શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૮૦. કયા રસ્તે કોણ આવે શી ખબર?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૮૦. કયા રસ્તે કોણ આવે શી ખબર?



કયા રસ્તે કોણ આવે શી ખબર?
અહીં તો વાડ એટલાં છીંડાં,
દીવાલ એટલાં બાકોરાં,
રખોપાં એટલા જ ઉચાટ!
અહીં તો રાત-દહાડાના કુટારા ને જાગરણ.
કઈ ભાગોળે કઈ ભેંસો હશે કોને ખબર?
પણ અહીં તો ભારેની ધમાધમ!

જન્મ્યા પછી અહીં સૂતું છે જ કોણ?
જીદે ચઢીને ચરવા નીકળી પડેલી બકરીઓ પાછી ફરી નથી!
પેલાં સફેદ કબૂતર ગયાં તે ગયાં…
પાછાં આવ્યાં જ નથી!

ધરતી જખ્મી છે,
આકાશ તરડાયેલું,
દરેક ક્ષણ કેમ લાગ્યા કરે છે લોહિયાળ?
ઉપલાણેથી વહી આવતા પાણીમાં
નર્યો લાલ રંગ શાથી?
જે પાણી જોયું જતું નથી
તે પિવાશે તો કેમ કરી?
કોનાં કરમ ફૂટ્યાં
ને તરસનાં માર્યાં તૂટ્યાં
કે વહી આવ્યાં આ તરફ
વરુઓની વસાહતમાં?
અંદર કશુંક ભડભડે છે.
ઘુમાય છે – ગોટાય છે બધું અંદર-બહાર!
નથી ઉઘાડી શકાતાં બારી-બારણાં
કે નથી બંધ થઈ શકતી આંખો!
મારા ઘરના એકેએક ખૂણામાં
કોઈ હિંસક આંખોની ચમક!
બારીએ ને બારણે ભુખાળવાં જડબાંની લપક!
રીંછ આવશે કે વરુ?
આ પાથી ધાશે કે પેલી પાથી?
હાથ પાણી પાણી!
પગ માટી માટી!
શું આ મારું ઘર જ મારું કતલખાનું?
આ વરુઓના દાંત ને નહોર
કેમ લાગે છે મને મારા?
જાણે હું કોળિયો થઈ રહ્યો છું મારી ભૂખનો!
હું જ બકરી ને હું જ વરુ!
ક્યાં ભાગું?
કેમ બચું?
બાળપણમાં બકરીના બચ્ચા ને વરુની વાત કહેનારી
ને એ કહેતાં કહેતાં નીંદરમાં ઢબૂરી દેનારી
– પેલી મીઠી મીઠી હથેલી ક્યાં?

અત્યારે તો
બકરીને માથે વકરીને વિકરાળ બન્યાં છે વરુ
– મારી અંદર ને મારી બહાર!…

(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૩૫)