શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૯૨. – ને છતાં ખડો છું...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૯૨. – ને છતાં ખડો છું...ભીની હવા,
ભીના શ્વાસ

ભીંતોમાં ભેજીલી વાસ.

બારીઓ બંધ,
રસ્તાઓ થાકેલા ને હતાશ.

ઊખડેલા ઉંબર,
ઊજડેલાં અંતર.
પાન તૂટેલાં,
ગાન બટકેલાં,
ખંડેરોમાં ખડખડતી પાનખરની પીળાશ!

હું ખડો છું :
દંડો છે હાથમાં,
ગલ્લી છે ગબ્બી પર,
પણ ઈકતો નથી ગલ્લી…
દાવનો ભાર છે માથે
ને છતાં ખડો છું :
ઈકતો નથી ગલ્લી,
ગલ્લી ગબ્બી પર છે છતાં…

બંધિયાર હવામાં
લકવાયો છે દંડો હાથમાં…

(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૧૦)