શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૫૬. અંદર જેની છલક છલક છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫૬. અંદર જેની છલક છલક છે


અંદર જેની છલક છલક છે, એનો મારે છંદ,
અંદર જેની રણક ઝણક છે, શ્વાસે એનો સ્પંદ. –

લયમાં સરવું વાટે ઘાટે
જોવા ઝલમલ ચ્હેરા;
બે મીઠાં જ્યાં વેણ મળે ત્યાં,
અપના રૈન બસેરા! –
અંદર જેની અવરજવર છે, એનો પદ પડછંદ. –

ઝરમર ઝીલી ઝીલી મારે
ઢાળ હોય ત્યાં ઢળવું,
ક્યાંક સમુંદર ખરો આપણો,
એ ગમ હવે નીકળવું,
અંદર રસનું તાણ સખત છે, નિકટ પૂનમનો ચંદ. –

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૦૪)