સંચયન-૬૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search
Sanchayan final logo.png
સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક
બીજો તબક્કો
સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ


Sanchyan-60-title.jpg
સંચયન - ૬૦


અનુક્રમ

સંચયનઃ બીજો તબક્કો: અંક - ર: ડિસેમ્બર - ૨૦૨૩


  • સમ્પાદકીય
    • ગ્રંથાવલોકન માટે જગા છે ખરી? ~ કિશોર વ્યાસ
  • કવિતા
    • વાડ વગરના વેલા ~ બાબુ નાયક
    • વાડો ~ બાબુ નાયક
    • પાનખર ~ હરીન્દ્ર દવે
    • થાક લાગે ~ હરીન્દ્ર દવે
    • મઝધારે મુલાકાત ~ હરીન્દ્ર દવે
    • તમે થોડુંઘણું ~ હરીન્દ્ર દવે
    • મેણાં બોલ મા ~ હરીન્દ્ર દવે
    • કપાસનું ફૂલ ~ હરીન્દ્ર દવે
    • પિંજરામાં રહી ગઈ કાયા ~ હરીન્દ્ર દવે
    • ઝેરનો કટોરો ~ હરીન્દ્ર દવે
    • તમે યાદ આવ્યાં ~ હરીન્દ્ર દવે
    • ગઝલ ~ હર્ષદ સોલંકી
  • વાર્તા
    • મિસ યુ રાહુલ ~ કોશા રાવલ
  • નિબંધ
    • ત્રિકાલ ~ દિગીશ મહેતા
  • સાહિત્ય જગત
    • સર્જકતા... ~ પ્રમોદકુમાર પટેલ
    • ભૂલો સુધારવાની તત્પરતા છે ખરી? ~ જયંત કોઠારી
  • કલા જગત
    • ગીવ પટેલ સાથે જે. સ્વામીનાથનની વાતચીત ~ અનુવાદ/સંકલન: કનુ પટેલ
  • ગુજરાતી ઑડિયો વાર્તાસંપદા

પ્રારંભિક

એકત્ર ફાઉન્ડેશન : USA

તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)

સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ) : ૨૦૨૩
અંક - ર : ડિસેમ્બર ૨૦૨૩
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : જે. સ્વામીનાથન

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪


આ અંકનું પ્રકાશન : તા. ૩૧/૧૨/૨૦૨૩



Ekatra Logo black and white.png

એકત્ર ફાઉન્ડેશન

અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર

મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા

Sanchayan Art work 1.png
Sanchayan Titile Gujarati Art work.png

(પ્રારંભઃ ઓગસ્ટ, 2013)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ (ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ર૦/૦૮/૨૦૨૩ (ઓગસ્ટ, ૨૦૨૩)

Sanchayan Art work 1.png

જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.

Sanchayan 60 Pic 2.jpg

JAGDISH SWAMINATHAN (1928-1994)
Untitled (Bird, Tree and Mountain Series)
signed and dated ‘J. Swaminathan ‘86’ (on the reverse)
oil on canvas
45 ¾ x 31 ¾ in. (116.2 x 80.6 cm.)
Painted in 1986

અનુક્રમ

ચયનઃ બીજો તબક્કો: અંક - ર: ડિસેમ્બર - ૨૦૨૩

  • સમ્પાદકીય
    • ગ્રંથાવલોકન માટે જગા છે ખરી? ~ કિશોર વ્યાસ
  • કવિતા
    • વાડ વગરના વેલા ~ બાબુ નાયક
    • વાડો ~ બાબુ નાયક
    • પાનખર ~ હરીન્દ્ર દવે
    • થાક લાગે ~ હરીન્દ્ર દવે
    • મઝધારે મુલાકાત ~ હરીન્દ્ર દવે
    • તમે થોડુંઘણું ~ હરીન્દ્ર દવે
    • મેણાં બોલ મા ~ હરીન્દ્ર દવે
    • કપાસનું ફૂલ ~ હરીન્દ્ર દવે
    • પિંજરામાં રહી ગઈ કાયા ~ હરીન્દ્ર દવે
    • ઝેરનો કટોરો ~ હરીન્દ્ર દવે
    • તમે યાદ આવ્યાં ~ હરીન્દ્ર દવે
    • ગઝલ ~ હર્ષદ સોલંકી
  • વાર્તા
    • મિસ યુ રાહુલ ~ કોશા રાવલ
  • નિબંધ
    • ત્રિકાલ ~ દિગીશ મહેતા
  • સાહિત્ય જગત

સર્જકતા... ~ પ્રમોદકુમાર પટેલ ભૂલો સુધારવાની તત્પરતા છે ખરી? ~ જયંત કોઠારી

  • કલા જગત

ગીવ પટેલ સાથે જે. સ્વામીનાથનની વાતચીત ~ અનુવાદ/સંકલન: કનુ પટેલ

સમ્પાદકીય

ગ્રંથાવલોકન માટે જગા છે ખરી?

‘જ્યાં સુધી પુસ્તક પરીક્ષાનું ઈલાયદું ચોપાનિયું ન નીકળે ત્યાં સુધી વિવેચન માટે વિલંબ ન થાય એવી અધિપતિમાત્રને હું અરજ કરું છું.’ (શેઠ વલ્લભદાસ પોપટ, વિજ્ઞાન વિલાસ, નવે-ડિસે, ૧૮૮૨) ગુજરાતી ભાષામાં જ નહીં, કોઈપણ ભાષામાં ગ્રંથાવલોકનનો ભારે મહિમા છે કેમકે તાજેતરનાં પ્રકાશનો સાહિત્યની ગતિવિધિનો એક આલેખ પૂરો પાડતાં હોય છે. પ્રકાશનની જાણકારી સાથે એ ઉત્તમ પુસ્તકોની તારવણી કરી આપતાં હોય છે. કવિતા, વિવેચન અને સંશોધનનાં પુસ્તકોને બદલે ચરિત્રાત્મક કે પ્રેરણા આપનારાં પુસ્તકો શાને આટલાં વધી રહ્યાં છે એ વાત પ્રકાશિત થયેલી આ સમક્ષાઓ પરથી આપણે તરત જાણી શકીએ છીએ. સાહિત્યજગતમાં સ્થિર થયેલા પ્રથિતયશ સર્જકનો નવો સંગ્રહ હોય કે કોઈ નવો આશાસ્પદ અવાજ હોય, એના લખાણમાં કશુંક ટકી શકે એવું છે કે કેમ એ સર્જનને યથાયોગ્ય માણનારો સમીક્ષક આપણને ચીંધી બતાવતો હોય છે. સમીક્ષાના આવા લાભ વિશે પૂર્વે જે કહેવાયું છે એ ઢગલાબંધ ને બેસૂમાર છે. કેટલાંક સામયિકોએ એકથી વધુવાર ગ્રંથાવલોકન વિશેષાંકો કરીને આનું મહત્ત્વ સ્થાપિત કરેલું છે. ગ્રંથ અને પ્રત્યક્ષને આપણે ગ્રંથાવલોકનોનાં ઉત્તમ સામયિક તરીકે સ્મરણમાં લાવીએ છીએ પરંતુ હવે એ સામયિકો નથી ત્યારે શું? આપણે તરત એમ કહીશું કે સમકાલીન સામયિકોની એ ફરજ બને છે કે એમણે આવી ગ્રંથસમીક્ષાઓ પ્રગટ કરવી. આવાં સામાયિકોમાં ગ્રંથાવલોકન કેન્દ્રમાં નથી. અન્ય સામગ્રી પણ છાપવાનો દાબ હોવાથી તેઓ પૂરતા પ્રમાણમાં સમીક્ષાઓ પ્રગટ કરી શકતાં નથી અને ક્યારેક તો આવી સમીક્ષાઓ મેળવવાની ઉદાસીન સ્થિતિને કારણે એવી સમીક્ષાઓ પ્રગટ કરવાની જ રહી જાય છે જે થવી જોઈતી હતી. કહે છે કે ગુજરાતી ભાષામાં દર વર્ષે લગભગ પાંચસો જેટલાં પુસ્તકો પ્રકાશિત થાય છે! એમાંના પંદર-પચીસ પુસ્તકોની વર્ષમાં સમીક્ષાઓ પ્રગટ કરનારાં સામાયિકો કેટલાં છે? જાણે આપણને આવા પ્રતિભાવ આપવાની દરકાર જ નથી અને એ કારણે અત્યંત મહત્ત્વની રચનાઓ વિશે એકાદ સમીક્ષા લેખ પણ જો પ્રગટ થાય છે તો આનંદ થાય કે ચાલો, કોઈની નજર તો સાવધાનપણે ફરી રહી છે. એક વર્ષનાં મહત્ત્વનાં પુસ્તકોની યાદી કોઈ કરે અને એમાંનાં એવાં કેટલાંક પુસ્તકોની નોંધ તૈયાર કરે કેજેની સમીક્ષા થવા પામી હોય તો એ ચિત્ર આપણને ઘણું પ્રક્ષોભ કરનારું નિવડે એમ છે. શિરીષ પંચાલ એક જગાએ કહે છે કે, ‘જો કોઈ સમીક્ષા લખી આપતું ન હોય તો સંપાદકે જાતે સમીક્ષા લખવાની તૈયારી દાખવવી પડે!’ ભાગ્યે જ કોઈને યાદ હશે કે કોઈ સંપાદકે આજકાલમાં આવી સમીક્ષાઓ લખી આપી હોય. સરવાળે સામયિકોમાં એક-બે સમીક્ષાઓથી આપણે સંતોષ પ્રાપ્ત કર્યા કરીએ છીએ. ગુજરાતમિત્ર કે દિવ્યભાસ્કર જેવાં અખબારો દર સપ્તાહે પ્રકાશિત પુસ્તકોની કમ સે કમ જે નોંધ લે છે એ આપણને આશ્વસ્ત કરે. આ બાબતે સંપાદકોની એક દલીલ એવી છે કે અમને પુસ્તકોની અભ્યાસપ્રદ સમીક્ષા કરનાર મળતા નથી. આ દલીલમાં પણ વજૂદ છે. સારગ્રહી કે ગોળગોળ સમીક્ષાથી આપણું દળદર ફીટે એમ નથી. વળી, ઝીણું કાંતનાર, લાગ્યું એવું લખવાની ટેવ ધરાવતા સમીક્ષકો જ આપણે ત્યાં કેટલા છે? લેખકને પોતાને અનુકૂળ પ્રતિભાવ સ્વીકારવાની ઘણી હોંશ હોય છે પરંતુ જરા સરખી ટીકા ખમી ખાવાનું કૌવત કેળવાયું ન હોવાથી સમીક્ષક જાણે દુશ્મન બની બેસે છે! આવા સમયે મેઘાણીએ નાથાલાલ દવેને પુસ્તક સમીક્ષામાં દોષ બતાવવામાં આવે ને તે ન ગમે તો એનો ઉપાય દર્શાવતાં કહ્યું હતું કે, ‘એવો દોષ ગમાડવાની લેખકે ધીરે ધીરે ટેવ પાડવી જોઈએ.’ તેઓ આગળ કહે છે કે ‘I Review the book, and not its man.’(હું પુસ્તકનું અવલોકન કરું છું. લેખકનું નહીં.) સમીક્ષાના આવા અનેક પ્રશ્નોની વચ્ચેથી માર્ગ શોધીને આપણે નવાં નવાં ઉત્તમ પુસ્તકોની સમીક્ષાને હાથમાં લઈએ તો સાહિત્યમાં વખતોવખત ચેતન પ્રસરતું રહે...

કિશોર વ્યાસ

શ્રદ્ધાંજલિ

પ્રો. મધુસૂદન કાપડિયા કારકિર્દીના પ્રારંભે મુંબઈમાં ગુજરાતીના અધ્યાપક હતા. વધુ અભ્યાસ માટે તેેઓ USA ગયા ને ત્યાં સ્થાયી થયા. ‘ગુજરાતી લીટરરી અકાદમી નોર્થ અમેરિકા’ - ના સ્થાપક સભ્યોમાંના અગ્રણી સભ્ય એવા પ્રો. કાપડિયા અકાદમીના અધ્યક્ષ પણ રહેલા. અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓ વડે અમેરિકાવાસી ગુજરાતી સાહિત્ય રસિકોનાં રસરુચિ ઘડવામાં એમનું વિશેષ યોગદાન હતું.

ઊંડા અભ્યાસી, નિર્મમ વિવેચક એવા પ્રો. કાપડિયાના બે વિવેચનગ્રંથો પણ માર્ગદર્શક બન્યા છે. ‘એકત્ર ફાઉન્ડેશન' સાથે જોડાઈને એ અર્વાચીન ગુજરાતી કાવ્ય સંપદાનું સંપાદન કરી રહ્યા હતા. ૮૬ વર્ષની વયે ઓક્ટોબર, ૨૦૨૩માં મુંબઈ ખાતે એમનું અવસાન થયું. એકત્ર ફાઉન્ડેશન પરિવાર એમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવે છે.

કવિતા

વાડ વગરના વેલા
~ બાબુ નાયક

આ તો વાડ વગરના વેલા
નહીં ઓથ, આધાર ન કોઈ, ઉખરમાં ઊછરેલાં.

આ તો વાડ વગરના વેલા...

કો પંખીની ચરક પડી શું, પવન ચડી પટકાણા,

ક્યાં ફાલ્યા, ક્યાં ફૂલ્યા પાછા ઘરતીમાં ધરબાણા.

નડીં ખેડ નહીં ખાતર-પાણી, ફોરાંએ ફણગેલા.

આ તો વાડ વગરના વેલા...

બે પાંદડીઓ ફૂટી ત્યાં તો જગ જોવામાં રાજી,

આજકાલ કરતાં તો એને ઝાઝી કૂંપળ બાઝી.

હરિયાળા ને હરખપદુડા, ઝાકળમાં ઝળકેલા.

આ તો વાડ વગરના વેલા...

ઝડી, ઝાળ, ઝંઝાવાતોમાં, રામ ભરોસે રેઢા,

પથ્થરમાં પથરાતા એવા પાળ નહીં કૈ શેઢા,

તુંબડિયાં ઝંખે એ રસને, તંબૂરથી ટપકેલાં.

આ તો વાડ વગરના વેલા...

ના કોઈ ધરમ-કરમ કે ના કોઈ ભેદ-ભરમની,

ના હો વાણી અવળ-સવળ ના હોયે અગમ-નિગમની.

છેડો એવા સૂર, શબદ જે સ્હેજ મહીં સમજેલા.

આ તો વાડ વગરના વેલા...
(‘ઝાકળભીનો સૂરજ’ - ૨૦૨૩ માંથી)


Babu nayak.jpg

વાડો
~ બાબુ નાયક

ઘર વ્હાલું પણ એથી અદકો ઘર પછવાડે વાડો,

ઘરનાં નાનાં-મોટાં કામો કરતાં આખો દા’ડો.

ઘર વ્હાલું...
મસ્તીનું મેદાન મોકળું, ઘરને લેતા માથે,

લેશનથી પરવારી પાછાં, રમતાં ભેરું સાથે.

કુસ્તી ને કસરતનો જાણે મલનો હોય અખાડો

ઘર વ્હાલું...
ઠીબ તાપણે, ઓળા ભડથું, પોંક શેકતાં ફોફાં,

વનભોજનનો લ્હાવો લેતાં, ગોળથી ભર્યાં ગલોફાં

કોઈને ના કૈં અણગમતું કે અમથો ન્હોય દેખાડો

ઘર વ્હાલું...
ખાંડણિયું, રાંધણિયું એમાં, પાણિયારું પરસાળે,

સાંગા માંચી, ખાટ, માંચડો, ઝૂલો લટકે ડાળે,

નાતાં, ધોતાં નાવણિયા પર મૂકી ખાટલો આડો.

ઘર વ્હાલું...
દૂધી, ગલકાં, તૂરિયાં, વાલોળ, કાળંગડીના વેલા,

ક્યારીમાં ગલગોટા ગુંજે, લીલવણ હોય લચેલાં.

પારસ જાંબુ, આંબો કલમી, ફળનાં જબરાં ઝાડો

ઘર વ્હાલું...
પંખી માળે, ઢોર ગમાણે, ગલૂડિયાં પણ બોડે,

આ સઘળો પરિવાર અમારો સુખદુઃખમાં સૌ જોડે.

વ્હાલા જણની વધામણીના વાવડ દેતો હાડો

ઘર વ્હાલું...
અભ્યાગતના હોય ઉતારા, આંધણ અહીં ઓરાતાં,

ઉત્સવ ને અવસર બધાયે, હળીમળીને થાતા

વાડાનું વડપણ પણ એવું રજવટનો રજવાડો.

ઘર વ્હાલું...
(‘ઝાકળભીનો સૂરજ’ - ૨૦૨૩ માંથી)

પાનખર
~ હરીન્દ્ર દવે

હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે,

નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!

વિલુપ્ત ગુંજનો થતાં 

રહ્યાં પ્રસન્ન રાગનાં,

લહર ગઈ સમેટી શ્વાસ

મહેકતા પરાગના;

છેલ્લું આ કિરણ જતાં સુધી જ બસ ઉજાસ છે,

નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!

હવે બિડાય લોચનો

રહેલ નિર્નિમેષ જે,

રાત અંધકારથી જ

રંગમંચને સજે,

હૃદયમાં ભારભાર છે, અધર પે પ્યાસ પ્યાસ છે,

નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!

થાક લાગે
~ હરીન્દ્ર દવે

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,

મેળાનો મને થાક લાગે;

મારે વહેતે ગળે ન હવે ગાવું,

મેળાનો મને થાક લાગે.

ક્યાં છે વાયારાની પ્રાણભરી લ્હેરી?

ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેરી?
ક્યાં એ નજરું કે જેણે મને હેરી?

સખી, અમથું, અમથું ક્યાં અટવાવું,

મેળાનો મને થાક લાગે;

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,

મેળાનો મને થાક લાગે.

એના પાવાનો સૂર ક્યાં હલક્યો?
એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો?

એના હોઠનો મરોડ ક્યાંય મલક્યો?

કહો એવા વેરાને કેમ જાવું,

મેળાનો મને થાક લાગે,

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,

મેળાનો મને થાક લાગે.

મઝધારે મુલાકાત
~ હરીન્દ્ર દવે

રૂપલે મઢી છે સારી રાત રે, સજન,

એનું ઢૂકડું ન હોજો પ્રભાત,

સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો,

હજી આદરી અધૂરી મારી વાત.

વેળા આવી તો જરા વેણ નાખું, વાલ્યમા,

એક જરા મોંઘેરું કહેણ નાખું વાલ્યમાં,

ફેણ રે ચડાવી ડોલે અંધારાં દૂર,

એને મોરલીને સૂર કરું મ્હાત;

રૂપલે મઢી છે સારી રાત રે, સજન,

એને ઢૂંકડું ન હોજો પ્રભાત.

દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં,

કેવાં રે મહોબતનાં તાણ જરા જોઈ લઉં,

મારા કિનાર રહો દૂર ને સુદૂર,

રહો મઝધારે મારી મુલાકાત,

રૂપલે મઢી છે સારી રાત રે, સજન,

એનું ઢૂકડું ન હોજો પ્રભાત.

તમે થોડુંઘણું
~ હરીન્દ્ર દવે

તમે થોડુંઘણું સમજો તો સારું

કે રાજ, વ્હેતા વાયરાને કેમ કરી વારું?

ધારી ધારીને તમે બોલ્યા બે વેણ

એની અણધારી ચોટ ઉરે લાગી;

જેનાં શમણાંમાં મીઠી નીંદર માણી’તી

એની ભ્રમણામાં રાતભરી જાગી;

ભર્યા ઘરમાં હું કેમ રે પોકારું

કે રાજ, તમે થોડુંઘણું સમજો તો સારું.

આપણી તે મેડીએ આપણ બે એકલાં

ને ફાવે તેવી તે રીત મળજો,

મોટાં-નાનાંમાં મારે નીચોજોણું છે

રહો અળગા, ને વાટ ના આંતરજો;

મોટા ઘરની હું નાની વહુવારુ

કે રાજ, તમે થોડુંઘણું સમજો તો સારું.

મેણાં બોલ મા
~ હરીન્દ્ર દવે

ઊંચા આભના પછાડથી હું ના ડરું રે,
તારાં નેણથી સરું તો મરી જાઉં રે,

નાવલિયા, ગળતી રાતે તું મેણાં બોલ મા.

ઊંડી નદિયુંના ઘોડલાપૂરે તરું રે,
તારી ઝળહળ આંખ્યુંમાં વહી જઉં રે,

નાવલિયા, ગળતી રાતે તું મેણાં બોલ મા.

ઊની આગનીય સાથ હું હરુંફરું રે,
તારા એક રે નિહાકે બળી જાઉં રે.

નાવલિયા, ગળતી રાતે તું મેણાં બોલ મા.

ઘોળ્યા વખના કટોરાને જીરવું રે,
તારો નેહ ના મળે તો ઢળી જઉં રે,

નાવલિયા, ગળતી રાતે તું મેણાં બોલ મા.

લોક ઝાઝું બોલે જરા અડે નહીં રે,
તારે વાંકે તે વેણ ટળી જાઉં રે,

નાવલિયા, ગળતી રાતે તું મેણાં બોલ મા.

કપાસનું ફૂલ
~ હરીન્દ્ર દવે

મેં તો ઓઢણાં મંગાવ્યાં ભલી ભાતનાં

ને એણે આણ્યું કપાસનું ફૂલ.

નેહથી મેં ઝાઝી વાત માંડી તો વળતામાં

આંખનો ઈશારો એણે કીધો,

ઝાઝાં ફૂલો મેં જઈ દીધાં, વ્હાલાએ એક

ફોરમનો પ્યાલો પાઈ, પીધો;

લાખેણી જીદ મારી ચાલી ના,
એક એના
 સ્મિતમાં સો વાત થૈ કબૂલ.

સપનું મેં રાતભરી જોયું ને એણે એક

મીટ નહીં સમજાવ્યો સાર,

લખ રે ચકરાવે હું ભમતી’તી એણે લીધું

હાથમાં સુકાન, બેડો પાર;

એક રે સિતારો મેં માગ્યો’તો આપ્યું એણે

આખું આકાશ આ અમૂલ.

પિંજરામાં રહી ગઈ કાયા
~ હરીન્દ્ર દવે

કોઈ આઘે આઘેથી વેણુ વાય છે

રે મને ‘જાતી રહું’ ‘જાતી રહું’ થાય છે.

લાલ લાલ આંખડીથી સાસુ જુએ છે

હોઠ મરડીને નણદી પગ પછાડે,

લ્હેરિયે ચડેલ મારાં લોચનિયાં જોઈ

ઊભો નાવલિયો બારણાંની આડે;

ઘેરા ઘેનની કટોરી કોઈ પાય છે

રે મને ‘જાતી રહું’ ‘જાતી રહું’ થાય છે.

એક એ દુવાર બંધ કીધું તો 

કેટલાયે મારગ આ આંખમાં સમાયા,

ધૂપ થઈ ઊડી હું ચાલી, સાંભળો,

હવે પિંજરામાં રહી ગઈ કાયા;

હતું છાનું એ છલછલ છલકાય છે

રે મને ‘જાતી રહું’ ‘જાતી રહું’ થાય છે.

ઝેરનો કટોરો
~ હરીન્દ્ર દવે

હવે જીરવશું ઝેરનો કટોરો,

રાણાજી, રોજ પીધો અમલ થોરો થોરો.

અમૃતની પ્યાલી જો હોય તો લગાર હજી

પીવામાં ખ્યાલ કંઈક કરીએ,

પીને હરિને અહીં ભજવા કે ઠેલીને

વૈકુંઠે હેતે વિચરીએ;

વિષના પ્યાલાથી નીલ જાગે લકીર

અને અમરતથી કંઠ રહે કોરો.

રૂંવેરૂવે તે નવી ચેતનની વલ્હેરખી

ને ચિત્ત રે ચડ્યું છે ચકરાવે,

પીવા દો ભરી ભરી ઝેરના પિયાલા

મને એનોયે કેફ ઓર આવે;

કાંઠે તો બેઠું રહેવાય નહીં લેવા દ્યો

આગના નવાણમાં ઝબોળો.

Harindra-Dave.jpg

તમે યાદ આવ્યાં
~ હરીન્દ્ર દવે

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,

જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,

એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,

જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,

એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.
જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,

જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ,

સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં.,

જાણે કાનુડાના મુખમાં વ્રેમાન્ડ દીઠું રામ,

કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યા.
કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં,

જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,

એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.
(‘ચાલ, વરસાદની મોસમ છે’ - માંથી)

ગઝલ
~ હર્ષદ સોલંકી

કોઈ મારું નામ પાડો; કોઈ બોલાવો મને!

બારણું છું; એય પાછું બંધ, ખખડાવો મને!

સાત મૃત્યુ-સાત જન્મો બાદ પણ તરસ્યો જ છું,

કંઈક ખોબામાં ભરી લાવો ને પિવડાવો મને!

કેટલા અવશેષ સ્મરણોના દફન છે આજ પણ,

છું પુરાતન કાળનું ખંડેર-ખોદાવો મને!

અર્થ પણ ભૂલી ગયો છું હું અડકવાનો હવે,

ક્યાંકથી શોધીને મારો હાથ પકડાવો મને!

ક્યાંક મારામાં ગળાવો વાવ વણઝારી હવે,

ને પછી એમાં જ રંગેચંગે પધરાવો મને!

જે સમજની બા'ર છે એ તો બધું સમજી ગયો,

જે સરળથી પણ સરળ છે એ જ સમજાવો મને!

ઊંબરે લાવી મને મૂકો; વખત છે સાંજનો,

વાટ સંકોરો, પૂરીને તેલ પેટાવો મને!
(‘મુખપોથી’: નવે. ર૦ર૩)

વાર્તા

Untitled1986 (Swaminathan).jpg


મિસ યુ રાહુલ
~ કોશા રાવલ

‘પ્રેમ એટલે શું?’ કાચની પ્લેટ સાફ કરતા વિચારું છું. મેનન અને મારી વચ્ચે છે એ. રિમી અને મારી વચ્ચે છે એ. મા અને મારી વચ્ચે છે એ. રાહુલ અને મારી વચ્ચે હતો એ. હતો ખરો? કે છે? લાગણીની રીતે ઘણાં બધાં સાથે જોડાયેલી છું. જેન્યુન લાગણી કોને કહેવાય? પ્રેમમાં શુદ્ધ કે અશુદ્ધ સ્વરૂપ હોય ખરું? પ્રેમ એટલે શું? આ પ્રશ્નો ઊભા ને ઊભા જ છે. એ રાહુલ હતો, એટલી ખબર છે. પ્રેમ હતો કે નહીં? અવઢવ વચ્ચે કાચના પ્યાલા ધોવા, હાથ ચાલ્યા કરે છે. સિંકમાં ધધડતું પાણી અને મનમાં ધધડતા વિચારો. રાહુલ, રાહુલ, રાહુલ. સતત યાદ રહેતા નામનો રણકાર મોટો થઈ જતાં હાથ અટકી ગયા. છાતીમાં થડકારો થયો. કપાળ પર હાથ ઘસી, ઊંડો ઉચ્છ(છ્)વાસ મૂક્યો. નળ બંધ કરી સિંક સાફ કરી હાથ લૂછતાં બહાર આવી. ટકટક ઘડિયાળ સામે જોયું. રોજની જેમ ફિટ સાડા આઠે ટિફિન લઈ મેનનસાહેબ ઓફિસે જતા રહ્યા. મારા મેનન સાહેબ-સિદ્ધાર્થ મેનન, એક અર્ધસરકારી કંપનીના સી.ઈ.ઓ છે. સવારથી રાત લગી એ ભલા અને એમનું કામ ભલું. એ ગયા પછી પ્લેટફોર્મ સાફ કરી છાપું લઈ હીંચકાં પર બેઠી. પાંચેક મિનિટ નજર ફેરવ્યા પછી ચારેબાજુ જોયું, વાદળો ઘેરાયેલાં હતાં. પવન પડી ગયો હતો. દૂરથી મોર ટહુક્યા અને રાહુલની એની મમ્મી સાથેની એ છેલ્લી સેલ્ફી મનમાં ઝબકી ગઈ. વાતાવરણમાં ભારે બાફ છે. અંધારિયા ઘરમાં જવાનું મન ન થયું છતાં ઊઠી. ફરીથી રસોડું ઠીકઠાક કરતી રહી પણ બેચેની ખસી નહીં. કપડાં ધોવા નાખ્યાં, ઘર ઝાપટ્યું પણ વિચાર એમ જ ચોંટી રહ્યા. બધુ કામ પતાવી ઘડિયાળમાં જોયું તો હજી દસ થયા હતા. ટકટક, શાંત ઘરમાં ટકટક... દમુ આવી. ઘરની સફાઈ કરતાં કરતાં: “લાલાને રાતનો તાવ ચડ્યો છે, આરતીની ફી ભરવાની છે.” આવી બેચાર વાત કરી, એ વાસણ ધોવા ગઈ. વર ગયા પછી દમુ ઝટપટ કામ પતાવી, બીજે જવાની લ્હાયમાં હાંફળી-ફાંફળી કામ પતાવતી હોય છે. રિંગ સંભળાઈ, રિમીનો ફોન હતો. ‘કેમ છે રિમુ?’ જવાબમાં રિમીબેનનું હોસ્ટેલપુરાણ લાંબુ ચાલ્યું. ખાવાનું કેવું ખરાબ પણ બહેનપણીઓ કેવી સારીઃ ચેન્નાઈનું વાતાવરણ ગુજરાતથી કેટલુંક અલગ જ પડે, એના સ્ટડીની; કોલેજની એવી આડીઅવળી વાત કર્યા પછી ફોન મૂકતાં પહેલાં કહે, ‘મમ્મી, પપ્પા મજામાં?’ ‘તું જ ફોન કરી પૂછતી હો તો!’ ‘પપ્પા પાસે સમય જ ક્યાં હોય છે?’ કહી એ થોડી સેકંડ ચૂપ થઈ ગઈ, સ્વસ્થ થઈ બોલી, હવે ચાર-પાંચ દિવસ પછી ફોન કરીશ. ‘વાંચજે બરોબર, પહેલા સેમની પરીક્ષા પ દિવસ પછી, રાઈટ!’ ‘ખી ખી ખી રાઈટ.’ ‘બેટા, ધ્યાન રાખજે.’ જવાબમાં એણે ‘હા મમા, લવ યુ’ બોલી ફોન મૂક્યો. હું બારી આગળ ઊભી રહી. બગીચામાં મેં અને રિમીએ સાથે વાવેલી લીલીની ક્યારીઓ પૂરબહાર ખીલી હતી. રિમી હતી ત્યારે દિવસો કેવા હર્યાભર્યા લાગતા! બગીચાની લૉન પર સૂતાં-સૂતાં, અમે ગીતો સાંભળતાં. સાથે ફૂલો ચૂંટી ફૂલદાનીમાં ગોઠવતાં, રિમી પાસે અઢળક વાતો હતીઃ શાળાની, બહેનપણીઓની, મેડમની, એનાં સપનાની વાતો. હું સાંભળતી રહેતી. ફરી ટકટક સંભળાયું. જોયું, સાડા બાર. મોબાઈલમાં નોટિફિકેશન સાંભળતા જ રાહુલ યાદ આવ્યો જો કે હવે એનો મેસેજ ક્યાં આવવાનો! એમ જ મોબાઈલ ખોલ્યો. યૂ-ટ્યૂબમાં મુકેલી ફરાળી ખાંડવીની રેસીપીને બે નવા લાઈક્સ મળ્યા હતા. વોટ્સએપ પર દસબાર ફોરવર્ડેડ સંદેશા જોયા, મોબાઈલ બંધ કર્યો. સામેવાળાં મીનાબેનની બદલી થઈ છે, એમનો સામાન ભરાતો હતો. જતાં-જતાં કહે, આસ્થાબેન, ભાવનગર આવો તો ચોક્કસ આવજો. એમને આવજો કહી, હીંચકે એમનેમ બેઠી. એટલામાં રસોડાથી થાળી પછડાવાનો અવાજઃ ઠીક ત્યારે, આવ્યા ખિસકોલીબહેન! રાહુલને ખિસકોલીની વાત કેટલી ગમતી! ઘણીવાર એ પૂછતો, તારી ખિસકું શું કરે છે? અને પેલી કચકચ કરતી સાત સહેલીઓ? મેં એને મારી આ બંને બે’નપણીઓ વિષે અગાઉ વાત કરેલી. મારી વા’લી શેતાન સાહેલીઓ પધારી ચુકેલીને! કકલાણ માચવતી સુહને ત્રણ-વાર રોટલીના ટુકડાં નીર્યાં. ખાતાં ખાતાં એ શાંત થઈ. ફરી ઘડિયાળની ટક-ટક. આજે રાહુલે પણ મનમાં કક્લાણ મચાવતી છે! એનો ફોટો જોવા મોબાઈલ હાથમાં લીધો પણ મન પાછું પડ્યું. મોબાઈલ એમનેમ બાજુ પર રાખી, બેડરૂમમાં સૂતાં-સુતાં ટીવી.માં ચેનલો ફેરવી. ફરી મોબાઈલ હાથમાં લીધો. સાચવી રાખેલો રાહુલનો ફોટો એકીટશે જોઈ મનમાં ટીશ ઊઠીઃ મિસ યુ રાહુલ. મિસ યુ સો મચ. થયું. - રાહુલને હું ઓળખું છું ખરી? ‘ઓળખવું’ શબ્દ કેટલો છળ ભરેલો છે! મેનનને હું કેટલા ઓળખું છું.? મારી રિમીને પણ ઓળખું છું ખરી? હું તો એટલું જાણું કે રાહુલ અને હું સ્વભાવે અલગ છતાં ઘણી રીતે સરખાં હતાં. ઘોડાપૂરની જેમ ખાબકતા એના વિચારોની સામે મને બચાવવા, ઢાલ તરીકે ઘરનાં કે બહારનાં ફાજલ કામ મારી વહારે આવ્યાં, દર વખતની જેમ કપડાંનો કબાટ ગોઠવવા માંડ્યો. પછી ખૂરપી લઈ ક્યારાની માટી ઊથલાવી. એ દિવસ મને બરાબર યાદ છે. ત્રણ દિવસનથી મેનન સાહેબ ઓફિસે ટુર પર હતા. હું ભેંકાર ઘરમાં ઓરડે-ઓરડે ભટકતી. મન ચોટતું ન હતું. હીંચકે બેસી, વાંચવાને બદલે અક્ષરો તાકતી હતી, ત્યાં અમરીશપુરીના ફોટોવાળો, ‘મોગેમ્બો ખુશ હુઆ’: નામ ધરાવતા ટ્ વિટર એકાઉન્ટમાંથી એક સંદેશ ટપક્યો. ‘હાઈ આસ્થા, તારી આંખો સુંદર છે. મૃગનયનની સાથે વાત કરી શકું?’ રાબેતા મુજબના દિવસોમાં આવો સંદેશ વાંચી મેં મચક ન આપી હોત. આજે થયુંઃ ‘ચાલ, ટીખળ કરું.’ લખ્યુંઃ ‘બાય ધ વે, એક સવાલ પૂછું? ‘પ્રોફાઈલનો મોગેમ્બો’ - ‘શાહરૂખ ખાન’ કેવી રીતે બની ગયો?’ ‘ઓહ! સેનોરીટા, સ્માર્ટી, હું શાહરૂખ તો નથી. / રાહુલ છું. / રાહુલ - નામ તો સુના હી હોગા આપને.’ થયું, આ તો ફિલમ-ચિલમપાર્ટી લાગે છે! થોડો ખેચું. ‘તો પછી રાહુલ- ‘મોગેમ્બો’ કેમ બન્યો? શાહરૂખ કેમ નહિ?’ ‘તેરે સવાલ મે મોગેમ્બો ખુશ હુઆ, સેનોરીટા, લાઈફ ફક્સ મી અ લોટ. એટલે ક ક ક કિરણવાળા શાહરુખને બદલે ‘મોગેમ્બો ખુશ હુઆ’ બનવાની મજા કઈ ઓર.’ ‘મોગેમ્બો! ઓર લાફ સે પરેશાન? બાત કુછ હજમ નહિ હુઈ!’ ‘યુ નોટી, સેનોરીટા ઉર્ફ ક ક કિરણ, / બાય ધ વે, મોગેમ્બોને પ્રેમિકા હતી કે નહિ?’ ‘ઓ મજનુ જી! આઈ એમ મેરિડ. તારા કરતાં મોટી. / બાય ધ વે, તારી ઉંમર મોગેમ્બો?’ ‘ચોવી, વર્ષ’ કહી એણે ફોટો મોકલ્યો. જોતાવેંત ગમી જાય એવો. દાઢી-મૂંછવાળો, ગોરો, મજબૂત બાંધાનો. જો કે વખાણ કરવાને બદલે લખ્યુંઃ ‘રાહુલ, તારી ઉંમરના બમણા કરી, એમાંથી છ બાદ કરી દે. એવડી છું.’ ‘ડુ યુ મીન ફોર્ટી પ્લસ! જા, જા ચોવીસની લાગે છે!’ હું મલકી, ચાંપલો! ફ્લર્ટિંગ કરવાનો આ ચવાયેલો કીમિયો છે, મિસ્ટર લલ્લુ પંજુ! હું તારી ફિરકીમાં નથી આવવાની. “ઉંમર એ જસ્ટ આંકડાનો સરવાળો નથી. અનુભવનું ભાથું છે. સુખદુઃખના સરવાળા પછી મળેલી સમજણ છે. ઉંમર - એ તારી અને મારી વચ્ચેના શાણપણનું અંતર છે. લી. પ્રખર જ્ઞાની શ્રી.શ્રી.શ્રી. આસ્થામૈયા.” લખ્યા પછી સંતોષ થયો, સદગુરુ કે બી. કે. શિવાનીનાં યૂ-ટ્યુબ વિડિઓ જોવાનું સાવ એળે નથી ગયું. ‘મહા જ્ઞાની મહોદયા, તમારાં ચરણ ક્યાં છે? દંડવત પ્રણામ માતાજી.’ “શાહરૂખખાનને તો ખબર હશે, પુરુષનું મસ્તક ત્રણ વ્યક્તિઓ સામે જ ઝૂકે: દેવીમા, મા અને ભવિષ્યનાં બાળકોની મા. આઈ એમ નન ઓફ ધેમ.” ‘હા, મને ખબર છે તારે વર છે. બીજું કોણ છે ફેમિલીમાં?’ ‘દીકરી ફર્સ્ટ યર એન્જિનિયરિંગ. હોસ્ટેલમાં રહે છે. બાકી મેં ઔર મેરી તન્હાઈ.’ ‘અચ્છા. તો તું અને તારી તન્હાઈ કયા શહેરમાં વસો છો?’ ‘સુરત, ગુજરાત’ ‘ઓહ, તું ગુજરાતી છે. લે કર વાત, હું બી અડધો ગુજરાતી છું. પાપા પંજાબી, મમ્મા ગુજરાતી, આમચી મંબઈમાં રહું છું.’ લખી, એણે એનાં મમી-પપ્પા સાથેનો ફોટો મોકલ્યો. બ્લેઝર પહેરેલા, ટાલવાળા, બેઠી દડીના- એના પપ્પા અને હાઈફાઈ સોસાયટીની સ્ત્રી હોઈ એવી સોનેરીવાળ રંગાવેલી, લહેંગા-ચોળી પહેરેલી સહેજ ભરાવદાર એની મમ્મી બાજુમાં આ મજનુ રાહુલ: બ્લુ શર્ટ, બ્લેક બ્લેઝર પહેરી ઊભો હતો. ‘ટચ વુડ રાહુલ. કેવું સુંદર કુટુંબ છે!’ ‘ફોટામાં દેખાય એ બધું રળિયામણું. હજુ બે મહિના પહેલાં મેં પાપાને ગુમાવ્યા. થાકી - હારી ટ્ વિટર પર આવ્યો છું.’ ‘ઓહ! સો સોરી, તારા પપ્પાનું અવસાન થયું, સાંભળી દુઃખ થયું. શું થયું હતું, રાહુલ?’ ‘કાર્ડિયાક અરેસ્ટ. અચાનક ગયા. લાઈફ વિધાઉટ પાપા અનબેરેબલ.’ ‘સમજી શકું છું.’ ‘હમ્મ. ચલ, ઓફિસે પહોંચી ગયો. પછી વાત કરીએ. બાય.’ ‘બાય. રાહુલ ટેક કેર.’

***

ફૂલ વોલ્યુમ સાથે ગીતો સાંભળતાં રસોઈ બનાવતી જોઈ મેનન કહે, ઘણા વખતે ગીતો પાછાં ચાલું કર્યાં તે તો. ‘મેં કહ્યું હા, આજ ફીર જીને કિ તમન્ના હૈ.’ આખો દિવસ આનંદમાં જાય, એકલી એકલી હસ્યા કરું, સવારથી રાત સુધીમાં ગમે ત્યારે ઓનલાઈન થાઉં, મોગેમ્બો ઊર્ફે રાહુલ હાજર જ હોય! અમારી વાતો ફિલ્મી ઢબે ચાલે. ભાર વિનાની. એની ગમ્મતો પાર વિનાની. સેન્સ ઓફ હ્યુમર ગજબની. ક્યારેક રમુજી ટુચકાઓનો વરસાદ. ક્યારેક શાયરીની રમઝટ અને સદાયની ટિખળ, મને ચીડવી નાખે તેવી. ‘રાહુલ તું ગજબ છે!’ ‘મારા પ્રેમમાં ન પડી જતી. મારે ઓલરેડી ગર્લફેન્ડ છે હો, આસ્થા’ ‘ચલ હટ. આખા ચોખાથી મહાદેવને પૂજ્યા હોય ત્યારે મળે એવો વર છે મારે!’/ અચ્છા, ગર્લફ્રેન્ડ, એમ! ફોટો મોકલ. એણે એક છોકરી સાથે પોતાનો ફોટો મોકલ્યો. નીચે લખ્યું હતું. નિકી, મારી ગર્લફ્રેન્ડ. સ્લીવલેસ, સફેદ અને હલકાં ગુલાબી સલવારમાં સજ્જ છોકરીની આંખો બંગાળી-બ્યુટી જેવી લાંબી અને ભાવવાહી હતી. રાહુલ સાથે એની જોડી જોઈ, હું ટાઈપ કરવા લાગી. ટાઈપ કરી મોકલું એ પહેલા એણે લખી મોકલ્યુંઃ ‘કેવી છે, નિકી? હોટ છે ને?’ મેં કપાળ કૂટ્યું. ટાઈપ કરતાં અટકી ગઈ, એની નિકી હોટ છે કે નહિઃ આવું રાહુલ પૂછે એનો શો જવાબ હોય? થમ્સઅપનું ઈમોજી મોકલી હું ઓફ લાઈન થઈ ગઈ. થયું, સાવ પાગલ છે! શું લખવું, શું ન લખવું એનું ભાન નથી. જો કે ચોવીસ-પચીસ વર્ષનો છોકરો છે. થોડો મોટો છે? મજાક મસ્તી કરે. હું ‘આન્ટીજી’ જેવી છું. છો બોલતો. દરરોજ જમવાનો સમય થાય એટલે એની થાળીનો ફોટો મોકલાવી પૂછેઃ “આમાંથી શું લઈશ?” ક્યારેક કહેતો, ‘મુંબઈ તો આવ. મસ્ત જમાડીશ. મારી મમ્મા સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે. યુ નો, આઈ એમ મમ્મા’ઝ બેડ બોય’ એના અાગ્રહથી મન ભરાઈ જતું! છોકરો છે લાગણીવાળો. સવારે ઊઠું ત્યારથી લઈ રાત્રે સૂવું ત્યાં સુધીમાં અનેકવાર એની સાથે સંદેશાઓની આપ-લે થયા કરે. ભર્યું-ભર્યું લાગે. પરમ દિવસે વિડિયો કોલ કર્યો તો મારી રિમી કહે, ‘મમ્મા, તારી સ્કીન કેટલી ગ્લો કરે છે! નવુ ક્રીમ લાવી?’ ‘એક નવો મિત્ર મળ્યો છે ટ્વીટર પર. તારી ખોટ પૂરે એવો વાતોડિયો!’

***

એ દિવસે મેનન અઠવાડિયાની ટુર પછી ઘરે આવવાના હતા. હું ખુશ હતી. ‘રાહુલ આજે મિસ્ટર મેનન આવે છે, થોડી ઉતાવળમાં છું, પછી વાત કરીએ?’ ‘આસ્થા, થાકીને આવશે. એમને થોડો આરામ કરવા દેજે. તરત મચી ન પડતી.’ એક આંખ મિચકારતું ઈમોજી મોકલી એણે લખ્યું. ‘શટ યોર માઉથ.’ ‘અરે, મેં તો તને ટીપ આપી.’ ‘ઓહોહ હો! ડાહી સાસરે ન જાય અને ઘેલીને શિખામણ આપે!’ ‘બાય’ કહી હું ઓફલાઈન થઈ ગઈ. દોઢડાહ્યો! પોતે પરણ્યો નથી, હાલી મળ્યો શિખામણ આપવા! ગમે તે વાતને ઈરોટિક સરહદ સુધી લઈ જવાની એની ખતરનાક આવડત, મને હતપ્રભ કરવા પૂરતી હતી. એ ડ્રગ જેવો. વાત કરવાની એટલી મજા આવે કે મન લલચાઈ જાય. પછી સાવ ‘હલકા’ વિષય પર વાતોની ગાડી એવી ચડાવી દે કે ફસાઈ જવાય. મારા સુખી સંસારમાં ઘાતક બને એવા આ રાહુલ સાથે હવે નહીં બોલુ રે. અનેકવાર ખસિયાણા પડ્યા પછી મેં એને જવાબ ન આપવાનું શસ્ત્ર અપનાવ્યું. એ ડાઈરેક્ટ મેસેજ પર કેટલુંય મોકલતો રહે. હું જોઉં નહિ અથવા છેક બીજે-ત્રીજે દિવસ જવાબ આપું. જો કે આ અબોલા મારી માટે પણ આકરા રહેતા. બે ત્રણ અઠવાડિયાં પછી નાના ગલૂડિયાવાળી જી.આઈ.એફ.સાથે એનો સંદેશો જોયો, એણે લખ્યું હતું, ‘વાત કર તો સારું લાગે આસ્થા.’ ‘સારું. મન થાય ત્યારે વાત કરજે. તારાથી એક મેસેજ જેટલી દૂર છું.’ મે લખ્યું પછી જૂની અને જાણીતી ગમ્મતો અને મોં-માથાવિનાની વાતો પર બંને મન મૂકી હસ્યાં.

***

‘સાંભળ આસ્થા હિમ્મત હોય તો તારી મેકઅપવિનાની સેલ્ફી મોકલ.’ એણે એક દિવસ લખ્યું. ધડ દઈ ના કહી શકત. મેં સેલ્ફી પાડી. મોકલી. સફેદ કુર્તી પર લીલા રંગના ફૂલોની ભાત હતી. વાળા ખુલ્લા હતા. કપાળે આછો પરસેવો દેખાતો હતો. થયું દેખાડી દઉં, બધાં બ્યુટિપાર્લરને લીધે સુંદર નથી હોતાં. ‘માય ગોડ! ચોવીસ કેરેટનું સોનું! મેકઅપ વિના તું આટલી સુંદર!’ નિશાન ધાર્યું પડ્યું. ‘મતલબ મોગેમ્બો ખુશ હુઆ?’ ગજબ! તને આટલી સુંદર ધારી ન હતી! માય બ્યુટી, તને મળવા આવું?/ સુરત?/ તારા ઘરે? ગભરાઈ જવાનો વારો મારો હતો: કેમ? મેનનને શું કહું? આ હરખપદુડો મને મળવા આવ્યો છે! ‘સોરી, રાહુલ અમે હમણાં વતનમાં આવ્યા છીએ.’ ગાંઠ વાળી આ રોમિયોનો ભરોસો નથી કરવો. ગમે ત્યારે ટપકી પડે તો? એ પછી ઘણા દિવસો એકબીજાના સંપર્કમાં ન હતાં. એકધાર્યા દિવસો વચ્ચે એક દિવસ સવારે એનો મેસેજ આવ્યો. ‘નિકી સાથે મારું બ્રેક અપ થયું.’ મનમાં કહ્યું, મને તો પે’લેથી જ ખબર હતી કે ઐસા હોના હી થા. નિકી તારી માટે હોટ હતી. પ્રેમાળ કે મીઠડી ન હતી. ‘ઓહ! બ્રેકઅપ! ધ મોસ્ટ ડિફિકલ્ટ ટાઈમ.’ હા. જાત સાથે લડુ છું. આસ્થા, મેમરિઝ કિલ મી. ‘શાંત થા રાહુલ. યાદો આપમેળે ઝાંખી પડશે.’ ‘યાર, વિકએન્ડમાં શું કરું એ સમજાતું નથી. ઊંઘ નથી આવતી. મગજ ભમ્યા કરે. રાતોનીરાત રૂમમાં આંટા માર્યા કરું કે ડ્રિંક્સ લઈ બેહોશ થઈ જાઉં.’ ‘આ સમય પણ જતો રહેશે. હિમ્મત રાખ.’ મને ખબર છે આવું કહેવું સહેલું હતું. રાહુલ માટે એક એક દિવસ કેવો અઘરો હશે, વિચારી ધ્રુજી જવાયું. એની સાથે વાત કર્યા પછી એ દિવસે હું હીંચકા પર સૂતી-સૂતી આકાશ જોતી રહી. દિવસ બહુ લાંબો લાગ્યો. એની ચિંતાએ મને ઘેરી લીધી. પછી થયું, મેનન ઝટ ઘરે આવે તો સારું. મેનનને રાહુલની વાત કરી તો બોલ્યા, ‘આજકાલના છોકરાઓ! જોયું આસ્થા, કોઈ ઊંડાણ નથી, એમના સંબંધોમાં કે વ્યવહારમાં.’ જો કે હાલચાલ પૂછી, રમૂજી ટૂચકાં ફોરવર્ડ કરી કે આડીઅવળી વાતો કરી, હું મિત્રધર્મ નિભાવતી રહી. થોડા દિવસ પછી એનો મેસેજ આવ્યો, એ ઘણો લાંબો હતો. નોકરીમાં એને કેવી-કેવી તકલીફો હતી, ધ્યેય પૂરી કરવાનું કેવું દબાણ હતું. કેવા ઝગડા થયા. કેટલો વ્યગ્ર હતો વગેરે લખી છેલ્લે લખ્યું; રાજીનામુ આપી, અત્યારે ઘરે જઈ રહ્યો છે. થયું, ઓહ, રાહુલ! તે નિરાશામાં શુંનું શું કરી નાખ્યું! ‘કંઈ નહીં. તું ચિંતા ન કર, મારું મન કહે છે, તને સારી નોકરી ને છોકરી મળે, યુ ‘ડિઝર્વ ધ બેસ્ટ.’ ‘તે આવું કહ્યું તો સારું લાગ્યું. બીલીવ મી, થોડા દિવસમાં નોકરી તો શોધી લઈશ.’ ‘રાહુલ, મમ્મા સાથે ક્યાંક ફરવા જઈ આવ ને! યુ બોથ નીડ ચેન્જ.’

***

થોડા દિવસ પછી એણે ફોટા શેર કર્યા. ‘જો આસ્થા, હું મમ્માને લઈ વૈષ્ણવદેવી ફરી આવ્યો. સારું લાગ્યું. સોમવારથી નવી જોબ જોઈન કરીશ.’ ‘ગ્રેટ ગ્રેટ યાર.’ હા, પપ્પાના ડેથ પછી મમ્માને પહેલીવાર આટલી હસતી જોઈ સંતોષ થયો, આસ્થા. / લિસન, ગુડ પેકેજ ઓફર થયું છે. ‘વાહ! મમ્મીનાં લાડલા. ફોટોમાં તમને બંનેને ખુશ જોઈ, હું બહુ ખુશ થઈ./ યાર રાહુલ કપાળે ‘જયમાતાજી’વાળી પટ્ટીમાં તું મસ્ત લાગે છે./તારી અને મમ્મીની આ સેલ્ફી બેસ્ટ છે.’ ફાઈનલી કશુંક સારું થયું! ‘તારી સેલ્ફી મારા હૈયામાં કોતરાઈ ગઈ છે.’ એણે આંખ મારતું ઈમોજી મોકલી લખ્યું. - મજનૂનાં ચમચા! બાય. - બાય બાય.

***

થોડા દિવસ પછી થાળીના ફોટા આવતા બંધ. એના અકાઉન્ટમાં નવી પોસ્ટ ન દેખાઈ. બેત્રણ દિવસ એકધારું એનું એકાઉન્ટ ખોલી જોતી રહી, કોઈ નવી પોસ્ટ મૂકી છે કે કેમ? એની ટાઈમલાઈન શાંત જોઈ મારું મન બેચેન થઈ ગયેલું. થતું, મજનૂનો ચમચો ગયો ક્યાં? મારાથી રિસાયો છે કે શું? હારીને અઠવાડિયે મેસેજ કર્યો: ‘હાઈ રાહુલ, ઓલ વેલ? ક્યાં છે તું?’ થોડીવાર પછી એક ફોટો મળ્યોઃ પગથી માથા સુધી પાટાપીંડી કરેલો. નીચે લખ્યું હતુંઃ ‘હું રાહલુની મમા છું. તું રાહુલની મિત્ર છે? પ્લીઝ, પ્રાર્થના કર કે રાહુલ બચી જાય. આઠ દિવસથી આઈ.સી.યુ.માં છે.’ ‘શું થયું?’ મારાથી એકલાં એકલાં ચીસ નંખાઈ ગઈ. કાર એક્સિડન્ટ. આખો દિવસ એ ન જોયેલા છોકરાને બચાવવા પ્રાર્થના કરતી રહી. ત્રીજા દિવસે એના મમ્મીનો મેસેજ આવ્યો: રાહુલ ઈઝ નો મોર. મેસેજ, મજાક મસ્તી અને થોડાં સુખદુઃખ સંભળાવી એ ધુમ્મસમાં ઓગળી ગયો. હું એને ક્યાં પૂરો ઓળખતી’ય હતી. પણ ફોન હાથમાં લઉં ત્યારે એક ટીસ તો પાંચ મહિના થયા પછી પણ ઊઠે જ છે... મિસ યુ રાહુલ, મિસ યુ.... (એતદ્ - ૨૦૨૩)



Sanchayan 60 pic 3.jpg




GIEVE PATEL - Early Guest, 1940
w137.2 x h136.8 cm
Peabody Essex Museum, Gift of the Chester and Davida Herwitz Collection, 2003
JAGDISH SWAMINATHAN
oil on canvas 36 1/8 x 24 in. (91.8 x 61 cm.)

Sanchayan 60 Pic 4.jpg

નિબંધ



Sanchayan 60 Pic 5.jpg

ત્રિકાલ
~ દિગીશ મહેતા

પ્રભાતઃ

ભગવાને રાત્રિઓ કેમ બનાવી હશે તેમ પૂછીએ તો તેનો જવાબ તો ઈંગ્લિશ રોમેન્ટિક કવિ બાયરને આપ્યો છે: એને તો એ વાતમાં શક નથી કે તેણે રાત્રીઓ તો પ્રેમ કરવા જ બનાવી છે - જો કે કવિ છે એટલે કંઈક રમ્ય સ્પર્શ તો તેની વાતમાં હોય જ - બાયરનને તો ફરિયાદ છે કે આવી સરસ રાત્રિ પૂરી થાય છે અને દિવસ ઊગી જાય છે - પણ આપણા ભારતીય સંસ્કારો કંઈક જુદું કહે છે. સવાર ઊગે છે હૃદયમાં પડેલા આત્મતત્ત્વનું સ્મરણ કરવા: હૃદિ સંસ્થિ તમાત્મતત્ત્વમ્। સૂર્ય ઊગે, પ્રકાશ ફેલાય, એ સમય છે આ રીતે ઊંઘમાંથી જાગવાનો - સવાર સાથે કેવાં કેવાં દૃશ્યો આંખ આગળ આવે છે: ટ્રક ભરીને કામે ચઢવા જતા મજૂરોના ચહેરા પર, તેમના ઊડતા વાળ પર પડતાં સૂર્યનાં પહેલાં કુમળાં કિરણો, તેમાંથી જાગતું દ્વૈતભાન, કામ કરી કરી કેવા રુક્ષ થઈ ગયેલા પંજા, હાથ; કેવાં નાજુક એ સામે સોને રસાયલાં કિરણો, દુકાનનું બંધ શટર ઊંઘભેર હાથે ઉપાડતો દુકાનદાર... બસ, યાત્રા શરૂ. સવાર એ આરંભનું ચિહ્ન છે, જેમ રાત્રિ વિરામનું. દિવસ-રાતનું આ ચક્ર છે, જેમ શિશિર પછી હેમંત પછી ગ્રીષ્મ - એ ઋતુઓનું. એક વાર આ સત્ય પમાય પછી માણસે કંઈ કરવાનું જાણે રહેતું નથી. એણે માત્ર આ દિવસ-રાતના કે પછી ઋતુઓના ચક્રને અનુકૂળ જ થવાનું છે. શેક્સપિયર એના સુવિખ્યાત કોમેડી As you like itમાં એક જગ્યાએ પોતાના જેક્સ નામના પાત્ર પાસે કહેવરાવે છે તેમ માણસનું જીવન પોતે પણ આમ એક ચક્ર, એક સાઈકલને અનુસરે છે; આ ‘એઝ યુ લાઈક ઈટ’માંનો પેલો સેવન એજીઝ ઑફ મૅન, માનવજીવનને સાત તબક્કાઓમાં એમ એક પછી એક વિસ્તરતાં વલયોમાં વધતું, વિકસતું અને અંતે વિરમતું જોતો પૅસેજ છે. એમાં જે આરંભનો, પ્રાતઃનો, સવારનો તબક્કો છે. એનું બહુરમ્ય વર્ણન છે. At first the infant, Mewling and pucing in the nurses arm: પેલી નર્સના હાથમાં કૂજતું અને મલકતું અને એમ ચેતનથી ધબકતું એનું બાળસ્વરૂપ - એ સવારનું સૂચક છે, પરોઢનાં ધૂમકેતુને યાદ કરીને કહીએ તો જીવનનું પરોઢ. આમ બાળસ્વરૂપનું વર્ણન કરતી વખતે જાણે કવિઓનું અંતર હસી ઊઠે છે. પેલું સંસ્કૃત વર્ણન યાદ આવે: आलक्ष्य दंतमुकुलान्यनिमित्त हासैः। બાળકનું એ અનિર્મિત હાસ, એના એ દંતમુકુલ - એ સવારનું સૂચક છે, જ્યારે બધાંનો હજુ આરંભ થાય છે. ઉદય, જન્મ, પછી એ કૃષ્ણનો હોય કે ક્રાઈસ્ટનો હોય કે શ્રીરામનો હોય, હંમેશાં આનંદ આપે છે. શ્રીરામનું બાલસ્વરૂપ, એનું કેવું સરસ વર્ણન છે: किलकी उठत धाव, गीरत, भूमि लटपटाव - હસી, હસીને, ઊઠીને દોડી જાય છે, મજાનું નાનું ગલોટિયું ખાઈ, પડી જાય છે, વળી ઊઠીને દોડી જાય છે - અને આ બધું જોઈ રાજા દશરથની રાણીઓ હરખાય છે, ભગવાનને ગોદમાં લે છે, દશરથકી ભાર્યાં - સવારનું આથી વધુ સારું સાદૃશ્ય કયું હોઈ શકે? કદાચ દરેક વ્યક્તિ માટે સવારનું પ્રતીક જુદું જુંદું હોય છે. તમે નહીં માનો પણ સવાર- પ્રભાતનું મારે મન પ્રતીક - એક ચોક્કસ દૃશ્ય છે. અમારા ગામમાં ગોવિંદમાધવનું એક બહુ પવિત્ર અને કદાચ પુરાતન એવું મંદિર છે, જોકે કેટલું પુરાતન એ તો કોણ જાણે. એક વાર વહેલી સવારે, ઘણી વહેલી સવારે, ત્યાં જવાનું બનેલું જ્યારે પૂજારી એ મૂર્તિઓને સ્નાન કરી શણગાર સજાવતા હતા. એ સવારની તાજપ, એ મૂર્તિઓનું મર્માળું, હૂંફાળું ઊઘડતી સવાર જેવું અનન્ય સૌંદર્ય, એ મંદિરની પરકમ્માનો ઠંડો સ્પર્શ, એ બધું એવું અંકાઈ ગયું છે કે એ પછીના ઘોંઘાટ વચ્ચે પણ એ જેમનું તેમ સચવાઈ પડ્યું છે. અત્યારની પરિભાષામાં કહીએ તો કમ્પ્યુટરમાં હોય તેમ સ્ટોર થઈ ગયું છે. પેલું કહ્યું એ હૃદિ સંસ્કૃરીત્ આત્મતત્ત્વમ્ - એ જ હશે? એક પહેલી - ઉખાણું પૂછવાનું મન થાય કે સવારનાં પહેલાં કિરણો તમને ક્યાં પડતાં જોવા ગમે? એક જવાબ તો દેખીતો છે કે હિમાલયના કોઈ ઉન્નત શિખર પર, જ્યાં એ કિરણો આસ્ફાલિત થઈ શતશતવિધ વિસ્તરી એક અનેરો તેજપુંજ રચી રહે. પણ દર વખતે માણસને આવાં અદ્ભૂત દૃશ્યોની અપેક્ષા નથી હોતી. આપણી રોજબરોજની એસ.ટી. બસની સીટ પર બેસી સહેજ ઊછળતાં-કૂદતા એક ગામથી બીજા ગામ જતાં, અરે, કોઈકવાર તો બસની છતનો સળિયો માંડ પકડી બાજુમાં ઊભેલા ઊંચા માણસના ખભાની પેલીપાર બારી બહાર દેખાતા દૃશ્યના ચીંધરડા પર ચમકી રહેલાં વહેલી સવારનાં સૂર્યકિરણો પણ કાંચનજંઘાના શિખર પર પડેલાં, ઊગતા સૂર્યના કિરણો જેટલાં જ રોમાંચક લાગે છે. પછી ભલે એ બારી બહાર સરકી જતાં રહેતાં ઝાડની ડાળીઓ, ઝાડનાં થડ પર જ, નીચે ખેતરમાં ઊભરાતા પીળા, લીલા મોલ પર કે નવા ખેડેલા ચાસ પર જ પડતાં હોય. શી ખબર કેમ પણ ઝાડની ટોચ કરતાં ઝાડના થડ પર પડેલાં, ઊઘતા સૂર્યનાં કિરણો મને તો વધુ આકર્ષે છે. ફ્રેંચમાં કવિતાનાં સ્વરૂપોમાંનું એક સ્વરૂપ છે: ઓબાડે, Aubade - પણ એ પરોઢિયાના કાવ્યનું સ્વરૂપ છે, સવારને આવકારતું. પણ આપણે ફ્રેંચ સુધી શું કામ જવું પડે. આપણું વિખ્યાત કાવ્યસ્વરૂપ પ્રભાતિયું ક્યાં નથી, જે ઓછામાં ઓછું આપણા આદ્યકવિ નરસિંહ જેટલું જૂનું છે: જાગને જાદવા, તુજ વિના ધેનમાં કોણ જાશે? - તારા વિના ધેનુ લઈને, ગાયો લઈને, ચારવા કોણ જાશે? દિવસ કેમ ઊગશે? પણ કૃષ્ણ જ્યાં ગાયો ચરાવા નીકળતા હતા એ ગોકુળ-વૃંદાવનની સવારો તો સનાતન છે કેમ કે એ આપણા મનોરાજ્યની સવારો છે! એ સવાર તો ક્યારેક જ ઊગે છે. આજે તો આપણે આજના એક કવિનું પ્રભાતિયું યાદ કરીએ. પંક્તિ એ જ લીધી છે પણ જરા નાજુક મરોડ આપી એને આપણી આજ સાથે સાંધી દીધી છે અને નરસિંહને આજમાં, આજને નરસિંહમાં એમ ઓતપ્રોત કરી દીધા છે. મનહર મોદીનું એ પ્રભાતિયું છે, જેનું શીર્ષક છે, ‘જાગને જાદવા’ -

તેજને તાગવા, જાગને જાદવા

આભને માપવા, જાગને જાદવા

એક પર એક બસ આવતાને જતા

માર્ગ છે ચાલવા, જાગને જાદવા

છેલ્લી પંક્તિઓ છે:

આપણે આપણું હોય એથી વધુ

અન્યને આપવા જાગને જાદવા

હું નથી, હું નથી, એમ જાણ્યા પછી
આવવા ને જવા, જાગને જાદવા.


મધ્યાહ્ન:

મધ્યાહ્ન એ આમ તો શુદ્ધ સંસ્કૃત શબ્દ છે, એ જ બતાવે છે કે સંસ્કૃત શબ્દનો આપણને હજુ કેટલો બધો ખપ છે. દિવસનો મધ્ય ભાગ, એને માટે બપોર કહી શકાય, પણ મધ્યાહ્નમાં જે રણકો છે એની એ જ અર્થછાયા બીજા કોઈ શબ્દમાં નથી. દિવસનો મધ્ય ભાગ, બપોર, જ્યારે શું શું બનતું હોય એ કરતાંય શું શું ન બનતું હોય, એમ પૂછવાનું મન થાય. સીમ શાંત થઈ ગઈ હોય, પાંદડું પણ હાલતું ન હોય, ધોમ ધખતો હોય, કોઈ ઝાડના પોલાણમાંથી કોઈ પંખીનો ફફડાટ, નીચે તેની છાયામાં સુસ્ત પડ્યા રહેલા પશુનો, કોઈ ગૂંચળું વળી પડી રહેલા કૂતરાનો, કોઈ ઉદ્યમી ખિસકોલીનો સળવળાટ - આવાં ચિત્રો મનમાં ઊપસી રહે. પણ શી ખબર કેમ, બપોરની વાત નીકળતાં કોઈ નિર્જન, શાંત વિસ્તારનું સ્મરણ થાય છે - પછી ભલે ત્યાં સરસ, સુઘડ, નકશીદાર રીતે જાણે કંડારી કાઢેલાં ખેતરોમાં લચેલા લીલા મોલ ઊંચા વધી સ્થિર ઊભા હોય, પમ્પ સાથે એમનેમ નવરું પડ્યું રહ્યું હોય, કોઈપણ બપોર એટલે નિશ્ચલતા, પછી તે ગામની સીમની હોય, કે કોઈ નાના ગામના બજારમાં ગાદી પર આડા પડી, ગલ્લા પર પગ લંબાવી, મોંએ છાપું ઢાંકી, સારી એવી ઊંઘ ખેંચી કાઢતા દુકાનદારની છબી હોય. શહેરની વાત જુદી છે. ત્યાં પણ બપોરે નિશ્ચલતા, સ્થિરતા તો છે જ પણ એ શહેરની ઓફિસો, ઓફિસીઝની બપોરની નિશ્ચલતા જુદી છે. શહેરના મધ્ય ભાગમાં જેમ દિવસના મધ્ય ભાગમાં, બપોર, જે એક જાતની સ્તબ્ધતા, નિશ્ચલતા, પ્રવર્તે છે તે કહેવાતું હોય તો એક રીતની ગતિશીલ નિષ્ક્રિયતા છે. પોતાના ઇન્કવાયરીના કાઉન્ટરની પાછળ બેઠેલી છોકરીને તંગ મુદ્રાએ પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં લહેરાવાયેલા વિવેકભર્યા લહેકામાં નોંધાતો તણાવ, અંદર કેબિનમાં બેઠેલા સાહેબની મુલાકાતીઓ સાથેની વાતચીતમાં ઊપસતી તીવ્રતાની, સમય નથીના સંદેશની ક્વચિત્ ઉગ્ર લકીરો, એ સાથે ચાલુ રહેતા નવરાશ અને મોકળાશના હાવભાવનો ઉપચાર, અંદર ગૂંજતું એરકન્ડિશનિંગનું ઠંડી હવાનું વલણ, ઉઘાડ વાસ થતાં બારણાં, પડતાં ઉપાડાતાં પગલાં ફાઈલો-પેપર્સની આવનજાવન - આ બધી નગરની કે પછી મહાનગરની બપોરની છબીઓ છે. આ કર્મક્ષેત્ર છે. અહીં કામ થાય છે પણ ઓફિસનું કામ કોઈ ફેક્ટરી કે ખેતરમાં ચાલતા કામ જેવું દેખીતું કામ નથી, એ અદૃશ્ય કામ છે. હવે તો એ દિવસે દિવસે હવાનાં આંદોલનોમાં, દરિયા પાર વહેતી રહેતી સંજ્ઞાઓમાં, કમ્પ્યુટરના પડદા પર ચમકીને બીજી જ ક્ષણે નાની-નાની ચીપ્સમાં પાછી સંગોપાઈ જતી માહિતી, ઈન્ફર્મેશ બનીને ઈલેક્ટ્રોનિક દ્રવ્ય - જો એ દ્રવ્ય કહેવાતું હોય તો - તેમાં ઓગળી જતી સામગ્રીનો, સમયના, પ્રકાશના, સ્થૂળ અંતરની સમગ્ર માપણીઓના માનદંડોને ભેદી નાખી, અત્યંત તરલ ગતિએ ચાલતો સંદેશાવ્યવહાર છે. એ સંદેશાવ્યવહારના સમુદ્રમાં વળી બીજી પોતાની નાનકડી બોટ, નાનકડી નાવ ચલાવતા રહેવું, એમાંથી પરિણામો નિપજાવવાં, એનું નામ કામ, કામની એ આજની વ્યાખ્યા છે અને આ કામ મધ્યાહ્ને થાય છે, બપોરે થાય છે, બહુમાળીય મકાનોના મજલાઓમાં પંખીઓના માળાની જેમ પથરાયેલી કેબિનોમાં, ઓફિસીઝમાં. ચક્રનું પ્રતીક તો બહુ જૂનું છે. नीचैएेच्छत्युपरि च दशा तक्रने मिक्मेळ - આ તો મેઘદૂતની પંક્તિ છે અને એમ નીચેથી ઉપર અને ઉપરથી નીચે - એ વિશ્વ સમસ્તમાં સતત ચાલતી પ્રક્રિયાનું પ્રતીક ચક્ર છે, જે માનવચેતનામાં જાણે સર્જન જૂનું પડેલું છે. ઈસુની સદીનું વળી, એક વધુ હજાર વર્ષનું આવર્તન આજે જ્યારે પૂરું થાય છે ત્યારે મધ્યાહ્નનું જાણે એક નવું જ સ્વરૂપ ઊઘડે છે. દિવસને, એણ સંસ્કૃતિઓને પણ પોતપોતાનો ઉદય, મધ્યાહ્ન અને અસ્ત હોય છે. આયરિશ કવિ ડબલ્યું.બી. યેટ્સ સમગ્ર ચેતનાને, સમગ્ર માનવ ઈતિહાસને આમ પ્રતીકોમાં વિહરતાં જુએ છે. એ રીતે જોઈએ તો અસ્ત થતા આ સહસ્રાબ્દ સાથે જાણે પશ્ચિમી સંસ્કૃતિનો મધ્યાહ્ન હવે પૂરો થાય છે - પણ મધ્યાહ્નની ઉજવણી માટે આપણે ઈંગ્લિશ કવિને શું કામ યાદ કરવો પડે. આ રહ્યું ‘ઋતુસંહાર’માંનું ગ્રીષ્મનું વર્ણનઃ सूर्याः स्पृहणीयचंद्रमा - પ્રચંડ સૂર્ય, એ મધ્યાહ્ન -મધ્યાહ્નનું - આહ્વાહન કદાચ આથી વધુ પડઘાતા ઉદ્ગારથી ક્યાંય નહીં થયું હોય - પણ મધ્યાહ્નનું - બપોરનું આહ્વાહન થતું જ રહે છે, વૈદિક સમયોથી આજ સુધી. હમણાં જ આપણા કવિ લાભશંકર ઠાકરનો એક સરસ લેખ વાંચ્યો. એનો આરંભ હતો, ‘એક બપોરે...’ એમ આરંભ કરી એમણે મોઢેરા, ત્યાંના સૂર્યમંદિરની પોતે કરેલી યાત્રાના વર્ણનનો આરંભ કર્યો છે. કેવો ચેતનવંતો ઉદ્ગાર છે, એક બપોરે... કોઈ નવલકથાનું, કોઈ વાર્તાનું, કોઈ નાટ્યનું શીર્ષક પણ હોઈ શકે: એક બપોરે... શી ખબર કેમ, કવિઓને બપોર, મધ્યાહ્ન પસંદ છે. આ રહ્યું કવિવર ટાગોરના ‘નૈવેદ્ય’ સંગ્રહમાં હેમંતની બપોરનું વર્ણન:

“આજે હેમંતની શાંતિ ચરાચરમાં વ્યાપેલી છે.

જનશૂન્ય ખેતરમાં બળતા બપોરે શબ્દહીન,

ગતિહીન ઉદાર શાંતિ...”

આ શાંતિમાં તૃણેતૃણમાં, ધૂળના કણેકણમાં, મારા અંગના રોમેરોમમાં, લોકલોકાંતરમાં, ગ્રહોમાં, સૂર્યમાં અને તારાઓમાં સદાકાળ અણુ-પરમાણુઓના નૃત્યનો કલ્લોલ - તારા આસનની આસપાસ અનંત કલ્લોલ (ચાલતો હોય છે તે) સાંભળું છું... ટાગોરનું દર્શન તો વૈશ્વિક છે, પણ આપણા કવિ રાજેન્દ્ર શાહનું પેલું ગીત, એવી જ કોઈ બપોરની છવિ ઝીલે છે:

“ઈંધણાં વીણવા ગઈ’તી મોરી સૈયર

ઈંધણાં વીણવા ગઈ’તી રે લોલ

વેળા બપોરની થઈ’તી મોરી સૈયર

વેળા બપોરની થઈ’તી રે લોલ.”

બસ, એ વેળા બપોરની-નાં કેટકેટલાં રૂપ છે?

સંધ્યાઃ

સાંજ પડે શહેરનાં દૃશ્યામાંનાં એકથી તો આપણે ખાસ પરિચિત છીએ. એ દૃશ્ય છે સાંજે પાછાં ફરતાં વાહનોની વણજાર. એ વાહનો પાછાં આવે છે ઓફિસીઝમાંથી પેલાં બહુમાળી મજલાઓમાં છવાઈ ગયેલા વ્યાપાર અને વાણિજ્યના એ મધુકોષના નાના-નાના ગોખલાઓમાંથી. ઈંગ્લિશમાં એક સરસ શબ્દ છે: ‘સીટી સેન્ટર’. નગરનું એ ધીખતું કેન્દ્ર જે સાંજ પડે સમેટાઈ જાય છે. મધ્યાહ્ને ધમધમતું, માણસોથી ઊભરાતું, અવિરામ કામમાં ખૂપી જઈ જાણે ક્ષણભર નિશ્ચલ, સ્તબ્ધ થઈ ગયેલું એ નગરનું કેન્દ્ર બપોરના ચારેક વાગે જાણે એની સમાધિ છોડવા માંડે છે. અત્યાર સુધી પોતાના પ્લાન ને પ્રોજેક્ટ ને રિપોર્ટ્સની માયાજાળમાં ખોવાયેલો એ એક્ઝિક્યુટિવ હવે ઘડિયાળ ચાર-સાડાચારનો કાંટો બતાવે ને જાણે ધીરે ધીરે એને ભાન થવા માંડે છે કે બીજું પણ એક વિશ્વ છે. સગાંવહાલાં, કુટુંબકબીલો, આડોશીપાડોશી એમનું, જ્યાં એણે પાછા જવાનું છે. ધીમેધીમે એ જાગે છે: नष्टो मोहः स्मृतिलब्ध्वा - સાંજ એટલે ઓફિસ છોડી ઘરભણીની એ ગતિ. શિયાળો હોય તો આખા ગામમાં ધૂમધુમાડે હવે ઉપર આકાશમાં ગોરંભાય. નીચે ઊતરે, રસ્તા પર પથરાવવા માંડે. મોટરોની હેડલાઈટ્સના રેલામાં એની સેર સપ્તરંગી બની કોઈક વાર રમવા માંડે. ઉનાળો હોય તો આકાશ ઉપર નહીં પણ જાણે નીચે ઊતરી આવી વાહન-વાહન વચ્ચેનાં, રસ્તાની બે બાજુ વચ્ચેનાં, ખુદ માણસ-માણસ વચ્ચેનાં, એ બધાં જ પોલાણોમાં પ્રસરી જઈ, બધા જ જડ પદાર્થોને ગળી જવાનું જાણે એણે બીડું ઝડપ્યું હોય એમ સર્વ દૃશ્યને અવકાશમય કરી નાખતું હોય એવું લાગે. શહેરની સાંજોમાં કદાચ ચોમાસાની સાંજ વધુમાં વધુ સાંજ-સમી લાગે છે. બીજું શું કહેવું? ઉપર એક ચોકઠામાં વાદળ ઘેરી ઘટા ઘૂંટાતી હોય, કાળો ડમ્મર પેચ, એમાં વીજળી ઝબૂકી બીજી ક્ષણે લોપાઈ જતી હોય. જ્યારે આ બાજુ બિલકુલ ભૂરી, ઉપર ક્યાંક સુધી તણાઈ રહી, એક ધજાની જેમ ફરકી રહેતી નમતા સૂર્યના તડકાથી સોનાની પટ્ટીઓ ઓઢેલી આકાશની લકીર હોય. રસ્તા ઉપર હજુ હમણાં જ પડી ગયેલા ઝાપટાની છાલક સુકાઈ ન હોય. કોઈ વાહનનું પૈડું એને છંછેડી એમાંથી ઊઠતાં શીકરોના છંટકાવથી બસ માટે રાહ જોતાં નગરજનોને ભીંજવી જાય - લોકો એ સડકના પટ્ટાને જોઈ કહેશે: તને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું - ના, પણ આ તો પ્રેમગીત છે, એને આમ ન છેડાય - પ્રેયસીને કહેવાની હોય, એ વાત સડકને ન કહેવાય! પણ, સાંજ એટલે નગરની સાંજ, નગર પર ઊતરતી સાંજ, એ સમીકરણ તો હજુ હમણાં આવ્યું. સદી બે-સદીથી ઔદ્યોગિક ક્રાંતિ ને એના પરિણામરૂપ પાંગરેલી નગર સંસ્કૃતિની પેદાશ છે એ. સાંજની એ છટા તો કેમ કહેવાય, કેમ કે નગરમાં, મહાનગરમાં પડતી એ સાંજ સૌંદર્યમય ભાગ્યે જ હોય છે. એમાં પાછાં વળતાં વાહનોનો નિર્વેદ છે, વળી, બીજા દિવસની સવાર માટે અત્યારથી સજ્જ થતા માણસનો અજંપો છે, એમાં પડતી રાત બહુ ટૂંકી હોવાની ફરિયાદ છે - સાંજ જોવી હોય તો નગરમાં નહીં, કોઈ નાના ગામમાં જાઓ, સ્મોલ ટાઉનમાં - કડી, કલોલ, મહેસાણા - હમણાં નામ બોલવા જતો હતો. દરેક મહાનગરને આંગળીયે રમતી એવી વસાહતો હોય છે. પણ એ આંચલ પણ પૂરું થાય, એ પછી શરૂ થાય એ ખરેખરો ગ્રામ્ય વિસ્તાર, જે હવે ખસતો પાછો ને પાછો જતો જાય છે, એટલામાં તો કોઈ અન્ય મહાનગરના ઓછાયામાં એ એવી પડે છે - ત્યાં, ખરી તો ત્યાં પડે છે - ગોધૂલિનો એ સમય, જ્યારે ગાડીઓ નહીં પણ ગાયો પાછી ફરે છે, તે વખતે ઊડતી રજ, વૃંદાવનના વિપનનો કોઈ છેડો, ત્યાંનાં વૃક્ષો અને વનરાઈ પર વિસ્તરતી સંધ્યા, ધીમેધીમે ઓસરતાં એ તેજ વિલીન થઈ જતાં ત્યાં ઓગળતી મધઝરતી નીલી, ભૂરી રાત્રિ - ક્યાં પેલા સીટી સેન્ટરનો જૂઠો, માયાવી મધુકોષ અને ક્યાં આ ગામની સીમમાં સાંજ પડે ઉઘડતો, ખેતરોની સુવાસથી મહેકતો, રસ્તે જતા એકલદોકલ રાહદારીના પગથી ઊડતા રજકણથી રમ્ય એવો આ ખરેખરો મધુકોષ - પણ ગામ, આપણા પરિચિત ગામ કરતાંય ખરી સંધ્યા તો કોઈ પ્રવાસે ગયાં હોઈએ, અવનવીન દૃશ્યો સામે ઊઘડતાં હોય, કોઈ મસ્ત મજાનો, દૂર સુધી ખેંચાતો દરિયાકિનારો હોય કે કોઈ ગિરિમાળા વચ્ચે ઊતરતા અંધારામાં અજ્ઞાતમાં લઈ જતો પહાડી રસ્તો હોય - પણ આપણી કલ્પના પર શું કામ આધાર રાખીએ? મારી સામે એક સરસ પ્રવાસવર્ણનનું પુસ્તક ખુલ્લુ છે. એમાં બીજા કોણ, આપણા કવિ કલાપીએ કરેલું કાશ્મીરના દાલસરોવરનું વર્ણન છે. ત્યાં સાંજ પડતી આવે છે. કલાપી લખે છે: “સૂર્ય પશ્ચિમમાં અધોગતિ કરવા લાગ્યો. સંધ્યારાગ ખીલી નીકળ્યો. પૃથ્વી, આકાશ, પાણી અને વિશેષ કરીને પશ્ચિમ દિશાનું મુખ લાલચોળ થઈ ગયાં. સૂર્યદેવતાનાં તપાવેલાં સુવર્ણરેષા જેવાં કિરણો લાંબા થઈ પૃથ્વીના પશ્ચિમ છેડાને સ્પર્શ કરવા લાગ્યાં. જળમાં પડતાં વૃક્ષાદિનાં પ્રતિબિંબ ભૂંસાઈ જવા લાગ્યાં... થોડીવારમાં તો આ સુંદર દેખાવ અને આ મધુર અવાજ દેખાતા - સંભળાતા બંધ પડ્યા. સૂર્યબિંબ અદૃશ્ય થઈ ગયું.” એનું એ દૃશ્ય, એ જ પૃથ્વી, એ જ આકાશ, એ જ પાણી, એ જ દિશાઓ - પણ કવિ જ્યારે એને ચીતરવા પીંછી બોળે ત્યારે એ સઘળાં કેવાં બદલાઈ જાય છે - કવિ કલાપી છે, પ્રણયોર્મિની છાલક તો તેના આ ગદ્યમાં પણ છે. આ સંધ્યાવર્ણનમાં પણ છુપાએલો ચહેરો તો સંધ્યારાગનો જ છે. સંસ્કૃતમાં પેલી સુંદર પંક્તિ છે ને? अनुरागवती संध्या, दिवसः तत्परः सरः - સંધ્યા, સવારની જેમ કેટલી પુરાતન છે? ઈંગ્લિશમાં એક સરસ શબ્દ છે? eventide સાંજની ભરતી - નીચેનો દરિયો અને ઉપરનું આકાશ - નીચેની ભરતી ને ઉપરની - ચેતના તો એક જ છે - ‘ત્રિકાલ’ (નિબંધસંચય)-માંથી

સં.ઉત્પલ પટેલ


Sanchayan 60 Pic 6.jpg
GIEVE PATEL -The Letter Home, 2002, acrylic on canvas, 59 x 72 in / 149.8 x 182.8 cm

સાહિત્ય જગત

સર્જકતા...
~ પ્રમોદકુમાર પટેલ

H0046-L136768970.jpg

કળાનિર્માણમાં, માધ્યમ સાથેનો મુકાબલો એ પણ એક અનિવાર્ય ઘટના છે. ગણિત કે વિજ્ઞાનના ક્ષેત્રમાં કામ કરતો ચિંતક / વૈજ્ઞાનિક તાર્કિક ચિંતનની પૂરી ચોકસાઈ અને ચુસ્તી જાળવવા મથે છે, વૈયક્તિક લાગણીઓનાં સાહચર્યોથી મુક્ત, ગમાઅણગમાઓથી મુક્ત, બિનંગત, ભાષા યોજવા તે પ્રવૃત્ત થાય છે. અતિ અમૂર્ત વિચારણાના સ્તરેથી તેઓ આગવું બૌદ્ધિક તંત્ર રચવા ઝંખે છે. કવિ કે લેખક, આથી ભિન્ન, શબ્દોની વ્યંજનાઓ, સાહચર્યો, સંસ્કારો આદિનો વિશેષ રીતે ઉપયોગ કરે છે. શબ્દનું સજીવ સ્પર્શસૂક્ષ્મ અને સઘન રૂપ તેને ઈષ્ટ છે. દીર્ઘ સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરામાં શબ્દોને જે કંઈ અર્થસમૃદ્ધિ મળી છે, તેને તે પોતાના લાભમાં ફેરવી નાખવા ચાહે છે. એટલે, સર્જનની પ્રક્રિયામાં ભાષાનું માધ્યમ સ્વયં કવિ / લેખકની સર્જકચેતનાને ઉદ્દીપ્ત કરે છે. એ રીતે ક્રમશઃ બીજરૂપ વસ્તુમાં નવસંસ્કરણ થતું રહે છે. કૃતિવિકાસમાં એકથી વધુ તબક્કે સર્જકને અમુક અનિર્ણિતતાનો સામનો કરવાનો પણ આવે. એવી ક્ષણે કૃતિના વિકાસની એકથી વધુ શક્યતાઓ દેખાય, એકથી વધુ દિશાઓની ઝાંખી થાય, ત્યારે રચાઈ ચૂકેલો ખંડ એમાં દિશાસૂચન કરી રહે. અંતે, કૃતિ પૂરી થાય છે ત્યારે વિકાસપ્રક્રિયાના તબક્કાઓ એની સંરચનામાં જળવાઈ રહે છે. એમાં સર્જનાત્મક ફાળ ભરવાના જે પ્રસંગો આવ્યા છે તે કૃતિની આંતરસંરચનામાં અનિવાર્ય અંશ બન્યા છે. ગણિત વિજ્ઞાનનાં ક્ષેત્રોમાં સમસ્યા-ઉકેલની પ્રવૃત્તિમાં Creative leapનો પ્રસંગ આવે, પણ એમાં અંતિમ ઉકેલનું જ વિશેષ મૂલ્ય ઠરે છે. ઉકેલ મળ્યા પછી અવાંતર ફાળનું એટલું પોતીકું મહત્વ રહેતું નથી. કવિતા સંગીત ચિત્ર શિલ્પ આદિ કળાઓની સર્જકતાના પ્રશ્ને દરેક કાળની આગવી રૂપનિર્મિત, રચનારીતિ, શૈલી, આદિના મુદ્દાઓ ય લક્ષમાં લેવાના રહે છે. કળાઓના ક્ષેત્રમાં નિરપેક્ષપણે નિર્બંધપણે સર્જકતા કામ કરે એમ માનવું મુશ્કેલ છે. કળાઓમાં ભિન્નભિન્ન પરિબળો સર્જનશક્તિને દિશા અર્પે છે, પરિમાણ અને વ્યાપ અર્પે છે, આગવું સંચાલનસૂત્ર નક્કી કરી આપે છે. મૂળ તો કવિ કે લેખકની કળા વિશેની વિભાવના અને અભિગમ એમાં ધ્યાનપાત્ર બને છે. પ્રશિષ્ટ વૃત્તિ અને રંગદર્શી વૃત્તિ પણ એમાં પ્રગટપણે કે પરોક્ષપણે ભાગ ભજવે છે. વળી, વાસ્તવવાદી વાર્તા નવલકથામાં માનતો લેખક માનવીય વાસ્તવ, પાત્રવિધાન, પ્રસંગસંકલન,ભાષાશૈલીના સ્તરેથી જે રીતે કામ કરે છે, તેમાં તેની સર્જકવૃત્તિ વાસ્તવદર્શનના ચોક્કસ પરિપ્રેક્ષ્યની અને વાસ્તવાદી કળાના ચોક્કસ Matrixથી નિયંત્રિત અને સંયત થાય છે. વાસ્તવવાદી કળાનો સ્વીકાર કર્યા પછી તેની સર્જકકલ્પના એના સીમિત-એકાત્મક અને સમપરિમાણી-વાસ્તવની વચ્ચે કામ કરે છે. આથી ભિન્ન, પ્રતીકધર્મી કથામાં લેખકની સર્જકકલ્પના એકધારી નવા સ્તરેથી ગતિ કરે છે. એવો લેખક પોતાની અનુભવસામગ્રીના એકએક અંશને પ્રતીકાત્મક સ્તરે ઊંચકે છે; બલકે, અનુભવસામગ્રીના આકલનમાં જ તેની પ્રતીકાત્મક દૃષ્ટિ કામ કરે છે. અતિવાસ્તવાદી કવિતા, એબ્સર્ડ નાટક, અમૂર્તવાદી ચિત્ર શિલ્પ કે ભાવનાત્મક કળા - એ દરેકમાં સર્જકતા જુદા જુદા સંદર્ભે, જુદા જુદા Matrixમાં પ્રવર્તે છે. દરેકમાં સૌંદર્યબોધ કે કળાત્કમ રૂપ વિશેની સમજ અમુક રીત નિયામક બને છે, તો વાસ્તવબોધની અમુક દૃષ્ટિ પણ એમાં નિર્ણાયક બની રહે છે. જરા જુદી રીતે કહીએ તો, પ્રકૃતિવાદી નવલકથા, વાસ્તવવાદી નવલકથા, પ્રતીકવાદી કવિતા-એમ ભિન્નભિન્ન વાદો વિભાવનાઓથી પ્રેરિત કૃતિઓને આગવી એવી વાસ્તવ-વ્યવસ્થા (Unique Order of reality) સંભવે છે. સર્જનપ્રક્રિયા આ પ્રકારની વાસ્તવ-વ્યવસ્થાનો જાણ્યે-અજાણ્યે સ્વીકાર કરીને ચાલે છે, એવી વાસ્તવ-વ્યવસ્થાને અનુસારીને પ્રવર્તે છે. ગણિત વિજ્ઞાન આદિ વિષયોમાં ચિંતક સંશોધક જે પ્રકારનો dis-course રચે છે, તેમાં બૌદ્ધિક પ્રવૃત્તિ જ મુખ્યત્વે નિર્ણાયક તત્ત્વ બની રહે છે, કહો કે વૈજ્ઞાનિક સત્યોની ઉપલબ્ધિ એમાં મુખ્ય બાબત બની રહે છે. આથી ભિન્ન, સાહિત્યાદિ કળાઓમાં જે વિશ્વ ઊભું થાય છે. તેમાં માનવ જાતિને ઇષ્ટ એવા ત્રણ પરમ મૂલ્યો- ‘સત્ય’, ‘શિવ' અને ‘સુંદર’નો યોગ થાય છે. એટલું જ નહિ, આ મૂલ્યોની સાથે સંકળાઈને બીજાં જીવનમૂલ્યોય એમાં પ્રવેશે છે. સાહિત્યની (કે અન્ય લલિત કળાની) કૃતિ આપણને જે રીતે પ્રભાવિત કરે છે, તેમાં કળાત્મક મૂલ્યોની સાથે સાથે અમુક જીવનમૂલ્યોનોય ફાળો સંભવે છે. સર્જનની પ્રક્રિયાનું, એથી, અલગ અને સ્વતંત્ર મૂલ્ય નક્કી કરવાનું મુશ્કેલ છે. પણ સમગ્ર કૃતિની અર્થવત્તા અને પ્રભાવકતા એની સર્જનપ્રક્રિયામાં જ નિહિત છે એમ કહી શકાય નહિ.

- ‘પ્રતીતિ’માંથી

Sanchayan 60 Pic 7.jpg
GIEVE PATEL INDIAN, B. 1940; FOOTBOARD RIDER, 2016; Acrylic on canvas, 48 x 60 in

ભૂલો સુધારવાની તત્પરતા છે ખરી?
~ જયંત કોઠારી

જોડણીને એક ભાષાકીય તથ્ય તરીકે હું જોઉં છું, તેથી મારી વાતને હું છેક જોડણીસુધાર સુધી ખેંચી ગયો. પરંતુ મારી મુખ્ય વાત એ હતી કે હકીકતની શુદ્ધિ માટે આપણે પૂરતો આગ્રહ કેળવી શક્યા નથી. આ વાતનું સમર્થન હું એક બીજી રીતે પણ કરવા ઇચ્છું છું. કોઈ પણ કામ સંપૂર્ણ શુદ્ધ રીતે કરવું ઘણું મુશ્કેલ હોય છે. નાનીમોટી થોડી ભૂલો રહી પણ જાય. પણ એ ભૂલોની જાણ થયા પછી એ સુધારવા માટે જે કંઈ ઉપાયો હાથમાં હોય તે ઉપાયો કરવાની તત્પરતા આપણે બતાવીએ છીએ ખરા? ભૂલો વધારે હોય તો થયેલા કામને રદ કરવાની આપણામાં હિંમત હોય છે ખરી? ગાંધીજીએ ગોખલેના લેખોના નબળા અનુવાદની છપાયેલી નકલો પસ્તીમાં પણ ન કાઢતાં બળાવી મૂકાવી હતી અને આ એ ગાંધીજી હતા જે વપરાયેલાં કવરોને પણ ફાડીને ઉપયોગમાં લેતા હતા. પ્રજાને સાચું જ્ઞાન, સાચી માહિતી ન આપી શકીએ, પણ ખોટું જ્ઞાન, ખોટી માહિતી તો કેમ અપાય? ‘ગુજરાતના સારસ્વતો’ જેવા સદર્ભગ્રંથનો તો કેટલાબધા લોકો - શિક્ષકો, પાઠ્યપુસ્તક તૈયાર કરનારાઓ, અધ્યાપકો, પત્રકારો - ઉપયોગ કરે? એમાં એક લેખકના નામે બીજા જ લેખકનો પરિચય હોય ને તેથી લેખક હયાત હોવા છતાં મૃત્યુ પામ્યાનું વર્ષ દર્શાવાયું એ તો કેમ ચાલે? આવી નાનીમોટી ભૂલો જાણવામાં આવે એટલે ઓછામાં ઓછું પુસ્તકનું વેચાણ તરત અટકાવી શકાય અને આવશ્યક સુધારાની કાપલીઓ ચોડી કે શુદ્ધિની પુરવણી જોડીને પછી જ એને લોકોના હાથમાં મૂકવાનું ગોઠવી શકાય. હમણાં રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીએ એક ગુજરાતી પુસ્તક અંગે માંડમાંડ આવો નિર્ણય કર્યો છે. પણ સામાન્ય રીતે આટલીયે તૈયારી આપણી સાહિત્યસંસ્થાઓની ને એની સાથે સંકળાયેલા આપણા સાહિત્યના અગ્રણીઓની હોતી નથી. ભૃગુરાય અંજારિયાનું પુસ્તક ‘------- વિશે’ પ્રગટ થયું ત્યારે સુધાબહેને એનું ટાઈટલ ને એમાંના ફોટા જોયાં. એમણે ધ્યાનપૂર્વક મારું ધ્યાન દોર્યું કે આમાં એક નાનકડી ભૂલ રહી ગઈ છે - ભૃગુરાયના પિતાનું ‘દુર્લભરામ’ નહીં પણ ‘દુર્લભજી’ જોઈએ. મે કહ્યું કે નામ એ કંઈ નાની ચીજ છે? ને લોકો તો આ પુસ્તકમાં અપાયેલી માહિતીને જ અધિકૃત ગણીને ચાલવાના; આપણે આ ભૂલ સુધારવી જ જોઈએ. મેં ભગતભાઈ શેઠને જણાવ્યું કે કહો તો હું આવીને બધી નકલો સુધારી જાઉં. પણ આ ભૂલનો ઉપાય જરૂર કરો. ભગતભાઈએ પુસ્તકમાં બંને સ્થાને સુધારેલી કાપલી ચોડવાની ગોઠવણી કરી. આવી બાબતોમાં હું કદાચ વધારે સંવેદનશીલ હોઈશ. ‘સંસ્કૃતિ’નું પ્રૂફ ઝીણવટથી તપાસતા ઉમાશંકરભાઈ ‘પ્રતિભા અને પ્રતિભાવ’માં લેખનું એક આખું પાનું છાપવાનું રહી ગયું હોય અને તેનો ઉપાય ન કરે એ મને ન ગમે. જો ઉમાશંકરભાઈ પાસે નહીં તો બીજા કોઈ પાસે હું આવાં ધોરણોની આશા રાખું? એટલે જ શ્રી ચી. ના. પટેલનો મેં આવો આગ્રહ જોયો ત્યારે મને ઘણો આનંદ થયો. એમના ‘વાલ્મીકીય રામકથા’ એ પુસ્તકમાં વિષ્ણુભાઈ (વિ. ર. ત્રિવેદી)ની પ્રસ્તાવનાની સાથે પુસ્તકની છાપભૂલોનું શુદ્ધિપત્રક પણ છપાઈ ગયું. પછી ખ્યાલમાં આવ્યું કે વિષ્ણુભાઈની પ્રસ્તાવનામાં પણ બેચાર નાનકડી છાપભૂલો રહી ગઈ છે. શ્રી. ચી. ના પટેલે આગ્રહ રાખ્યો કે કઢંગુ લાગે તોયે આગલાં ચાર પાનાં છાપવાં બાકી છે એમાં કોઈ પણ રીતે આના શુદ્ધિપત્રકની વ્યવસ્થા કરો; મારા લખાણની ભૂલો ન સુધરે તો ચાલે, પણ વિષ્ણુભાઈના લખાણની ભૂલો તો સુધરવી જ જોઈએ. એમ નથી લાગતું કે આવી નાની-નાની ચોકસાઈઓ ને નાનીનાની બાબતોના આગ્રહો જ અંતે આપણાં વિદ્યાકીય કાર્યોને વધુ ઊજળાં બનાવે?

- ‘સાહિત્યિક તથ્યોની માવજાત’માંથી

Sanchayan 60 Pic 8.jpg
GIEVE PATEL - “Peacock at Nariman Point”, 1999

કલાજગત

પશ્ચિમની કલા સમયમાં કેદ થયેલી એક બંધ ગલી છે
અંગ્રેજીમાંથી હિન્દી અનુવાદ : અખિલેશ.
ગુજરાતી અનુવાદ : કનુ પટેલ

ગીવ પટેલ : સ્વામીનાથન, તમે હાલમાં નેહરુ ફેલોશિપ હેઠળના પુસ્તક વિશે વાત કરી રહ્યા છો. શું તમે કહી શકો કે તેમાં મુખ્ય તત્ત્વો શું છે?

સ્વામીનાથન : હું સમકાલીન ભારતીય કલા પર તાંત્રિક, લોક અને આદિવાસી કલાના પ્રભાવનો અભ્યાસ કરી રહ્યો છું.

ગીવ પટેલ : શું આનો સંબંધ માર્ક્સવાદી વિચાર તરફના તમારા ઝુકાવ સાથે છે?

સ્વામીનાથન : ના, બિલકુલ નહિ.

ગીવ પટેલ : આજે તમે માક્ ર્સવાદી ફિલસૂફી ક્યાં જુઓ છો?

સ્વામીનાથન : હું માનું છું કે સદીઓ પહેલા પશ્ચિમી વિચારે જે દિશા લીધી હતી તેનો તાર્કિક નિષ્કર્ષ એ વિચાર છે કે માણસ આ બ્રહ્માંડના કેન્દ્રમાં છે (અથવા કેન્દ્રમાં રહેવાની ઈચ્છા ધરાવે છે). આ વિચારે તે જ પ્રકારની ફિલસૂફીને જન્મ આપ્યો જે વિશ્વ હડપ કરવાની શક્તિ અને તાકાતમાં વધારો કરે છે. આ રીતે, માર્ક્સવાદ એ અનિવાર્યપણે પશ્ચિમી ખ્રિસ્તી માનસિકતાનું વિસ્તરણ છે જે વિરોધના ‘વાસ્તવ’ની હિમાયત કરે છે અને તેને પકડી રાખવાનો કેવળ શારીરિક અને દાર્શનિક પ્રયાસ છે. આપણને તેની ઝલક પશ્ચિમની ચિત્રકળાની ચળવળોમાં જોઈ શકો છો: વાસ્તવવાદ, અતિવાસ્તવવાદ, મૂર્ત અને અમૂર્ત વગેરે. હકીકતમાં, આ પરિભાષાની શબ્દાવલી પણ એ સૂચવે છે કે માણસ તેની ચામડી ઉતરડીને બહાર આવવા માંગે છે. વાસ્તવિકતાનું નિરૂપણ અથવા અનિરૂપણ આ જ સ્તરે થઈ શકે છે. આ વિચાર બંને રીતે ખૂબ જ લકવાગ્રસ્ત છે, છતાં વાસ્તવિકતામાંથી છુટકારો નથી.

ગીવ પટેલ : તમે આમાંથી બહાર નીકળવાના માર્ગ તરીકે શું જુઓ છો?

સ્વામીનાથન : કદાચ લોક કલાકાર પાસે આનો ઉકેલ છે. તેમની રુચિ સાપનાં ચિત્રો દોરવામાં નહીં પણ સાપ-દેવતામાં છે. સૂર્યમાં નહીં, પરંતુ સૂર્ય ભગવાનમાં. આ રીતે તે પોતાના મનમાં પ્રકૃતિનું આહ્વાન કરે છે, અને એટલે ચિત્રો પ્રકૃતિનો એક ભાગ બની જાય છે. કદાચ તમને એવું લાગે કે હું મહાન યુરોપિયન સંસ્કૃતિને તત્કાળ ફગાવી દઉં છું, પરંતુ હું બહોળા દષ્ટિકોણ વિશે વાત કરવાનું ચાલુ રાખીશ. સ્વતંત્ર કવિચિત્ત એ છે જે આ દુનિયામાં સંપૂર્ણ રીતે વ્યાપી ગયું હોય. અને તે આપણા ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે... કે માણસ માને છે કે તે બધા જીવોમાં પોતાને અને બધા જીવોને પોતાનામાં જુએ છે, તે દુ:ખનો સહભાગી નથી બનતો. બાકી બધાં ખોખાંખોળાં, શોધ, ચકાસણી તમને ઘણા જુદા જુદા અનુભવો કરાવી શકે છે, પરંતુ હૃદય સ્પર્શી શું છે? તે બારીક વાતને જન્મ આપી શકાશે?

ગીવ પટેલ : તો પછી તમે સમકાલીન કલાના તે પાસાને કેવી રીતે જુઓ છો કે જે આદિવાસી અને લોકકલાની અસરમાંથી ઉપજે છે?

સ્વામીનાથન : કલાકાર પિકાસો, કે જેણે નિરૂપણના કંટાળાજનક તત્ત્વોને ટાળવા માટે આદિવાસી મહોરાંમાંથી કેટલાક ઘટકો લીધા અને પછીથી ક્યુબિઝમની શોધ કરી, જે એક વિસ્તૃત ખ્યાલ હતો. પરંતુ મૂળ માસ્ક એ પોતે જ સંપૂર્ણ કલાકૃતિ છે અને પિકાસોએ મને નિરાશ જ કર્યો છે. માણસ માટે નવી કૃતિનું થોડુંઘણું ઐતિહાસિક મહત્વ હોઈ શકે છે, પરંતુ તે ક્યારેય કલાનું આંતરિક મૂલ્ય ક્યારેય બની શકતું નથી.

ગીવ પટેલ : તમારા મતે, માર્ક્સવાદી કલા કયા મુકામ પર છે?

સ્વામીનાથન : ‘સ્વતંત્ર’ પશ્ચિમ એક સામૂહિક ધાર્મિક કલામાંથી એકાંતિક વ્યક્તિની કળા તરફ આગળ વધ્યું. ક્યારેક આ એકલવાયું વ્યક્તિ, એકાન્તિક સમયના ધબકાર પર આંગળી રાખીને, ઐતિહાસિક સુસંગતતા ધરાવતી કલાકૃતિઓ રચે છે, અથવા જે આ એકલતામાંથી બચવા માટે પિકાસોની જેમ પ્રયાસ કરે છે અને એક લક્ષ્ય પછી બીજા લક્ષ્યમાં પોતાની જાતને ધકેલ્યા કરે છે. માર્ક્સવાદી સ્થિતિ આવી પરિસ્થિતિને અનુસરે છે. આ નવ સંગઠિત માણસનો વિષાદ છે - નવા સમાજની સામંતશાહી. સોવિયેત રશિયાની વાસ્તવિકતાને દબાવવાનો પ્રયાસ, પરંતુ તેની પ્રક્રિયા અકુદરતી અને અશક્ય છે. બળજબરીથી દબાવવાનો પ્રયાસ, બળાત્કાર. પણ સમજવામાં ભૂલ કરશો નહીં, પશ્ચિમી ‘સ્વતંત્ર’ કલાનો આ આયોજીત ઢગલો કૃત્રિમ માધ્યમથી અને નકલી પદ્ધતિઓ દ્વારા આગળ લાવવામાં આવ્યો છે. મુખ્યત્વે તેના આ મહત્વ માટે પશ્ચિમી સભ્યતાની શક્તિ પ્રત્યેજ ઉત્તરદાયી છે, કલાના તાત્ત્વિક સત્વ માટે નહીં.

ગીવ પટેલ : તમે કોને હિંમતવાન કહો છો? જીવંત કલા માટે?

સ્વામીનાથન : આ બિન-અંગત છે. ઉદાહરણ તરીકે સ્ત્રી પર બળાત્કાર થયો હોય કે તે સ્વેચ્છાએ પુરુષ સાથે સૂતી હોય, બંને સંજોગોમાં બાળક નિષ્કલંક હશે. તે પ્રકૃતિની પ્રક્રિયાનો એક ભાગ છે. બળાત્કાર કે સેક્સ વિશે ચિંતા કરવી એ ઉકેલ નથી. હું કહીશ કે, જ્યારથી ગ્રીકોએ બળાત્કાર અને સંભોગ વચ્ચેનો તફાવત સમજાવ્યો છે, ત્યારથી સમગ્ર પશ્ચિમી કલા અહીં જ અટકી ગઈ છે. પરંતુ કલાને માનવીય ગૌરવ કે અવસાદ સાથે કશી લેણદેણ નથી.

ગીવ પટેલ : જ્યારે તમે માર્ક્સવાદી હતા, ત્યારે શું એ સમયનાં ચિત્રો તમારી રાજકીય-સામાજિક વિચારધારાનો મુખ્ય ભાગ હતાં?

સ્વામીનાથન : ના, કોઈ જોડાણ નહોતું.

ગીવ પટેલ : એનું કારણ શું હતું?

સ્વામીનાથન : સ્વાતંય સંગ્રામ દરમિયાન, ભારતના તમામ રાજકીય પક્ષો, પછી ભલે તે જમણેરી કે ડાબેરી હોય, સહુ રશિયા તરફ જોઈ રહ્યા હતા. જ્યાં સામાજિક અન્યાય સામે પગલાં લેવામાં આવ્યાં હતાં. હું માર્ક્સના વિચારોથી પ્રભાવિત હતો - વિચારધારા તરફ નહીં પણ નવી દિશાની શક્યતા તરફ. છતાં કલાકાર માટે આ સારું નથી, મને લાગે છે કે એક કલાકાર તરીકે – આ કે તે વિચારધારા અથવા તે સમયથી પ્રભાવિત થવા કરતાં બ્રહ્માંડ અને આપણા સંબંધોના મૂળભૂત અનુસંધાનની સાતત્યતા વ્યક્ત કરવી વધારે અગત્યની છે. અહીં મને મારી શોધવૃત્તિ થકી થયેલા પ્રયત્નો પીડાદાયક રીતે નિરર્થક લાગે છે. તમે ઝડપથી ચાલતી કારમાંથી વૃક્ષ જોતા હોવ કે બળદગાડામાં બેઠા બેઠા વૃક્ષને જોતાં હોવ - મહત્વનો પ્રશ્ન એ છે કે તમે વૃક્ષને તેની ક્ષમતાઓના દૃષ્ટિકોણથી જોયું કે નહીં.

ગીવ પટેલ : મને ખબર નથી કે આ સરખામણી ખરી હશે કે નહીં. જેમ કે ઝૂંપડીમાંથી ચંદ્રને જોવાથી કે સ્પેસ કેપ્સ્યુલમાંથી ચંદ્રને જોવાથી કોઈ ફરક પડશે ખરો?

સ્વામીનાથન : હા, બરાબર છે, પરંતુ એક દિવસ તમે ચંદ્રને શુક્ર પરથી જોશો અને તે સંપૂર્ણપણે અલગ લાગતો હશે. મારા મતે, ફક્ત એ જ ખરું છે જે સમયની ક્ષિતિજથી પાર છે, મુક્ત છે.

ગીવ પટેલ : શું તમને લાગે છે કે આજે માર્ક્સવાદી વિચાર માટે ‘નવી દિશાની શક્યતા’ માટે કોઈ સહાનુભૂતિપૂર્ણ શક્યતાઓ છે?

સ્વામીનાથન : જ્યાં સુધી... મને લાગે છે... આપણી આસપાસ ફેલાયેલો દુરાચાર જુઓ. માર્ક્સવાદ માટે આદર્શ પરિસ્થિતિ એ છે કે તે ખેડૂત અને મજૂરને સત્તા આપવા માંગે છે. એવું ક્યારેય બન્યું નઈ. મધ્યમ વર્ગના કેટલાક લોકો આગળ આવે છે અને શ્રમજીવીઓના નામે સત્તા કબજે કરે છે. હું આ મેનેજમેન્ટ સાથે સહમત નથી. માર્ક્સવાદ એક બિંદુ પર આવે છે અને સ્વીકારે છે કે નવી સિસ્ટમ બનાવવી પડશે. મને સમજાયું કે હંમેશા એવા લોકો હોય છે જેઓ ક્રાંતિને મજબૂત કરવા માંગે છે અને બહુ ઓછા લોકો ક્રાંતિ સાતત્યપૂર્ણ ચાલુ રાખવા માંગે છે.

ગીવ પટેલ : તમને સામાજિક ક્રાંતિમાં રસ છે અને તમારી વિચારસરણીની પ્રાથમિકતા ‘સમયની મર્યાદા’થી મુક્ત છે. શું તે વિરોધાભાસી નથી? અથવા તમે બંનેને સ્વતંત્ર રીતે જુઓ છો જેમાં એક પણ ખરાબ નથી.

સ્વામીનાથન : મને આમાં કોઈ વિરોધાભાસ દેખાતો નથી. બદલાયા વિના, કોઈની સાથે સંપૂર્ણ રીતે રહેવું. તમારે જીવનના દરેક બદલાતા પાસાને જોવું પડશે. દરેક પરિવર્તનમાં આ ખરાબ નથી હોતું, માણસને સમયનો શિકાર બનતાં બચાવવાનો આ માર્ગ છે.

ગીવ પટેલ : જ્યારે તમે સમકાલીન કળા માટે પરંપરાગત કલા સ્વરૂપોની હિમાયત કરો છો, ત્યારે શું તે યામિની રોય અથવા તાંત્રિક કલા તરફ પાછા ફરવાનું નથી?

સ્વામીનાથન : આ એક ભય છે. ઘણા ચિત્રકારોએ તેમના ચિત્રોમાં તાંત્રિક કલાના સ્વરૂપો અપનાવ્યાં છે.

ગીવ પટેલ : સમકાલીન ભારતીય કલાકારને તાંત્રિક કલાના સ્વરૂપો કેવી રીતે મદદ કરે છે કે જે પશ્ચિમી કલાનો અભ્યાસ એવી રીતે કરી શકાતો નથી?

સ્વામીનાથન : હું કહીશ કે પશ્ચિમી કલા આજે સમયમાં કેદ થયેલી એક બંધ ગલી છે. તેની ચક્રવ્યુહાત્મક શોધ અને અતીતથી સ્વાયત્ત બનવાની ખેવના આજે તેને ફિલોસોફિકલ કટોકટીમાં લઈ આવી છે. આ વાસ્તવને કબજે કરી લેવાનો પાશ્ચાત્ય પ્રયાસ છે જે પોતાના માર્ગથી ભટકી ચુક્યો છે. જો આપણે આ સ્પષ્ટપણે જોઈ શકતા હોઈએ તો આપણે પ્રયત્નો કરવા જોઈએ કે આપણું કાર્ય આ દિશામાં ન હોવું જોઈએ. આ પદ્ધતિઓ વચ્ચે વિગતવાર તફાવત છે, મને હજી સુધી તેના વિશે સંપૂર્ણ ખાતરી નથી પરંતુ તે સ્પષ્ટ છે કે દેખીતા તફાવતની જરૂર છે. હું એમ નથી કહેતો કે આપણે તાંત્રિક કે લોકકલા તરફ પાછા જવું જોઈએ પરંતુ આપણે આપણા અતીત વિશે જાગૃત રહેવું જોઈએ જે અખંડિતતા દર્શાવે છે. જો પશ્ચિમી માણસને તેની એકલતાની ચિંતા હોય તો હું કહીશ કે એકલતા એ માણસને ભાંગી પાડતી નથી. એ અસ્તિત્વનું સત્ય છે. પશ્ચિમ માટે એકલો માણસ હારેલો છે. કાળજું ખોતરવા માટે એકમાત્ર વ્યક્તિ. જયારે ભારતીય દર્શનમાં તે માટે એકાંતમાં જીવતો એક પહોંચેલો વ્યક્તિ છે.

ગીવ પટેલ : આલ્બેરકામૂનો ‘એબ્સર્ડ મેન’ એ અર્થમાં ઓછો ગહન નથી.

સ્વામીનાથન : પરંતુ ‘એબ્સર્ડ મેન’ પોતાને વિશ્વના દુશ્મન તરીકે પોતાને ઓળખાવે છે. કારણકે એ એવું માને છે કે જગતે તેને એકલો પાડ્યો છે. આપણા માટે બ્રહ્માંડ દુશ્મન નથી. આ જ તફાવત છે. તેથી જ આપણે પશ્ચિમની જેમ પીડા અને પ્રતિકારના ક્ષેત્રોને ગાળવા કરવામાં ભૂલ કરતા નથી. એક એવી પ્રવૃત્તિ જે કદાચ સાચા માર્ગ તરફ ન દોરી જાય પણ તમને આંધળી ગલીમાં તો ન લઈ જાય.


Sanchayan 60 Pic 9.png

JAGDISH SWAMINATHAN
Signed and dated in Devnagari (on the reverse),1983
Canvas -29.25 x 37 in (74.5 x 93.7 cm)

Sanchayan 60 Pic 10.jpg

GIEVE PATEL; Two Man with Hand Cart; C. 1979; Oil on Canvas; 176.53x144.78cm;

The Pea-body Essex Museum

Sanchayan 60 Pic 11.jpg

JAGDISH SWAMINATHAN 

canvas 32 x 44 in. (81.3 x 111.8 cm.) Painted in 1974

ગુજરાતી ઑડિયો વાર્તાસંપદા

Audio Vartasampada Title-2.jpg


વધુ વાર્તાઓનું પઠન
તબક્કાવાર આવતું રહેશે

ઑડિયો રેકોર્ડિંગ સંકલન : 

શ્રેયા સંઘવી શાહ
ઑડિયો પઠન: 

અનિતા પાદરિયા
અલ્પા જોશી
કૌરેશ વચ્છરાજાની
ક્રિષ્ના વ્યાસ
ચિરંતના ભટ્ટ
દર્શના જોશી
દિપ્તી વચ્છરાજાની
ધૈવત જોશીપુરા
બિજલ વ્યાસ
બ્રિજેશ પંચાલ
ભાનુપ્રસાદ ઉપાધ્યાય
ભાવિક મિસ્ત્રી
મનાલી જોશી
શ્રેયા સંઘવી શાહ
કર્તા-પરિચયો: 

અનિતા પાદરિયા
પરામર્શક: 

તનય શાહ
ઑડિયો એડિટિંગ:

પ્રણવ મહંત
પાર્થ મારુ
કૌશલ રોહિત

ગુજરાતી ઑડિયો વાર્તા સાંભળવા અહીં ક્લીક કરો


ગોવાલણી
શામળશાનો વિવાહ
પોસ્ટ ઓફિસ
પૃથ્વી અને સ્વર્ગ
વિનિપાત
ભૈયાદાદા
રજપૂતાણી
મુકુંદરાય
સૌભાગ્યવતી!!!
સદાશિવ ટપાલી
જી’બા
મારી ચંપાનો વર
શ્રાવણી મેળો
ખોલકી
માજા વેલાનું મૃત્યુ
માને ખોળે
નીલીનું ભૂત
મધુરાં સપનાં
વટ
ઉત્તરા
ટપુભાઈ રાતડીયા
લોહીનું ટીપું
ધાડ
ખરા બપોર
ચંપો ને કેળ
થીગડું
એક મુલાકાત
અગતિગમન
વર પ્રાપ્તિ
પદભ્રષ્ટ

એક સાંજની મુલાકાત
મનેય કોઈ મારે !!!!
ટાઢ
તમને ગમીને?
અપ્રતિક્ષા
સાડાત્રણ ફૂટની ઘટના
સળિયા
ચર્ચબેલ
પોટકું
મંદિરની પછીતે
ચંપી
સૈનિકનાં બાળકો
શ્વાસનળીમાં ટ્રેન
તરસના કુવાનું પ્રતિબિંબ
સ્ત્રી નામે વિશાખા
અંધારી ગલીમાં સફેદ ટપકાં
ઇતરા
બારણું
ત્રેપન સિંહ ચાવડા જીવે છે
બદલો
લીલો છોકરો
રાતવાસો
ભાય
નિત્યક્રમ
ખરજવું
જનારી
બદામી રંગનો કોટ અને છત્રી
ગેટ ટુ ગેધર
મહોતું
એક મેઈલ