શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૮. રૂપી ખવાસણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૮. રૂપી ખવાસણ


એનું નામ રૂપી. નામ એવું જ રૂપ; સાગના સોટા-શો દેહ. અણિયાળી ચમકતી આંખો. રસિકતાની ચાડી ખાતા પાતળા હોઠ. દીવાની શગ જેવું સુરેખ નાક. એ નાકમાંની ચૂની શુક્રના તારા જેમ ઝગારા મારે. એનો લલાટપટ અરીસા જેવો સ્વચ્છ, તેજસ્વી, સુંદર બિન્દી માટે જ જાણે નિર્માયેલો. એની ગૌર મોહક ચિબુક પર ત્રોફાવેલા એક શ્યામ છૂંદણાનું તો કામણ જ અનોખું. એક વાર એને જુએ તે ભૂલી ન શકે. રૂપીના કેશ પણ શ્યામ, સુંવાળા, સુદીર્ઘ’એ અંબોડો લેતી ત્યારે એના ગૌર વદન સાથે તેની એક રમણીય સમતુલા રચાઈને રહેતી; ને એમાંયે જ્યારે એના અંબોડે મોગરાની કળી મુકાતી ત્યારે એની સૌન્દર્યશ્રીનો જે છાક છલકતો… નરી રસની પૂર્ણિમા જ આ રૂપીની આસપાસ લહેરિયાં લેતી લાગે! ચાલમાં ગરવાઈ, ચહેરામાં નમણાઈ. કોની મજાલ છે કે એની આ સહજ રૂપાળી આણને ઉથાપે?

રૂપી નિરાધાર રિથતિમાં હતી અને એને દરબારમાં લાવવામાં આવેલી. માબાપ નહીં. એક ભાઈ હતો તે કહે છે કે કોઈ અહાલેક બાવા સાથે ચાલી ગયેલો. દરબારમાં રાણીમાની દેખરેખ હેઠળ તેનો ઉછેર થયો. રૂપી નાનપણથી જ ચપળ અને ચબરાક, એવું તો મીઠું મીઠું બોલે કે દુશ્મનનેય વહાલ કરવાનું મન થાય. સૌની સાથે હળભળે. સૌનાં કામ કરે. કોઈ કામનો કંટાળો નહીં. કામ જોયું નથી કે કર્યું નથી. ને આ કામગરાપણાના કામણે તો રૂપી રાણીવાસનું કેન્દ્ર બની ગઈ. મોટા બાપુ હોય કે રાણીમા, સૌના હાથપગ એ. રાણીમાને કાંસકો જોઈએ છે, માગો રૂપી કને. રાણીમાને પગ દબાવવા છે, બોલાવો રૂપીને. દિવાળીના દીવા પૂરવાના છે, સોંપો એ કામ રૂપીને. પચાસ મહેમાનોનું રસોડું સંભાળવાનું છે. રૂપી પહોંચી વળશે. કુંવરીબાને શણગારવાનાં છે, તેડાવો રૂપીને. મોટાબાપુને દવા દેવાની છે, રૂપી જ દેશે. તિજોરીની ચાવીઓ મૂકવાની છે, રૂપીને આપો, તે મૂકશે. રાણીવાસની સર્વ કામગીરીમાં એકડો તો રૂપીનો જ. કહેવાય છે કે એકબે વાર તો મોટાબાપુયે રૂપીને ખાતર રાણીમાને છોડવા તૈયાર થયેલા; પરંતુ કાબેલ રૂપીએ સમયસર આ બાબતમાં દરમિયાનગીરી કરી મોટા બાપુ અને રાણીમા વચ્ચે ન સાંધો, ન રેણ — એવો મેળ કરાવીને રહી; પરંતુ આ ઘટના પછી રાણીમાં સવિશેષ સાવધાન થઈ ગયાં. તેમણે રૂપીનું ક્યાંયે ઠામઠેકાણું પડે તો તે માટે પ્રયાસો આદર્યા. ગામના કેટલાયે છોકરાઓ રૂપીને બતાવાયા; પણ રૂપીનું મન ન માને. કેટલાક છોકરાઓ તો રૂપીના સપાટામાં આવી ગયેલા અને એમનાં પાણી એણે માપી જોયેલાં. રૂપી જેવી ગરમ છોકરી. એના માટે કાચી માટી તો ચાલે જ નહીં. છેવટે કેટલાક પ્રયત્નો બાદ એક છોકરો રૂપીને મળ્યો, સામો. નજરમાં લીધા જેવો. એ ભલો ને કામ ભલું. બોલે ખૂબ કમ. સ્વભાવમાં નરમ. જુવાનિયાઓની જે ટોળીઓ રૂપી પર મરતી હતી એ ટોળીઓમાંથી એકનો એય એક સાગરીત. કોણ જાણે કેમ; પણ રૂપીનું મન સોમા પર ઠર્યું અને સોમો તૈયાર જ હતો. રૂપીએ સોમા સાથે ગાંઠ બાંધતાં પહેલાં પૂરતી ચોખવટ કરી હતી: ‘જો સોમા, મને તો આ ગામનાં સૌ કોઈ ઓળખે છે. તું તો જાણે છે કે હું કેવીક છું. પેટબળ્યાઓ વિવા પછી જાતભાતની વાતો ઉડાડશે, તને ભમાવશે: પણ તારે મનથી મક્કમ રહેવાનું. હું તો કોઈથી ડરતીફરતી નથી. હું તો જેવી છું તેવી રહેવાની. મારી રીતે જ ચાલવાની ને બોલવાની. બેપાંચ હારે મારે સૂવા લગીની છૂટછાટેય ખરી. તારે એ બધું મન પર લેવાનું નહીં. તને હું નહીં છેતરું. દગોયે નહીં દઉં… પણ બધી મેરથી વિચારીને કે’જે. પછી મારે કારણે તારે નાહક કોચવાવું ન પડે.’ સોમાએ આ ચોખવટ પછીયે રૂપીનો જ હાથ પસંદ કર્યો. ને રૂપી સોમાની ઘરવાળી થઈ.

લગ્ન પછીયે રૂપીની જીવનશૈલીમાં ખાસ કોઈ ફેરફાર નહોતો. રૂપીનું એ જ છૂટછાટથી હરવુંફરવું, એ જ બેલયા, કોઈવાર એને ઠીક લાગે તે ગામના મુખી, શેઠ, ઉપરી અમલદાર કે દરબારબાપુની શય્યા સુધીયે તે જઈ આવતી. ને સામો પૂછે કે અન્ય કોઈ, બેધડક જવાબ દેતી, ‘હા, હા, ગઈ કાલે રાતે જ ગયેલી કારભારીકાકાની મેડીએ’ –ને જો કોઈ વધારે ચોખલિયાપણાથી ચોવટ કરે તે રૂપી રોકડું પરખાવતી: ‘હા, હા, એ કારભારીકાકાની મેડીએ ગયેલી ને તારા બાપ હારેય. બોલ, શું કરવું છે તારે? તને ઓરિયો વીતતો હોય તો તુંય આવ, તનેય રમાડું ખોળામાં બેસાડી!’ ને પેલા પૂછનારનો તો પગ જ પાણી પાણી થઈ જતા. એની સળગતી નજર આગળ તેના માટે ઊભા રહેવુંયે મુશ્કેલ થઈ જતું.

એક વાર રૂપી દરબારમાં કામે ગયેલી અને આ બાજુ ઘેર નવરા બેઠેલા સોમાએ દારૂ ચિક્કાર જમાવ્યો. એમાં પાછા બેપાંચ ઉખડેલોનો સાથ મળ્યો એટલે સોમો પૂરા છાકમાં આવી ગયો: ક્યારે રૂપી આવે ને એ રાંડને સીધી દોર કરું એમ એના મનમાં ઘુમરાયા કરે. સોમો હાથમાં પરોણો લઈને ઘરના આંગણામાં લથડતો ફરતો હતો. પેલા ઊખડેલો તો રૂપી સામે સોમાને ઉશ્કેરી પેલીની ધાકના માર્યા સમયસર ત્યાંથી આઘાપાછા થઈ ગયેલા.

રૂપી ઘેર આવી, આવતામાં જ તે સોમાના હાલ ને મામલો પામી ગઈ. સમડીની ઝડપે તેણે ત્રાટકીને સોમાના હાથમાંથી પરોણો ખૂંચવી લીધો; ને ત્યારે સોમાએ તેને ‘રાંડ, વેશ્યા!’ કહીને ગાળે દીધી અને એના પર થૂકવાં ગયો. રૂપી પછી કાબૂમાં રહે? એ તો પછી જે વીફરી…જે કરી સોમાના વાંસે તો પરાણના પાંચ-સાત સપાટા લગાવી દીધા. કહેઃ ‘મૂઆ પાઘડીબળ્યા, બળદિયા! મૂળમાં તો છાંટોય પાણી છે નહીં ને પેલા તારા હણીજાઓની વાદે ચડ્યો છે? તારી સિકલ તો દેખ! મારા વિના કઈ હગલી તારું ઘર માંડવાની હતી? ધરમની પૂંછડીયે જોઈ છે? એમ કહે કે હું તો તારી આટલી યે ઊઠવેઠ કરું છું, બાકી બાયલાના સરદાર! તારી હારે તે કોણ એક રાતેય કાઢે, મારી બલારાત?’ ને રૂપીએ તે દિવસે એ થાકી ત્યાં સુધી હાથ ને જીભ ચલાવ્યાં; ને છેવટે ઘરના ઉંબરા પર જ ફસડાઈ પડી અને કોઈ નિકટનું સગું – ઘરનું જ મોભી મનેખ ગુજરી ગયું હોય એમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યું. સોમો ત્યારે દારૂના ઘેનમાં અને રૂપીના મારે અધમૂઆ શો થયેલો હતો છતાં યે લથડતાં લથડતાં ઊઠ્યો. તેનાથી રૂપીનું રુદન બરદાસ્ત થતું નહોતું. તે રૂપી કને આવી તેનો વાંસો પંપાળવા લાગ્યો. આજુબાજુનાંયે ત્યારે આવી લાગ્યા ને ત્યારે માંડ માંડ રૂપીને ઊબળેલો જ્વાળામુખી ઠરીને શાંત થયો,

રૂપીને કપડાંલત્તાંનો ગજબનો શોખ. મોટા ઘરની વહુવારુઓ પહેરે એવા સાડલા એને પહેરવા જોઈએ! કાપડું પહેરે તે ય તસતસતું! જોવનાઈ એના કાપડામાં બંધાવાને ઇનકાર કરતી હોય જાણે! એનો ફૂલફટાક, ઘેરા લાલ રંગનો ઘેરદાર ઘાઘરો એ જે ઘૂમરિયો લે…ઘૂમરિયે… કંઈક જુવાનિયા તો એની ઘુમરિયમાં જ ચકરાઈ જતા. ને રૂપીયે તોફાની એવી. જુવાનિયાઓને જુએ તેમ વધારે ખીલે, વધારે અલ્લડતાથી વર્તે. કોઈ જુવાનિયો એને ટગર ટગર જોતો હોય ત્યારે એ મલકીને કહેય ખરીઃ ‘કેમ રે, લખા! આમ ડાચું વકાસીને શુ દેખ છ? હજુ તારા દાંતનું દૂધ તો સાફ કર.’ તો વળી એ બીજાને સંભળાવેઃ ‘અરે લાલજીભાઈ! તમે તો બળ્યું એવી નજરે મને તાકો છો ને કે એ મને આંહ્ય વીંધીને સોંસરી નીકળી જાય છે. હું તો એવી ફફડી ઊઠું છું તમારાથી…’ ત્રીજાને વળી રૂપી આવું કહીને હલકો કરે: ‘કેમ રે રમણલાલ! હમણાંના વકર્યા છો? ઘરે હડતાલ છે કે શું? મારે ઘેર આવીને રાધાવહુને કહેવું પડશે તમારી રખાપત કરે.’ અને રમણલાલને આ વેણ સાંભળતાં ભોંયમાં માથું ઘાલી દેવા જેવું થતું. આ છેલછબીલી રૂપી આધેડ વયના કારભારીનેય દાવ આવે બરોબર લપેટમાં લેતી. એક વાર કારભારીનાં ઘરવાળાંના દેખતાં જ કારભારીને કહે: કારભારીકાકા, જે શ્રીકૃષ્ણ. હવે માથામાં આ ધોળાં આવ્યાં. હવે તો ગુલાંટો ભૂલીને મણકામાં મન પરોવો મણકામાં. કાકી, ખરું કહું છું ને આમને?’ અને કાકી એના ઉત્તરમાં કંઈ બોલવા જાય તે પહેલાં તો રૂપી રૂમકઝૂમક, પૃષ્ઠભાગેથી એના લાંબા ચોટલાને ઉછાળતી ત્યાંથી સરકી ગઈ હોય..

કોઈ કોઈ વાર તો આવાં ટોળટીખળમાં સોમોયે રૂપીની સાથે હોય; મોટા ભાગે સાક્ષીભાવે. એક વાર રૂપી પશવા પાનવાળાની દુકાન આગળથી પસાર થતી હતી. ત્યાં કેશવ-કોઠારીના કનુને જોયો. રૂપીની સરસ્વતી તુરત જ ખળખળ વહેવા લાગી: ‘કેમ છો કનુભાઈ, તમે તો માટલી ફોડીને શહેરની કોલેજમાં ગયા પછી અમને ગામડિયાને શેના યાદ કરો? યાદ છે નાનપણમાં મારા આપેલા શેકેલા ચચૂકા તમે ખાધા હતા તે? હવે ક્યારેક અમનેય શેકેલી સોપારીના ટુકડા ખવડાવજો પાછા! અને કનુભાઈએ તુરત શેકેલી સોપારીવાળાં બે મસાલેદાર પાન–એક રૂપી માટે, બીજું સોમા માટે–બંધાવ્યાં; પરંતુ કનુભાઈ ખિસ્સામાંથી પૈસા કાઢે તે પહેલાં તે રૂપીના કંકણથી ખણકતા હાથમાંથી સીધો કલદાર ઊછળીને પડ્યો પશવાના ગલ્લા પર. રૂપી કહે: ‘કનુભાઈ, આજનું પાન અમારા તરફથી.’ કનુભાઈએ રૂપી સાથે પાનના પૈસા ચૂકવવા અંગે સોમાની હાજરીમાં જ ઠીક રકઝક ચલાવી; પરંતુ રૂપી જ જ્યાં જીતવાનું ધારે ત્યાં કોણ એને હરાવી શકે?

રૂપી ભયને તો જાણે ઓળખતી જ નહીં, કાળી મધરાતેય એકલી કહે ત્યાં જાય. મધરાતે તારા બીએ તે એની આંખ બીએ. એક વાર મધરાતે ફળિયામાં એક છોકરીને વીંછી આભડ્યો; ને ત્યારે કોઈ મરદ આદમી જાગીને નીકળે એ પહેલાં જ રૂપી ગામની ભાગોળે આવેલા રામજી મંદિરના બાવાજીને તેડવા નીકળી પડી. એ બાવાજી વીંછી ઉતારવાની વિદ્યાના જાણતલ હતા.

આ બાવાજીને, અલબત્ત, આ પૂર્વે રૂપીથી કાઢો અનુભવ થઈ ગયેલ. હોળીનો એ દિવસો. રૂપી ત્યારે જર્મનસિલવરના ટાટમાં પ્રસાદીની સામગ્રી લઈને રામજી મંદિરે પહોંચેલી, બાવાજી એકલા. ભાંગ લસોટીને તેની ગોળીઓ જમાવતા હતા. રૂપીને બપોરી વેળાએ આમ એકલી આવેલી જોતાં જ બાવાજીને બત્રીસે કોઠે દીવા થઈ ગયા. એમનું મન વકર્યું. ચકોર રૂપી બાવાજીની હાલત પામી ગઈ; પરંતુ એથી ડરીને ભાગે એ રૂપી નહીં. એણે તો બાવાજીને ચાકમાં લેવા માંડ્યાઃ ‘હેં બાવાજી, આજે કંઈ ભાંગ વધારે પડતી લેવાઈ છે કે શું?’ બાવાજી મસ્તીમાં ડોલતા કહે, ‘ક્યોં નહીં? કયોં નહીં. આજ તો તુમ હો હમારી ભાંગ. ઇધર આઇયે, પરસાદ ધરાઇએ હમકું.’ અને ભડભડતી ભઠ્ઠીમાં મૂકેલી કટાર જેમ રાતી થાય તેમ રોતી થઈને રૂપી બોલીઃ ‘બાપજી, તમે મલાજામાં રહેજો. તમને રામજી ભગવાનની દુવાઈ છે.’ બાવાજી કહે: ‘માર ગોલી રામકું, ઔર આ જાવ હમારી સેવામે, લાઈએ પરસાદ! ને એવું કહીને બાવાજી જ્યાં ઊઠીને એના તરફ ધસ્યા કે રૂપીએ પરસાદનો ટાટ છુટ્ટો ફેંકયો બાવાજી તરફ. ‘લે મારા રોયા પરસાદ ખા પેટ ભરીને…’ બાવાજીનું નસીબ તે ચેત્યા અને તેથી ટાટનો છરકો કપાળમાં લાગે, નહીંતર એમના રામ રમી જાત. બાવાજી આ અણધાર્યા આઘાતને સમજે, સ્વસ્થ થાય એ પહેલાં જ વેરણ વીજળીની જેમ રૂપી ત્યાંથી સરકી ગઈ. એ પછીના દિવસે જ સાંજે રૂપીએ મંદિરે આવતા ભક્તનની ભીડ વચાળે બાવાજીને હસતાં હસતાં પૂછ્યું, ‘બાપજી! આ કપાળમાં શું થયું? આવું કપાળ ક્યાં ફૂટી આવ્યા?’ બાવાજીને તો રૂંવે રૂંવે ઝાળ ઊઠતી હતી. પણ શું કરે? ખામોશીપૂર્વક એમણે આટલું જ કહ્યું: ‘સબ હી જોગમાયા કે કિરપાકા ફલ!’

રૂપીનાં લગ્ન થયાં નહોતા ત્યારથી જ ગામના શેઠનો છોકરો હરિલાલ એનો આશક હતો. શેઠને આની ખબર હતી; પરંતુ એમનાથી બોલાતું નહોતું કેમ કે રૂપીએ એમનેય ક્યારેક રમાડેલા! આ હરિલાલ સાથે સંબંધ સોમા સાથેનો પરણ્યા પછીયે રૂપીએ પૂરી નિષ્ઠાથી નિભાવ્યો હતો. દરમિયાન રૂપીને જાણવા મળ્યું કે હરિલાલ એની વહુને મારઝૂડ કરે છે. રૂપીનો ગુસ્સો માય નહીં. તેણે હરિલાલને મોઢામોઢ સંભળાવ્યું, ‘જો હરિયા, તારી હારે મારો વહેવાર ખરો એટલે તું પેલી પારેવડીને હેરાન કરે એ મને નહીં પાલવે. જે તને કહી દઉં છું: એને પ્રેમથી માનપૂર્વક રાખ ને મારઝુડ બંધ કર, નહીંતર આપણે આ બધોય વહેવાર બંધ થશે સમજજે!’

આ હરિલાલ રૂપી પાછળ એટલો લટ્ટુ હતો કે રૂપી એક માગે તો એ એને એકવીસ ધરી દે; પરંતુ આવી બાબતમાંયે રૂપીનાં પોતાનાં ધોરણો હતાં, રૂપી એને અવારનવાર કહેતી: ‘જો હરિયા! કેરી તો આંબે કળશી થાય; પણ ખવાય તો પેટમાં ભૂખ હોય એટલી જ – બે-પાંચ. તારે આંબેથી ખપથી વધારે કેરીઓ વેડુવેડાવું તો એનું પાપ મને લાગે, સમજ્યો?’

આ રૂપીને વળી પાપ! હા. રૂપીનાં અગિયારસ, ચાતુર્માસ વગેરેનાં ઉપવાસ-વ્રત બરોબર ચાલે. નવરાત્રિના દહાડામાં તે કેવળ લોટીભર દૂધ ઉપર જ એ રહેતી. છેલ્લાં નોરતાં નકોરડાં કરતી. અને આમ છતાં નોરતાના ગરબામાં એ ગજબની શક્તિએ ઘૂમતી ને ગરબા ગાતી-ગવડાવતી. આ નવરાત્રિના દહાડામાં એના દેહમાં કોઈ દેવાંશી નૂર ઊભરાતું લાગે. ત્યારે ન તે કોઈને ઊંચી આંખ કરીને જુએ કે ન કોઈને ઊંચા સાદે કશુંયે કહે. પૂરી શાંત, વિનમ્ર, ગંભીર અને તે સાથે જ પ્રસન્ન, નવરાત્રિ પછીની શરદપૂનમે રૂપી કંઈ જુદી જ સ્ત્રી લાગે: નટખટ ને નખરાળી. ત્યારે શી એની આંખમાં ચમક અને શી એની ચાલમાં થનક! એના તો ઠમકો ને ઠાઠ અનોખા જ. એક વાર શરદપૂનમના ગરબા જોવા એક સરકારી અમલદાર પધારેલા. રૂપીએ તો તેમને આગ્રહપૂર્વક ગરબામાં ખેંચ્યા અને પરાણે ઘુમાવેલા! એ પછી એ અમલદારના ગરબાઘૂમણને યાદ કરતાં પાલવથી મોઢું દાબીને એ અઢળક હસતી.

રૂપીને પરણ્યાને દસેક વરસ વીત્યાં છતાંયે કોઈ બાળક નહોતું. આમ છતાં રૂપીએ જરાયે સમતા નહીં ગુમાવેલી. પોતાને બાળક નથી તો શું થયું? બીજાનાં બાળકો તો છે ને! રૂપી વારતહેવારે ફળિયાનાં બાળકો માટે કંઈ ને કંઈ પિપરમીટ કે ફુગ્ગા જેવું લાવે જ. મેળામાં જાય ત્યારે રૂપી બાળકોને ખાસ યાદ રાખીને કેટલુંક વહેરતી. દરબારમાંથી ક્યારેક સરસ મજાનું ખાવાનું ઘેર લાવી હોય તો આસપાસનાં બાળકને તે વહેંચતી જ.

રૂપીથી કોઈનું યે બાળક રડે તો ખમાતું નહીં. બાળકને કોઈ મારઝૂડ કરે તો એનાથી જોવાતું નહીં. એક વખત પડોશમાં નાના છોકરાને એની સાવકી મા સતાવતી હશે. રૂપીએ થોડી વાર તો ખામોશી રાખી; પણ પેલા માસૂમ ફૂલ પર સાવકી મા જ્યારે હદ વટીને સિતમ ગુજારવા લાગી ત્યારે રૂપી બહાર પડી. તેણે પડોશણને બાવડેથી પકડી ફળિયા વચ્ચે ખેંચી આણીને બરાબરની ખંખેરી, કહેઃ ‘અલી, તું તે મનેખમાટીની ઓલાદ છે કે ભૂતડાકણની? આ ફૂલ જેવા છોકરાએ તારું શું બગાડ્યું છે તે દાંતિયાં કરતી એના પર તૂટી પડી છે? નાના છોકરાના નિહાકા લેશે તો કામથી જશે.’ એ પછી આજની ઘડી ને કાલનો દહાડો, સાવકી માની હિંમત નહોતી કે રૂપી નજીકમાં હોય ને પેલાં બાળક સામે આંગળીયે કરે.

રૂપીનો વર કમાતો થોડું. અવકાશ મળે ક્યારેક લોકોમાંય બેસે ઊઠે; પણ કોઈની યે સાથે લડવા-ઝઘડવાનું નામ નહીં. આમ છતાં એક વાર રૂપીને કોઈ તલાવિયો ફાવે તેમ બોલતે હશે તે એનાથી ન વેઠાયું. લઈ લાકડી ને તૂટી પડ્યો તલાવિયા પર. સારું થયું કે એ વખતે પાંચસાત બીજો માણસો હતા ને તેમણે વચ્ચે પડીને બંનેને છોડાવ્યા, નહીંતર એ દહાડે સોમો તલાવિયાનો જીવ લઈને છોડત.

રૂપીને સોમાની ઠંડી તાકાતનો વિશ્વાસ હતો. સોમાને તે ફાવે તેમ ક્યારેક બરકતી, પણ તોયે એના માટે ઊંડે ઊંડે તો માન જ હતું. તેણે ક્યારેય સોમા સાથે પોતે પરણી એ માટે પસ્તાવો વ્યક્ત કર્યો નહોતો. ગામના અનેક જણ સોમા સાથે એનાં લગ્ન થયાં એ ઘટનાને ‘કાગડો દહીંથરું લઈ ગયો?’ — એ રીતે વર્ણવતાં; પરંતુ રૂપી એમ માનતી નહોતી. એણે એક વાર આવું કહેનારનો બરોબરનો ઊધડો લઈ નાખેલ: ‘ખબરદાર, સોમા વિશે હવેથી ગમે તેમ બોલ્યો છે તો દાતરડે તારી જીભ જ વાઢી નાખીશ, હા. હજુ તને મારી ઓળખાણ લાગતી નથી. આજ લગી તો કાગવાસ ખાઈને રહ્યા ને તમે ભલા, ક્યાંથી કાગડા મટીને હંસ થયા? કાનાફૂસી ને કૂથલી છોડી કામ કર, કામ!’

રૂપી મોટાબાપુના રાણીવાસનું જ નહીં, ઘરનુંયે તંત્ર સંભાળતી. સોમાને રજમાત્ર ચિંતા રહેતી નહોતી. સોમાનાં કપડાંય રૂપી વહોરી લાવતી. વરસનું અનાજ રૂપી ભરતી. સાસરે નણંદ ગાંડી થઈ ગઈ તો રૂપીએ જ સોમાને ત્યાં ધકેલ્યો અને પેલીને ઘેર તેડાવી મગાવી. નણંદનું ગાંડપણ ગમે તેટલું ઊછળતું હોય; પણ રૂપીને જુએ ત્યાં શાંત, ગવરી ગાય જેવી. જ્યારે સોમો માંદો પડ્યો ત્યારે રૂપી ખડેપગે તેની ચાકરી કરતી રહી, પરંતુ સોમાનો રોગ અસાધ્ય હતો. પાણીની જેમ પૈસા વેરતાં યે સોમો ન જ બચ્યો.

સોમો ગયો ને તેની સાથે જ જાણે રૂપીમાંથી રૂપીયે ચાલી ગઈ. કેટલાકને એમ હતું કે સોમાના ગયા પછી રૂપી નાતરું કરશે; પણ રૂપીને તો એનો વિચાર પણ હવે અસહ્ય હતો. રૂપી હવે વધારે ને વધારે વખત ગાંડી નણંદની સારસંભાળમાં કાઢતી. ધીમે ધીમે એનું મન ભગવાનની સેવાપૂજા અને માળાભજનમાંયે વધારે રમતું થયું, હવે એને પહેલાંની જેમ ટોળટીખળમાં રસ પડતો નહોતો. હવે એને ટાપટીપ કે કપડાંલત્તામાંથી રસ ઊડી ગયો હતો. હરિયાનેય એણે મંદિરનાં પગથિયાં ચડતો-ઊતરતો કરી દીધો હતો. પહેલાં તો રૂપી કોઈ પેટ્રોમેક્ષની જેમ જ્યાં હોય ત્યાં ઝગારા વેરતી; હવે તે ગોખમાંના ઘીના દીવાની શાંત અને સ્વચ્છ જ્યોતિ સરખી હતી. જ્યારે કોઈએ હિંમત કરી, ધૃષ્ટ થઈ આ રૂપીને ફરી કાઈનું ઘર માંડવાને પ્રસ્તાવ કર્યો ત્યારે રૂપીએ દબાતે અવાજે કહ્યું, ‘ભાઈ, હવે તો મારીયે જાતરા લાંબી ચાલવાની નથી. મેં જે એક પોટકું બાંધ્યું છે તેય ઊંચકીને ચાલતાં મારાં દમ નીકળે છે ત્યાં હવે બીજું કેમ કરીને બાંધું? મારે આ એક પોટકાનો ભાર પૂરતો છે!’

રૂપીએ દરબારબાપુની મરજી વિરુદ્ધ જઈને તેમની ખવાસગીરીયે છોડી. બાપુ ગુણજ્ઞ હતા, એટલે તેમણે તેની ના છતાં એનું ગુજરાન થાય એટલી વરસૂંદ બાંધી આપી. હવે તો રૂપી દરબાનાયે દરબારની ચિઠ્ઠીની રાહ જોતી જીવે છે: રૂપીને કયારે બોલાવે છે એ ખવાસણ તરીકે, જોઈએ રૂપીની સાથે આપણેય તે.

(ચહેરા ભીતર ચહેરા, પૃ. ૫૧-૬૦)