શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૬. ખુલ્લી હોય હથેલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૬. ખુલ્લી હોય હથેલી


ખુલ્લી હોય હથેલી
ખુલ્લો ચારે ગમ અવકાશ,
ખુલ્લા મનને ખૂણે ખૂણે
ઢગ પંખીનો વાસ!

પંખીડાં આ ફરરરક્ કરતાં
જાય ઊડ્યાં… ઓ જાય…!
પાછળ કસબી કોર કશી તડકાની તગતગ થાય!

વાટ મૂકી જ્યાં ચરણ ચલ્યાં, પગલીએ ઠેકી વાડ!
આ ગમથી જો ઝરણ મળ્યાં, તો ઓલી ગમથી પ્હાડ!

ઝરણાંને હું પગમાં બાંધી નાચું,
માથે મેલી પ્હાડ છમકછૂમ નાચું,
અને ગુંજીને
એવી ફૂલના મનમાં મૂકું વાત…
રાત પડે તે પહેલાં
રમવા લાગી જાય પ્રભાત!

(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૨૮)