ્ઠીમાં સંતાડ્યું હોય ને ભાઈરામની કાકદષ્ટિ ત્યાં ગઈ જ હોય! ભાઈસાહેબ ભારેના ઠાવકા થઈ એક આંબલીની છાયામાં વેંતનો પાવો ફૂંકવા બેસે ને પછી તો આપણી હથેલીમાંનું મોતી જ પોતે ફણગતું લાગે! આંખની આગળ એ પાવાના સૂરે મોતીની લચકાલોળ લૂમો ઝૂમતી ઝળહળતી ભળાય. ભાઈરામના પગમાં પછી મુઠ્ઠીમાંનું મોતી પધરાવ્યે જ છૂટકો.

ભાઈરામ બધીયે ઋતુઓમાં, બધી રમતોમાં સાથે. ચોમાસું આવે ને નેવાં નીતરે કે ભાઈરામ કાગળની હોડી સાથે આવ્યો જ સમજો! એક વાર મને કહે: ‘ચાલ, આપણે પેલા લીમડિયા વહેળામાં આપણી હોડી તરાવીએ.’ મેં કહ્યું: પણ એ હોડીમાં બેસવાનું કોણ એ પહેલું નક્કી થવું જોઈએ; ને અમે બંનેય પીઠ પર વાદળની હળવી જળથપાટો સહેતા હોડીમાં બેસવાનો સ્વાધિકાર આગળ કરતા મમતે ચઢી ગયા; ને અમને એકાએક અમારી હોડીની ક્ષણભંગુર કાયાનું પવિત્ર ભાન થયું ને તાકીદે અમારે અમારા અંગત ઉચ્ચ આગ્રહોને છોડીને એકમતી પર આવી જવું કર્તવ્યદૃષ્ટિએ અનિવાર્ય થયું. અમે એક કીડીને જ મહારાણી તરીકે એ હોડીમાં પધરાવવાનો શિવસંકલ્પ કર્યો ને હોડી કીડીરાણીનો ભાર વહેતી વહેળામાં સંચરી, ભાઈરામ ક્યાંય સુધી એ હોડીને જોઈ રહ્યો; હોડી અદશ્ય થઈ ત્યારે એ તો જાણે એને જ નીરખતો હતો. એ મને પૂછે: ‘ભાઈ, પેલી કીડીરાણીનું શું થયું હશે?’ હું કશો જ જવાબ દઈ શકેલો નહીં ને ભાઈરામે તો એ સવાલ પણ સાત દિવસમાં વધારે નહીં તોયે ઓછામાં ઓછો સિત્તેર વાર તો પૂછ્યો જ હશે!

ભાઈરામ વિનાની મારી હસ્તી હું વિચારી ન શકું એવી મારી ભાવસ્થિતિ છે. ભાઈરામ મારી ઝીણામાં ઝીણી સગવડ માટે સચિંત- સભાન હોય છે. હું નાહીને બહાર નીકળું ત્યાં ભાઈરામ ઊભો જ હોય, અરીસા કને, મારી વાટ જોતો. હું ઘરમાંથી બહાર નીકળું કે એનો અધીરો ઘોડીલો આંગણમાં થનગનતો જ હોય. હું બહારથી થાકીને આવું ને ભાઈરામ જલની ઝારી સાથે તૈયાર. ભાઈરામ અનેક રૂપે, અનેક રીતે મારી સાથે હરેફરે છે. કોઈ તો એના વિશે ભૂલથાપેય ખાઈ જાય. કોઈ કહે: ‘અમે તો ભાઈરામને કાશ્મીરી ટોપી પહેરેલો જોયેલો.’ હું જાણું છું કે મારા ઘરના કિશનકાકા કાશ્મીરી ટોપી જ પહેરે છે. વળી બીજું કોઈ કહે: ‘ભાઈરામે તો વાદળી શાલ ઓઢેલી.’ હું જાણું છું, મારી બા દેવદર્શન જતાં એ જ શાલ ઓઢીને જાય છે. કોઈ ભાઈરામના હાથમાં બૅન્કના ચોપડા જુએ છે – જેવા મારા પિતાશ્રીના હાથમાં હોય છે, સાંજુકના ઑફિસેથી પાછા ફરતી વેળાએ. મને હવે લાગે છે કે ભાઈરામને કદાચ મારા જેવાં કપડાં પહેરીનેય ફરતો કોઈએ જોયો હોય. ભાઈરામ છે જ એવો; એના વિશે તરેહ તરેહની વાતો ન થાય તો જ નવાઈ.

આ ભાઈરામ સતત ઇચ્છે છે કે હું રાજી થાઉં, હું રાજી રહું. કશુંયે ખોટું કરું ત્યારે એ કોણ જાણે કેમ પણ ઉદાસ બની જાય છે. એની એ ઉદાસી મારાથી જિરવાતી નથી. બે દિવસ પહેલાં મેં એક કબૂતરના ઈંડાને લખોટી મારીને તોડી નાખ્યું ને ત્યારે ઈંડું મૂકનાર કબૂતરી કરતાંયે ભાઈરામ વધારે વ્યગ્ર હતો. કોઈ નાનું ભૂલકું આવી પડે ને હું એના હાથમાં એકાદ ચૉકલેટ મૂકું તેમાં ભાઈરામ તો જે ખુશખુશાલ થઈ જાય…! ભાઈરામને ખાતર પણ મેં નક્કી કર્યું છે કે કોઈ પંખી પેલા પાણીના કૂંડા આગળ બેસે તો એને ઉડાડવું નહીં. હું છોડ પર ખીલેલું ફૂલ તોડું ને ભાઈરામનો જીવ જાણે તૂટે. હવે તો હું ફૂલને છોડ પર ખીલેલું જોઈને જ હસી લઉં છું ને પીંછા પર આંગળી ફેરવતાં ઊડતા પંખીને આકાશ સાથે જ સ્પર્શી લઉં છું.

મારા માટે તો ભાઈરામની સોબત એ જ મનગમતી મીઠાઈ છે. ભાઈરામની પ્રસન્નતા જ હવે તો મારી પ્રસન્નતા છે. હું જાણું છું; જ્યારે હું પેલી આંધળી રાધાડોસીની લાકડી પકડીને એને એના કૂબા સુધી દોરી જાઉં છું ત્યારે ભાઈરામનો ચહેરો, પ્રથમ વર્ષા પછીની વનસૃષ્ટિ જેવો ચમકી રહે છે. જ્યારે હું કરસનકાકાની માંદી છોકરીને બે સફરજન આપવા ગયો ત્યારે ભાઈરામના ચહેરા પર જાણે સફરજનનો લાલચટક ઉજાસ લચી પડેલો; કદાચ વહેલી સવારે તમે આકાશમાં જુઓ તો એનો કંઈક અંદાજ મેળવી શકો – જો મેળવી શકો તો.

ભાઈરામને છોડવાની તો હવે વાત જ નથી; એ મુદ્દો જ છેક અપ્રસ્તુત લાગે છે મને તો. હવે તો અહીં બસ, અમારી – ભાઈરામની મંડળી – બેલડી – જુગલજોડી કેમ બરોબર જામી જાય એની જ ખેવના છે, આપણે તો આ ભાઈરામ મળ્યો છે ત્યારથી ગમે તે થાય પણ ભાઈરામની દોસ્તી ન તૂટે એ માટેનો પાકો નિશ્ચય કરીને બેઠા છીએ; ને ભાઈરામ તો આટલા મારા નિશ્ચયથીયે જાણે કેટલો ઋણભાર અનુભવે છે! ખરો છે આ ભાઈલો મારો – આ ભાઈરામ! દુશ્મનીમાં મૂંઝવે એના કરતાંયે ઝાઝો દોસ્તીમાં મૂંઝવે છે! – જુઓ તો ખરા!