શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૬. નંદનું સાચું રૂપ સંકુલતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૬. નંદનું સાચું રૂપ સંકુલતા


નંદ કેટલાક દિવસથી પોતે પોતાની અંદર છુપાઈ જવા મથે છે. નંદ ઇચ્છે છે કે સૌ કોઈ પોતે હોય નહિ એમ જ વર્તે. કાચની બારીમાંથી જોતાં કોઈ કાચની નોંધ ન લે એમ એની પણ નોંધ ન લેવાય. નંદ એના સમગ્ર અસ્તિત્વને કાચ જેવું પારદર્શક બનાવવા મથે છે પણ એ શક્ય છે ખરું?

નંદને હમણાં હમણાં કોઈની સાથે વાત કરવી ગમતી નથી. વાત કરતાં જે શબ્દ મુખમાંથી સરે છે એ શબ્દનું શું થશે એની એને સતત ચિંતા થાય છે. શબ્દ હોઠ ભીંસીને હૃદયમાં સંઘર્યો હતો ત્યાં સુધી ઠીક હતું. એથી શબ્દનો ભાર લાગતો હતો, એક પ્રકારની રૂંધામણનો અનુભવ થતો હતો એ સાચું; પરંતુ શબ્દ હોઠમાંથી બહાર નીકળી પડ્યા પછી પણ નંદને શાંતિ થતી નથી. એ શબ્દ अના મનમાં શું કર્યું હશે, बને આનંદ આપ્યો હશે કે આઘાત? क એ શબ્દ સાંભળીને કેમ અવિચલ રહ્યો? એ શબ્દ નંદ અને બીજાઓ વચ્ચે જાણે સેતુ થવાની ક્ષમતા ગુમાવી બેઠો છે. નંદની આ ભારે વેદના છે! ભાષા છે પણ સં-ભાષણ નથી. નંદ પોતાને બીજાઓથી દબાયેલો અનુભવે છે. નંદને કોઈએ એકાંતવાસની સજા ફટકારી હોય એમ લાગે છે. આ અતિજ્ઞાનનો શાપ નથી, હોઈ શકે તો કદાચ સમ્યગ્ (?) જ્ઞાનનો શાપ હોય.

નંદને પહેલી વાર એમ લાગ્યું કે પોતાનું અહીં આવવું – રહેવુંટકવું એનો શોક કે આનંદ નકામો છે. કોઈએ એના આવવાની પ્રતીક્ષા કરી નહોતી ને આવ્યા પછી પણ કોઈએ એની વિશેષ નોંધ લીધી હોય એમ પણ બન્યું નથી. દરેક પોતાને માટે જીવે છે. ‘સ્વ’ સિવાયના કોઈ અર્થની કોઈને ખબર નથી. ખબર છે એમ માનીને બોલનાર માત્ર મિથ્યાભાષી જ છે અને તેથી ‘પ્રેમ’ ને ‘સમર્પણ’ની ભાષા પોકળ બની ગઈ છે. નંદને પ્રેમની ભાવનાનો નશો ચઢી શકતો નથી અને તેથી નંદ અસ્તિત્વના કઠોર સત્યના ભાને થતી વેદનાને ઢાંકી શકતો નથી.

નંદ અહીં રહે કે જાય – કોને કોની પડી છે? કરોડો પીળાં પાંદડાંમાં એક ‘નંદ’ નામનું પાંદડું પણ હોઈ શકે. નંદ જો પોતે પોતાને આથી વધારે વજન આપતો હોય તો એમાં ભૂલ તો નંદની જ રહેવાની. નંદનું આવવું, રહેવું ને જવું – આ કશું અકસ્માત નથી અને તેથી હવે વિસ્મય રહ્યો નથી, નંદને તેથી જ કશુંયે ઇચ્છવાની હિંમત થતી નથી. સ્વભાવની ગતિ એવી છે કે નંદને કંઈ ને કંઈ ઇચ્છાઓ થયા કરે છે; પરંતુ નંદ જાણે કે આ ઇચ્છાઓનું હોવું ન હોવું, એ ઇચ્છાઓનું શમન કે અશમન – એમાં એનું કર્તૃત્વ કે અકર્તૃત્વ કશું નથી.

નંદને આ મનોદશાએ ભારે એકલો પાડી દીધો છે. એકલતા જ નંદના અસ્તિત્વનું એક સત્ય છે, પરંતુ પોતે એકલો નથી એ ભ્રમમાં વરસો સુધી જીવ્યા પછી એકલતાની સ્થિતિનો અનુભવ કરવો એના હૃદયને તો ભારે આઘાતજનક લાગ્યો છે. કોણ ચીજ છે આ હૃદય? આ આંખ, કાન, નાક બધું શા માટે છે? એનાથી શું જોવાનું છે, સાંભળવાનું છે અને સૂંઘવાનું છે? આ બધું કરીને શું મેળવવાનું છે અથવા શું સિદ્ધ કરવાનું છે? આ બધાના ગમે તે જવાબો હોય, છેવટે આ બધા પ્રશ્નોનો અર્થ ‘હોવું’—‘અસ્તિત્વ’, એથી વિશેષ નથી અને તેથી વેદના કે વિસ્મયનો કોઈ અર્થ નથી.

નંદ હવે પોતાને સંયત કરવા માગે છે. પવન પ્રમાણે દિશા બદલનાર કૂકડાની સ્થિતિમાંથી એ બહાર નીકળવા માગે છે. એ ભવિષ્ય રચવા માગે છે. એ પોતાની ઇન્દ્રિયોના અશ્વોને લગામ ચઢાવી કોઈ ધ્રુવ લક્ષ્ય તરફ લઈ જવા માગે છે. નંદ પોતાના જીવનનો નિયંતા થવા માગે છે અને તેથી જ નંદ વિધિનિષેધોની સંકુલ બૂહરચના કરી પોતાની ઇચ્છાની પરિપૂર્તિ માટે એક યુદ્ધ ખેલી લેવા માગે છે.

આ નંદ પેલા પવનચક્કી સામે તલવાર કાઢીને ઊભા રહેલા દૉન કિહોતીનો જ અવતાર નથી? અને છતાં આ નંદ પેલા દૉન જેમ હાસ્યપાત્ર લાગતો નથી. નંદનું અહં નંદ તરીકેની પોતાની સ્થાપનાના પુરુષાર્થમાં રહેલું છે. એ પુરુષાર્થ નિષ્ફળ જાય તોયે શું? નિષ્ફળ જવાને જ નિર્માયેલા પુરુષાર્થમાં ખુવાર થનારની મૂર્ખતા પર કોઈ હસે, કોઈ એના પ્રત્યે દયા બતાવે એમ બને; પરંતુ અહીં હસનાર કે દયા દાખવનાર વધારે હાસ્યપાત્ર છે. નંદને પેલા સમ્રાટનો દાખલો યાદ છે. સમુદ્રનાં ઊછળતાં મોજાં નંદના શાસનને વશ થવાનાં નથી. નંદને ખબર છે કે જે ગણિતબુદ્ધિથી એક વત્તા એકનો જવાબ બે લાવી શકાય છે એ ગણિતબુદ્ધિથી જિંદગીમાં સરવાળા-બાદબાકી થઈ શકતાં નથી. ત્યાં એકડો ને મીંડું, ગુણાકાર ને ભાગાકાર, સરવાળા ને બાદબાકી — આ બધાંનું કોઈ એવું યંત્રતંત્ર છે કે એમાં બહુ બહુ તો દાખલો ગણવાના પુરુષાર્થનો જ આનંદ લઈ શકાય. દાખલો ખોટી રીતે ગણાય છે કે સાચી રીતે, દાખલાનો જવાબ મળશે કે નહિ અને મળશે તો સાચો હશે કે ખોટો – એ બધા પ્રશ્નો, તો સમજો ને કે, બિનજરૂરી – અપ્રસ્તુત છે. નંદને ક્યારેક થાય છે કે જે દાખલો પોતે ગણતો રહ્યો છે એનો જવાબ કદાચ શૂન્ય જ હશે; પણ એ તો માત્ર ધારણા છે. એનો સાક્ષાત્કાર હોત તો તો…

પણ નંદને પોતાની કેટલીક ઇચ્છાઓ છે. એના માટે રાતદિવસ મથે છે. એ વાંચે છે, લખે છે, સમય મળ્યે અલકમલકની વાતો કરે છે. આ બધું કોઈ અગ્નિમાં ઇંધન રૂપે હોમાતું રહે છે. અગ્નિ પ્રજ્વલિત રહે છે. પ્રકાશ અને હૂંફ મળતાં રહે છે. મનુષ્યની મનુષ્યતાનો આકાર આમાંથી પ્રગટતો રહે છે અને એ નંદનું જીવન છે અથવા મનુષ્યનું જીવન છે. નંદ મનુષ્ય તો કઈ રીતે મટી શકે? એમ મટવાનું એના હાથમાં નથી. એ પોતાનો બહિષ્કાર કરી શકે, પોતાનાથી છૂટી શકે તો તો ક્રાંતિ થાય. આ બ્રહ્માંડનું વિશાળ વૃક્ષ મૂળસોતું હાલી ઊઠે; પરંતુ નંદ એ કરી શકશે ખરો? નંદનો આજનો મિજાજ એવો છે કે એ આવા પ્રશ્નો સાંભળવા પણ માગતો નથી. એ તો મનુષ્ય તરીકેના પોતાના પદનું ગૌરવ સ્થાપિત કરવા મથે છે. એ એના હાથ-પગને. મગજને બનતી ગતિએ ચલાવે છે. આ વિશ્વસમસ્તની ગતિમાંથી પોતાની ગતિને અલગ તારવી લેવા – અલગ રીતે પામી લેવા મથે છે. એની મથામણમાં એ ભારે વિશ્વાસથી લાગેલો છે. નંદ – પેલો નિષ્ક્રિય નંદ – એને આ રીતે સક્રિય થયેલો જોવાનો આનંદ છે. એક શુક પિંજરના સળિયાને તોડવા મથે છે. બહારથી જોનાર જાણે છે કે એ સળિયા તૂટવાના નથી, પણ છતાંય જોનારને એ શુકની ઉગ્ર મથામણ જોવાની મજા આવે છે. નંદનો આ પ્રયત્ન એ રીતે જોનારને આનંદ આપે છે. પણ આ નંદને જોનારો પણ કદાચ પિંજરની બહાર નથી, અંદર છે – નંદની અંદર છે. એક નંદ જીવે છે, બીજો નંદ જુએ છે અને લખે છે. કદાચ નંદ બે નહિ પણ અનેક છે. એના એક ચહેરામાં અનેક ચહેરાઓ ભળી ગયેલા છે અને તેથી નંદની વાત સાચી છે ને તે સાથે સંકુલ પણ છે; કેમ કે, નંદનું સાચું રૂપ સંકુલતા છે.

(નંદ સામવેદી, પૃ. ૪૦-૪૨)