શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૨૭. ઘર તો ક્યાંનું ક્યાંય...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૭. ઘર તો ક્યાંનું ક્યાંય...


ઘર તો ક્યાંનું ક્યાંય ઊડી ગયું ફફડાવતુંક ને પાંખ.

અહીં તો એક સુક્કું થડ – ઠૂંઠું,
વેરણછેરણ તણખલાં
ને આંખને ખૂંચતી તીક્ષ્ણ કાળી કરચો સફેદ ઈંડાંની,
ભેદી વાગેલી કોઈ ચાંચ ને તૂટેલી કોઈ પાંખ.

ખાલી જલાશય સમું આભ
ને એની ઉજ્જડતાનો કઠોર ઉજાસ હથેલીમાં.

આમ તો કંઈ ને કંઈ ખોવાતું હોય છે
પ્રત્યેક શ્વાસમાં ને પ્રત્યેક પગલામાં,
પ્રત્યેક શબ્દમાં ને પ્રત્યેક વેદનામાં!
પણ એકાએક પગ નીચેની ધરતી ખોઈ બેસવી
કે આંખની પાછળના સૂરજનેય ખોઈ બેસવો
એનો તો આઘાત જ નવો!

મુઠ્ઠી વાળી,
કરોડરજ્જુમાં ધનુષ્યની પણછ ચઢાવી,
ઊંડા શ્વાસે,
ભાંગી ગયેલા ઘરને ખેંચી આણી
મારી અંદરની રિક્તતામાં વળીવળીને મથું છું
મૂળિયાંસોતું ઉતારવા.

પણ શ્વાસનો તાર અવારનવાર તૂટી જાય છે
ખોટવાયેલા ચરખાને લઈને.
હું મૂંગો મૂંગો એક રંગીન પીંછાને કાન પાસે લઈ જઈ
મથું છું પેલા અસલી ટહુકાને ભીતર કોઈ ડાળ પર બેસાડવા,
પણ ઘણું મોડું થઈ ગયું છે…

સમુદ્રનાં ખારાં પાણી આંખને ડુબાવતાં
ફરી વળ્યાં છે મારી ચારે તરફ.
ખારા સ્વાદની ભારે બેચેની સાથે હજુયે મથું છું
ઊખડી ગયેલાં મૂળિયાંને ફરીથી
મારી ધરતીમાં ઊંડે ને ઊંડે ચોંટાડવા.

(પડઘાની પેલે પાર, ૧૯૮૭, પૃ. ૬)