શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૭૪. સ્વરસપ્તક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭૪. સ્વરસપ્તકसा

અંધકારની ઘેરઘટામાં કળી મોગરાની જે ફૂટી–सा!
સૂનકારની શાન્ત હવામાં એક પરીએ સુવાસ ઘૂંટી –सा!

દૃગે ગહનતા તગે,
રણકો ઊંડો રગે,
સ્રવે સ્નિગ્ધતા,
ભરે રિક્તતા,
તાજો તાજો સૂર્ય આંગણે ઝગે!

પારેવાને ગળે ઘૂંટાતું,
તેજ ભૂખરું રાતું રાતું,
સઘન સૂરની સેર હવે જે હળવે હળવે છૂટી – सा!

रे

रेની રણઝણ જાગી,
મનની ડાળ ડોલવા લાગી!

બંધ બારીએ તડકા ઊતર્યા,
બંધ છીપમાં મોતી,
બંધ આંખમાં ગગન પારના
પ્રગટ્યા અપલક જ્યોતિ!
ભીંત ભીતરે ભાંગી! –

કિરણ કિરણમાં સપ્ત રંગના
ઊડતા થયા ફુવારા!
એક રાધિકાની રૂમઝૂમમાં
નાચે નંદ-દુલારા!
સુરતા વેણે વાગી! –


ગહન ગુહામાં ગુંજે ग ગાંધાર!
શૂન્ય શિખરથી સ્રવે ચંદની-ધાર! –

પર્ણે પર્ણે પુલકિત ઝાંય,
અંદર સ્પર્શે અમિયલ છાંય,
અહો! બાહુને બંધ ગેબ-ગિરનાર! –

પુષ્પિત પુષ્પિત પ્હાડ,
મ્હેકે મત્ત ઉઘાડ,
પ્રસન્નતાનો પલ પલ પારાવાર! –


म મધ્યમનો મેળ માણીએ,
મધુમયતાનું નૂર નાણીએ!

શાન્ત સરોવર, શાન્ત વમળ,
ભ્રમરસમાધિલીન કમળ!

હેત હેલનું ઝમે,
હોઠ પર નરી મુગ્ધતા રમે!
લયની તે શી લહર જાણીએ!

માનસસરમાં સરે મરાલ!
મૌક્તિકમય પટ ખૂલે વિશાળ!
સ્વર્ણ મીન શાં ચલે!
મનમાં મધ કંઈ મળે!

મધુરપનું શું મૂળ પ્ર-માણીએ!


प પંચમ પડછંદે બોલે,
ભેદ ભીતરના ખોલે! –
નસ નસ તંગ,
ભાવ ત્રિ-ભંગ,
રગ રગ રંગ,
અંગ અનંગ,
મનનાં મોતી ઊછળે છોળે છોળે,
પડછંદે પડછંદે ભીતર કોળે! –
ડમક ડમકે ડમરુ,
ઘમાક ઘમકે ઘૂઘરું,
શંખ-ઘોષમય
ઘન-ગર્જનમય
મહાસિન્ધુ શો બુન્દ બુન્દમાં ડોલે!
હેરતથી ભરપૂર હૃદય હિલ્લોળે! –


धैवतની રસધારા,
ભેદે ભીતર કારા!
કાંટામાંથી કૂંપળ ફૂટે…
પીંછામાંથી પંખી ઊઠે,
ઊંડે ઊંડે શાંત સ્રોતમાં સરતી એક શિકારા! –
મુઠ્ઠી ઊઘડે, ઊછળે ફૂલ,
સૌરભનું ત્યાં ઊડે દુકૂલ!
સહજ લીલામય લહરે કોળે અંતરના સૌ ક્યારા. –

नि

निषादનાં નયનોમાં નાચે મનની મોહક માયા!
અંતરના એકાન્તે એની છવાય અમિયલ છાયા! –

કોઈ માંડતું અંદર મહુવર,
રહે ખોલતું ગેબી ગહ્‌વર,
એક નાગિણી જાગી નાચે, મોહનમંત્ર ચલાયા!
કણ કણ માટી સ્પંદે,
શ્વાસ વહે નવ છંદે,
સકલ ચેતનાના ચમકારે દ્હેરે દીપ ચડાયા!

(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૯૩)