શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૩૧. નેઇમ-પ્લેટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૧. નેઇમ-પ્લેટ


અમે ઇધરઉધરથી ઉછીનાપાછીના પૈસા લઈ શહેરના છેવાડે, જ્યાં બપોરી વેળાએ ગર્દભપરિવાર ધૂળમાં લેટતો, મૂડ આવે ત્યાં હોંચી હોંચી કરીને ગાતો, આરામ કરતો હતો ત્યાં ખુલ્લા પ્લૉટમાં એક મજાની મઢૂલી ઊભી કરી. આમ ૬૦-૬૫ વારનું બાંધકામ ખરું, પણ તેથી કંઈ એ આલીશાન બંગલો તો ન જ કહેવાય ને? આપણા રાષ્ટ્રપતિભવનની સાથે અમારી મઢૂલી સરખાવીએ તો? સંભવ છે કે આપણા ગરીબ દેશના રાષ્ટ્રપતિભવનનો બાથરૂમ અમારી આ મઢૂલીથી મોંઘો હોય! અમે આ મહૂલીના ધાબા સુધીનું ખર્ચ કાઢતાં તો ગળે આવી ગયા! ટકાની તોલડી તેર વાનાં માગે એમ આ મુફલિસની મઢૂલી તોતેર વાના માગતી હતી. બોલે બોલે પૈસો! ઘરનાં બારી-બારણાં કરાવવા સુધીમાં તો અમારું બધું બૅલેન્સ તળિયાઝાટક થઈ ગયું! અમારી દશા એવી થઈ કે ઘરમાં રૂ લાવ્યા, પણ પછી ગોદડાં ભરાવવાની જોગવાઈ જ ન થઈ! બારણાં માંડ માંડ કરાવ્યાં. મિસ્ત્રી કહે: ‘બારણાં તો મજબૂત જોઈએ, સાગનાં કરાવો.” પણ લાટીબજારમાં સાગનો ભાવ પૂછતાં અમને જાણે આગની ઝાળ લાગી હોય એમ અમે ભડકી ઊઠ્યાં. અમને થયું, હમણાં તો સસ્તામાં બારણાં કરાવીએ; મજબૂત નહીં હોય તોયે શું ફિકર છે? આપણા ઘરમાં ક્યાં એવા દલ્લા દાટ્યા છે કે ચોરને બારણું તોડીને આપણે ઘેર પધારવાનો ઉત્સાહ થાય! એટલે અમે તો મિસ્ત્રી દ્વારા પ્લાઇવુડનાં બારણાં બનાવડાવ્યાં! પછી સવાલ આવ્યો રંગરોગાનનો! અમારા મોઢા પર મકાન પેટે ખાસ્સું દેવું કર્યા પછી ખાસ રંગ રહ્યો જ નહોતો! ત્યાં વળી આ બારણાના રંગનો ઉધામો ક્યાંથી કરવો! મનમાં રંગ કર્યા વિના જ બારીબારણાં રાખવાનો ખ્યાલ હતો ત્યાં અમારાં શ્રીમતીજીના બંધુવર અમારી વહારે ધાયા. એ એક રંગવાળાની કંપનીમાં કામ કરતા હતા. એ કંપની કેટલાક નહીં ખપેલા રંગ મફતના ભાવમાં કાઢતી હતી. મારા સાળાશ્રીએ એમાં અમારા ઘરનાં બારીબારણાં રંગાય એટલો રંગ ખરીદી લીધો ને હસતાં હસતાં એ રંગના ડબ્બા લઈ ઘરે પધાર્યા. મને કહે, ‘લો ચંદુલાલ! આ રંગ લાવ્યો છું. રંગી દો બારીબારણાં!’ ને અમે ઉત્સાહથી એ રંગ લગાવવામાં લાગી ગયાં! પણ આ શું? આ રંગ તો સાવ લાલ ભડક રંગ હતો! કોઈ આખલો દૂરથી જુએ તો એને જોઈને વકરે ને ભલું હોય તો ધસી આવીને શિંગડાના એક ઘાએ બારણું જ મિજાગરામાંથી તોડી નાખે! ખેર! ‘ધરમની ગાયના દાંત ન જોવા’ – એ ન્યાયે સાવ મફતના ભાવમાં મળેલા રંગને અમે જિંદાદિલીથી વેઠી લીધો. અમે જાતે જ ઑફિસમાંથી અઠવાડિયાની રજા લઈ ઘરને આ લાલ રંગ બરોબરનો ચડાવ્યો! ત્યાં અમારા સુપુત્ર કહે: ‘પપ્પાજી, આપણે હવે બારણે લગાડવાની નેઇમપ્લેટ પણ લાવો!’ અમને અમારા ચિરંજીવીની આ વાત દિલમાં બરાબરની વસી ગઈ. ‘નેઇમપ્લેટ’ તો જોઈએ જ. અમને બી.એ. થયા પછી ત્રણ-ચાર વર્ષ નોકરી મળી નહીં ત્યાં સુધી ઘેરબેઠાં કેટલીક જાતભાતની પરીક્ષાઓ આપી પ્રમાણપત્રો – ડિપ્લોમા વગેરે લીધેલાં, એ બધાંમાથી અગત્યની ડિગ્રીઓ બતાવવી હોય તો ‘નેઇમ-પ્લેટ’ જ ઉપયોગી થાય. એમાં લખાવી શકાય. ‘ચંદુલાલ શેઠ, બી.એ. (ઓનર્સ), એસ.ટી.સી; ડિપ્લોમા ઇન ડ્રામા’ – વગેરે વગેરે. મને થયુંઃ મારે તો મારા નામ કરતાં ડિગ્રીઓ એટલી બધી છે કે બધી જ લખવાની થાય તો બારણે નેઇમ-પ્લેટના બદલે નામનું મોટું પાટિયું – બ્લૅકબોર્ડ જેવું સ્તો – લગાડવું પડે. વળી નેઇમ-પ્લેટમાં કંઈ મારા એકલાનું નામ લખીએ તે ચાલે? શ્રીમતીજીનેય એમાં મારી સાથે બિરાજવાનો અધિકાર ખરો ને? તો પછી અમારા એકના એક પુત્ર કેમ રહી જાય? અમારે તો ‘થ્રી ઇન વન’ની આઇસક્રીમ પ્લેટ જેવી નેઇમ-પ્લેટ થાય – થ્રી ઈન વન!

વળી આ નેઇમ-પ્લેટમાં બીજો સવાલ પણ ઘણો અગત્યનો! ‘નેઇમ-પ્લેટ’માં કઈ ભાષા રાખવી? હું પોતે ગુજરાતી ભાષાવાળો! તેથી મને તો ગુજરાતીમાં જ નેઇમ-પ્લેટ તૈયાર કરાવવાનું ગમે! અમારા ચિરંજીવી કહે: ‘તમે પપ્પા, અપ-ટુ-ડેટ થાઓ! આજે લોકો અંગ્રેજી ન આવડતું હોય તોયે હાથમાં અંગ્રેજી છાપું લઈને ફરે છે તો તમે નેઇમ-પ્લેટમાં અંગ્રેજી ન રાખો એ બરોબર નહીં! ભલે આપણે માધ્યમ ગુજરાતી રાખ્યું, પણ અત્રતત્રસર્વત્ર ઑ પડે છે અંગ્રેજીનો! આપણા કલ્ચરનો પ્રભાવ ઊભો કરવા ય નેઇમ-પ્લેટ તો અંગ્રેજીમાં જ રાખવી!’ ત્યારે આસ્તેથી કહ્યું: ‘અંગ્રેજીમાં નેઇમ-પ્લેટ કરાવીએ પણ એમાં અક્ષરો વધી જાય. નેઇમ-પ્લેટનો ખર્ચ પણ તેથી વધે!’ ત્યાં જ અમારાં શ્રીમતીજી વઘારના છમકારા જેમ છમકીને કહે: ‘તમે તો ભાઈસા’બ! ડગલે ને પગલે માસ્તરી કરો છો! બચુ (અમારો ચિરંજીવી) કહે છે તે સાચું કહે છે. આપણી પાડોશમાં બધે જ જુઓ. બધાંએ નેઇમ-પ્લેટ અંગ્રેજીમાં કરાવી છે. પેલાં સદાફોઈ સાવ અભણ છે તોય એમના ઘેર પણ નેઇમ-પ્લેટ તો અંગ્રેજીમાં જ કરાવી. આજકાલ જે ચાલતું હોય તેનો ખ્યાલ રાખીને કામ કરવું જોઈએ. તમે તો માસ્તર તરીકે ગામ આખાને સલાહ આપવા નીકળો છો ને તમે તો કોઈની લેતા નથી.’ મને લાગ્યું કે શ્રીમતીજીએ જે ઉપાડો હવે લીધો છે એમાં આપણેય મૂંગા મૂંગા હા ભણવામાં સાર છે. મેં કહ્યું, ‘ભલે, તમે કહો છો તેમ કરીશું.’ આમ નેઇમ-પ્લેટ અંગ્રેજીમાં કરાવવી એ નક્કી થયું. તે પછી ઘણી ચર્ચાવિચારણાને અંતે મારું અને મારાં શ્રીમતીજીનું શુભનામ અંગ્રેજીમાં ‘નેઇમ-પ્લેટ’ પર મૂકવું એમ ઠર્યું. જ્યારે મેં શ્રીમતીજીને કહ્યું કે તમારું નામ પણ ‘નેઈમ-પ્લેટ’માં રહેશે ત્યારે એમને, અહમદશાહને ‘અમદાવાદ’ નામ પડ્યાથી થયો હશે તેથીયે અદકેરો આનંદ થયો! જાણે કે ‘પદ્મવિભૂષણ’ની જેમ ‘ગૃહવિભૂષણ’ની પદવી કોઈ એમને એનાયત ન કરતું હોય!

આ પછી નેઇમપ્લેટ કેવા પ્રકારની કરાવવી એ સવાલ આવ્યો! મેં તો કહ્યું કે ‘હમણાં પોલીસખાતાની પ્રેરણાથી મેં મારા સ્કૂટરના નંબરના નાના આંકડા જેની પાસે ફરીથી ચિતરાવી મોટા કરાવ્યા તેને જ આ કામ સોંપીએ. સસ્તામાં પતી જશે.’ ને શ્રીમતીજી ‘સસ્તું’ શબ્દ જાણે ‘મોંઘું’ના અર્થમાં મેં વાપર્યો હોય એમ સાંભળતાંવેંત બગડ્યાં. ‘તમને તો બસ, બધું સસ્તું જ સૂઝે છે! નેઇમ-પ્લેટ કંઈ વારેઘડીએ થવાની નથી, માટે તમને કહી દઉં છું. એ સારામાં સારી જ કરાવજો.’

મેં પૂછ્યું, ‘સારામાં સારી એટલે?’

‘મારે ચીતરેલી ન જોઈએ. મારે તો પિત્તળના અક્ષરોવાળી નેઇમ-પ્લેટ કરાવવી છે.’ ‘તને ખબર છે, એ કેટલી મોંઘી થાય તેની?’

‘થઈ થઈને કેટલાની થવાની છે? કંઈ બારણા જેટલી કિંમતની તો નહીં થાય ને?’

ત્યાં જ અમારા ચિરંજીવી વાતમાં ટપકી પડ્યા. કહે: ‘પપ્પા, મમ્મી ભલે, પિત્તળના અક્ષરોની કહે. હું તો સ્ટેઈનલેસ સ્ટીલના અક્ષરોવાળી નેઈમપ્લેટ કરાવી લાવીશ. જિંદગીભર જોવાનું જ નહીં!’

જ્યારે અમારા ચિરંજીવીએ સ્ટેનલેસ સ્ટીલના અક્ષરોવાળી નેઇમ-પ્લેટની વાત કરી ત્યારે હું લગભગ હબક જ ખાઈ ગયો! આજની મોંઘવારી, બારણું કરાવતાં થયા હતા એથી નેઇમ-પ્લેટ કરાવવામાં વધારે પૈસા ન થાય તો જ નવાઈ! બારણાં તો સુદામાના દૂબળા શરીર જેવાં હતાં. એના પર કીમતી નેઇમ-પ્લેટ મુકાવીએ તો ઘરડી ઘોડીને લાલ લગામ ચડાવ્યા જેવું જ થાય! ખેર! પણ શ્રીમતીજી ને ચિરંજીવીના સંયુક્ત મોરચા આગળ આપણું કેટલું ચાલે!

મેં નેઇમ-પ્લેટની હા કહી એટલે તુરત જ અમારા ચકોર ચિરંજીવી કહે: ‘પપ્પા, પણ આપણે સારામાં સારી નેઇમ-પ્લેટ કરાવીએ તો એના માટે બારણાં પણ બરોબર – સારાં જોઈએ. કમમાં કમ આ જે કલર છે એ તો ન જ ચાલે. નેઇમ-પ્લેટ સારું બૅકગ્રાઉન્ડ હોય તો આકર્ષક લાગે!’ ચિરંજીવીની વાત કાઢી નાખવા જેવી નહોતી. આજની પરિસ્થિતિમાં બૅકગ્રાઉન્ડ વગર નથી નોકરી મળતી, નથી છોકરી. બૅકગ્રાઉન્ડ વગર સરખી રીતે જીવન ગુજારવુંયે મુશ્કેલ થઈ જાય! નેઇમ-પ્લેટનેય બૅકગ્રાઉન્ડ સારું જોઈએ! મેં એ બધો અંદાજ માંડ્યો ત્યારે જ ખ્યાલ આવ્યો કે બધું કરતાં સહેજેય ચારસો-પાંચસોના ખર્ચમાં પેસી જવાય! જ્યાં પંદરના વાખા હોય ત્યાં ચારસો-પાંચસો ક્યાંથી કાઢવા?

મેં છેવટે લગભગ હાથ ઊંચા કર્યા જેવું કરી શ્રીમતીજીને કહ્યું, ‘તમે નેઇમ-પ્લેટની વાત કરો છો, પણ અત્યારે ખરો સવાલ તો, પાછલી બાજુનાં રસોડાનાં બારણાં ઊધઈથી ખવાઈ રહ્યાં છે તેના રિપેરિંગનો છે. એ પહેલું કરવું પડશે. નામનું તો પછી થશે.’ બંનેય જણ મારી આ પાણીમાં બેસી જવાય એવી વાત સાંભળી રહ્યાં. પછી થોડી વાર પછી ચિરંજીવ કહે: ‘પપ્પા, કોઈ વાંધો નથી! તમે એક કામ કરો, મને હથોડી ને ચાર ચૂકો આપો. કાગળ મારી પાસે છે. હું એમાં તમારું નામ ચીતરી દઈને ચોડી દઉં છું બારણા પર!’

શ્રીમતીજી કહે: ‘હમણાં તો તું સ્ટીલના અક્ષરોની વાત કરતો હતો. હવે આવી વાત કરે છે? મારે બારણે કશુંય લગાડવું નથી – લખાવવું નથી?’

મેં પૂછ્યું: ‘કશુંયે નહીં? ‘લાભ’ અને ‘શુભ’ પણ નહીં!’ એ સાંભળી બંનેય હસી પડ્યાં! અમે ત્રણેયે!

(હળવી કલમનાં ફૂલ, પૃ. ૨૩-૨૭)