શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૨૩. ચમચાઓ અને ચમચીઓ
તમે રસોડામાં નજર કરશો તો જાતભાતનાં વાસણો તમને જોવા મળશે – તપેલાં ને તપેલીઓ, લોટા ને લોટીઓ, વાટકા ને વાટકીઓ, ડબ્બા ને ડબ્બીઓ, તાવડી ને કઢાઈ, થાળીઓ ને તાસકો, પ્યાલા ને રકાબીઓ. – જેમ આ સંસારમાં તેમ રસોડામાંયે જાતભાતનાં પાત્રોનો મોટો જમેલો જોવા મળશે. વળી તમે જરા વધુ ઝીણી નજરથી જોશો તો જણાશે કે જેમ દાંતના ડોક્ટરને દાંત કાઢવા તથા તેનાં ચોકઠાં બનાવવા જાતભાતનાં ઓજારોની જરૂર પડે છે તેમ રસોઈ કરનારનેય જાતભાતનાં ઉપકરણો જોઈએ છે – સાણસી ને ચીપિયો, ભાતિયું ને તવેથો, ઝારી ને ગળણી, ડોયો ને કડછી ને એ જ રીતે ચમચા ને ચમચી વગેરે. આપણી નાનકડી જઠર – ટકાની તોલડી કેટકેટલાં વાનાં માગે છે ને ઠોઠ નિશાળિયાની જેમ એને કેટલાં બધાં વતરણાં જોઈએ છે તે તો અનુભવે જ સમજાય!
આ વાસણોમાંયે કોઈ, રાજાને જેમ માનીતી ને અણમાનીતી રાણીઓ હોય છે તેમ, વહાલાં ને દવલાં વાસણો હોય છે. અમે નાના હતા ત્યારે અમને ઝારી ને લોટી પર ભારે પ્રેમ. અમે પાણી પીએ તો અમારી મનપસંદ લોટી કે ઝારીમાં જ. જમવા માટેનાં અમારાં થાળી-વાટકીયે નિશ્ચિત. કોઈ અમને બીજા વાસણમાં ગમે તે સારું પકવાન પીરસે પણ અમે એને અડીએ સુધ્ધાં નહીં. અપ્રિય વાસણમાં પીરસેલી મીઠાઈ પણ અમને મીરાંના સંસાર જેટલી ખારી લાગતી! એક વાર તો મને યાદ છે કે અમારી પાડોશમાં એક જણને ત્યાં જમવાનું હતું ત્યારે મારે મારાં સ્પેશ્યલ થાળી-વાટકી ઘરેથી ત્યાં લઈ જવાં પડેલાં! અમે નાતવરામાં જમવા જતા થયા ત્યારે પેચિયા લોટીઓ હાથમાં ઝુલાવતા ઝુલાવતા જતા હતા. આજે તો લોકોને ખભે વૉટરબૅગ લઈને જતાંયે શરમ-સંકોચ થાય છે; અમને ત્યારે એવું નહોતું. અમે તો, જેમ રોજ લાકડાનો દંડૂકો ઘુમાવતો અમારો અલીમહમદ જ્યારે હાથમાં રાઇફલ આવે ત્યારે જે રુઆબ ને છટાથી ચાલતો એ જ રીતે પેચિયા લોટી લઈને ચાલતા. સાધુ કમંડલ વિનાનો ન શોભે એમ નાતમાં જમનારો ત્યારે પેચિયા લોટા કે લોટી વિના શોભતો નહોતો.
પણ જેમ ઉંમર થતી જાય તેમ માણસની રસ-રુચિમાં ફેરફાર થતા જાય છે. એક વાર જે ગમતું હતું તે પછી ન ગમે એવુંયે થાય. આજે અમારા ઘરમાં પેચિયા લોટા છાજલી પર ધુળ ખાય છે. ઊતર્યો અમલદાર કોડીનો એવી એમની દશા છે. આજે એમનો મહિમા ગયો ને ચમચાચમચીઓનો મહિમા થવા લાગ્યો છે.
જોકે ચમચા-ચમચી આવ્યાં પણ તે થાળી-વાટકા અથવા ડિશબાઉલને સહાયક-ઉપકારક થવાના ખ્યાલથી. પહેલાં તો આંગળાંથી જ કામ ચાલતું. કોળિયા ભરવાનીયે કળા હોય છે અને કોળિયે કોળિયે દાળભાત ખાવાની મજા ચમચીથી તો આવતી જ નથી! નાતની દાળને આંગળાં પર લઈ સબડકા બોલાવવાની કળા તો આપણી જ! આંગળીઓમાં, કવિ રાવજી કહે છે તેમ, સ્વાદ સિસોટા મારતો લાગે! હવે તો ચમચીઓ આવી ને એ કળા ગઈ. આઇસક્રીમ-બાઇસક્રીમ ખાવામાં ચમચી ઠીક છે, આ તો દાળ ખાવામાંય ચમચી! ફૅશનના પવનની બલિહારી છે. ડાઇનિંગ ટેબલ પર જમીએ તો પછી છરીકાંટા ને ચમચી વગેરેય જોઈએ જ ને?
વળી જો આપણે દાળના સબડકાની વાત કરતા હોઈએ તો સાથે ચમચી-ચમચાના સંગીતનીયે વાત ન કરવી જોઈએ? રણમેદાનમાં હથિયારોના ખણખણાટનાં વર્ણનો કવિતામાં આવે છે તો ભાણા પર આપણે તૂટી પડતા હોઈએ ત્યારે ચમચી-ચમચાના ખણખણાટ થાય તેની વાત કવિતામાં ન આવવી જોઈએ? આજના કવિઓ જો ભગવાન માટે થાળનાં પદો લખે તો તેમાં મસાલાના ધમપછાડ સાથે ચમચાચમચીના ખણખણાટ પણ આવવા જોઈએ. તેમણે પ્યાલા નામનો પદપ્રકાર ખીલવ્યો તો હવે તેમણે ચમચા-ચમચીઓનો નવો પદપ્રકાર પણ ખીલવવો જોઈએ. મધ્યકાળમાં ચમચા-ચમચી નહોતાં એ કબૂલ; પણ શું ગોરમહારાજની આચમનીઓ ને કડછીઓ નહોતી? એનો નાદ-વૈભવ થાળનાં પદોમાં કેમ સંભળાતો નથી? રસજ્ઞો આ પ્રશ્ને ગંભીરપણે વિચાર કરે!
આજકાલ તો નાતવરામાં જેટલું વાનગીઓનું એટલું જ વાનગીઓ કેવાં પાત્રોમાં કઈ રીતે પીરસાય છે તેનુંયે મહત્ત્વ છે. અમે ક્યાંક બૂફે ડિનરમાં જઈએ ને ત્યાં રસ, શિખંડ જેવી વાનગીઓ કાઉન્ટર પર નાના ચમચે પીરસાય ત્યારે અમને ખૂબ દુઃખ થતું હોય છે. આ રીતે ઓછું આપવું હોય તો બૂફે ડિનર ગોઠવ્યાનો કોઈ અર્થ? જમવામાં જગલા એવા અમારા જેવાઓએ તો ધૃષ્ટતાથી બેત્રણ ચમચા રસ કે શિખંડ પીરસવાનું એ કાઉન્ટરવાળાઓને કહેવું પડે છે અને એ બાપડાઓની સરવાળે પીરસવાની મહેનત જ વધી પડે છે! વળી અમને તો કોઈને ત્યાં આઇસક્રીમ-પાર્ટી જેવું રાખ્યું હોય ત્યાંયે નાની નાની નખ જેવડી ચમચીઓ જરાયે ન ગમે. કમમાં કમ ચમચી એવી હોવી જોઈએ કે મોઢું ભરાઈ જાય એટલો આઇસક્રીમ એમાં દરેક હાથફેરાએ ચઢે.
અમારા કેટલાક મિત્રો તો શહેરમાં થોડું રહી આવ્યા પછી જ્યારે ગામડાના ઘરે જાય છે ત્યારે જમવામાં અચૂક ચમચી માગે છે. તેમને હોઠ અને અન્ન વચ્ચે ચમચા-ચમચી આવે તે કેમ વેઠાતાં હશે તે મને સમજાતું નથી. અમે મધ્યકાલીન સંભોગશૃંગારનાં વર્ણનોમાં એવું વાંચેલું કે પ્રિયાને આલિંગન આપતાં એના સ્તનમંડળ પરનું ઝીણું રેશમી વસ્ત્ર પણ એના પ્રિયતમને ખૂંચતું હતું! તો આ ચમચીથી જમનારાઓને હોઠ ને અન્ન આડે ‘સુદીઠ અંતરપટ’ની જેમ આવ્યા કરતી ચમચીનું વ્યવધાન નહીં નડતું હોય?
આપણા વડીલોની ઉપર્યુક્ત સંદર્ભમાં જે સૂઝસમજ છે તે દાદ માપી લે એવી છે. આપણે ત્યાં વર-કન્યા પરણે ત્યારે તેઓ પરસ્પરને કંસાર જમાડે એવો રિવાજ છે. કન્યા વરને કંસારનો કોળિયો ભરાવે ને વર કન્યાને! કંસાર જેવું હૂંફાળું-મીઠું એ દૃશ્ય હોય છે! એમાંય વર-કન્યા પરસ્પરને કોળિયાં ભરાવતાં ચતુરાઈથી પરસ્પરનાં આંગળાંનેય દંત્યૌષ્ઠ્ય સ્પર્શ કરવાની મીઠી તક ઝડપી લે છે. કંસાર કદાચ એથી બેયને વધારે મીઠો લાગતો હશે! વડીલોયે આ કંસાર-જમણમાં ચમચીઓની ડખલને પુરસ્કારી નથી એ મને તો ખૂબ ધન્યવાદ આપવા જેવી બાબત લાગે છે. કંસાર જેવા મીઠા સ્નેહના સંસારમાં ચમચીઓ આદિની બાહ્ય ડખલ જેટલી ઓછી એટલું સારું.
જોકે આજકાલ જેમ ચમચા-ચમચીઓનો જમેલો વધારે તેમ ડીનરની રોનક ઔર! જેમ ગોલ્ફની રમતમાં જાતભાતની સ્ટીકો હોય છે તેમ ભદ્રવર્ગીય ખાણામાંયે જાતભાતનાં ચમચા-ચમચીઓ હોય છે. ચટણી લેવા માટે એક ચમચી ને ફ્રૂટસલાડ માટે બીજી, સૂપ માટે વળી ત્રીજી ચમચી ને સંભાર માટે ચોથી. કઈ વાનગીમાં કયા પ્રકારની ચમચી વાપરવી એ પણ જાણવું જોઈએ. માત્ર રસોઈ કરવી એ જ કળા નથી, રસોઈ કેમ જમવી ને તેય ચમચા-ચમચીઓની મદદથી – તેય એક કળા છે!
તમે જોજો, ડિનર જેમ દરબારી તેમ ચમચા-ચમચીઓની ભીડ વધારે – વાચ્યાર્થમાં ને વ્યંગ્યાર્થમાં પણ, મોટા સાહેબ જમવા આવે તો એકલા ન આવે, સાથે પાંચ દસ ચમચા-ચમચીઓનેય લેતા આવે. જેમ અમલદાર મોટો તેમ ચમચા-ચમચીઓનો એમનો પરિવાર મોટો!
આજકાલે, શું ધર્મકારણમાં કે શું રાજકારણમાં, શું કલાક્ષેત્રમાં કે શું વ્યાપારક્ષેત્રમાં – સર્વત્ર ચમચા-ચમચીઓનો પ્રભાવ વધ્યો છે. તમે ચમચા-ચમચીને સાધો તો એની પાછળ આખું ડિનર ખેંચાઈ આવે! આજકાલ ગૃહિણી થવું સહેલું છે, પરંતુ ખાંસાહેબની પ્રિય વફાદાર ચમચી થવું અઘરું છે. ચમચી લાગે નાજુક પણ કેટલીક વાર એનાથી જેટલું ઉલેચાય એટલું પાવડાથીય ન ઉલેચાય!
આજકાલનો તો જમાનો જ ચમચા-ચમચીઓનો છે. જેમ ઓઝા કરતાં ગધેડાં ડાહ્યાં તેમ જ ઘણી વાર ચૅરમૅન કરતાં એમના ચમચાઓ કે એમની ચમચીઓ વધારે ચકોર તમને લાગે! ડિનરનાં ચમચાઓ ચમચીઓ તો ભગવદ્ગીતામાંના સ્થિતપ્રજ્ઞ જેવાં, અનાસક્ત, નિઃસ્પૃહ. એ જાતે ન જમે, આપણને જમાડવામાં જ એમની ધન્યતા; પરંતુ આ ચૅરમૅનવાળા ચમચા-ચમચીઓ તો જાતે જમનારાં, બહુ બહુ તો ચૅરમૅનને જમાડે, પણ તેય પોતે જમ્યા પછી! આજકાલ તો ચૅરમૅન થવા માટે જ નહીં, ચેરમેન તરીકે ટકવા માટેય ચમચા-ચમચીઓને રાજી રાખવા પડે છે. એક જમાનામાં કવિ પ્રેમાનંદે કહેલું, ‘અન્ને ઊભો આખો સંસાર.’ કદાચ આજે એ કવિને કહેવાનું હોત તો એમ કહેત કે ‘ચમચા-ચમચીએ ઊભો આખો દરબાર!’ આપણે ચમચા-ચમચીને બરોબર ઓળખી લઈએ, પછી કોઈના ચમચા-ચમચી થવું યા નહીં તે વિચારજો ને નક્કી કરજો!
(વહાલ અને વિનોદ, પૃ. ૩૯-૪૩)