શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૬૯. એને કેમ વખોડું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૬૯. એને કેમ વખોડું?



જે ઘટથી રસ પીધો ગટ ગટ,
એ ઘટને શું ફોડું?
જે ડાળે મેં માળો બાંધ્યો,
એ જ ડાળ શું તોડું? –

જે પાંખે મેં ગગન ઉઘાડ્યાં,
એ પાંખો શું પથ્થર?
જે આંખે રસરૂપ બતાડ્યાં
એ આંખો અવ કટ્ટર?
જે દીવે જગમાયા પરખી
એને શું તરછોડું? –

જે માટીમાં અવાજ ઊઠે,
જે માટીથી તેજ;
જે માટીએ ઝમી ઝમીને
પાયાં અઢળક હેજ;
તે માટીનાં ફૂલ આપણે,
એને કેમ વખોડું? –

૨૧-૪-૧૯૯૯

(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૨૮)