શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૭૮. નથી બરદાસ્ત થતી આ ઉંબરિયાળ અવસ્થા...)
રના, નહીં ઘાટના!
અમારે તો આ પા નહીં ખાટલો, ઓ પા નહીં પાટલો.
અમે તો, ઈંટ પર જેમ વિઠ્ઠલ,
એમ જ આ ઉંબર પર અટલ!
અમે આમ તો જોતા જ હોઈએ, પણ તે દેખાડીએ કોને?
અમે આમ તો બોલતા જ હોઈએ, પણ તે સંભળાવીએ કોને?
કોણ સાંભળે?
ને કોણ દે પડઘોય તે?
એક પા અકલ એકાન્ત,
બીજી પા વિકલ વેરાન,
એક પા અતિપરિચયાત્ અવજ્ઞા,
બીજી પા અતિપરિચયાત્ કુશંકા.
અમારાથી નથી રહી શકાતું ઘરમાં,
નથી જઈ શકાતું ઘરબહાર.
અમે તો ઉંબર પર અટવાયેલા
ફસડાયેલા
ખોડાયેલા!
તલેતલ ત્રિશંકુના જ તોલ અને તાલના!
જનમ ધરીને આજ લગીમાં તો દીઠું જ હોય ને અઢળક?
પણ ક્યાંય દેખાય છે એની લેશ પણ અસર કે અણસાર?
જનમ ધરીને આજ લગીમાં તો સાંભળ્યું જ હોય ને મબલક?
પણ ક્યાંય વરતાય છે એની જરાતરાય ભણક કે ભણકાર?
અમારું તો જોયેલું ને જાણેલું બધું જ જર્જરિત!
અમારું તો સાંભળેલું ને સંઘરેલું બધું જ ક્ષીણ!
અમે તો આડેધડ ઢોળાઈ ગયા પથ્થર પર પાણી થઈ!
કોણ ઉગારે અમને?
કોણ ઉદ્ધારે?
શું નરસિંહના પ્રાકટ્યની પલ હજુ નહીં પાકી હોય?
અરે! અમારી હિરણ્યકશિપુતાનો ભેદણહાર!
કોઈ જાણતલ તો આવો!
કોઈ તો ઉકેલી કાઢો અમને અંદર-બહારથી;
કોઈ તો મુક્ત કરો અમારામાં ભીંસાતી
પ્રહ્લાદીય શક્તિને;
હવે નથી વેઠાતી આ ઉંબર પર અમને જ
બાંધી રાખતી ભીંસ;
અમારાથી નથી બરદાસ્ત થતી
આ ઉંબરિયાળ અવસ્થા!
(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૨૮)