શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૨. ‘લાવો, સાંધી દઉં!…’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨. ‘લાવો, સાંધી દઉં!…’


હરિલાલે લતાને કહ્યું નહેાતું, પણ ગઈ કાલ રાતથી એમના શરીરમાં વાએ સખત ઉપાડો લીધેલો. ઊઠતાં, ચાલતાં, આમતેમ વળતાં એમને ખૂબ તકલીફ પડતી હતી. રોજનો નિત્યકર્મ પણ તેમણે મહામુસીબતે નિપટાવ્યો. ગઈ રાત્રે સુકેતુ સાથે બહાર ફરવા ગયેલી લતા લગભગ સાડાબાર-એકના અરસે પાછી ફરી હતી અને તેથી હરિલાલ સવારે ઊઠ્યા ત્યારે તે ઘસઘસાટ ઊંઘમાં હતી. તેને ઉઠાડવાનું હરિલાલને દિલ ન થયું. ‘મોડી રાતે થાકીપાકી સૂતી છે તે ભલે સૂતી! હવે ક્યાં કશી ઉતાવળ છે? રફતે રફતે થશે બધું. હરિલાલે વિચાર્યું. નિવૃત્ત થયા પછી હરિલાલના સ્વભાવમાં ઠીક ઠીક ફેરફાર દેખાતો હતો. પહેલાં વાતવાતમાં તપી જનારા હરિલાલ હવે ‘હશે’, ‘ચાલશે’, ‘ભલે’, ‘જવા દે’ વગેરે કહેતાં પોતાને પ્રતિકૂળ એવી ઘણી ઘણી બાબતોને નભાવી લેતા થયા હતા અને તેમાંયે એમનાં વહાલસોયાં ધર્મપત્ની શાન્તાબહેનના અવસાન પછી તે નર્યા શાન્ત – માખણથીયે વધારે નરમ બન્યા હતા. કોઈ વાતમાં કશીયે ખેંચતાણ નહીં. સૌને અનુકૂળ થઈને રહેવા વર્તવાનું જ વલણ; એ જ નીતિ!

હરિલાલે તેથી ચા પીવાની ઇચ્છા છતાંયે દીકરી લતાને જરાયે ખલેલ ન પહોંચાડી. બલ્કે તેની ઊંઘ ન બગડે એવી સાવધાનીથી તેમણે તેમનાં નિત્યકર્મો આટોપી લીધાં. દૂધવાળો આવ્યો ત્યારે વાગ્રસ્ત શરીર છતાં પ્રયત્નપૂર્વક દોડી જઈને દૂધ લઈ લીધું. તેમને એક તબક્કે જાતે જ ચા બનાવી લેવાની ઇચ્છા થઈ, પણ તે દબાવી દીધી. લતા ઊઠશે ત્યારે ચા થશે જ ને? ને લતાના હાથની ચાની તો વાત જ ન પૂછો! આ લતા તેમનું એકમાત્ર સંતાન. એક વાર તો તેમણે લતાને કહ્યું પણ ખરું, ‘લતા, તું સાસરે જશે, પછી મારી ચાનું શું થશે?’

‘કેમ શું થશે? પપ્પા, હું છું ત્યાં બધી સગવડ થશે. એ વખત તો આવવા દે!’

‘હવે ક્યાં દૂર છે એ વખત? આવ્યા જ જાણ! તારી મા થોડુંક વધારે ટકી ગઈ હોત…’ ને એ વધુ ન બોલી શક્યા. લતાયે ચૂપ જ રહી. બંનેય શાન્તાની મીઠી અમૃતિમાં સરી ગયાં…

હરિલાલે લતા ઊઠે ત્યાં સુધીમાં છાપું વાંચી લેવાનું વિચાર્યું. તેઓ ધીમે દબાતે પગલે વરંડામાં ગયા. ત્યાં આરામખુરશીમાં બેસી છાપું વાંચવા લાગ્યા. છાપું વાંચતાં વાંચતાં જ્યારે તેમને ઊંઘનું ઝોલું આવી ગયું તેની ખબરેય ન રહી. જ્યારે અરધાએક કલાક બાદ ‘લે પપ્પા, ચા’ કહેતી લતા આવી ત્યારે તેઓ ઝબકીને જાગ્યા, ને હળવેથી બોલ્યા, ‘અહો! ચાયે કરી લાવી, બેટા!’ ને એમણે આસ્તે આસ્તે ચાના ઘૂંટ ભરવા માંડ્યા.

ચાના ઘૂંટ ભરતાં ભરતાં એમની નજર સામે પિતાની દિવંગત પત્ની શાન્તાનો ચહેરો ચમકવા લાગ્યો! ગાળ મોઢું, વિશાળ ભાલ, એમાં ઝળહળતો લાલભડક ચાંદલો! હરિલાલને તો એના ચહેરામાં જ ઉષાદર્શન થતું હતું! સવારની ચા તે શાંતાબહેન ને હરિલાલ વરંડામાં બેસીને જ પીતાં. એ દિવસે હવે હંમેશ માટે ચાલી ગયા! શાન્તા ત્યારે હરિલાલની નાની નાની હાજતોનીયે કેવી ઝીણી કાળજી રાખતી! તેમને કયા પ્રકારની ચા જોઈએ, ક્યારે જોઈએ, કેવાં કપરકાબીમાં જોઈએ, ચા સાથે કેવો નાસ્તો જોઈએ — આવી આવી તો કેટલીયે બાબતો પર શાન્તાબહેન બરોબર ધ્યાન આપતાં. સવારે બ્રશ કરી, મોઢું ધોઈ, વરંડામાં બેસતાં, હાથમાં છાપું લેતાં, ‘ચા’ એમ બેલવા જાય તે પહેલાં શાન્તાબહેન ચાની કીટલી સાથે હાજરાહજૂર હોય! શાન્તા સાચે જ એમની જીવનની મધુર શાન્તિના સમૃદ્ધ સ્રોત સમાં હતાં, પરંતુ વિધાતાનું કરવું તે ગયા વરસે જ શાન્તાબહેન એકાએક કમળાના જીવલેણ વ્યાધિમાં ઝડપાયાં અને ગણતરીના દિવસોમાં ચાલ્યાં ગયાં. હરિલાલના માથે જાણે આભ તૂટી પડ્યું! તેમના સમથલ સરલ- મધુર જીવનમાં અશાન્તિ ફરી વળી. વારંવાર એમનું મન ઉદાસ થઈ જતું, વળી વળીને વૈરાગ્ય લેવા જેવું પોતાને થઈ જતું; પરંતુ શાન્તાની મહામૂલી અનામત સરખી, એની એક મીઠી સ્મૃતિપતાકારૂપ લતાને ઠેકાણે પાડ્યા વિના પોતાનાથી વૈરાગ્યબૈરાગને તો વિચાર પણ થઈ શકે તેમ નહોતો. શાન્તાની સોંપેલી, ને પોતે જ ઊભી કરેલી જે જવાબદારી–લતાને કોઈ સારે ઘેર સાંપવાની એ – અદા કર્યા વિના કેમ ચાલે? શાન્તાનું સાચું શ્રાદ્ધ તે લતાનું ક્યાંક સારી રીતે મંડાય એમાં હતું ને તેથી તો હરિલાલ રાત–ઉજાગરા વેઠીનેય લતાનું ક્યાંક ઠેકાણું પડે એ માટે ભારે સક્રિય હતા.

લતા એમ.એ. થયેલી. માના જેવો જ એનો સિક્કો! કામકાજમાં પાવરધી. સ્વભાવે મીઠી. ક્યારેક આવેગ, આકરાપણું દાખવે, પણ તે ક્યારેક જ! માને એનાં વિવાહ-લગ્નની ખૂબ ચિંતા હતી. તેની હયાતી દરમિયાન જ બેચાર ઠેકાણે લતાના વિવાહ અંગે વાતચીત ચાલતી હતી, પરંતુ તેનું નક્કર પરિણામ આવે તે પૂર્વે જ શાન્તાએ સદાને માટે વિદાય લઈ લીધી. એના વિવાહનું અધૂરું કામ પૂરું કરવાની જવાબદારી હરિલાલના માથે આવી. સગાં-વહાલાં-સ્વજનોના સાથસહકારથી એ જવાબદારી પાર પડી. લતાનું સુકેતુ નામના એક તરુણ ઇજનેર સાથે વિવાહનું નક્કી થયું; ને ગોળધાણા વહેંચાયા.

જે દિવસે લતાના સુકેતુ સાથે વિવાહ જાહેર થયા તે દિવસે હરિલાલના આનંદનો પાર નહોતો. માથેથી મોટો પહાડ ઊતર્યો. શાન્તાનેય એ જ્યાં હશે ત્યાં ‘હાશ!’ થઈ હશે. હવે લતાનાં લગ્ન જલદીથી પતાવાય એ જ કામ બાકી રહેલું ને સગાંસંબંધીઓની મદદથી તેની તૈયારીઓ પણ પૂરજોશમાં શરૂ થઈ ગયેલી.

લતાને નાનપણથી જ માતા કરતાં પિતા તરફ ઝુકાવ વધુ હતો, માતા-પિતા વચ્ચે કોઈ વખતે વાદવિવાદ – અલબત્ત, મીઠો– થતો તો લતા હંમેશાં પિતાના જ પક્ષે રહેતી. આમ તો શાન્તાબહેન પૂરી ખબરદારીથી હરિલાલની ક્ષણેક્ષણની પાકી કાળજી લેતાં, આમ છતાંયે કદાચ કોઈ વાર અપવાદરૂપેય એમાં કઈ કસરચૂક આવી જતી તો લતા તુરત જ શાન્તાબહેનનું ધ્યાન દોર્યા વિના રહેતી નહીં. પિતાના ગમા-અણગમાને, એમના મૂડનો તેને બરોબર અંદાજ રહેતો હતો. ‘મમ્મી, આજે પાપાને ઉધરસ થઈ છે, મીઠું હળદર કરી આપજે’ ‘મમ્મી, પપ્પાના પેલા કાળા પેન્ટને ઇસ્ત્રી બાકી છે, તે કરાવી દેજે’, ‘મમ્મી, પપ્પાને કાલે મિટિંગ છે, મોડું થશે, માટે એમના સારુ નાસ્તાની ગોઠવણ કરજે’ – આવી આવી તે અનેક સૂચનાઓ લતાના મોઢામાંથી નીકળતી રહેતી. શાન્તાબહેનને ક્યારેક મનમાં થતું, ‘આ વ્હાલમોઈને મારાથીયે વધારે એના પપ્પાની ચિંતા રહે છે. સારું છે. હું નહીં હોઉં ત્યારેય એમનું દીઠું પડશે નહીં!’ એક વાર તો — આ વાત પ્રગટપણે તેમણે હરિલાલને જણાવી હતી:

‘કહું છું, આ તમારી લાડકડી છે, તે હું નહીં હોઉં ત્યારેય તમારી અણીથી પણી ખબર રાખશે!’

‘સારું ને!’ હરિલાલે હસતાં હસતાં કહ્યું તેઓ બાજુમાં ઊભેલી લતાના માથા પર વહાલથી હાથ ફેરવતા રહ્યા.

શાન્તાના અવસાન બાદ વીસેક દહાડે એક પ્રસંગ બનેલો, તે જાણે હમણાં જ બન્યો હોય એમ એમની નજર સામે બિલકુલ તાજો તરવરતો હતો. હરિલાલને તે દિવસે કામપ્રસંગે એકાએક બહાર જવાનું થયું. તેમણે કબાટમાંથી પોતાનાં કપડાં કાઢીને પહેરવા માંડ્યાં ત્યાં જ તેમણે જોયું કે ખમીસનાં એકબે બટન ધોબીના સિતમને કારણે ગાયબ થઈ ગયાં હતાં. ખમીસ તો બીજાં હતાં પણ તેનો જે પૅન્ટ એમણે પહેર્યું તેની સાથે મેળ આવતો નહોતો. હરિલાલે ઝટપટ કબાટના ડ્રોઅરમાંથી સોય-દોરાની ડબ્બી કાઢી ને બટન ટાંકવા બેઠા. એ જ વખતે લતા એના રૂમમાં ડ્રેસિંગ ટેબલ આગળ બેસી એકચિત્તે પોતાના નખ રંગવાનું કામ કરતી હતી. હરિલાલે એ જોયું. તેને તેના કામમાં ‘ડિસ્ટર્બ’ કરવાનું ઠીક નહીં લાગ્યું, તેથી જાતે જ તેઓ બટન ટાંકવા માટે સોયમાં દોરો પરોવવા પ્રયત્ન કરવા લાગ્યા. હરિલાલની આંખો હમણાં હમણાંની કાચી પડતી જતી હતી તેથી સોયના નાકામાં દોરો પરોવતાં મૂકેલી પડવા લાગી. પાંચસાત વાર પ્રયત્ન કર્યા પણ નિષ્ફળ! તેમણે થાકીને ઊંચે જોયું. સામેની દીવાલે ઊંચે ટાંગેલા શાન્તાબહેનના ફોટા તરફ તેમની નજર ગઈ. આંખ ભીની થઈ. નજર તેથી વધુ ધૂંધળી બની. ‘લતાને હવે દોરો પરોવી દેવાનું કહેવું જ પડશે’ તેમને થયું. તેઓ લતાને આ વાત કહેવા જતા હતા ત્યાં જ લતાનું ધ્યાન એમના તરફ ખેંચાયું. ચકોર લતા તુરત પરિસ્થિતિ પામી ગઈ. નખ રંગવાનું કામ બાજુએ હડસેલી પિતા પાસે દોડી આવી અને તેમના હાથમાંથી સોય-દોરો અને ખમીસ ખૂંચવી લઈ બટન ટાંકવા બેસી ગઈ. કહે: ‘આવું સાંધસૂધનું કામ તમારે મને કહેવાનું હોય; હું હોઉં ત્યાં સુધી તમારાથી એ કરાય!’ હરિલાલ ભાવભીની નજરે લતાને જોઈ રહ્યા. શાન્તાની જ જાગે લઘુ આવૃત્તિ. કેવી સ્ફૂર્તિથી તે બટન ટાંકતી હતી! જાણે શાન્તાના અભાવે ચિરાતા હદયને એ પ્રેમથી ટાંકા દઈ રહી ન હોય! લતા છેવટે તો શાન્તાની જ સરજત ને?

એ પછી લતાએ હરિલાલનાં બધાં કામો હોશિયારીથી પોતાને માથે લઈ લીધાં ને હરિલાલને તેની જાણે ખબરેય ન પડવા દીધી. હવે તો લતા જ હરિલાલના હાથપગ ને એમનાં આંખકાન. નાહવાનું ગરમ પાણી કાઢવાનું હોય, જમ્યા પછીની દવા લેવાની હોય, રાત્રે સૂતી વેળાએ દૂધ પીવાનું હોય – હરિલાલનાં નાનાંમોટાં આવાં સૌ કામ લતા ભારે ચાનક ને ચીવટથી કરી દેતી. એક વાર આ જોઈને હરિલાલનેય થયું?

‘લતા! તું પરણીને સાસરે જશે પછી…’

‘પછી શું? તમે મારી સાથે જ હશો! તમારે મને છોડવી હશે, પણ હું કંઈ તમને છોડવાની નથી!’

‘એ ખરું! પણ, તોય સમાજના રૂઢિવ્યવહાર ઓછા નેવે મુકાય છે?’

‘અરે! બધું થશે! તમે જોજો! જરૂર પડ્યે હું તો મારે ઘેર પણ તમને લઈ જાઉં!’

‘એમ કંઈ અવાય મારાથી? પણ ખેર! જવા દે એ વાત! કાલની વાત કાલે! હાલ તે મારું ગાડું ગબડે છે!…’

ને એમ દિવસ પર દિવસ પસાર થતા હતા. દરમિયાન સુકેતુ સાથે લતાનો વિવાહસંબંધ પાકે થયો. હવે લતા વધારે ને વધારે રોકાયેલી રહેવા લાગી –- સુકેતુની તહેનાતમાં સ્તો. શરૂઆતમાં તો સુકેતુ તક મળ્યે અલપઝલપ ઘરે આવી જતો. શરૂઆતમાં તો તેને હરિલાલની હાજરીથી ક્ષોભ-સંકોચ પણ થતા; પરંતુ પછી કાલક્રમે એ ઘરના સ્વજન-શો બની રહ્યો. કોઈ કોઈ વાર તે એની ને લતાની વાતો રાતના બાર-દોઢ સુધી ચાલતી. હરિલાલને લગ્ન લેવાય ત્યાં સુધી આ રીતે મળવામાં થોડી મર્યાદા રખાય એ ઇષ્ટ લાગતું, પણ તે તેઓ કહી શકતા નહોતા. કેટલીક વાર તે આ રીતે સુકેતુ-લતાનો સુમેળ ઉત્તરોત્તર ગાઢ થતો જાય છે એ જોઈ તેઓ પ્રસન્નતા અનુભવતા હતા. લતાયે હવે સુકેતુના આગમન સાથે બદલાતી જતી હતી. હવે તે પહેલાંની લતા તો નહોતી જ. સુકેતુની સારસંભાળમાં – સરભરામાં જ તેને ખાસ્સો સમય જતો હતો, તેના કારણે પિતાજીનુંયે રાખવું જોઈએ તેવું ધ્યાન તે રાખી શકતી નહોતી. ક્યારેક પિતાજી સૂઈ જાય, પછી એમને દૂધ આપવાની વાત યાદ આવે. કયારેક પિતાજી જમી રહે ને પછી યાદ આવે કે પડોશમાંથી આવેલી વાનગી એમને ભાણામાં પીરસવાની રહી ગઈ! ક્યારેક પિતાજીના પલંગની ચાદર બદલવાનુંયે ભૂલી જવાતું. એમાંયે મોટો છબરડો તો ત્યારે થયો જ્યારે સુકેતુ ને લતા સાંજના બહાર હોટલમાં જમીને આવ્યા અને ઘરે પિતાજી માટે જમવાનું રાખવાનું જ રહી ગયું. ત્યારે લતાએ અફસોસ તો ઘણો કર્યો, પરંતુ પાણી વહી ગયા પછી પાળ બાંધવાથી શું? હરિલાલે ફરિયાદ કે ઠપકાનો હરફ સરખો ઉચ્ચાર્યા વિના આખી વાતને ખેલદિલીથી ઉડાવી દીધી – એમ કહીને કે ‘તે સાંજનું જમવાનું રાખ્યું હોત તોયે જમનાર નહોતા, કેમ કે મને પેટમાં આજે ગૅસ થયો છે.’ લતા કંઈ કીકલી નહોતી કે પિતાના આવા ખુલાસા પાછળનો એમનો આશય સમજી ન શકે, એણે આવી બાબતમાં હવે સવિશેષ સાધવાની રાખવાનો સંકલ્પ કર્યો.

હરિલાલ લતાને સુકેતુ સાથે હરવાફરવામાં મોકળાશ રહે એ રીતે શક્ય બધું કરવા લાગ્યા. લતા ને સુકેતુને જિંદગીનો સ્વાદ લેવાનો ખરો સમય જ આ છે. પછી તો છે જ ને સંસારના ઢસરડા ઠેઠ લગી! વળી દીકરી મુદ્દામે પરાયું ધન – ઊડણચરકલડી જ. એની ઝાઝી આશાયે કરવી ઠીક નહીં. હરિલાલનો તેથી જ હવે લતાની મદદ વિના જ પોતાનાં થાય તેટલાં બધાં જ કામ કરી લેવાનો આગ્રહ રહેવા લાગ્યો.

એક સાંજે વરસાદી વાતાવરણ જામ્યું હતું. હરિલાલ ઘરમાં એકલા હતા. લતા સુકેતુ સાથે શૉપિંગ માટે ગયેલી. એ દિવસે હરિલાલના શરીરમાં વાનો સખત હુમલો થયો હતો. હાલવા – ચાલવાનુંયે મુશ્કેલ લાગતું હતું. એવામાં હરિલાલે ઠંડક સાથે વરસાદની ઝીણી ફરફર આવતી જોઈ. વરન્ડામાં હજુ કેટલાંક કપડાં સુકાતાં લટકતાં હતાં. હરિલાલ સખત વા છતાં જેમતેમ કરીને વરન્ડામાં પહોંચ્યા ને કપડાં લઈ પલંગમાં મૂક્યાં. તેઓ કપડાં લેતા હતા ત્યારે જ એમનો સદરો બાંય આગળથી બૂરી રીતે ફાટી ગયેલો તેમની નજરે ચડ્યો. જે ન સંધાય તો પહેરાય નહીં. વળી એમની પાસે હાલ વધારાનો એકેય સદરો બચેલો નહીં. શું કરવું? એ સદરો સાંધવો તો રહ્યો, પણ સાંધવો કેમ? પહેલો તો દોરામાં સોય પરોવવાનો જ પ્રશ્ન. આસપાસમાં કોઈ હોય તો એની મદદ લે ને? તેઓ કંઈક લાચાર બની ગયા. વળી વાને કારણે આંગળીઓના સાંધા દુખતા હતા. સદરો પોતાનાથી કેમ સંધાશે? શું લતાને એ માટે તકલીફ આપવી પડશે?

ને લતા રાત્રે આવી ત્યારે હરિલાલે કહ્યું,

‘બેટા. મારો સદરો ફાટી ગયો…’

‘તે બીજો લાવી દોને, પપ્પા!’

‘પણ એ જો સંધાય…’

‘એ બધી કડાકૂટ કરતાં નવો જ લાવી દેવો સારો!’

હરિલાલ વધુ બોલ્યા નહીં, તે ધીમે પગલે પોતાના ખંડમાં ગયા. વાને કારણે પોતે જમવાનું ટાળેલું પણ એ વાત લતાને તેમણે નહીં કરી. લતાનેય એ તત્કાલ નહીં સૂઝી. તેનું ધ્યાન સુકેતુ મિત્રના ઘરેથી જે વીડિયો–કૅસેટ લાવેલો તે જોવામાં હતું. હરિલાલ લતા-સુકેતુને પોતાની હાજરીથી જરાયે ક્ષોભ-સંકોચ ન થાય એની તાજવીજમાં રહ્યા. તેમણે ધીમે રહી પલંગમાં બેસી સૂવા માટે લંબાવ્યું; પણ વાની પીડાએ કેમેય આંખો મીંચાય જ નહીં. આખી રાત તેમણે અધ-ઉજાગરે પૂરી કરી. સવારે માંડ માંડ બેઠા થયા. જેમતેમ કરીને નાહીધોઈને પરવાર્યા. દરમિયાન મોડી રાત સુધી વીડિયો જોવાને કારણે લતા ઘસઘસાટ ઊંઘ ખેંચી રહી હતી. હરિલાલે તેને સૂવા જ દીધી. પિતાને નાહ્યા બાદ હવે સદરો પહેરવો હતો, પણ હજુ તે સંધાયો નહોતો. તેમણે પ્રયત્નપૂર્વક ફરીથી હાથમાં સોયદડી લઈ સદરો સાંધવાનું કામ હાથમાં લીધું. તેઓ ધીમે ધીમે સદરાને ટાંકો ભરતા જતા હતા. દરમિયાન લતા જાગી. તેણે ચાપાણી તૈયાર કર્યાં, હરિલાલે દવા લીધેલી હોઈ, તેઓ ચા પીનાર નહોતો. લતા એકલે હળવે હળવે ચાના ઘૂંટ ભરતી હતી. દરમિયાન તેની નજર સુકેતુના બુશર્ટ પર પડી. ગઈ રાતે તેનું બટન તૂટી ગયેલું હોઈ એ અહીં રાખી પોતે ખરીદેલો નવો બુશશર્ટ ચડાવીને તે તેના ઘરે રાત્રે પાછો ગયેલો. લતાને એ બુશશર્ટને બટન ટાંકી દેવાનું યાદ આવ્યું. તે પપ્પાને કહે:

‘પપ્પા, જરા મને સોય આપશે? સુકેતુના બુશશર્ટને બટન ટાંકવાનું છે.’

હરિલાલ સદરો સાંધવાનું અટકાવી, માંડ માંડ દોરામાં પરોવાયેલી સોય કાઢીને લતાના હાથમાં હળવેથી મૂકી, ‘લે બેટા, પતાવી દે; એ કામ પહેલું!’ એ પછી સદરો લઈ તેઓ પોતાના રૂમ તરફ ચાલ્યા – એ રૂમમાં શાન્તા જાણે પોતાની રાહ જોતી બેઠી ન હોય! જાણે કે એ કહેવાની ન હોય –

‘શું? સદરો ફાટ્યો છે? લાવો, સાંધી દઉં’, અબઘડી!…’