શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૩૮. આ ઝાડ જુઓ ને...
Jump to navigation
Jump to search
૩૮. આ ઝાડ જુઓ ને...
આ ઝાડ જુઓ ને મૂળિયાં લઈને અહીંતહીં બધે ફરે છે!
દેશકાળની માટીમાંથી જે ઊખડેલું,
જેની ભીતર મૃગજળ કેવળ ફરી વળેલું,
એ લીલાંછમ સ્વપ્ન સેવતું, પાન ખેરતું ર્હે છે.
તડકાઓની હૂંફ છતાં ના હિમ ઓગળતું એનું,
પવન ઘણુંયે મથે, પુષ્પનું દ્વાર ન ખૂલતું એનું,
ઝરમરમાંય નથી કોળાતું,
ટહુકામાંય નથી મ્હોરાતું;
પોતાનાં થડ-ડાળ-પાંખડાં એથી છિન્ન થયેલું,
પોતાના આકાશ થકીયે પોતે ભ્રષ્ટ થયેલું;
પોતાને પોતાના લોચન-જળે સીંચતું,
પોતાને પોતામાં સ્થિર કરવાને મથતું.
કોઈ અમરફળ કાજ સતત અંતરમાં ઝૂર્યાં કરે છે,
આ ઝાડ જુઓ ને મૂળ નાખવા નિજમાં ફર્યાં કરે છે!
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૨૦)