zoom in zoom out toggle zoom 

સંચયન-૬૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search
Sanchayan final logo.png
સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક
બીજો તબક્કો
સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ


Sanchayan-65 Cover page.jpg
સંચયન - ૬૫

॥ પ્રારંભિક ॥

Ekatra Logo black and white.png

એકત્ર ફાઉન્ડેશન : USA

તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)

સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ): ૨૦૨૩
અંક - ૭: માર્ચ ૨૦૨૫
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : કનુ પટેલ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪


આ અંકનું પ્રકાશન : તા. ૩૧/૦૩/૨૦૨૫



Ekatra Logo black and white.png

એકત્ર ફાઉન્ડેશન

અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર

મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા

Sanchayan Art work 1.png
Sanchayan Titile Gujarati Art work.png

(પ્રારંભઃ ઓગસ્ટ, ૨૦૧૩)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩

એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org/magazine/sanchayan
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ
(ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ૩૧/૧૨/૨૦૨૪

Sanchayan Art work 1.png

જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.


Sanchayan-65 - 1.jpg

સ્કેચબુકનું એક પાનું, બોર્ડ પર એક્રેલિક, ૧૯૬૯ - જ્યોતિ ભટ્ટ

॥ અનુક્રમ ॥

સંચયનઃ બીજો તબક્કો: અંક - ૭: માર્ચ, ૨૦૨૫
સમ્પાદકીય
» બિલિપત્ર ~ મણિલાલ હ. પટેલ
કવિતા
» જન્મની ફેરશિક્ષા ~ સુંદરજી બેટાઈ
» અમૂલ્ય પળ ~ ગોવિંદ સ્વામી
» ગઝલ ~ સૈફ પાલનપુરી
» મિ લન (સૉનેટ) ~ ઈન્દ્રકુમાર જોષી
» મેલ હવે મન ઝાવા ~ ફકીરમહમંદ મનસૂરી
» બાંકડે બેઠો છું ~ હરિ કૃષ્ણ પાઠક
» ફરી વતનમા ~ પ્રબોધ ભટ્ટ
» કાગળ ~ મેઘજી ડોડેચા ‘મેઘબિંદુ’
» મગજીની કોર ~ બાબુ નાયક
» સભાપાત્રતાની ગઝલ ~ સ્નેહી પરમાર
» પંડિતનું ગીત ~ બાબુલાલ ચાવડા ‘આતુર’
» ગઝલ ~ હર્ષવી પટેલ
» ગઈકાલ વિશેનું ગીત ~ પ્રતાપસિં હ. રાઠોડ ‘સારસ્વત’

વાર્તા
» વાંસનાં ફૂલ ~ બિપીન પટેલ

નિબંધ
» વાડ ~ નીલેશ ગોહિલ

પત્રો
» ઉમાશંકર જોશીને ઝવેરચંદ મેઘાણીનો પત્ર
» મનસુખલાલ મ. ઝવેરીનો ઝવેરચંદ મેઘાણીને પત્ર
» મકરન્દ દવેનો કુન્દનિકા કાપડિયાને પત્ર

વિવેચન
» ગદ્યનું કલાસ્વરૂપ ~ ચંદ્રકાન્ત ટોપીવાળા

કલાજગત
» ડિજિટલ છબિકળા (ફોટોગ્રાફિક) ~ કનુ પટેલ


Sanchayan-65 - 2 sleeping man.jpg

॥ સમ્પાદકીય ॥

બિલિપત્ર

૧. વૃક્ષઃ

આ પૃથ્વીલોકમાં વૃક્ષ સાચ્ચે જ દેવતા સ્વરૂપ છે. વૃક્ષો વિનાની પૃથ્વી કલ્પી શકાતી નથી. વૃક્ષો વિનાનું માનવજીવન પણ અકલ્પ્ય છે. વૃક્ષો વિના તો પશુ-પંખી, જીવજંતુનું જીવવું અશક્ય છે.

એટલે વૃક્ષથી મોટો કોઈ દેવ નથી અને માટીથી મોટી કોઈ મા નથી. વૃક્ષો માટીનું રૂપાંતર છે - ને દેવસ્વરૂપ છે. આપણેય માટીનું રૂપાંતર છીએ.

વૃક્ષો ઋતુઓનું વાહન છે. ઋતુઓ વૃક્ષોને લઈને વધારો શોભાયમાન લાગે છે.

વૃક્ષ એક ગુરુ કરતાં વધારે શીખવે છે. વૃક્ષો આપણને છાંયો, ફળ, ફૂલ, લાકડું તથા ઔષધિઓ આપે છે - એ તો સહુ કોઈ જાણીએ છીએ. પરંતુ વૃક્ષો આપણને એમના જીવનમાંથી બોધપાઠ આપવા સાથે અધ્યાત્મ પણ શીખવે છે.

વૃક્ષો ચૂપચાપ પરોપકાર કરે છે. પોતાને માટે કશું જ નહિ રાખતાં વૃક્ષો જીવસૃષ્ટિને બધું જ સમર્પિત કરી દે છે. વૃક્ષની પ્રત્યેક વસ્તુ/રજેરજ કિંમતી ને કામની છે.

એના ફૂલફળથી પંખીલોકને જીવજંતુની સૃષ્ટિ સદાકાળ જીવતાં ને કલરવતાં તથા સૃષ્ટિનું સંતુલન સાધતાં રહે છે. એટલે એક વૃક્ષ કપાય છે ત્યારે સેંકડો પંખીઓ તથા જીવજંતુની વસાહતો ઉજડી જાય છે. એટલે વૃક્ષ કાપવું એ પાપ છે - મહા પાતક છે.

વૃક્ષો પરિપેક્ષને રમ્ય ને ભવ્ય બનાવવા સાથે પર્યાવરણને પરિશુદ્ધ રાખે છે. વૃક્ષ હંમેશા આપણને છાંયે બેસવા ને સાથે રહેવા સાદ પાડતું હોય છે.

જૂના જમાનામાં ગુરુકુળો - આશ્રમો વૃક્ષોની ઘટાઓમાં શુધ્ધ અને અધ્યાત્મમય જીવનથી મસ્ત રહેતાં હતાં. વૃક્ષો ઘર આપે, આશરો આશરો બને, શુદ્ધ ફળફૂલ ને હવામાન આપે છે. એ આપણને પાંદડાનાં ને ફૂલના રંગો તથા આકારોથી કુદરતની લીલા સમજાવે છે. ઔષધિ આપતું વૃક્ષ પવનનું સંગીત આપે ને ઋતુઓની લીલા દ્વારા જીવનચક્ર.... ઈશ્વરનું રચેલું સૃષ્ટિચક્ર આપણને વગર બોલ્યે ભણાવી દે છે.

“મૂળ રે વિનાનું કાયા ઝાડવું/એને પડતા ન લાગે વાર/” - આપણું શરીર પણ મૂળ વિનાનું ઝાડવું છે. એ ગમે ત્યારે પડી જવાનું છે. તો કાયાને કુદરતના વૃક્ષની જેમ રાખીએ ને બીજાઓ માટે પ્રયોજીએ ત્યારે જ જીવેલું સાર્થક થાય.

મને તો ઝાડ થવું બહુ ગમે/કવિ જયંત પાઠક તો કહે છે કે કોઈ ભવમાં હું વૃક્ષ હોઈશ... ને આમેય આપણો આકાર પણ ઝાડ જેવો જ તો છે.

વૃક્ષોની તો હજારો પ્રજાતિઓ છેઃ જાતે ઘસાઈને સુગંધ તથા શીતળતા આપે તે ચંદન તો દેવોને ય પ્રિય છે.

પારિજાતને તો દેવતરુ કહ્યું છે - કૃષ્ણે રુક્ષમણિના આંગણે વાવેલું - તે કેવું તો મહેક મહેક થતું હશે?

જીવતરના બધા રસાસ્વાદ વૃક્ષોનાં ફળોમાં નિહિત છે. કેરીને ખટાશ ને મીઠાશ! આંબલીની ખટાશ. કાચાં બોરની તુરાશ! ફણસનું ગળપણ! ખજૂરનો સ્વાદ, સીતાફળની સ્વાદિષ્ટતા... બીલી-કોઠીના ઔષધીય ગુણો!!

વૃક્ષો પૃથ્વીને જ નહિ જીવતરને ય હરિયાળું ને રમણીય કરી દે છે.

મૂળ જેટલાં ઊંડા જાય તેટલું એ આકાશને આંબે! આપણે પણ જીવતરમાં-જ્ઞાનમાં ઊંડા ઊતરીએ તો વધુ વિકસીશું.

વૃક્ષો બીજા વૃક્ષોને પૂછ્યા વિના જાતે જ ઊછરે છે-વેઠીને વિકસે છે.

૨. તડકો

જે આંખ સામે છે અર્થાત સમક્ષ છે પ્રત્યક્ષ છે તેના વિશે આપણે બહુ વિચાર નથી કરતા. દા.ત. તડકોઃ બોલો તડકા વિશે તમે ભાગ્યે જ ગંભીરતાથી વિચાર્યું હશે. અથવા ઓછી વખત વિચાર્યું હશે. તડકો આમ તો બહુ પરિચિત છે. એનાં કેટકેટલાં રૂપો છે? બધા જ તડકાને જાણે-માણે-પ્રમાણે છે. પરંતુ તડકાની રૂપસૃષ્ટિ, તડકાની દુનિયા, તડકાનું સૌંદર્ય વિશે વિચારનારા બહુ ઓછા મળવાના.

તડકો સૂર્યપ્રકાશનું -ઊર્જાનું પ્રત્યક્ષ પ્રમાણ છે. વૃક્ષોની તથા ધરતીની લીલાશને લીધે તડકો જરા વધુ પીળો તથા ઉજ્જવલ - ચોખ્ખો લાગે છે.

પૃથ્વી લોક પર જીવનનું એકમાત્ર કારણ સૂર્ય છે - તડકો છે. સૂર્ય સર્વશક્તિઓનો એકમેવ સ્રોત છે. આપણે નદીસાગરો, ધનધાન્ય, જીવજંતુ તથા માનવજાતઃ બધું જ સૂર્યની શક્તિઓના સહારે હયાત છે. આ તો વિજ્ઞાનનું સત્ય છે. તડકાની ઊર્જા સૂર્ય-પૃથ્વીની ભૌગોલિક સ્થિતિઓ પ્રમાણે તીવ્ર ને વધતી ઓછી અનુભવાય છે.

આપણે સૂર્યના સંતાનો છીએ. ને તડકાનાં આભારી છીએ.

આજે આપણે તડકા વિશે થોડી જુદી વાતો કરવી છે. તડકાનું સૌંદર્ય /તડકાના અનેક રૂપો આપણી સામે હોવા છતાં જોતા-પામતા નથી. એ આપણને કવિઓ બતાવે છે.

વરસાદ પડી ગયા પછી તરત તડકો ઊઘડે છે. ત્યારે સીમ-વગડો-વૃક્ષો-ગામ-ઘરો બધાં હસી ઊઠે છે જાણે! ભીના વૃક્ષોને સીમ પર તડકાનો રૂમાલ ફરે છે ને જાણે એમને કોરાં કરીને નિખારે છે. (લા.ઠા. સાંભરે)

હેલીના દિવસો પછી તડકો બહુ વ્હાલો લાગે છે - વિરહી નારીનો દેશાવર ગયેલો પતિ જાણે પાછો ઘરે આવ્યો છે. ઠંડા મુલકોમાં લોકો સમરમાં તડકો માણવા દરિયે ને પ્હાડોમાં જાય છે.

તડકો જો ભરી શકાય તો કોઠીમાં ભરી લઈએ. તડકાના તાકા વીંટીને સંગ્રહી લઈએ તો શિયાળે કામ આવે ને?

ઉનાળાનો દઝાડતો તડકો, પોષનો રેશમી તડકો, શિશિરમાં કરડો બનીને ડિલને શેકતો તડકો પ્રિયતમાના સ્પર્શ જેવો વ્હાલો, સવાર-બપોર-સાંજના તડકાઃ દરેક ઋતુમાં જુદા જુદા લાગે છે. ઝાડ પર ઢોળાતો તડકો - ડાંગરની ક્યારીમાં પથરાતો ને ઘાસમાં આળોટતો તડકો બહુ ગમે છે.

તડકો આપણા સહુ માટે પ્રિયજન જેવો છે. એનો ગુસ્સો પણ પછી મીઠાં ફળ આપે છે.

શ્રાવણનો તડકો - કવિઓએ બહુ પ્રેમથી ઝિલ્યો છે. પણ નિરંજન ભગતની આ કવિતામાં તડકો સાવ જુદો છે.

“તગતગતોઆ તડકો/જુવોને ચારેબાજુ ચગદઈ ગઈ છે સડકો/ઘણું હલાવા હવા મથે પણ તસુએ તે નવ ખસતો / અહીં ધરતી પર નક્કર જીર્ણ ધાતુ શો તસતસતો / ગિરિગોવર્ધનનું ય ટચલી આંગળી ઉપર ઢળવું - વૈદેહીના ધનુષ્યનું પણ રામકને તો ચળવું / પણ આને ઓગાળી દેવા કોણ મેલશે ભડકો?”

પર્વત ટોચે ઝાકળભીનાં વૃક્ષો પર ચળકતો તડકો. શબનમભરી સવારોમાં ધુમ્મસ ચીરતો ને મોતી ચળકાવતો તડકો! પ્રિયતમાના ચહેરાને વધુ ચમકાવતો તડકો... દરિયા પર મ્હાલતો તડકો, વૃક્ષોની ડાળે હીંચતો તડકો ને ધરતી પર છાંયડા ચીતરતો તડકો! તડકાનાં આ રૂપો આપણને સભર તથા ધન્ય કરી દે છે.

૩. સગપણ

માણસ માત્રને (ને આમ તો જીવમાત્રને) માયા લાગે છે. પંચેન્દ્રિયો લઈને જન્મ્યા છીએ એટલે માયા તો લાગવાની. હોવાપણું સગપણ બાંધે છે. હયાતી સગપણ રચે છે. સમગ્ર સૃષ્ટિ આમ તો પરસ્પર સગપણથી સંબંધાઈ છે.

માટીને મેઘની માયા... મેઘને બધું જ
ચૈતન્ય સભર - ચેતનવંતુ કરી દેવાની
હોંશ હોય છે. એટલે વરુણ દેવ વરસે છે.

ઘાસને ધરતીની માયા ને ધરતીને ધનધાન્યની માયા હોય છે નદી સાગર ભણી જાય છે - સગાઈની એને અધિરાઈ છે. સાગર સૃષ્ટિનો અધિષ્ઠાતા છે. સૂર્ય અને સાગરનું સગપણ વરાળ જન્માવે છે - ને વરાળ વાદળ બની ધરતીને ચેતનવંતી - જળવતી - ફળવતી કરે છે. ને માણસજાત તથા વનસ્પતિ-વનોઃ જીવજંતુઃ પશુપંખી બધાં જ જીવતર પામે છે.

સૃષ્ટિમાં સગપણ નિરંતર ચક્ર રૂપે ચાલતું રહે છે.

આંખને સૌંદર્ય સાથે સગપણ છે

નાકને સુગંધો ને મહેકનું જગત જોઈએ છે.

જીભને સ્વાદ/રસની દુનિયામાં મ્હાલવું છે.

ત્વચાને - સ્પર્શસુખ/સુંવાળા સંબંધોનું સગપણ ગમે છે.

કર્ણલોકને મર્મર અને સ્વર તથા સૂરની સૃષ્ટિ વ્હાલી છે.

આમ આ સમગ્ર સૃષ્ટિમાં વ્યાસરૂપે વિરાજે છે સગપણઃ

સગાઈના સહજ-પ્રાકૃતિક આધારો તો અવિરામ સક્રિય હોય છે.

આપણે માનવો તથા પશુપંખીની સૃષ્ટિમાં સગપણની વાત જોઈશું તો એમાં ઘણું નવું નવું જોવા - જાણવા મળશે. સગપણમાં ય કઠોરતા હોવાની ખાતરી ખાય છે.

માણસ જરા વિચિત્ર પ્રાણી છે. એ પઝેસીવ છે, સ્વાર્થી, લાલચી છે - લોભી છે. એ બધું પોતાનું કરી લેવા ચાહે છે.

પણ સગપણમાં જો સ્વાર્થ ભળશે તો એમાં તિરાડો પડશે.

સૃષ્ટિને નિયંત્રિત કરનારું પરમ તત્ત્વ બધાં જ સગપણો (તત્ત્વો) જે પોતપોતાની જગ્યાએ રાખે છે.

જળ હંમેશા નીચે ને નીચે વ્હેતું રહે છે.

અગ્નિ દશે દિશામાં ફરી વળે છે - ને જ્યોત ઊંચે જાય છે.

હવાઓ પણ બધું જ ભરી દે છે - કશું ખાલી નથી રાખતી.

તડકો ને ચાંદની ભેદ વિના બધાંને આંગણે ઊતરે છે.

વરસાદ કોઈ એક ગામ કે ઘર, ખેતર પર નથી વરસતો. વારાફરતે એ ય માટીના કણેકણને ભીંજવે છે ને ફળવંત બનાવે છે.

માણસ સગપણ તો ઝંખે છે પણ એ ભેદભાવ કરે છે. જો કે લોહીનાં સગપણ હોય તેમાં ચઢાવ-ઉતાર આવે ખરા પણ ડાંગે માર્યા પાણી જુદાં પડતાં નથી.

માણસને ખાધા વિના થોડા દિવસ ચાલશે પણ માણસને માણસ વિના - પ્રેમ - વ્હાલ ને ઈર્ષા-પીડા વિના નહિ ચાલે. માણસ પશુપંખી સાથે પણ સગપણ બાંધે છે.

સગપણ જીવનને સમૃદ્ધ કરે છે. ચાહવાના પૈસા થતા નથી. સારું બોલવામાં ખર્ચ થતો નથી. પણ માણસે ભીતરમાં સ્નેહ-સગાઈને ઉછેરવા પડે છે.

સગપણ ને સગાઈ વિના તો અસ્તિત્વ જ અશક્ય છે.

- માટી-ધાન્ય-પાણી-વસ્ત્ર-હવા-અગ્નિ-ઘર-વૃક્ષ-માણસઃ આ બધાં સાથે પ્રત્યેક જણને સગપણ હોય છે.

- એટલે આ જગતને જીવવા જેવું રાખવા માટે આપણે માનવતા, પ્રેમ, નીતિ-નિસબત સાચવીને બીજાના સગપણનો ખ્યાલ રાખીને, શુભ ભાવનાથી જીવવાનું છે.

- સગપણ વિના સુખ સંભવ નથી. ચાલો એકબીજાને ચાહીએ.

- મણિલાલ હ. પટેલ


॥ કવિતા ॥

જન્મની ફેરશિક્ષા
સુંદરજી બેટાઈ

પીઠે બાંધ્યા મણમણ તણા બોજ, ને ચાલવાનું
વાંકાચૂંકા ચઢઉતર દીર્ઘ માર્ગો પરે હ્યાં;
હૈયા કેરા અમૃતરસમાં ઘોળવાં ઝેર ઝાઝાં,
ને એ સૌને અમૃતમય દેવાં બનાવી કલાથી!
આવી મોંઘી કઠિનકપરી જીવને એક દીક્ષા
જો ના દે તું જગતગુરુ! તો માંગુ શી અન્ય ભિક્ષા?
જન્મી આહીં કુટિલ વ્યવહારે શકું કેડી કોરી,
જો વૈષમ્યે અકુટિલ રહું સાચવી સાચદોરી,
સિંચી સિંચી જલ હૃદયનાં પથ્થરાળી ધરામાં
કૈં ઉગાડું, કંઈ વહી શકું ઉપરે અંતરે વા,
છો ને રેલો મુજ જીવનનો અન્ય આંખો ન દેખે,
તોયે જન્મ્યું મુજ હું સમજું લાગિયું કાંક લેખે.
જો તું ના દે જગતગુરુ ઓ! આટલી એક ભિક્ષા,
તો હું યાચું, દઈશ ન કદી જન્મની ફેરશિક્ષા.

(ગુજરાતી સોનેટ)

Sanchayan-65 - 3.jpg

ભૂદૃશ્ય-વિસરાયેલ સ્થળ, ૧૯૬૩ - જ્યોતિ ભટ્ટ

અમૂલ્ય પળ
ગોવિંદ સ્વામી

વિશાળ પટ રેતનો સુભગ ધોળો નર્યો,
સુકાયલ સરિત તણી મધુર સંસ્મૃતિથી ભર્યો;
તટો ઉપર આમ્રકુંજ નવ મંજરી મ્હોરતી,
વસંત મદલોલ કોકિલ-કલોલથી લ્હેરતી.
નિહાળું વહી જાય ઊંટની કતાર લાંબી ક્યહીં,
સુણું ઘૂઘરમાળની રણકતી મીઠી ઘંટડી,
સુદૂર અરવલ્લીનાં શિખર રમ્ય આચ્છાદતી
સુંવાળી કંઈ શ્વેત વાદળની હાર ચાલી જતી.
પ્રભાત ખીલતાં કૂણાં કિરણ અંગ ચૂમી રહ્યાં,
અજાણ સુરભિભરી અનિલ મ્હેક મ્હેકી વહ્યા,
અમીમય બધું જ, અંતર પ્રમુગ્ધ ન્ય્હાળી રહે.
ત્યજી સકળ, વર્તમાન મહીં મુક્ત હૈયું વહે.
તુષાર જલબિન્દુશી જીવનપુષ્પને ચૂમતી
લહું ક્ષણ અમૂલ્ય આ અનનુભૂત શાન્તિભરી.
(FB)

Sanchayan-65 - 4.jpg

પ્રકૃતિ , ૧૯૬૭ - જ્યોતિ ભટ્ટ

ગઝલ
સૈફ પાલનપુરી

ખુશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,
શું આંસુનો ભૂતકાળ હતો - શું આંસુનાં પણ નામ હતાં.
થોડીક શિકાયત કરવી’તી થોડાક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે - બેચાર મારે પણ કામ હતાં.
હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી - કંઈ રસ્તા પણ બદનામ હતા.
જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.
પેલા ખૂણે બેઠા છે એ ‘સૈફ’ છે મિત્રો જાણો છો?!
કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા!
(FB)

Sanchayan-65 - 5.jpg

રેખાંકન, ૨૦૦૨ - જ્યોતિ ભટ્ટ

મિલન
(સૉનેટ)

ઈન્દ્રકુમાર જોષી

‘પ્રિયે ચહું તને’ કહી નવ શક્યું અરે આટલું
પરસ્પર પ્રીતિ છતાં હૃદય આપણું બાપડું!
અને પ્રણયઘેનમાં વિરહથી સદા ઝૂરતું
પળેપળ પડી રહ્યું શરમથી સ્મરી કાંપતું.
છતાંય ક-મને ધરી પ્રણયનીર રોમાંચનું
પ્રતીપ વહને જતું હૃદય બેની મધ્યે વહી,
થતાં જ પટ સાંકડો ન અવરોધ નીરે રહ્યો!
થયું વહન સીધું ત્યાં ઉર સમીપ આવી ઊભાં!
તહીં મિલન આપણું થયું પડેલ આ બાંકડે
સૂકાભઠ તરુ તણી કરુણ છાંયના પાંજરે.
વસંત મહીં ઝાડ એ કૂંપળથી છવાઈ ગયું.
નવીન વધુ પાંદડાં ફૂટત ડાળડાળે પછી
તળે તિમિર-પાંજરું થયું, ઊભાં ઉરો એ મહીં,
હવે થઈ છૂટાં સૂકા તરુ થકી ન ભાગી જજો!
(પદ્ય સામયિક)

મેલ હવે મન ઝાવાં
ફકીરમહમંદ મનસૂરી

મેલ હવે મન ઝાવાં,
દૂરનું ઓરું લાવવાના સૌ ફોગટ તારા લ્હાવા.
ધરી હથેળી ઉલટાવીને,
આંખે છાજલી કરવી,
દેખાય તેટલી દૂરથી એને
સજલ આંખે ભરવી,
ઓસને બિન્દુ આભ છતાંયે કેમ ચહે બંધાવા?
વરસી રહેતી વાદળી ભલે
અહીંથી જોજન દૂર,
આવશે વહી વાયરે એનું
મ્હેકતું ઉરકપૂર,
એય ગનીમત સમજીને તું છોડ હવે સૌ દાવા.

(ઈજન)

બાંકડે બેઠો છું
હરિકૃષ્ણ પાઠક

ગાડી આવે-જાય, બાંકડે બેઠો છું;
અંદર કંઈ કંઈ થાય, બાંકડે બેઠો છું.
આમ જુઓ તો એના એ વર્ષોના પાટા
સીધા સીધા જાય, બાંકડે બેઠો છું.
કોઈ કોઈ ચહેરાની રેખા માંડ ઉકેલું-
નામ કેમ પુછાય? બાંકડે બેઠો છું.
સાંધા-સિગ્નલ-ઝંડી-ફાટક-સીડી-બત્તી
-દુનિયા અજબ લહાય, બાંકડે બેઠો છું.
ઘટ આવે રે નૂર ચડે, નુકસાની લાગે;
એવું તો ભૈ થાય, બાંકડે બેઠો છું.
ખુદાબક્ષ છે, કોઈ છે ઇજ્જતવાળા;
બાકી શું કહેવાય? બાંકડે બેઠો છું.
ગણવેશોની શિસ્ત મૂળમાં ઝાવાં ભરતી,
ભોંય સરકી જાય, બાંકડે બેઠો છું.
ઝાઝું ન સમજાય, બાંકડે બેઠો છું.
ગાડી આવે-જાય, બાંકડે બેઠો છું.

(સમગ્ર કવિતા)

ફરી વતનમાં
પ્રબોધ ભટ્ટ

જૂના રે વડલા ને જૂનાં ગોંદરાં,
જૂની સરોવર-પાળ;
જૂનાં રે મંદિરે જૂની ઝાલરો
બાજે સાંજસવાર;
એથીયે જૂની મારી પ્રીતડી.
ઘેરાં રે નમેલાં ઘરનાં ખોરડાં,
ઘેરા મોભ ઢળન્ત;
એથીયે ઘેરી મારી વેદના.
ઘેલી રે ઘૂમે ગોરી ગાવડી,
ઘેલાં પંખી ભવન;
ઘેલી રે ગોવાળણ ગોપની,
સુણી બંસી સુમંદ,
એથીયે મોંઘી મારી ઝંખના.
મનની માનેલી ખેલે મસ્તીઓ
આંગણ બાળક-વૃન્દ;
ફૂલડાં ખીલે ને ખેલે તોરમાં
માથે મસ્ત પતંગ,
એથીયે મસ્તાની મારી કલ્પના.
સૂના રે ઊભા આજે ઓરડા,
સૂના મોભ ઢળન્ત;
સૂની રે સન્ધ્યાને ઓળે ઓસરી,
સૂની ખાટ ઝૂલન્ત,
એથીયે સૂની રે ઝૂરે જિંદગી.

(FB)

કાગળ
મેઘજી ડોડેચા ‘મેઘબિંદુ'

નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ.
સુખની ઘટના લખું તમોને
ત્યાં દુઃખ કલમને રોકે
દુઃખની ઘટના લખવા જાઉં
ત્યાં હૈયું હાથને રોકે
છેકાછેકી કરતાં કરતાં પૂરો થઈ ગયો કાગળ
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ...
અમે તમારાં અરમાનોને
ઉમંગથી શણગાર્યા,
અમે તમારા સપનાંઓને
અંધારે અજવાળ્યાં.
તોય તમારી ઇચ્છા મુજથી દોડે આગળ આગળ
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ.

(FB)

મગજીની કોર
બાબુ નાયક'

મેં તો મેલાવી મગજીની કોર.
લીલીછમ્મ વેલી ઉપર લાલચટક પાંખડીઓ
ચિતરાવ્યાં ચાંદની ચકોર.
વૈશાખી વાયરોય વાયો એવો કે મારો
સરક્યો સાળું ને ફાળ પેઠી;
માડી બોલી કે ઠેસ થડકાથી જાળવજે
જાત જરા બેસ હવે હેઠી.
આવી શું હો ય મૂઈ સમજણની પીડ!
ખાવા આમલી ને ખટમીઠાં બોર?
ન્હો’તી ખબર મૂવા મેરઈએ વેંત વિના
અવળે તે હાથ મને વેતરી;
બાકી જો હોય એમ બખિયાએ બાવડેથી
છેલ્લી ઘડીએ મને છેતરી.
ત્રોફેલા ટહુકાઓ ઉઘાડેછોગ કરે
ઊડવાનું ઝાઝેરનું જોર.
ગવરીની ભાંભરનો ઉકલતો બોલ,
બોલ મારો તો જળમાંહ્યલો લીટો;
એના તો નાભ ગાભ અભરે ભરાય
એવો મારે પણ મૂંઝારો મીઠો.
આંગણિયે રૂમઝૂમશે ઓકળીઓ
એય પછી છમછમશે શેડકઢો તોર.

((FB)

સભાપાત્રતાની ગઝલ
સ્નેહી પરમા


કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.
હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં,
ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં.
સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.
હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,
કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં.
એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું?
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.
જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે,
આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.

(FB)

પંડિતનું ગીત
બાબુલાલ ચાવડા ‘આતુર


પંડિત! તારી પોથીનાં રીંગણનો ઓળો થાય,
પંડિત! તારા જ્ઞાનકણોને ચકલાં-કાબર ખાય.
પંડિત! તારી પૂંઠે તારા જન્મોનો રઘવાટ પડ્યો છે,
ભીડ ચીરીને ભાગી છૂટજે!
પંડિત! નવરા નક્ષત્રોએ ના ઘડવાનો ઘાટ ઘડ્યો છે,
ભીડ ચીરીને ભાગી છૂટજે!
પંડિત! તારી પંડિતાઈનો ઘડોલાડવો થાય,
પંડિત! તારી કરોડરજ્જુ કીડી-મકોડા ખાય.
પંડિત! તારા પીળા લોહીમાં પરપોટાનો વાસ થયો છે,
ભીડ ચીરીને ભાગી છૂટજે!
પંડિત! સૂક્કાં સંવેદનનાં કણકણમાં કંકાસ થયો છે,
ભીડ ચીરીને ભાગી છૂટજે!
પંડિત! તારા તર્કાલય સૌ ભોં ભેગીનાં થાય,
પંડિત! તારી ઈડા-પિંગલા તીણાં તમરાં ખાય.
પંડિત! તારી નખગંગાના કાંઠે કાળા થોર ઊગ્યા છે,
ભીડ ચીરીને ભાગી છૂટજે!
પંડિત! ઝીણાં ઝળઝળિયાંની પાર નર્યા ગુલમ્હોર ઊગ્યા છે,
ભીડ ચીરીને ભાગી છૂટજે!

(ત્રણ ગીતોના ગુચ્છમાંથી બીજું કાવ્યઃ FB)

Sanchayan-65 - 6.jpg

પ્રવાસનો આરંભ, ૧૯૭૩ - જ્યોતિ ભટ્ટ

ગઝલ
હર્ષવી પટેલ

છે પ્રયત્નરત સહુ તે છતાં આ સવાર કેમ થતી નથી!
ને યુગો યુગોથી આ રાત છે, એ પસાર કેમ થતી નથી!
કદી તારી ભાવસભર નજર, એ હકાર કેમ થતી નથી?
ને કદી કળાય ઉપેક્ષા જે એ નકાર કેમ થતી નથી?
બધી બારીઓને ઉઘાડી મેં, તે છતાં પ્રવેશી ન ખુશ્બૂઓ
એને ઘરમાં છે જે હવડ હવા તે ફરાર કેમ થતી નથી?
ખુશી સ્વાંગ બદલીને જે રીતેે સદા વેદના બની જાય છે,
કદી રૂપ બદલી મનોવ્યથા તું કરાર કેમ થતી નથી?
મને ખ્યાલ છે કે આ જિંદગી એ ગતિનું નામ છે તે છતાં
એ રઝળવું કેમ બની જતી એ લટાર કેમ થતી નથી?
કૃપા થાય તોય અમુક ઉપર, અને એય થાતી જરાતરા,
એ થતી ન કેમ બધા ઉપર? એ અપાર કેમ થતી નથી?

(FB)

Sanchayan-65 - 7.jpg

ચહેરો, ૧૯૭૮ - જ્યોતિ ભટ્ટ

ગઈકાલ વિશેનું ગીત
દેવાયત ભમ્મર

પાદર ગયું, પનિહારી ગઈ, ગયાં પાણીનાં બેડાં,
લાજ ગઈ, ભેળી લજ્જા ગઈ, ગયાં કઠણ કેડા.
સાત ભવની છોડો સખી, ઇ ભવ નો રેય ભેળાં,
ક્ષણ ભરનાં આવેશમાં એના થાય છુટાછેડા.
વખત કાઢે, વહેવાર રાખે, સાચવે વિપદ વેળા,
એ ઘર ગયું, ઘરનાર ગઈ, ગયાં ભજન ભેળા.
ભાઈ ગયા, ભાઈબંધુ ગયા, ગયા હેતના હેડા.
નજરું ગઈ, નજાકત ગઈ, ગયા એ નાદાન નેડા.
વ્રત ગયું, વાર્તા ગઈ, આ કંકુએ છેતર્યા કેવાં?
ભાન ગયું પછી શાન ગઈ, વહમી આવી વેળા.
કરમ કાઢ્યાં, ધરમ કાઢયા, ખરા ‘દેવ’ ખદેડ્યા.
બાપ દાદાને બા’ર મૂકી, ત્રણ ચાર કૂતરાં તેડ્યા.

(FB)

Sanchayan-65 - 8.jpg

સીતાનો પોપટ, ૧૯૬૧ - જ્યોતિ ભટ્ટ

હાહરઅ્ જ્યેલી શ્યાહેલી
પ્રતાપસિંહ હ. રાઠોડ ‘સારસ્વત’

અરિયાં ઊર્જ્યાં ચિયો ઊજ્યો ઊજ્યો ઝાઝો ર્ઝંઝવો શ્યાહેલી મારી!
શેતર જઉં નં પાદર જઉં પણ મનનો વા ર્ચ્યાં ર્વંઝવો શ્યાહેલી મારી!
ઑબા ઓઢું, મહુડા ગોડું, શેઢાઓ ખતરોળું રે શ્યાહેલી મારી!
ઝણકારા રણકારા તારા તખલે તખલે ખૉળુ રે શ્યાહેલી મારી!
થૂરિયાનાં ર્પાંર્દાં તોડી નં મોરઢેલ ગેલાવું રે શ્યાહેલી મારી!
ઑશ્યો ફરફર હૈયું થરથર ટૌકા ચ્યાં મેલાવું રે શ્યાહેલી મારી!
લઉં દાત્યેડું જઉં-તો ભૂલી ફૉટિયું, નખ વાઢું રે શ્યાહેલી મારી!
પગમાં વાજ્યો વગડો હૈયઅ્ ખટકઅ હેનથી કાઢું રે શ્યાહેલી મારી!
હૈયું આયી અટચ્યું ઓઠે હોધઅ્ શેતર ગૉણું રે શ્યાહેલી મારી!
શૂનમૂન શૂનમૂન જતું રશે આ આભવરહતું ટૉણું રે શ્યાહેલી મારી!
આભ ઝરૂખઅ્ વાયરઅ્ ભૅનઅ્ અશી પૉનનાં બીડાં રે શ્યાહેલી મારી!
ભરચોમાહઅ ઑય અમારઅ ઉતરી આર્યાં તીડાં રે શ્યાહેલી મારી!

(કાવ્યસંચય)

॥ વાર્તા ॥

Sanchayan-65 - 9.jpg

વાંસનાં ફૂલ
બિપીન પટેલ’

એ સમયે જિંદગી મને ખેંચતી હતી અને હું એની ગતિએ ચાલતો હતો. કલ્પના સાથેના સંસારમાં એવો કઈ રગડો-ઝઘડો નહીં, એમ તો ખાસ્સો રાગ એકબીજા માટે. તેથી લગ્નનાં વીસ વર્ષ પછી પણ એને ગુણુ કહેવાનું છોડ્યું નહોતું, પણ સતત એવું લાગતું હતું કે બધું અટકી ગયું છે. આવો અટકાવ અટક્યો અટકતો નથી ને કોઈક કિસ્સામાં તો જો લાંબો ચાલે તો પછી ધેર ઈઝ નો પૉઈન્ટ ઑફ રિટર્ન-ઈરિવર્સિબલ થઈ જતો હોય છે.

ઘર અને ઑફિસમાં શરીર હતું પણ મન ક્યાંય નહોતું. બદલીના સ્થળે નવા પરિચયો થયા હતા પણ એ પરિચય મૈત્રીમાં બદલવાનું મન નહોતું થતું. કોઈક અજ્ઞાત ભયથી કે પૂર્વના સ્થળે ગાઢ મિત્રો તરફથી થયેલા કડવા અનુભવોને કારણે એ દિશામાં ડગ નહોતો માંડતો અને એમનાં ડગ મારા ભણી મંડાય તો પાછો ખસી જતો. અને લોકોય કાંઈ નાસમજ કે ગરજાઉ થોડા હોય કે ભાવ ન જુએ તોય નજીક આવતા જ જાય! અને આજના વ્યવહાર જગતમાં કંઈક મેળવવાની ગણતરી હોય તો પણ મારી પાસે છે શું કે મેળવે?

ચા, લંચ ને એવાં નિમિતે રસેશ, પલાશ અને પ્રકાશને મળવાનું જરૂર થતું, નિયમિત વાતોય ઘણી થતી, પણ લક્ષ્મણરેખાની બહાર નહોતું જવાતું. જ્યાં અટકી ગયો હતો એ પડાવ રાશ આવી ગયો હતો એટલે કશી ફરિયાદ નથી. પણ વેગે વહેતી જિંદગી ને અટકાવમાં ફેર તો ખરોને? હૃદયના અતળ ઊંડાણમાં ક્યાંક એવી ઝંખના પડી હશે ખરી કે વેગે વહેવાનું થાય તો કેવું?

અમે બધા કૅન્ટીનમાં ટી ટાઈમે રીચ્યુઅલી પહોંચી જતા. એકબીજાના પરિચિતો કોકવાર ઉમેરાતા પણ ખરા. ઘણું કરીને વસંતના દિવસો હશે. એક નોંધ લખવામાં રોકાયેલો હતો તેથી હું થોડો મોડો પડ્યો. રેગ્યુલર પાર્ટનર ગોઠવાઈ ગયા હતા. હું મારી ધૂનમાં બેસવા જતો હતો અને મારી બાજુમાં બેઠેલી સુનીતા તરફ નજર પડી. એણે સાડી પહેરી હતી. સાડી પહેરેલી સ્ત્રી અન્ય પોશાકને મુકાબલે વધારે સુંદર દેખાય. કદાચ પહેરવેશની વર્લ્ડ કૉન્ટેસ્ટમાં સાડી મેદાન મારી જાય. પ્રભાવિત થયો હોઉં તેમ સુનીતા તરફ નજર ઠેરવી ને પરત ખસેડી લીધી. હુ સ્ટેર એટ એન અનનોન વૂમન ઈઝ અનસિવિલ. મને એમ કે કૅન્ટીન ચિક્કાર હતી એટલે બધા સુનીતાના ટેબલ પર બેઠા હશે. પ્રકાશે પરિચય કરાવ્યો, ‘આ મોહિત, અવર રેગ્યુલર કમ્પેનિયન અને આ સુનીતાબ...’ એને અટકાવીને સુનીતાએ કહ્યું, ‘સુનીતા’ ‘અને તમારા સહુથી નાની છું એટલે મારો અધિકાર છે.’ મેં કહ્યું, ‘સાતમા દાયકા પછી બધી સ્ત્રીઓ અધિકારની ભાષામાં વાત કરવા માંડી છે. સૉરી હોં, તમારી લાગણી દુભાઈ હોય તો. આપણા મુલકમાં લાગણીનું એવું છે, એ છાશવારે હર્ટ થાય છે.’ એ મારા જાંબુડિયા રંગના સિલ્ક શર્ટ અને ચહેરા પરના મિજાજને જુદા ભાવથી જોઈ રહી. એની આંખમાં રોષ કે નકારનો છાંટો ન હતો. મારી સામે જોઈને, ‘નો પ્રોબ્લેમ, દરેક પોતાની સમજ પ્રમાણે બોલે. આમેય અત્યારનો સમય વાણીસ્વાતંયનો પણ ખરોને?’

મારા સાથીદારો સહેજ ગભરાયા. હમણાં હમણાંથી મારામાં આવી ગયેલી વક્રતાને એ સમજીને સંભાળી લેતા હતા. પણ સુનીતાએ ફરી મારી સામે જોઈને, ‘તમે પણ એક્ટિવિસ્ટોની જેમ હાફ શર્ટ પહેરો છો? જો કે શર્ટિંગ કર્યું છે એટલા જુદા ખરા, એમ તો બૅલ્ટ પણ પહેર્યો છે.’ હું ‘હા’ કહીને અટકવા જતો હતો પણ આગળ આવતા વાળ હથેળીથી પાછા ખેસવીને બોલ્યો, ‘તમે અહીં મિસફિટ છો. ટ્રાય ઇન એન.આઈ.આઈ.એફ.ટી.’

‘એનીવે, મને એ કર્મશીલો સાથે ન સરખાવશો. આઈ ફુલ્લી ઍન્ડોર્સ ધેર આઇડિયા ઑફ ઇન્ડિયા, પણ સમસ્યાને સુલઝાવવાના એમના તૉર-તરીકા સાથે પૂરી અસહમતિ.’ સુનીતાએ માથું હલાવીને મારી સામે જોયું એમાં સહમતિથી વિશેષ ભાવ એની આંખોમાં દેખાયો. હું વિચલિત થયા સિવાય ફરી મારા કોચલામાં ભરાઈ ગયો. ચા પિવાઈ, વાતો થઈ. મેં ઘડિયાળમાં જોયું. સુનીતાએ ઊભા થતાં તપન સાથે વાત કરતાં કહ્યું, ‘તમારા મિત્રની ડ્રેસ સેન્સ જોરદાર છે. એમના સ્કીન ટૉન સાથે જાય તેવા કલરનું શર્ટ છે. આપણે ત્યાં દેખાવ માટેની સભાનતા અને બુદ્ધિ એક સાથે ઓછાં જોવા મળે છે. ઈન્ટેલેક્ટ વિથ ચાર્મિંગ ફેસ.’ સુગુણા પણ મારી સંવાદકળા પર ક્યાં કુરબાન નહોતી શરૂ શરૂમાં? હું થૅન્ક્સ કહેવાનો વિવેક ન દાખવી શક્યો કારણ કે, હું ક્યાં આ જગતમાં હતો?

(ર)

લાંબા સમયથી પ્લૅટફૉર્મ પર પડેલી ટ્રેન આંચકા સાથે ઊપડે ત્યારે જેમ હડદોલો લાગે તેવો અનુભવ સુનીતાને તે દિવસે મળ્યો ત્યારે થયો. થોડા દિવસ બંનેમાંથી કોઈની હિંમત ના ચાલી, કૉરિડોરમાંથી પસાર થતાં માત્ર સ્મિતની આપ-લે થતી એનું ધ્યાન મારા શર્ટ પર અને મારું એની સાડી પર અચૂક જતું.

એકવાર મૂડ નહોતો તેથી લંચમાં નહોતો ગયો. ત્યાં જ મારો ફોન રણક્યો. લંચ પાર્ટનરનો હશે ને વળગશે પાછો લંચમાં જવા એમ માનીને ન ઉપાડ્યો. રિંગ લાંબે સુધી વાગતી રહી. મને થયું સામેવાળાને જગતમાં અપાર શ્રદ્ધા લાગે છે. મેં એનો વિશ્વાસ ન તૂટવા દેવો હોય તેમ ફોન ઉપાડીને ‘હેલો’ કહ્યું, ત્યાં જ સુનીતાનો અવાજ.મારા મૂડને હળવી ધ્રુજારી અને મારામાં ચેતન. સુનીતા બોલતી હતી, ‘અવાજ ઓળખાયો? એકવારના મિલનમાં ક્યાંથી ઓળખાય?’ મેં મારા અસલી મિજાજમાં કહ્યું, ‘મેડમ આઈ હેવ એન એલિફન્ટાઈન મેમરી. ડુ યૂ નો?’ ફોન પર એને ક્યાંથી દેખાય? બધા કહે છે એવી અકડાઈ નહોતી તે દિવસે. સહેજ ભયમાં સુનીતાએ ઓ. કે. ઓ. કે. કહ્યું, ‘આઈ વોન્ટ ટુ બી પ્લેઝન્ટલી સરપ્રાઈઝડ. ચાર વાગે આવશો, મારી ચૅમ્બરમાં? યૂ આર વોર્મ હાર્ટેડલી ઇન્વાઈટેડ.’ મેં કહ્યું, ‘આટલું બધું ડેકોરેટિવ ન બોલ્યાં હોત તો પણ આવત.’

ચાર વાગવાને ઘણી વાર હતી. સમય પસાર કરવો અઘરો થતો જતો હતો. વ્યગ્ર ચિત્ત કશું કામ કરવા નહોતું દેતું. મેં ‘ધારવા’ની ગૅમ રમવી શરૂ કરી. એણે કયા રંગની સાડી પહેરી હશે? પીળી, વ્હાઈટ, બ્લેક, મજેન્ટા? ગૅમ જામી નહીં. બ્રાન્ચમાં આસપાસ નજર ફેરવી. અમુક ઘોડામાં નિર્વસ્ત્ર ફાઈલો, (સુનીતાને કદાચ આ ઇમેજ વલ્ગર લાગે), અમુક પૂંઠામાં બંધાયેલી ફાઈલો. સંબંધો પણ આમ જ બંધાઈ જતા હશે ને ડીક્લાસિફાય થવાના સમયે હવા-પાણી પામતા હશે. બધા સંબંધોનું એમ ન હોય તેવું આશ્વાસન લીધું. ટેબલ પર પડેલી ‘આઉટ’ની ટ્રે ખાલી હતી જ્યારે ‘ઈન’ની ટ્રે નો વૃદ્ધિ પામતો ઢગલો મને ઢાંકતો જતો હતો. પોતપોતાના કામમાં વ્યસ્ત શાખા સભ્યોને મારી શૂન્યમનસ્કતાની નવાઈ ન હતી. હું કેવી રીતે સમજાવું કે ‘શ’ ને બદલે ‘અ’ અક્ષર ઉમેરાવાનો છે, આજે ચાર વાગે. ચાર વાગે કે પછી તે દિવસે ટી ટાઈમે ઉમેરાયો હતો?’

ચારમાં પાંચ કમે એની ચૅમ્બર બહાર ઊભો હતો. અંદર જવું ના જવું એની અવઢવ હતી. એને પન્ક્ચ્યુઆલિટી ગમશે કે પછી લબડુ ધારી લેશે? કેમ એણે તો બોલાવ્યો છે! પટાવાળાએ મારા કાન પાસે મોં લઈને ‘જોવ ન તમતમાર શાયેબ. ચ્વમ બીવરોણયા ક શ્યૂ? મૂ પૂછું મૅડમન?’ ‘બેસ બેસ પૂછવાવાળી, રેંજીપેંજી નથી. બોલાવ્યો છે ને આવ્યો છું.’ મનમાં ગણગણ્યો. છેવટે મેં ચૅમ્બરનો દરવાજો ખોલ્યો. ‘આવો’ કહેતાં ચેરમાં અર્ધી ઊભી થઈ ગઈ. એનું લાવણ્ય બ્લૅક કલરની વ્હાઈટ ગુલાબી ઝીણી ભાતભરેલી સાડીમાંથી નીતરીને મારી આંખે ઊડ્યું. એ સારી એવી ઊંચી હતી. ઘઉંવર્ણ એનો દેહ પહેલીવાર ધારીને જોયો. મને ધોળી સ્ત્રીઓ સુનીતાની હાજરીમાં એવો વર્ડ મનમાં ન આવ્યો. અ સિરીન બ્યૂટી. આંખો તે દિવસે કૅન્ટીનમાં જોઈ હતી તેવી, કરુણા ઝમતી, સમગ્ર વિશ્વને એક સરખા ભાવથી જોતી. મેં ટેવવશ વાળ પાછા કરવા હાથ ફેરવ્યો તો પરસેવો હાથ લાગ્યો. ‘બેસો’ કહેતાં ચમકી હોય એમ ખુરશીમાં પાછી પડી. એ ખડખડાટ હસી પડી. એનું હસવું હજું રોકાયું ન હતું એને જોઈને હું ય હસી પડ્યો. કારણ નહોતો જાણતો તેથી ખડખડાટ ન હસ્યો મારી સામે જોઈને કહે, “ઓ હેન્રીની વાર્તા ‘ગીફ્ટ ઑફ મેગી’ જેવું થયું.” સાંભળીને મારા કાન સતર્ક થયા. ‘મારી ચૅમ્બરમાં તમારા કડક ચહેરા પરથી લાંબા વાળ ઉલાળતા તમને જોવા હતા, નજીકથી, પહેલીવાર મળીએ ત્યારે. કચરો થઈ ગયો. આપણે ધાર્યું હોય કંઈક ને થઈને ઊભું રહે સાવ બીજું જ.’ બોલી મારા તાજા કપાયેલા વાળ સામે જોઈ ફરી હસી પડી ને કહેવા લાગી, ‘બબૂકડી ચોપડી જેવા વાળ તમને સહેજેય સારા નથી લાગતા. હૅરડ્રેસર બદલો. તમારા જેવા ડિસન્ટ માણસને...’ એને અટકાવીને મેં કહ્યું, ‘તેમ થાઓ. ગુરુની આજ્ઞા વિચાર્યા વિના માનવી.’ ‘હું તમારી ગુરુ?’ ‘ગમતાં સહુ કોઈ ગુરુ’ મેં ઉમેર્યું. ‘ફૉર કલર, સ્ટ્રાઈપ વાળું શર્ટ દાદુ છે, જામે છે’ એ બોલી.

(૩)

છેલ્લા મિલનના દસ દિવસ પછી કૅન્ટીનમાં દૂરના ખૂણે બેઠેલી એને જોઈ. એ પણ મને જોતી હતી. તે દિવસે ચા સહેજેય ન ભાવી.

(૪)

તે પછીના સોમવારે અમારી શાખાનો ઝીરો પિરિયડ ચાલતો હતો. આગલે દિવસે રવિવાર હતો તેથી વાચનના જ્ઞાનભારથી હું ફલ્લી લૉડેડ હતો, એનિમેટેડ હતો. સુનીતાના મારા જીવનમાં પ્રવેશ પછી મારા બદલાયેલા તેવરને જોઈ કુતૂહલ તો બધાને ઘણું થતું હશે પણ આખરે બૉસના ગળે ઘંટ કોણ બાંધે? અને સહુને છોલાઈ જવાની ધાસ્તી વધારે હતી. હું ભ્રષ્ટાચાર દૂર કરવા સારુ ઊપડેલા અન્નાના આંદોલન પર બોલતો હતો. મારો અવાજ મોટો થતો જતો હતો. ત્યાં જ દરવાજામાં સુનીતાને ઊભેલી જોઈ. મારું વાક્ય ગાળામાં અટકી ગયું. શાખાના સૌ સભ્યો સ્તબ્ધ. કેસૂડા રંગની સાડીમાં એ એરેસ્ટિંગ લાગતી હતી. મારી બાજુમાં બેસતાં મને સંભળાય તેમ ‘કૂલ કૂલ...માય’ પછીનો શબ્દ બદલાઈ ગયો હોય તેમ એ ‘જેન્ટલમૅન’ મોટેથી બોલી ને મારો બધો રોમાંચ ઓસરી ગયો હોય તેમ શાખાના બધા સભ્યો સામે અદાથી જોઈને મેં કહ્યું, ‘બધા ચૂપ કેમ થઈ ગયા, કન્ટિન્યૂ ધ ડિસ્કશન.’

હવે સુનીતા બધા સભ્યો સાંભળે એમ બોલી, ‘એમ તો અમે પણ થોડાં ઘણાં જ્ઞાની છીએ. ચર્ચામાં યથામતિ ભાગ લેવા મથશું, છેવટે ટાપસી તો જરૂર પૂરશું, ને કાંઈ ન બને તો શ્રવણસુખ તો છે જ ને?’ મેં ચા કૉફી માટે પૂછ્યું. એણે ‘ના’ કહેતા માત્ર હું સાંભળું તેમ કહ્યું, ‘મને પીવા કરતાં પાવામાં વધારે આનંદ આવે છે.’

મેં આવવાનું પ્રયોજન પૂછ્યું તો કહ્યું, ‘ખાસ પ્રસંગ માટે મહાનુભાવને ફોન પર આમંત્રણ ન અપાય.’ ‘હુ મહાનુભાવ?’ મારા પ્રશ્નની નોંધ લીધા સિવાય, ‘આજે લંચમાં મળીએ છીએ. લંચબોક્સ ના લાવતા. જન્મદિવસ છે.’ બધાંને ‘સૉરી’ કહેતાં રંગમાં ભંગ પાડ્યો’ કહી ઝડપથી ઊભા થઈ બારણા તરફ જવા લાગી ‘રંગમાં’ વાક્યે લંચ સુધી મારો કેડો ન મૂક્યો.

લંચમાં કેટલી બધી આઇટમ્સ પાથરી હતી ટિપૉઈ પર. કેક, સમોસા, સેવખમણી, ગાજરનો હલવો, પૂરી, સૂકી ભાજી અને લટકામાં દાળભાત. ગુજ્જુ દાળભાત બોલતાં બોલતાં વણથંભ હસવા લાગ્યો. મેં કહ્યું, એના કરતાં ઘેર જમવા બોલાવ્યો હોત તો? એણે કહ્યું, ‘એય થશે યોગ્ય સમયે.’ એકબીજાને કૅક ખવડાવી. ઠાંસી ઠાંસીને ભરેલી ડીશ મારા તરફ ખસેડી. મેં યાદ દેવડાવ્યું, ‘લંચ લાઈક અ માઈઝર’. એણે પહેલી વાર સહેજ ચીડમાં, ‘એવાં બધાં નિયંત્રણ ન હોય, આજે પ્રોફેસર સાહેબ. ફિલ ફ્રી જેટલું લેવાય એટલું.’

(૫)

એક પખવાડિયા પછી પુરુરવા-ઉર્વશીની જેમ અમે પુષ્પક વિમાનમાં ઊડતાં હતાં. હવે એક બીજાને મળ્યા વગર પળ પણ નહોતું ચાલતું. બાર અને ચાર વાગે ચા માટે અને અઠવાડિયાના છેલ્લા દિવસે અચૂક મળતાં.

એ દિવસે હું હળવા મૂડમાં હતો. હવે મારી વાંકાઈ ચાલી ગઈ હતી. મેં આંખ ઝીણી કરીને કહ્યું, ‘શું કરે છે તમારા પ્રમાદધન મુજ સ્વામી સાચા, સતીષકુમારજી?’ એણે ગુસ્સો કરીને કહ્યું, ‘કેમ તમને કંઈ તકલીફ? સ્ત્રીઓ જ નહીં પુરુષો પણ ઈર્ષાખોર હોય છે એની આજે ખબર પડી.’ ‘અરે યાર ટેક ઈટ લાઈટલી.’ મેં માફીના સૂરમાં કહ્યું. એણે વાત બદલતા કહ્યું, ‘તમારી વાતોમાં સુગુણા બહેન’ મેં વચમાં ફાંસ મારી, ‘એ એનું સાચું નામ નથી.’ એણે ‘હા હા’ કહીને, તમારી સુગુણાને જોવી પડશે, તમે વર્ણવો છો એવાં છે કે પછી... સારું છોડો એ વાત, તમે કલ્પનાબહેનને કેટલું ચાહો, અઢળક? એનો ચહેરો તંગ થવા જતો હતો ને એણે સંભાળી લીધું હોય એમ ફરી પૂછ્યું, અઢળક ને? પણ એને રોકીને મેં કહ્યું, ‘As Much As I Love You, પણ તારું કેવું ?’ ‘એ કંઈ કહેવાની વાત છે?’ એણે તરત જવાબ આપ્યો.

(૬)

તે પછીના એક શુક્રવારે સાંજે ચાર વાગે ટી ટાઈમે, હું તે દિવસે ઓફિસ કામના ટૅન્શનમાં હતો. આગલે દિવસે સેક્રેટરીએ ખખડાવ્યો હતો. એવું પહેલીવાર બન્યું હતું, કારણ મેં ક્યારેય ખખડવાની તક નહોતી ઊભી થવા દીધી. બાકી અમારે ત્યાં તો સેક્રેટરી પાસે ખખડીને આવી હીરોઝ વેલકમ મેળવવાનું કૃત્ય કર્યું હોય તેમ બ્રાન્ચમાં કથારસ વહેંચવાનો રિવાજ, કારણ સાહેબ બોલાવે એ જ મોટી વાત.

તેથી તે દિવસે હું ચૂપ હતો. મૂંગા મૂંગા ચા પીધી. થોડી વાર પછી ઊભો થવા જતો હતો ને એની પ્રશ્નચેતના સળવળી કે મને મૂડમાં લાવવા જગાડી હશે, એને ખબર. હવે એ પણ મને તું કહે છે. ‘બોલ મોહિત, સ્ત્રી અને પુરુષના પ્રેમને તું કેવી રીતે ડિફાઈન કરે?’ એણે પૂછ્યું. મે કહ્યું, ‘love for man is his whole life’ એને ગમ્યું હોય તેમ યસ... કહીને ઉત્સાહિત થઈ ગઈ. ‘અને સ્ત્રી માટે?’ એ બોલી. મેં કહ્યું, her whole existence’ એણે રિપીટ કર્યુ,

‘Love for Woman is her Whole Existence.

‘અને સાચો પ્રેમ?’ સુનીતાએ પૂછ્યું, મેં શેક્સપિયરની પંક્તિ ટાંકી,

‘Love is not Love which alters When it Alteration finds, or bend with the Remover to Remove.’

અમે બંને એકસાથે બોલ્યાં, ‘તો આપણે બંને શું કરીએ છીએ?’ ‘એ ઑલ્ટરેશન ના કહેવાય?’ સુનીતાએ પૂછ્યું. હું માત્ર એની આંખોમાં આંખો મેળવીને બેસી રહ્યો. મારા મનમાં દૃુષ્યંતકુમારની પંક્તિ ગુંજતી હતી:

‘તુમકો નિહારતા હૂં સુબહસે ઋતંભરા
અબ શામ હો ગઈ, પર દિલ નહિ ભરા.’

કેટલો વખત ચુપચાપ બેઠાં રહ્યાં એનો ખ્યાલ જ ન રહ્યો. એની ચૅમ્બરના અર્ધા ખુલ્લા પર્દામાંથી હમણાં ડૂબનાર સૂરજના ઓળા પડતા હતા. અજવાળું ડૂબતું હોય તેમ આછું થતું જતું હતું. એનો હાથ લાઈટની સ્વીચ પર ગયો. મેં ઈશારાથી ના કહી અટકાવી. મનમાં ગણગણ્યો

‘ભલે આખું આભ રેલી જાય
ગળા સમું ઘાસ ઊગી જાય.’

પટાવાળાએ ધડામ દઈને બારણું ખોલ્યું, ‘મેમ કોંય ફાઈલ-બાઈલ હોય તો નોખતો આવું’ સુનીતાએ પૂછેલા પ્રશ્નનો જવાબ મેં ઊભા થતાં આપ્યો. ‘હા’ અને ‘ના’.આપણા કયા સંબંધને ઑલ્ટરેશન કહીશું?

(૭)

એક્ઝેક્ટલી એક મહિના પછી, ‘મોહિત ડુ યૂ નો, આઈ એમ મેરીડ? અટકીને વી બોથ આર મેરીડ?’ પહેલી વાર સુનીતાએ ગુસ્સાથી મારી સાથે વાત કરી. એની આંખ મારું બેરોમીટર, એનો ભાવ જોવાનું. આંખમાં નહોતો રોષ, નફરત, નકાર પણ વેદના જરૂર હતી. એનું હૃદય ઊછળતું હતું. હાથ એકબીજામાં જકડાઈ જઈને ટેબલ પર ચોંટી ગયા હતા. મેં એ શાંત થાય ત્યાં સુધી રાહ જોઈ પૂછ્યું, ‘શું થયું સુની?’ હવે એ મને ‘મોહ’ અને હું એને ‘સુની’ કહેતો.

એણે જવાબ આપ્યો, ‘ઘણું બધું’

‘ઑફિસમાં કે ઘરે?’

જવાબ આપ્યા સિવાય સુની ફાઈલમાં જોતી બેસી રહી. મારી સામે જોવાની હિંમત ન હોય તેમ ઊંચું જોયા સિવાય ફાઈલ બાજુમાં મૂકી ટેબલના કાચ નીચે મૂકેલી કાવ્યપંક્તિ ‘a course of true love never did run smooth’ વાંચીને ડેબ્બા જેવડાં બે આંસુ પડ્યા.

(૮)

મળવાની ફ્રિકવન્સી ઘટતી જતી હતી. કોણે બંધ કર્યું, કેમ બંધ કર્યું એનો કોઈ કજિયો નહોતો. મારા દિવસો ફરી અનઈન્ટરેસ્ટિંગ, અનઈવેન્ટફલ, બોરિંગ પસાર થતા હતા. અગાઉ મેં પૂછ્યું ત્યારે તપને સાચી સલાહ આપી હતી કે આગળ ન વધીશ. એમાં પીડા સિવાય કશું નહિ મળે. હવે કેન્ટીનમાં, કોરિડોરમાં કે મિટિંગમાં મળવાનું થતું ત્યારે પૂર્વેના બધા સંબંધો ઓગળી ગયા હોય એમ અમે માત્ર પરિચિત રહ્યાં હતાં.

(૯)

તે દિવસે ખબર નહોતી કે અમારું એ છેલ્લું મિલન હશે. વિભાગીય યોજનાની સમીક્ષા બેઠકમાં એકસાથે થઈ ગયાં ત્યારે મેં પહેલ કરીને પૂછ્યું, ‘આપણે મળીએ તો?’ એણે માથું હલાવ્યું. હું પાછળ પાછળ સુનીતાની ચૅમ્બરમાં ગયો. હર વખતના ‘બેસો’ ના કોઈ પણ વિવેકની રાહ જોયા વગર હું બેઠો.

મેં કહ્યું, ‘સુની કેન વી નોટ કન્ટિન્યુ ?’ એણે કહ્યું, ‘ઈટ ઈઝ ઈનફ.’ મારી કહેવાની હિંમત નહોતી કે આપણો સંવાદ મથીને ત્રણ મહિના ચાલ્યો હશે ને તને ઇનફ લાગે છે? સુનીએ કહ્યું, ‘સારું ત્યારે.’ ‘કેમ ચા પણ નહિ પાવાની?’ મેં કહ્યું. ‘કહે તો તારી મંગાવી દઉં, બાકી મારો મૂડ નથી.’ સુનીએ મુલાકાત ટૂંકાવવી હોય એમ કહ્યું, ‘તો રહેવા દે ચાલશે’ એમ હું પરાણે બોલ્યો. અમારી મૌનયાત્રા કેટલું ચાલી હશે એ યાદ નથી. મારું ઊભા થવાનું મન જ નહોતું. એનું પણ કદાચ એમ જ હશે.

સુની અચાનક ઊંઘમાંથી ઝબકીને જાગી હોય તેમ, ‘મોહ આપણે સાવ ક્રૂર થોડાં થઈશું એકબીજા પર? યાદ કરવા માટે કેટલી બધી ઘટનાઓ બની છે આપણી વચ્ચે? ધસમસતી નદીના વેગે વહ્યાં છીએ આપણે. મોહ, ક્યારેક યાદ તો કરીશ ને?’ મને માર્કવેઝને એની પ્રથમ પ્રેમિકાએ પૂછેલો પ્રશ્ન યાદ આવ્યો છૂટા પડ્યા પછી બે એક દાયકા પછી મળવાનું થયું ત્યારે એની પ્રેમિકાએ પૂછ્યું, ‘ગત બધા વર્ષોમાં મને ક્યારેય યાદ કરી હતી? કેવી રીતે?’ માર્કવેઝનો જવાબ હતો, “એવો એક પણ દિવસ નહિ ગયો હોય કે તને યાદ ન કરી હોય. પ્રેમ, પ્રથમ પ્રેમ ભૂલ્યો ભુલાતો નથી. કદાચ સ્મૃતિના સાતમા અતળ ઊંડાણમાં ધરબાવેલો હોય તો પણ વૃક્ષના અંકુરની જેમ ફૂટી નીકળે છે, વાંસનાં ફૂલની જેમ ખીલી ઊઠે છે વર્ષો પછી, ને મોહરી ઊઠે છે આપણી જિંદગી. પછી ભલે ક્ષણ પૂરતી. આ વાત સુનીને કહેવાનું મન હતું, પરંતુ કહ્યા સિવાય ઊભો થયો. મનમાં હતું તે વાક્ય ‘મળીએ ત્યારે’ ને બદલે ‘જાઉં સુની’ કહી ચાલી નીકળ્યો.”

(૧૦)

ત્રણેક વર્ષ પછી મને માસિવ હાર્ટ અટેક આવ્યો. સુગુણા સતત મારી પાસે બેસી રહી. એના એક એક આંસુમાં ઈશ્વરનો, ડૉક્ટરનો, મારો આભાર ટપકતો હતો. અનેક લોકો મળવા આવ્યાં. ઑફિસનાં લગભગ બધાં જ ખબર પૂછવા આવ્યાં. તપને પૂછ્યું, ‘રાહ જુએ છે?’ મારે પૂછવું હતું, ‘એ આવવાની છે? એણે કંઈ કહેવડાવ્યું છે?’ હું જેવો તકિયાને અઢેલીને ઊભો થવા ગયો કે સુગુણાએ ચૂપ રહેવા ઈશારો કર્યો? એ તપન માટે ચા બનાવવા ગઈ. તપને કાન પાસે મોં લઈ જઈ કહ્યું, “તારી માંદગીની ખબર ઑફિસમાં પડી તે દિવસે જ મૅડમે મને બોલાવ્યો હતો, ટેબલ પર કોફીના બે કપ પડ્યા હતા. કૉફી પર બાઝેલી તર પંખાના પવનમાં ચામડીની જેમ થરકતી પડી હતી. મૅડમ થોડી વાર મૌન બેસી રહ્યાં. મને થયું, લાવ હું આઇસ બ્રેક કરું. કૉફીનો કપ ઉપાડવા જાઉં ત્યાં જ ચીસ પાડીને ‘નો નો તપનભાઈ એ કૉફી... વાત બગડતી અટકાવતાં હોય એમ, રહેવા દો, ઠંડી થઈ ગઈ છે. વળી ઘડીક મૌન થયાં ને બોલ્યાં, ‘કહો તો ચા મંગાવી દઉં.’ મેં ના પાડી.”

એ ઊભાં થયાં. તિજોરી ખોલીને પ્લાસ્ટિકમાં લપેટાયેલાં ફૂલ કાઢ્યાં. હું જોઈ રહ્યો એટલે સમજાવતા કહ્યું, વાંસનાં ફૂલ છે. વાંસને ત્રીસ વર્ષે ફૂલ આવે અને ફૂલ આવે જ વર્ષે વાંસનો અંત આવે. એમના હાથરૂમાલથી વાંસનાં ફૂલનો ગુલદસ્તો ચોખ્ખો કરીને તિજોરીમાં વ્યવસ્થિત ગોઠવી તિજોરી બંધ કરી બેઠાં. મને કહ્યું, ‘મોહિત, મોહિતભાઈની મારા વતી ખબર પૂછજો.’ મેં કહ્યું, “બીજું કઈ કહેવડાવવું છે મૅડમ?’ બીજું તો શું કહું ઈશ્વર એમને સાજા-સમા કરી દે.’ મેં પૂછ્યું, ‘હું જવાનો છું ખબર પૂછવા. તમે પણ ચાલોને?’ એ ઊભાં થયાં. મારી સાથે લિફ્ટ પાસે આવ્યાં. લિફ્ટનું - બારણું ખૂલતાં મેં એમને પહેલાં જવા ઈશારો કર્યો. એમણે મને જવા કહ્યું, લિફ્ટનું ડોર બંધ થયું ત્યાં સુધી અંદર આવવાને બદલે ત્યાં જ ઊભાં રહ્યાં.

(વાંસનાં ફૂલ)

Sanchayan-65 - 10.jpg

એક ચહેરો, કોતરણી - જ્યોતિ ભટ્ટ

॥ નિબંધ ॥

Sanchayan-65 - 11.jpg

વાડ
નિલેશ ગોહિલ’

વાડ અમારું આશ્રયસ્થાન. અમે વાડમાં જ મોટા થયા એમ કહું તોપણ કંઈ ખોટું નથી. કેરી નદીના કાંઠાની વાડ હોય, ખેતરની વાડ હોય કે પછી ઓકળાકાંઠાની વાડ હોય એને અમારી પરવરીશમાં તલભાર પણ ખામી નથી વર્તાવા દીધી. શેઢે પાર વગરની વર્ષો જૂની ભાત ભાતની બોરડીઓ હતી. લાલચટ્ટાક ચણીબોરથી અમારાં ખિસ્સાં હાંફતાં હોય. કોઈ બોર મીઠા મધ જેવા તો કોઈ ગરભથી ભરપૂર. મુઠ્ઠીમાં સમાય નહિ તેટલા સાંગરા પડિયા આપનારા બાવળ ને ખીજડા વાડની ડૂંટીમાં જ ઊગેલા. અમને એ બ્રહ્મકમળ જેવા જ લાગતા. રાડારૂડીનાં ફૂલ અમે બકરાની જેમ મમળાવી જતા. સાથે સાથે ગંગેટીનાં સફેદ ફૂલ પછી લીલા, કાચા અને કૂણા ગંગેટા, છેલ્લે નારંગી રંગના પાકા ગંગેટાનો બરાબરનો લુત્ફ ઉઠાવતા. ખાટાં ખાટાં કશેળાં આપનારી કશેળીએ બધાં જ ખાટાં ફળોના સ્વાદ અમારી જીભમાંથી ભૂંસી નાખ્યા હતા. સૂડિયા આપનારી વેલ હતી. અમે ફાંફાં મારીને થાકતા તોય સૂડિયો ન જડે તો ત્યારે શ્લોક બોલવો પડતો, શ્લોક અમે કંઠસ્થ જ રાખતા...

સૂડિયા સંઘેટડી રાઈની બેટડી,
રાઈ જાય દડી સૂડિયો જાય જડી.

આ શ્લોક બોલીએ એટલે ફટ સૂડિયો જડી જાય. જાણે સૂડિયાની વેલ જ અમને હાથોહાથ દેતી ન હોય! સૂડિયા ગોતવા માટે અમારું આ રામબાણ હતું. એને અમે કાયમ જીભને ટેરવે જ રાખતા. ખટ્ટમીઠાં સેતૂર હતાં. પક્ષીઓ સાથે અમે પણ સેતૂરી માથે ચડી હરિહર કરીએ. પાકાં સેતૂર ખાઈને કોની જીભ વધારે કાળી થઈ છે તેની વડચડ કરતા. વોકળાની વાડમાં સીતાફળી પણ હતી. અમે સીતાફળ પાકવાની રાહ જોતા હતા પણ વડવાંગડા રાત્રે આવીને પાકાં સીતાફળ ઠોલી ખાતા. સવારે અમારા ભાગમાં ડીટિયાં ટીંગાતાં હોય. અમે પછી થડે પાકવાની રાહ ન જોતા. સીતાફળની આંખ ઊઘડે એટલે તોડી, દાબે નાખી, પકવતાં. સીતાફળનો ગરભ અમારા મોંમાં બરફની જેમ ઓગળી જતો. એ મીઠો સ્વાદ હજી દાઢમાં જ છે. વડ અને પીપળાની કૂણી કૂણી કૂંપળો, આંબે કોયલો અને સૂડાએ ઠોલી ખાધેલી કેરીઓ, જામફળ, ચીકુ, ચૈયા, વગેરે અમને જે મળે તે હરિહર કરી જતા. અમે સાઢુડા જરાય નહિ.

અમારી ભૂખની ચિંતા વાડને કાયમ રહી છે. અમારા ઘોબા જેવડું પેટ ભરવા વાડ સમર્થ હતી. વાડ અમારા માટે મા થઈ ગયેલી, ભૂખને અડખેપડખે ફરકવા ન દે. અમે પણ વાડનાં હેવાયા, પેટમાં ભડકો થાય એટલે અમે તરત વાડ ભણી ઉઘાડા પગે દોટ મૂકતા. બાળક સ્તન મોંમાં લે તેમ અમે વાડને ચોંટી પડતા. વાડે અમને ક્યારેય અળગા નથી કર્યા.

વાડ ચોમાસે ભરત ભરેલો ભાતીગળ સાડલો ઓઢી રૂપ રૂપના અંબાર જેવી ઊભી હોય. હાથીની કાયા જેવી તેની અલમસ્ત કાયા બંને બાજુ પવનમાં હાલકડોલક થતી. તેમાં વેલવેલાઓ ગૂંથાઈ જતા, પછી જેમ જેમ ઋતુ પડખું ફેરવે તેમ તેમ અમારી વાડને નજર લાગી. પાનખર આવી ભરીભાદરી વાડને આડે આથ લે. બાજ કબૂતર માથે ત્રાટકે તેમ અમારી વાડ માથે પાનખર ત્રાટકે. વાડને કાયદેસરનો કમળો થઈ જતો. પીળી પડી જાય. આંખ ઉપરથી એક એક આભૂષણ ફગાવવા માંડે. પાનખર ખોળો પાથરી, પગ વાળીને એવી તો બેસી ગઈ હોય કે, ધરાવવાનું નામ જ ન લે. વાડ બધું હસતા મોઢે આપી દે. તેની આપવાની વૃત્તિ જ ખુવાર કરી મૂકે. ઢોરના હાડપિંજર જેવી વાડ સામે જોઉં ત્યારે મને આંખે મોતિયા આવ્યાની ભ્રાંતિ થતી.

વાડ પર આક્રમણ થવાનું હોય એની અગાઉ અમને ખ્યાલ આવી જતો. બાપુએ વકરી ગયેલી વાડને કાપવા ધારિયા કુવાડાની અરીસા જેવી ધાર કાઢીને તૈયાર રાખ્યાં હોય. એને કૂવામાં પધરાવી દેવાનું મન થઈ આવતું. પણ બાપુના સ્વભાવ આગળ અમારી હિંમત ભૂ પીવે. આમ અમે ખવી સાથે બથોબથ આવી જવાની ત્રેવડ ભલે રાખીએ પણ બાપુનું નામ પડે એટલે અમે મિયાંની મીંદડી. એ માટે અમે અમારા પગ સાથે જ કોહાડા મારી અંદર ને અંદર દુ:ખી થતા. બાપુ વાડ માથે કુહાડાનો ઘા કરતા હોય ત્યારે અમને બાપુમાં સાક્ષાત્ પરશુરામ દેખાય. ક્યારેક પૃથ્વીને નપાણવી કરી નાખવા પ્રતિજ્ઞા લેતો ભીષ્મપિતા દેખાય. બાપુનો ચહેરો લાલઘૂમ, પરસેવાના ધ્રાંગા અંકાઈ ગયા હોય. આંખોમાં અંજાઈ જઈએ એવી કરડાકી વર્તાતી હોય. બાપુએ વાડનાં કાપેલાં ઠરડાં અમે ઢસડીને બહાર નાખી આવતા. ઠરડાં ઢસડીએ. ત્યારે અમારો જીવ ઢસડતાં હોઈએ એવું લાગે. ઠરડાં અમારી કેડ બેવડ વાળી દેતાં. આટ આટલું વેઠવા છતાં કોઈ દિવસ વાડે અમને જાકારો નથી દીધો. છેલ્લે કાંઈ ન વધ્યું હોય ત્યારે વાડે અમારા માટે સુકાઈ ગયેલા સાંગરા પડિયા અને બોર રાખી મૂક્યાં હોય. એની કકડાટી મારી દાઢમાં હજુ કડકડ થયા કરે છે. એના ઋણમાંથી હું કયા ભવે મુક્ત થઈશ?

બાપુ ક્યારેક સૂકી વાડને દીવાસળી મૂકી સળગાવતા. વાડ આખી ભડભડ બળતી. એમાં સૂકા સાથે લીલું પણ બળે. એમાંથી ધૂમ્રગોટનો ધોધ વછૂટે. છેલ્લે વાડનાં અમુક અસ્થિઓ વધતાં હતાં, બાકી બધું બળીને રાખ થઈ જતું. મારા માટે માત્ર એક જ કામ બાકી વધતું હતું. એ હતું કે માથે પછેડી ઓઢીને કાણ કાઢવાનું.

ક્યારેક નિશાળે લેસન નહોતું થતું ત્યારે અથવા ભજન ગાવાનો વારો હોય ત્યારે અમે ઘરેથી તો નીકળી જતા પણ વાડનું શરણું લઈ લેતા. જે તે ખાઈને વાડના ખોળામાં જ પડ્યા રહેતા. વાડની બાજુમાંથી કોઈ પસાર થાય તો કોઈને જરાય ખ્યાલ પણ ન આવે કે અંદર અડ્ડો જામ્યો છે. વળી સાંજ પડે નિશાળેથી છૂટીને ઘરે જતાં હોઈએ એમ જ જતા. અમને છટકી જવા માટે ગરકછીંડી પણ વાડે જ કરી આપી હતી. ભીમ અગિયારસ પહેલાં ગંજીપાનો લઈ આ વાડમાં ભરાઈ રહીને ધરાઈ ધરાઈને કૂટી લેતા. નદીના સામા કાંઠાની વાડે મને એક સમયે મોટો જુગારી બનાવેલો. મને વિઠ્ઠલ તીડીની ઉપમા પણ મળેલી. એનું શ્રેય આ વાડને જ જાય છે. પણ ગ્રામ ઉદ્યોગમાં ભણવા ગયા પછી જુગાર રમવાનું જળ લઈ લીધું.

પહેલી વખત બીડી નહીં પણ બીડીનું ઠૂંઠુ ફૂંકવાનો આનંદ પણ અમને આ વાડના ખોળામાં થયેલો. ઠૂંઠાનો ધુમાડો નાકમાં ઘૂસી જતો ત્યારે ઉધરસ ખાઈને બેવડ વળી જતાં એ વાડના ખોળામાં જ. વાડ અમારો સામાન સંતાડવા માટે પટારો બની જતી. અમારા ભમરિયા ભાલા, કેસરિયા વાઘા, શિહોરી તલવારો, તીરકામઠાં, સાબખા, ગદા, લીરાં, ધજા, મુગટો, વગેરે આ વાડમાં સંતાડી નચિંત રહી શકતાં. બપોર વચાળે બધા સૂઈ જતાં ત્યારે અમે લાંબી સોટી લઈને મધની ધોકપરોણી કરવા અમે આ વાડ જ ફંફોસતા. મધ ગોટી બરાબર પાકી ગઈ હોય તેમાં ચોટી ભરાવી પાછી ખેંચી લેતા. ચોટી સાથે ચોંટેલું મધ અમારી જીભે અડાડી અમારી મરવા પડેલી જીભમાં જીવ આવતો. અમારી દાઢમાં સ્વાદનો રામ થઈ ગયેલો દીવો ફરી વખત ચેતન થઈ જતો. જીભ વધારે મધનું વેન કરતી ત્યારે એનું પરિણામ ભયાનક નીવડતું. જીભ જાણે મારાં બીજાં અંગોને ફસાવવાની કે સોજાવાની પેરવીમાં જ રહેતી. મધપૂડામાંથી માખીઓ છૂટેલા તીર માફક વછૂટે. મધમાખી વધારે પડતી આંખને જ નિશાન બનાવતી. બે દિવસ આંખ ખૂલતી નહીં અને સોજીને દડા જેવી થઈ જતી.

વરસાદથી બચવા માટે પણ અમે આ વાડમાં જ ભરાઈ જતા. વાડે અમારી માટે ખોળો પાથરેલો જ રાખ્યો હોય. પોતે પલળે પણ અમને પલળવા ના દે. તડકા વખતે પણ એવું જ; પોતે તપે પણ અમને ન તપવા દે. ખબર નથી વાડને તે વળી પરોપકારના પાઠ કોણે ભણાવ્યા હશે?

હવે ધીરે ધીરે વાડ વિહોણા ખેતર બાંડા હાથી જેવા લાગે છે. વાડ કાઢીને તાર બાંધી દીધા. તારમાંથી ગંગેટા બોરાં કે સાંગરા પડિયા ક્યાંથી આવવાનાં હતાં? ક્યાંક ક્યાંક તો વાડને બદલે દીવાલ જ ચણી દીધી છે. પશુ-પક્ષી, જીવ-જનાવર સાથે પવનને પણ અંદર પ્રવેશવાની પાબંદી. એક સમયે અમને અમારું પેટ ભરી અમને મોટા કર્યા હતા. મારી આંખો સામે વાડનું નિકંદન નીકળતું જાય છે અને હું આંખો આડા કાન કરું છું.

(બુદ્ધિપ્રકાશઃ ૨૦૨૪)

॥ પત્રો ॥

Sanchayan-65 - 12.png

ઉમાશંકર જોશીને ઝવેરચંદ મેઘાણીનો પત્ર

રાણપુરઃ ૩૦–૦૮–૧૯૪૦ પ્રિય ભાઈ, લાંબો પત્ર મળેલો..... તમે ઈશારો કરેલો ‘લોકગીત-લોકસાહિત્ય’ના વિષય પર આવું, પણ મને સૂઝતું નથી હું શું કરું? તમે કહો છો, પણ હું તો મારા કંઠમાં પાંસચો ગીતો પકડીને બેઠો છું. એ ચાલ્યાં જતાંને મેં હજુ ય આગમાંથી ઉગારી પકડી રાખેલ છે, પણ હું કરું શું? કોની પાસે જાઉં? મારે એક મોટું volume ગીતોનું બનાવવું છે, ‘રઢિયાળી રાત’ના ત્રણ ભાગોની અંદર ન આવી શકેલાં પુષ્કળ છે. ભજનોનું કરાવી રહ્યો છું. પણ એ બધું હું કોના સહકારથી કરું? મારે પણ બીજી કોઈ પ્રતિષ્ઠા જોઈતી નથી, લોકસાહિત્યની એક જ કલગી બસ છે, ને એેને vindicate કરવા માટે મારી પાસે ઘણું છે. ચારણી સાહિત્ય મારા હાથમાં છે પણ હું ક્યાં બેસીને કામ કરું? પેલા વળાવાળા ચારણ-કવિ ઠાકરભાઈ, એકસઠ વર્ષની વયના છેલ્લા અવશેષ, ગઈ કાલે જ ભેટી ગયા. એને ઘેર મારા ગામથી આઠ જ ગાઉ ઉપર પાંચસો વર્ષ અંદરની હસ્તપ્રતો-ચોપડાના થોકેથોક પડ્યા છે, પણ હું એનો ભંડાર જોઈને શું કરું? હું એકલો કેટલુંક કરી શકું? Revival માટે મેં રસમાર્ગ લીધો તો વિદ્વાનો કહેશે કે આમાં શાસ્ત્રીયતા નથી. અરે ભાઈ, શાસ્ત્રીયતા તો યુનિ.ની ડિગ્રી લઈ આવનાર સેંકડો બતાવે છે, મારો છોકરોય કાલે બતાવશે, પણ પાંચસો ગીતો ને પાંચસો દુહા, આટલાં ભજનો ને આટલાં ચારણી કાવ્યો ને એનામાં રસ મૂકતી બીજી થોકબંધ પ્રસાદીઓનો બોજ ખેંચનારને અશાસ્ત્રીય કહીને કાઢી નાખ્યે શો લાભ છે? ને એમ હું ગળાઈને ઇતિહાસમાંથી કાંકરા-કસ્તર જેવો નીકળી જાઉં તો યે શો અફસોસ છે? પણ હું મારી પાસે જીવનતત્ત્વ છે તેને ક્યાં લઈ જાઉં તે કોઈ કહેશો?... ‘તુલસી-ક્યારો’ પૂરું કર્યું. ‘એકતારો’ની પૂર્ણાહુતિ કરી રહ્યો છું.

- ઝવેરચંદ
(લિ. હું આવું છું (ખંડ-૧)

Sanchayan-65 - 13.jpg

પોતે એક કલાકાર તરીકે ૨૦૦૯ (કાગળ પર ૫૨ રંગમાં સેરીગ્રાફ) - જ્યોતિ ભટ્ટ

મનસુખલાલ મ. ઝવેરીનો ઝવેરચંદ મેઘાણીને પત્ર


મુંબઈઃ ૨૯–૦૮–૧૯૩૯ પ્રિય ભાઈ, પત્ર મળ્યો. તમારી પ્રવૃત્તિશીલતાની અને જંજાળની ખબર છે એટલે તમે જવાબ ન લખી શકો કે વિલંબ કરો તેનું મને દુઃખ હોય જ નહિ. મારા પત્રોનો ઉચિત ઉપયોગ કરો છો તે હું જાણું છું એટલું જ નહીં પણ તમે એમાં જે ફેરફાર કરો છો તેની સાથે પણ સંમત થઉં છું. હું તો બળ્યોઝળ્યો ગમે તેમ બાફી મારું: તમે આવશ્યક વસ્તુઓને યોગ્ય સ્વરૂપમાં પ્રગટ કરો તે તમારો અનુગ્રહ કહેવાય. યુનિ.ની મુત્સદ્દીગીરી વિશે જેમ જેમ સાંભળું છું તેમ તેમ મારા ક્રોધનો ને ખેદનો પાર નથી રહેતો. યુનિ.નું જ શા માટે? આપણા ગુજરાતી સમાજના અંગે-અંગમાં એ મુત્સદ્દીગીરી ખદબદી રહી છે. ખુશામત અને ખટપટ તો જાણે આપણો સ્વભાવ જ બની ગયાં છે. કોઈને મહેનત કરવી નથી. નક્કર અભ્યાસ કે સંગીન સાહિત્યસેવા કરીને કોઈને યશપ્રાપ્તિનો સાચો પણ લાંબો અને ધીરજ ખૂટે તેવો માર્ગ લેવો નથી. લેખકોની સાથે પરિચય રાખીને જ પોતે પણ લેખક ગણાઈ જાય તેવો લોભ સહુ રાખીને ફર્યા કરે, પરસ્પર પંપાળીને સહુ પોતપોતાનાં મનમાં મોટા બનીને ફુલાયા કરે અને ભેળમંડળ જેવા નાના નાના વાડાઓ રચીને અહો રૂપં, અહો ધ્વનિઃ કર્યા કરે! તમે મુંબઈનો વધારે અનુભવ લીધો છે એટલે આ બધું તમે જાણતા હશો જ. હું તો આ બધું નવું દેખાયું એટલે લખી રહ્યો છું. પત્ર ન લખાય તો ચિંતા રાખવાની જરૂર નથી. એ જ. લિ. મનસુખલાલના પ્રણામ (લિ. હું આવું છું. - ખંડ-૧)


મકરન્દ દવેનો કુન્દનિકા કાપડિયાને પત્ર


મનીકે પ્રિય! તારો વિસ્તૃત પત્ર મળ્યો. બહારની વ્યવસ્થાનો બધો જ દોર તારા હાથમાં. મુંબઈ રહેવું જરૂરી લાગે તો તેમ કરવું એમ તું ‘દૂર’ જા તો કાંઈ ન લાગે પણ... તારું મોં હસતું હોવું જોઈએ. મારું હૃદય વહેતા પ્રવાહ જેવું - તારા હૃદય ભણી. પણ તને ક્યાંયે આઘાત લાગે તો મારું હૃદય પછડાટ જ અનુભવે. આ નિર્બળતા હોય તો ભલે, પણ કુન્દ! - મારા તરફથી તને વિષાદની છાયાની સંભાવના જોઉં તો પણ કંપી ઊઠું. ‘બાહ્ય ગોઠવણ’માં તું મારા કરતાં વધુ સમજે તે કબૂલ ને તારી ગોઠવણ પ્રમાણે કરવાનું... ‘આંતરિક ગોઠવણ’માં... તું મારામાં ગોઠવાઈ જા, ગોઠિયણ! આપણે કદાચ સાવ અલગ પડી જઈએ ત્યારે પણ તારા આનંદની કાળજી રાખવાનું મન થાય. હા, વજ્રની વાત કરું ને મીણથીયે પોચો માનવી. આહા! તારો આનંદ મને આકરા તાપમાં પણ ઝીણી ઝરમરની જેમ વિંટાઈ વળે છે. કલ્યાણી! આ વિશ્વનું પરમ સત્ય તારું સદા કલ્યાણ કરે. આજે બપોરે ‘મહાભારત’માં ‘શકુન્તલોપાખ્યાન’ વાંચતો હતો. દુષ્યન્તની સામે શકુન્તલા એવી તો ઓજસ્વી વાત કરે છે! એક વાર તો બોલી ઊઠ્યોઃ ‘જો તો, કુન્દન! આ તેજ!’ - તે સાંભળ્યું? મ. [[right|(સાંઈ-ઈશા અંતરંગઃ પૃ. ૬૬)}}

॥ વિવેચન ॥

Chandrakanat Topiwala Sanchayan-65 - 14.jpg

ગદ્યનું કલાસ્વરૂપ
ચંદ્રકાન્ત ટોપીવાળા

(૧)

મરિના ત્સ્વેતેવાનાં ગદ્યલખાણોના સંચયની પ્રસ્તાવના બાંધતાં સુસાન સોન્ટાગે લખેલું: ‘ગદ્ય જાણે કે હંમેશા પ્રત્યાયનશીલ સેવાપ્રવૃત્તિ છે એમ માની ગદ્યની કોઈ પણ કૃતિને ઊતરતી કક્ષાનું સાહસ ગણવામાં આવે છે.' બ્રોદસ્કીએ પણ આથી જ લશ્કરી ભાષામાં કવિતાને આકાશસંચરણ (Aviation) અને ગદ્યને ભૂમિસંચરણ (Infantry) તરીકે ઓળખાવી ગદ્યની અવહેલના કરી છે. એલિયટ દૃઢતાપૂર્વક માને છે કે એક વિશિષ્ટ સંચેતનાનો વિસ્તાર છે જે ગદ્યને અતિક્રમીને રહ્યો છે. કૉલરિજે બહુ પહેલાં ઉત્તમ શબ્દો ઉત્તમ ક્રમમાં - જેવી કવિતાની વ્યાખ્યા સામે ‘કેવળ ઉત્તમ ક્રમમાં શબ્દો’ જ્યાં હોય એને ગદ્ય તરીકે ઓળખાવ્યું છે. આમેય કોઈ પણ સાહિત્યના વિકાસમાં ગદ્યનો વિકાસ મોડો જોવા મળે છે અને ગુજરાતી સાહિત્યના સંદર્ભમાં એ જ પરિસ્થિતિ પ્રવર્તે છે. વળી, કવિતાની જેમ ગદ્યના મૂલ્યાંકન માટે દૃષ્ટિબિંદુઓ કે મુદ્દાઓ લાંબી પરંપરાથી નિશ્ચિત થયાં નથી, એવો પહેલવહેલો તારસ્વરે અભિપ્રાય રામનારાયણ પાઠકે કાલેલકરના ગદ્યની તપાસ વખતે ઉચ્ચારેલો અને પોતાની રીતે કામચલાઉ ધોરણે એમણે નર્મદ ગદ્યની સમીક્ષા કરવાનો પ્રયત્ન પણ કર્યો છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની ચિંતનાત્મક ગદ્યની ચિંતા જેટલી ચિંતન માટે છે એટલી ગદ્ય માટે થઈ નથી એમ કહી શકાય.

પશ્ચિમમાં પણ ગદ્ય અંગેના ધારણાત્મક અર્થઘટનો અને આનુભવિક વર્ણનપદ્ધતિની સામે વસ્તુલક્ષી પદ્ધતિઓનો વિકાસ છેક વીસમી સદીના બીજા ત્રીજા દાયકામાં કે વીસમી સદીના પૂર્વાર્ધમાં ઝેકોસ્લાવેકિયા, જર્મની, ફ્રાન્સ, અમેરિકામાં થયો છે અને વીસમી સદીના ઉત્તરાર્ધમાં નિરૂપણવિજ્ઞાનનાં પાસાંઓને વૈજ્ઞાનિક રીતે ઉપાવવામાં આવી રહ્યા છે.

બીજી બાજુ સંસ્કૃત આલંકારિકોએ બહુ પહેલેથી જ ગદ્યના સ્વરૂપને કાવ્ય અંતર્ગત સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે: અને ગદ્યની સ્પષ્ટ વ્યાખ્યાઓ પણ બાંધી છે. એટલું જ નહિ પણ પદ્ય કે ગદ્યને પ્રધાન કે ગૌણ ગણ્યા વગર માત્ર કાવ્યત્વના સંદર્ભમાં જ એના મૂલ્યાંકનના માપદંડ નીપજાવ્યા છે. અને જો પ્રધાન ગૌણની ગદ્યના દુર્બન્ધ કલાસ્વરૂપની એમણે સવિશેષ નોંધ લીધી છે.

આ સમગ્ર સંદર્ભ જોતાં ગદ્ય શું છે, ગદ્યનો રોજિંદી ભાષા સાથે સંબંધ શો છે; ગદ્ય માત્ર પદ્યની કોઈ પ્રતિલોમ વસ્તુ છે, શુદ્ધ ગદ્યથી માંડીને સર્જક ગદ્ય કે લલિત યા સાહિત્યિક ગદ્ય સુધીની સીમારેખાઓ કઈ છે, કથાત્મક અને અકથાત્મક ગદ્યની આશયલક્ષિતા કઈ રીતે ભિન્ન હોઈ શકે, આધુનિક ગદ્ય પારંપરિક ગદ્યથી કંઈ વિશેષ ગુણમાત્રા પ્રકટ કરે છે, વગેરે જટિલ પ્રશ્નોના ઉકેલ તો આ તબક્કે મળે યા ન મળે પણ આ પ્રશ્નોની ઓળખ સુધી તો અવશ્ય પહોંચવું પડશે.

(૨)

સંસ્કૃતમાં गद् એટલે કહેવું અને લેટિનમાં Prosa એટલે સીધું અનલંકૃત ભાષારૂપ (Straight forward discourse) એવા ગદ્ય અંગેના પ્રકૃતિગત ખ્યાલો પડેલા છે. પરંતુ રોજિંદી બોલાતી ભાષામાં એકબીજા સાથે વ્યવહાર કરીએ છીએ, એકબીજાને જે કાંઈ કરીએ છીએ એ સીધું ભાષાનું અસંઘટિત રૂપ ગદ્ય નથી. મોલિયેરના નાટક ‘લે બુર્ઝવા ઝેન્તિલ હોમ’માં એક પાત્ર મોન્શ્યોર ઝૂરદેંને રોજિંદી ભાષા અને ગદ્યની ભેળસેળ થઈ ગઈ છે અથવા પાત્રને આશ્ચર્ય છે કે રોજિંદી ભાષામાં સ્વાભાવિક વ્યવહાર ન કરવાને બદલે તૈયાર આયોજિત ભાષાનો જ ઉપયોગ કરતો રહ્યો છે. ટૂંકમાં ગદ્ય જે અર્થમાં સંઘટન છે એ અર્થમાં રોજિંદી ભાષા સંઘટન નથી. રોજિંદી ભાષાથી વધુ સંઘટિત રૂપ ગદ્યનું છે, પછી એ લેખિત હોય કે મૌખિક. ગદ્યનો આ રીતે પહેલો વિરોધ રોજિંદી ભાષા સાથેનો છે.

ગદ્યનો બીજો વિરોધ પદ્ય સાથેનો છે અને એ વિરોધને અચૂક ગદ્યની વ્યાખ્યામાં સમાવવામાં આવ્યો છે. ગદ્ય એટલે છંદહીન ભાષાસ્વરૂપ, દંડી ‘अपादः पदसंतानो गद्यम्’ (‘કાવ્યદર્શ ૧.૨૩’) એટલે કે જેમાં ગણમાત્રાદિકના નિયત પદનો અભાવ છે એવાં પદોનું સાતત્ય તે ગદ્ય એમ કહીને ગદ્યને ઓળખાવે છે; તો વિશ્વનાથ वृत्तगंद्योज्झितं गद्यम् (‘સાહિત્યદર્પણ’ ૬-૩૩૦) વૃત્તની ગંધથી પણ દૂરની પરિસ્થિતિને ગદ્ય તરીકે ઓળખાવે છે. તો વામન ‘गद्यं वृत्तगन्धि चूर्णमृत्कलिका प्रायं च’ (કાવ્યાલંકાર सूत्राणि ૧.૨૧) કહી ક્યારેક અલપઝલપ રચાતા વૃત્તગન્ધિ ગદ્યની નોંધ લે છે. સાથે સાથે અદીર્ઘ સમાસ કોમલવર્ણોના ગદ્યબંધ ચૂર્ણને અને દીર્ઘસમાસ કઠોરવર્ણોના ગદ્યબંધ ઉત્કલિકાપ્રાયને જુદા તારવે છે. પરંતુ વામને ‘काव्यं गद्यं पद्यं च’ સૂત્રમાં ગદ્યનો નિર્દેશ પદ્યની પહેલાં કર્યો છે એ સૂચકતાને સ્પષ્ટ કરતાં વૃત્તિમાં કહ્યું છે કે દુર્લક્ષ્યવિષયને કારણે અને દુર્બન્ધને કારણે ગદ્યને પહેલું મૂક્યું છે અને પછી ઉમેર્યું છે કે ‘गद्यं कवीनां निकषं वदन्ति’ ગદ્ય કવિની કસોટી કહેવાય છે.

ગદ્ય કઠિન છે કારણ ગદ્યમાં અનિયતપાદ લય છે. વિપુલ પ્રમાણમાં રહેલી લયની અનિયમિતતા અને અપાર વિવિધતાને કારણે સમગ્ર વિષમ લયની સામગ્રીમાંથી સંવાદ ઊભો કરવા માટે, નિયંત્રણનું બળ ઊભું કરવા માટે અને ઉત્કટ ભાષાપ્રસ્તુતિ કરવા માટે ઊંચા પ્રકારની શક્તિનો ગદ્યમાં તકાજો રહ્યો છે. વળી પદ્યમાં વાક્યરચના ગૌણ બનીને પુનરાવૃત્ત લયની આકૃતિ અગ્રણી બને છે. એની સામે ગદ્યમાં લયની પુનરાવૃત્તિને તાબે થયા વગર વાક્યરચનાઓનું નેતૃત્વ અગ્રણી બને છે. ગદ્ય અને પદ્ય વચ્ચેનો કોઈ પણ ભેદ અન્યથા કોઈ પણ બાબતમાં માત્રાભેદ હશે, પરંતુ લય અંગેનો ભેદ જાતિગત છે. ગદ્યનો વિકેન્દ્રિત લય ગદ્યનો પદ્યથી પાયાનો ભેદ છે.

ગદ્યની એક સીમા શુદ્ધ ગદ્યની છે અને ગદ્યની બીજી સીમા સર્જક ગદ્યની, સાહિત્યિક ગદ્યની છે. આ બંને સીમાઓ પરનો ગદ્યનો વિરોધ પણ મહત્ત્વનો છે. શુદ્ધ ગદ્યની લગોલગ રહેલી ગદ્યાળુતા અત્યંત નિર્જીવ, નવા વિચાર કે ભાવની ઉત્કટતા વગરની, ઘણું, કહેતી અને કશો રસ ન જગાડતી નીરસ અભિવ્યક્તિનું ક્ષેત્ર છે, તો સર્જક ગદ્યની લગોલગ રહેલી કવેતાઈ અત્યંત કૃતક અલંકારપ્રતીકથી ખીચોખીચ કશું જ ન કહેતી અને વિસ્તારતી વ્યર્થ ઘટાટોપ અભિવ્યક્તિનું ક્ષેત્ર છે. ગદ્યનો ગદ્યાળુતાથી અને કવેતાઈથી જેટલો વિરોધ છે એટલો ગદ્યનો પદ્યથી નથી. ગદ્ય અને પદ્ય બંને સાહિત્યિક બની શકે છે. બંનેનો વિનિયોગ કશા આશયથી થયો છે, એમાં કલ્પનાનું સાતત્ય કયા પ્રકારે જળવાયું છે, એનું મૂલ્યાંકન કેવળ હકીકત કે સત્ય પર નિર્ભર છે કે એમાં ભાષા દ્વારા કશુંક પ્રત્યાયિત કરવામાં આવ્યું છે કે ભાષા પોતે જ કશીક રીતે પ્રત્યાયિત થવા માંડી છે - આ બધા પ્રશ્નોની તપાસથી જ ગદ્ય કે પદ્યની સાહિત્યિકતા કે સર્જકતા કે કાવ્યતા નક્કી થઈ શકે.

(૩)

ભાગ્યે જ જેના તરફ આપણું ધ્યાન ખેંચાયું છે એ ‘અલંકારસર્વસ્વ’ના કર્તા રાજાનક રુટ્યકના શિષ્ય આચાર્ય મંખકે એના ‘સાહિત્યમીમાંસા’ના બીજા પ્રકરણમાં બહુ વિશદ રીતે અને જરા જુદી રીતે આની ચર્ચા કરી છે. ભોજ ઇત્યાદિ આલંકારિકો દ્વારા ૧૨ જેટલા સાહિત્યસંબંધોનો સ્વીકાર થયો છેઃ વૃત્તિ, વિવક્ષા, તાત્પર્ય, પ્રવિભાગ, વ્યપેક્ષા, સામર્થ્ય, અન્વય, એકાર્થી, દોષત્યાગ, ગુણાધાન, અલંકારયોગ અને રસાન્વય. પરંતુ આચાર્ય મંખક આ બાર સાહિત્ય સંબંધોમાં ભેદ કરે છે; અને સ્પષ્ટ જણાવે છે કે એમાંથી પ્રારંભના આઠ સંબંધો દ્વારા તો માત્ર સાહિત્ય, એટલે કે ભાષા અને વ્યાકરણ જ રચાય છેઃ ‘एषां समष्टिरष्टानां साहित्यमिति निर्णयः।’ બાકીના ચાર સંબંધો જ કાવ્ય રચે છે. આ ચાર સંબંધો દોષત્યાગ, ગુણાધાન, અલંકારયોગ અને રસાન્વયને આચાર્ય મંખક સાહિત્યના પરિષ્કારો તરીકે ઓળખાવે છે; અને આ ચાર પરિષ્કાર દ્વારા જ સાહિત્ય કાવ્ય બને છેઃ शब्दार्थयोः संमेलनमात्रमुत्त्किरूपं साहित्यं तच्छास्राप्खानादि साधारणम्, अन्यत् परिष्कार विशिष्टं तत् काव्यमिति मन्यामहे।

અહીં આચાર્ય મંખકે કરેલો સાહિત્ય અને કાવ્ય વચ્ચેનો ભેદ અને એ ભેદ માટે દર્શાવેલાં ચાર પરિષ્કારલક્ષણો ગદ્ય કે પદ્યની સર્જકતા માટે અત્યંત દ્યોતક છે. દોષત્યાગ દ્વારા સૂચવાતું સભાનતાપૂર્વકનું ભાષાનું સંઘટન (Composition); ગુણાધાન દ્વારા સૂચવાતું લય અને વાદ સાથે સંકળાયેલું ભાવોનું શૈલીપોત (Texture), અલંકારયોગ દ્વારા સૂચવાતું પ્રતીકકલ્પન સહિતનું વિચલિત અને અગ્રપ્રસ્તુતિ પામેલું ભાષાનું નવસંસ્કરણ (foregrounding) અને રસાન્વય દ્વારા સૂચવાતું ભાષાનું પ્રતિભાવમૂલક સામર્થ્ય (affective potency) અહીં નોંધપાત્ર છે.

આચાર્ય મંખકે સાહિત્યને ધોરણ ગણી, સાહિત્યપરિષ્કારોની વિનિયુક્તિ દ્વારા રચાતા કાવ્યને સાહિત્યથી જુદું તારવ્યું અને વિશિષ્ટ સાહિત્યની કલ્પના કરી. બરાબર એ જ રીતે પશ્ચિમમાં રશિયન સ્વરૂપવાદે પહેલીવાર સાહિત્યિકતા અંગે વિચારણા કરી તેમ જ કાવ્યભાષા અને સાહિત્યિક ગદ્યના લક્ષણોને ઉપસાવવાનો પ્રયત્ન કર્યો. વિકતોર શ્કલૉવ્સ્કીએ એના ‘ગદ્યસિદ્ધાન્ત’ (૧૯૨૫) લેખમાં ગદ્ય શબ્દને અસંદિગ્ધપણે સાહિત્યિક ગદ્યના અર્થે પ્રયોજ્યો છે, અને સાહિત્યિક ગદ્ય કઈ રીતે વિયોજનની પ્રવિધિ (Device of estrangement) દ્વારા અગ્રપ્રસ્તુતિ (foregrounding) સાધે છે, કઈ રીતે આપણા પ્રત્યક્ષ (perception)ને કઠિન બનાવી સ્વયંચાલનની પ્રક્રિયાને અટકાવે છે, અને એમ કરીને કઈ રીતે આપણો પ્રત્યક્ષ સ્વરૂપ પરત્વે કેન્દ્રિત થાય છે એ દર્શાવ્યું છે.

વિયોજનનો આ સિદ્ધાંત આપણને ઉત્કાંતિના સિદ્ધાંત તરફ, પરંપરાવિચ્છેદની પરંપરા તરફ લઈ જાય છે. પરંપરાવિચ્છેદની આ પરંપરામાં સાહિત્યકૃતિના સ્વરૂપનો પ્રત્યક્ષ અન્ય હયાત સાહિત્યકૃતિઓના સંદર્ભમાં જ શક્ય બને છે. નવું સ્વરૂપ નવી સામગ્રીને અભિવ્યક્ત કરવા માટે નહિ પરન્તુ કલાના સ્વરૂપ તરીકે લાક્ષણિકતા ગુમાવી બેઠેલા પુરોકાલીન સ્વરૂપની અવેજીમાં ઊભું થાય છે. શ્કલોવ્સ્કીનો આ ગદ્યસિદ્ધાંત પછી વ્યાદિમિર પ્રોપની પરીકથાઓના વિશ્લેષણમાંથી પસાર થઈ નિરૂપણપરક ગદ્યના વિશ્લેષણ તરફ ખસે છે. કથાસાહિત્યમાં મૂળની કથાંશસંખ્યા (fabula)માંથી કઈ રીતે કથાંશક્રમ (syuzhet) ઊભો થાય છે, અગ્રણી અર્ધ (the leading half) અને પરિમાણી અર્ધ (concluding half)ની પ્રસ્તુતિ દ્વારા પૂર્વપ્રભાવ (Primacy effect) અને પશ્ચાત્ પ્રભાવથી ગદ્યપ્રભાવ કઈ રીતે વિસ્તરે છે, વળી એને આધારે કથાંશક્રમવાળું ગદ્ય અને કથાંશક્રમ વગરનું ગદ્ય એવો ભેદ કઈ રીતે અસ્તિત્વમાં આવે છે એનો રસપ્રદ ઇતિહાસ આલેખાયો છે. પરંતુ આ ઇતિહાસના પાયામાં હજી શ્કલોવ્સ્કીનો વિયોજનનો સિદ્ધાંત જ મોજૂદ છે.

મિખાઈલ બખ્તીન ભાષાની સર્જકશક્તિ સાથે અવિચ્છિન્નપણે સંકળાયેલા સંંવાદતત્ત્વના સિદ્ધાંતનું નિરૂપણ આપે છે. બખ્તીન દર્શાવે છે કે શબ્દ સતત સંવાદથી સંયુક્ત છે. આપણે શબ્દો વાપરીએ છીએ ત્યારે આપણે ભીતરમાં કોઈના શબ્દોની પ્રતિક્રિયામાં સંવાદ જ રચતા જોઈએ છીએ. કોઈ અન્યની ઉક્તિ જ આપણને આપણી ઉક્તિ તરફ દોરી જાય છે. ભાષાની આ સંવાદસંયુક્ત પ્રકૃતિના નિરૂપણ ઉપરાંત બખ્તીન નવલકથા અંતર્ગત સ્થલકાલ (Chronotopos)ના સંઘટનનો સિદ્ધાંત યોજે છે. આમ, ગદ્યસિદ્ધાંત ધીમે ધીમે કથાસાહિત્યને અનુલક્ષીને મુખ્યત્વે નિરૂપણસિદ્ધાંતમાં પલટાતો જોવાય છે.

(૪)

છેવટે નિરૂપણ સિદ્ધાંત સંરચનાવાદી ભૂમિકામાં પ્રવેશી પ્રાથમિક ભાષાકીય સાદૃશ્યોમાંથી પોષણ મેળવતો જોવાય છે. વાક્યવિન્યાસ એ નિરૂપણનિયમો માટેનો મૂળભૂત પ્રતિમાન (model) રહ્યો છે. તોદોરોવ અને અન્ય વિવેચકો ‘નિરૂપણાત્મક વિન્યાસ’ (narrative syntax)ની વાત આવરે છે. ગ્રેમાં નિરૂપણના સાર્વત્રિક વ્યાકરણની શોધમાં નીકળે છે. ગેરાર ઝેનેત રશિયન સ્વરૂપવાદીઓના કથાંશસંખ્યા અને કથાંશક્રમના ભેદને અંતર્ગત કરી નિરૂપણ અંગે પોતાનો સબળ અને સંકુલ સિદ્ધાંત ઉપસાવે છે.

ઘટનાની આગળપાછળ થતી આનુક્રમિક, રૈખિક કે વ્યુત્ક્રમ ગતિ (order); ઘટનાનું વિસ્તરતું, સંક્ષેપાતું, થંભતું સ્વરૂપ, એનો સમયાવધિ (duration); એકવાર બનતી હોવા છતાં અનેકવાર રજૂ થતું કે અનેકવાર બનતી હોવા છતાં એકવાર ઉલ્લેખાતી ઘટનાની વારંવારતા (Frequency); ઉક્તિની પ્રત્યક્ષ કે પરોક્ષ રજૂઆત સાથે દૃષ્ટિબિંદુને સમાવતી ઘટનાની વૃત્તિ (mood); નિરૂપકના પ્રકારને અને નિરૂપણ જેના માટે ઉદ્દેશાયું હોય એના પ્રકારને લક્ષમાં રાખતી વ્યાહ્યતિ (voice), વગેરે ભેદો ઉપરાંત કથા, નિરૂપક, નિરૂપ્ય, નિરૂપણના ભેદોને દર્શાવતી ઝેનેતની ચર્ચા મહત્ત્વાકાંક્ષી છે. ઝેનેતે સીધી ઉક્તિ અને પરોક્ષ ઉક્તિને આધારે નિરૂપણ અને પ્રતિનિધાન વચ્ચેનો, ગતિશીલ અને સ્થિર ઘટકતત્ત્વને આધારે નિરૂપણ અને વર્ણન વચ્ચેનો તેમ જ વ્યક્તિગત અવાજની સંયુક્તિ અને વિયુક્તિને આધારે નિરૂપણ અને પ્રોક્તિનો વિરોધ પણ સ્પષ્ટ કર્યો છે.

અહીં નોંધવું જોઈએ કે આ નિરૂપણ સિદ્ધાંતોમાં ભાષાની નિર્દેશપરક પ્રકૃતિ, અર્થનું સાતત્ય અને સંવાદ, નિરૂપકની પ્રોક્તિ અને પાત્રની પ્રોક્તિ વચ્ચેનો ભેદ, નિરૂપકની વસ્તુલક્ષિતા કે નિષ્ક્રિયતા વગેરેનો સ્વીકાર નિહિતપણે કરાયેલો છે. પરંતુ આધુનિક ગદ્યકૃતિઓ નિરૂપણ સિદ્ધાંતના આ નિહિત સ્વીકારને પડકારતી આવી છે. પારંપરિક સાહિત્યિક ગદ્ય અને આધુનિક સાહિત્ય ગદ્ય લગભગ એકબીજાના પ્રતિપક્ષમાં ઊભેલાં જોવાય છે.

આ સમગ્ર ભૂમિકા લક્ષમાં રાખતાં કોઈ પણ ગદ્યના કલાસ્વરૂપના મૂલ્યાંકનમાં હવે, ગદ્ય સાહિત્યિક છે કે અસાહિત્યિક છે, ગદ્ય પારંપરિક છે કે આધુનિક છે, ગદ્ય કથાસાહિત્યનું છે કે અ-કથાસાહિત્યનું છે. કથાસાહિત્યમાં પણ એ પ્રમાણ સામગ્રી આધારિત જીવનકથા અને આત્મકથાનું છે કે કલ્પના આધારિત નવલકથા વાર્તા નાટકનું છે, ગદ્ય કયા સાહિત્યપ્રકારનું છે, ગદ્યનું વૈયક્તિક કૃતિનિષ્ઠ સ્વરૂપ કયું છે, ગદ્યની અંતર્ગત તરેહોનો આશય શો છે, ગદ્યની કૃતિનિષ્ઠ અંતરંગ સંરચના અને કૃતિનિષ્ઠ બહિર્રંગ અભિવ્યક્તિ વચ્ચેની સંયોજિત કામગીરી શી છે-જેવા પ્રશ્નો ઉપસ્થિત થવા સ્વાભાવિક છે. આજના સંકેતવિજ્ઞાન, પ્રોક્તિવિજ્ઞાન, નિરૂપણવિજ્ઞાન આ દિશાઓમાં મથી રહેલાં જોવાય છે.

(વિવેચનનો વિભાજિત પટ)

Sanchayan-65 - 15.jpg

વર્ષા ઋતુ ૨૦૧૬ - જ્યોતિ ભટ્ટ

॥ કલાજગત ॥

Sanchayan-65 - 16.png
Sanchayan-65 - 17.jpg

ડિજિટલ છબિકળા (ફોટોગ્રાફિક)
કનુ પટેલ’

આપણા સમયના વિખ્યાત ચિત્રકાર, છાપા કળાકાર (પ્રિન્ટમેકર) અને છબિકાર પદ્મશ્રી જ્યોતિ ભટ્ટ વિશે ગુજરાત કલા પ્રતિષ્ઠાને ૧ મે ૨૦૧૫ ગુજરાત સ્થાપના દિને “રૂપનામ જૂજવાં” નામનો કલાગ્રંથ તૈયાર કરેલો. તેમાં સાત વિભાગમાં છત્રીસ જેટલા કળા વિષયક લેખો લેવામાં આવ્યા હતા. જેમાં છબિકળા, લોકકળા, મુદ્રણક્ષમકળા (પ્રિન્ટમેકીંગ), ચિત્રકળા, ગ્રંથ પરિચય અન્ય લેખો ઉપરાંત શ્રી જ્યોતિભાઈની કેફીયત અને મુલાકાત આપવામાં આવી છે. જ્યારથી છબિકળાની શોધ થઈ ત્યારથી ચિત્રકળા સાથે તેનો સંબંધ રહ્યો છે. અહીં જ્યોતિ ભટ્ટના પુસ્તક ‘રૂપ-નામ જૂજવાં’માંથી ડિજિટલ છબિકળા વિશેનો લેખ મુકવામાં આવ્યો છે.

છબિકળાની શોધ પછી લોકોએ કૅમેરાનો ઉપયોગ શરૂ કર્યો ત્યારે અને ત્યાર પછી પણ લાંબા સમય સુધી ચિત્રકળા તથા છાપકળા સાથે સંકળાયેલા ઘણા કળાકારો કૅમેરાને અપનાવવા રાજી ન હતા. મુખ્યત્વે એ કારણે કે એમની માન્યતા પ્રમાણે ‘કેમેરાથી બનાવાયેલી છબિમાં વિજ્ઞાન અને ટેકનોલોજિ જ ભારોભાર ભરેલી હતી. આથી તેમાં કળાસર્જનના આવશ્યક સ્રોત, ભાવના તથા ઊર્મિ-અભિવ્યક્તિને યોગ્ય સ્થાન મળી શકતું જ નથી.’ આ નવી શોધથી વ્યથિત અને ક્રોધિત થઈ ફ્રાંસના પીટર દ’લા રોશ નામના ચિત્રકળાના એક પ્રાધ્યાપકે પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં કહેલું: ‘આજથી હવે ચિત્રકળા મરી પરવારી છે.’

જોકે સદ્ભાગ્યે ત્યાર બાદ થયું એવું કે છબિકારો અને ચિત્રકારોના પરસ્પર આદાન-પ્રદાનને પરિણામે કળારૂપોની ક્ષિતિજો તથા કળાઅભિવ્યક્તિની દૃશ્યભાષા બન્ને વિસ્તરતાં જ રહ્યાં. કેટલાક ચિત્રકારોએ છબિકળાના સ્વરૂપો અપનાવી પોતાની દૃશ્યભાષાની ધાર તીક્ષ્ણ કરી. તો ‘આધુનિક’ ચિત્રકળાના વિકાસમાં છબિકળાએ પરોક્ષ રીતે પણ મોટું પ્રદાન કર્યું. કૅમેરાનો ઉપયોગ સામાન્ય બન્યો ત્યાર બાદ, પચાસ વરસ પછી પણ પૉલ ગોગેંએ કેમેરા પ્રત્યેનો પોતાનો અણગમો અને વિરોધ વ્યક્ત કરતાં કહેલું: ‘યંત્ર પ્રવેશ્યું ને કળાને દીધી ભગાડી.” આવા પ્રતિભાવે વાન ગોઘ અને ઍડવર્ડ મન્ક જેવા ચિત્રકારોને ‘તદ્દન નવો, કૅમેરાની પહોંચની બહાર હોય તેવો રાહ અપનાવી અપૂર્વ કળાકૃતિઓ સર્જવા પ્રેર્યા’ હતા.

આમ છતાં પોતે બનાવેલી છબિઓને ચિત્રાદિ કળાકૃતિઓની સમકક્ષ, સન્માનનીય સ્થાન મળે તે માટે છબિકારોએ ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે, તેમ છતાં તેમને આંશિક સફળતા જ મળી શકી હતી. આજ પર્યન્ત એ પરિસ્થિતિમાં ખાસ કોઈ નોંધપાત્ર ફેરફાર થયો નથી.

કહેવાય છે કે ઇતિહાસનું પુનરાવર્તન થતું જ રહે છે. ‘ડિજિટલ ટેકનોલોજિના વિસ્ફોટ પછી છબિકળા ક્ષેત્રે અકલ્પનીય ફેરફારો થવા લાગ્યા છે. આના મિશ્ર પ્રત્યાઘાતો છબિકારોમાં જોવા મળે છે. કેટલાક એને છબિકળા પર થયેલું ટેકનોલોજિનું આક્રમણ માને છે. લાંબા અનુભવ અને મહેનતને પરિણામે ભૌતિક તેમજ રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા હસ્તકૌશલ્ય પર પ્રભુત્વ મેળવી તેઓ તેમની છબિના રંગ-રૂપમાં જે ખૂબીઓ નિખારી શકતા હતા તેની જોડનું પરિણામ આ, નવી ડિજિટલ પ્રકારની છબિકળાથી લાવવું શક્ય જ નથી એમ તેઓનું માનવું છે.

જોકે આરંભના થોડાં વર્ષ દરમ્યાન ડિજિટલ પ્રકારે બનાવાયેલી છબિઓની ગુણવત્તામાં- ૧૫૦ વર્ષ દરમ્યાન ઘડાયેલી પારંપારિક છબિઓની તુલનામાં- થોડી ઊણપો જણાતી હતી. પરંતુ હવે તો તેમાં પણા બધા સુધારા-વધારા થઈ ચૂક્યા છે. અને કૂદકે ને ભૂસકે થતા જ રહેશે. જર્મનીની ‘બાઉહાઉસ’ નામક વિખ્યાત કળાસંસ્થાના કળાકારોએ કૅમેરા દ્વારા બનતાં છાયાંકનોનું કળાકૃતિમાં રૂપાંતર કરતા ઘણા પ્રયોગો કરેલાં. એ સમૂહના એક મહત્ત્વના કળાકાર મોહોલી નાજીએ કૅમેરાના ઉપયોગ અંગે જે નિરક્ષરતાની વાત કરેલી તેને દૂર કે ઓછી કરવામાં ડિજિટલ છબિકળાનો ફાળો ઘણો મોટો છે.

વાપરવામાં સરળ અને આજની પરિસ્થિતિમાં કદાચ સસ્તા પણ કહી શકાય તેવા, કદમાં અત્યંત નાના પણ વિરાટ ક્ષમતા ધરાવતા ડિજિટલ કૅમેરા વૈશ્વિકીકરણના પ્રતાપે હવે ભારતમાંય સહેલાઈથી ઉપલબ્ધ બન્યા છે. વળી મોબાઈલ ટેલિફોનમાં પણ છબિ લઈ શકાય તેવી વ્યવસ્થા સામાન્ય બનતી ચાલી છે, માત્ર સ્થિર જ નહીં પરંતુ હાલતી-ચાલતી વિડિયો પ્રકારની છબિઓ સુદ્ધાં આવા કૅમેરા દ્વારા લઈ શકાય છે ને તેય ધ્વનિ સાથે! આપણી ચોતરફની પરિસ્થિતિમાં બનતા રહેતા નાટ્યાત્મક પ્રસંગો, વિવિધ માનવસંબંધો વગેરેને વ્યક્ત કરતી અનેક બાબતોની સારી છબિઓ મેળવવા માટે કૅમેરાધારકની હાજરી હોવી એ એક પાયાની આવશ્યક્તા છે. મોબાઈલ ટેલિફોન સાથે જોડાયેલા કૅમેરાની સુવિધા તેમજ નાના કદને કારણે બધી પરિસ્થિતિઓમાં ડિજિટલ કૅમેરા સાથે રાખવાની સમસ્યા મહદંશે દૂર થઈ છે.

રાસાયણિક પ્રક્રિયાઓ તથા ડાર્કરૂમનાં બંધનોથી મુક્ત એવી આ નવા પ્રકારની છબિકળાએ ઘણી નવી ક્ષિતિજો તરફ મીટ માંડી પ્રયાણ આદર્યું છે. એક જ કૅમેરા દ્વારા સાદી (શ્વેત-શ્યામ) તથા રંગીન છબિઓ મેળવી શકાય છે. પ્રકાશના વિવિધ સ્રોતની આગવી લાક્ષણિકતાઓ હોય છે. ઉદા.ત. વીજળીના ગોળાઓમાં ઉષ્ણ-કેસરીનો અને ટ્યુબલાઈટમાં જોવા મળતો શીત-લીલા રંગનો પ્રભાવ. આવા પ્રભાવો રંગીન તથા સાદી, બન્ને પ્રકારની છબિઓ પર પોતાની વરવી લાગતી અસરો દેખાડે છે. આવા વર્ણપ્રભાવ (કાસ્ટ)ને દૂર કરી છબિમાં શુદ્ધ અને સંપૂર્ણતયા શ્વેત પ્રકાશમાં દેખાતા રંગો અથવા તડકાની પ્રખર તેજભરી પરિસ્થિતિમાં છબિ બનાવતી વખતે ઇચ્છિત છબિ-રૂપની જરૂરિયાત પ્રમાણે છાયા-પ્રકાશમાં વિરોધાભાસનું પ્રમાણ વધારી કે ઘટાડી પણ શકાય છે. ઇચ્છા કે જરૂર પ્રમાણે છબિકારો આવા કૅમેરાની પ્રક્રિયાઓનું પૂરેપૂરું કે આંશિક સંચાલન ‘હાથ’ વડે (મેન્યુઅલી) કે કૅમેરા દ્વારા-સંપૂર્ણ સ્વયંસંચાલિત રીતે કરી શકે છે.

ડિજિટલ કૅમેરાનો એક બહુ મોટો ફાયદો એ છે કે છબિ લીધા પછી તેને તરત જ જોઈ શકાય છે. તેની નાનામાં નાની વિગતને વિશાળ કરી ચકાસી શકાય છે. નબળી જણાતી છબિઓ ‘ભૂંસી’ નાખી શકાય છે અને એથી નવી છબિ માટે ખાલી જગ્યા મેળવી લઈ શકાય છે. ફિલ્મને સ્થાને ઉપયોગમાં લેવાતા એક નાનકડા-ટપાલની ટિકિટ જેવડા-મેમરી કાર્ડ પર પચાસ-સોથી માંડી હજાર-બે હજાર કે તેથી પણ વધુ કલ્પનો-ઈમેજીસ-છબિરૂપે અંકિત થઈ શકે છે. કાર્ડ પર અંકિત થયેલા કલ્પનોની કાગળ પર ‘હાર્ડ કૉપી’ રૂપે છાપ મેળવી શકાય અને ટી.વી. સાથે કૅમેરા જોડીનેય જોઈ શકાય. કમ્પ્યૂટરમાં તો જોઈ જ શકાય પરન્તુ ‘સોફ્ટ કૉપી’ રૂપે સંગ્રહી શકાય તેમજ જરૂર પ્રમાણે તેમાં સુધારાવધારા કરી છબિને વધુ કળાત્મક રૂપ પણ આપી શકાય. જોકે ડાર્કરૂમમાં પણ કેટલાક છબિકારો આવા સુધારા-વધારા કરી લેતા હતા પરન્તુ તે સરળ ન હતું. સરસાધન, રસાયણો, વિવિધ લાક્ષણિકતા ધરાવતા ખાસ કાગળો ઉપરાન્ત હસ્તકૌશલ્ય અને અનુભવ પર બધું અવલંબિત રહેતું. વળી ઘણી ખરી પ્રક્રિયાઓ કરી લીધા બાદ અંતે મળી શકનાર પરિણામના તબક્કાઓ તત્ક્ષણ નરી આંખે જોઈ શકાતા નહીં અને ધાર્યું પરિણામ મળે ત્યાં સુધી બધી પ્રક્રિયાઓનું પુનરાવર્તન કર્યા કરવું જરૂરી બની રહેતું. નાણાં અને સમય બન્ને દૃષ્ટિએ તે ઘણું મોંઘું બની રહેતું. કમ્પ્યૂટર પર હરેક અવસ્થા દરમ્યાન કલ્પનો જોઈ શકાય છે અને તે પણ અજવાળામાં. દરેકે દરેક તબક્કાઓને જુદા રાખી શકાતા હોઈ પાછલા-ભૂતકાળના-તબક્કે ફરીથી કામ કરવાનું પણ શક્ય બને છે.

મેમરી કાર્ડ પર અંકિત છબિઓને ઉપરોક્ત પ્રકારે રૂપાંતરિત કરી લીધા પછી એના એ કાર્ડનો ફરી ફરી ઉપયોગ કરી શકાય છે અને એથી ફિલ્મની તુલનામાં આ સસ્તું તથા સગવડભર્યું પણ બની રહે છે.

તોલ-માપ, નાણાં, ઉષ્ણતામાન વગેરેની ગણતરી માટે સ્વાતંય પૂર્વે ભારતમાં ઉપયોગમાં લેવાતાં વિવિધ પ્રકારના ઘટકોને સ્થાને દશાંશ પદ્ધતિ અપનાવવામાં આવી છે. સમાન પદ્ધતિ અને ધોરણોને લીધે કોઈ પણ એક ક્ષેત્રની સમજ બીજાને સમજવા ઉપયોગી નીવડે છે. એ પ્રમાણે કમ્પ્યુટર, ટી.વી., વિડિયો ગેઈમ્સ તથા સંગીત સાંભળવા માટેના ઉપકરણો ચલાવતાં રિમોટ-કંટ્રોલ તથા મોબાઈલ ટેલિફોનની કળો-ચાંપો અને મેન, વિન્ડો જેવી બાબતો સાથે જોડાયેલી ‘દૃશ્યભાષા’માં ખૂબ જ સામ્ય હોઈ એવાં સાધનોથી જરા-તરા જ પરિચિત હોય તેવી વ્યક્તિ માટે પણ ડિજિટલ કૅમેરા વાપરવાનું સરળ બની રહે છે.

નાના તથા મોબાઈલ ટેલિકોનમાં સમાવાયેલ ‘લક્ષ્ય તરફ કૅમેરા ધરી કળ દબાવો ને છબિ મેળવો’ (પોઈન્ટ ઍન્ડ શૂટ) પ્રકારના કૅમેરામાં એક સમસ્યા હજુ સંતોષકારક રીતે ઉકેલાઈ નથી. એમાં કળ દબાવ્યા પછી તરત જ નહીં પરન્તુ એકાદ સેકન્ડ પછી છબિ લેવાય છે. જોકે આનું નિવારણ પ્રમાણમાં મોટા અને ઘણા મોંઘા કૅમેરામાં લાવી શકાયું છે. પરંતુ ટેકનોલોજિના વિકાસની ગતિ જોતાં આ લખાણ છપાય તે પહેલાં ઉપરોક્ત સમસ્યાનો ઉકેલ આવી જાય તથા આ લખાણમાં જણાવેલી ઘણી વિગતો ‘ભૂતકાળની વાત, ગઈ-ગુજરી’ બની રહે તો તેમાં નવાઈ પામવા જેવું નથી.

ડિજિટલ પ્રકાર પહેલાંની છબિકળા સમયે કૅમેરા દ્વારા તેની સામે રહેલાં રૂપોની કાચ, કચકડા કે પ્લાસ્ટિકની સપાટી પર દૃશ્યરૂપે નોંધ થઈ જતી હતી. આવી નોંધમાં કેટલીક બાબતો આંખે દેખ્યા અનુભવથી ઊલટી થઈ જતી હતી. આકારો, ઘાટ, પોત તથા તેનાં પ્રમાણો તો આજુબાજુના અવકાશ સાથેના પરસ્પર દૃશ્યસંબંધો બદલાયા વિના જ જળવાઈ રહેતા હતા. પરંતુ પ્રકાશાવસ્થા તથા રંગો તો તદ્દન બદલાઈ જતાં હતાં. કાળું હોય તે શ્વેત, આછું હોય તે ઘેરું, લાલ કે પીળું હોય તે લીલું કે આસમાની થઈ જતું. આ કારણે પ્રાથમિક તબક્કે લેવાયેલી નોંધ અંકિત થયેલા તે કાચ કે પ્લાસ્ટિકના ચતુષ્કોણને ‘નેગેટિવ’ અને તેની પરથી બનાવેલ છાપને ‘પોઝિટિવ’ નામ અપાયેલાં. ‘બે નકાર એટલે એક હકાર’ એ નિયમ પ્રમાણે નેગેટિવ પરથી બીજા તબક્કે તેનાય અવળા-સવળાં નેગેટિવ રૂપે બનતાં કલ્પનો ‘પોઝિટિવ’ બની રહેતાં હતાં. ‘હાર્ડ કૉપી’રૂપે કાગળ કે એવાં અન્ય ફલક પર છાપેલી છબિ સિવાયના ડિજિટલ છબિના અન્ય ઘણાં રૂપો તથા અન્ય બધા તબક્કાઓને એક દૃષ્ટિએ શબ્દચિત્ર સાથે સરખાવી શકાય. શબ્દચિત્રમાં આકૃતિઓ તથા અન્ય દૃશ્ય બાબતો સંજ્ઞાઓ દ્વારા બનતાં શબ્દો અને વાક્યો રૂપે નોંધાયાં (કે વાત કરાયાં) હોય છે. તેવું જ કંઈક છબિમાં ડિજિટ્સ-અંકો દ્વારા થાય છે અને આથી શબ્દાંકન, સ્વરાંકન કે છાયાંકન જેમ અકાંકન જેવો શબ્દ પણ કદાચ એને માટે પ્રયોજી શકાય. જોકે આ તુલના બહુ ઉપરછલ્લા સ્તરે જ થઈ શકે. શબ્દચિત્ર વિષયલક્ષી હોય છે. તેથી ઊલટું, છાયાંકન કે અંકાંકન’ મુખ્યત્વે વસ્તુલક્ષી જ વધુ હોય છે. પારંપારિક નેગેટિવને જોતાં તેની પર અંકિત રૂપોનો ઠીક ઠીક ખ્યાલ આવી શકે, પરન્તુ ડિજિટલ છબિઓ માટે ઉપયોગમાં લેવાયેલા મેમરી કાર્ડ જોતાં કાર્ડના પોતાના સ્વરૂપ સિવાય તેમાં અન્ય કંઈ જોઈ શકાતું નથી.

ડિજિટલ વિજ્ઞાન અને ટેકનોલોજિ સંબંધિત બાબતોને સમજવાનું પૃથક્જનો માટે ભલે મગજને ચકરાવે ચડાવી દે તેવું અઘરું હોય પરંતુ કૅમેરા દ્વારા તેનો ઉપયોગ કરવાનું સહેલું છે. સાદા કેલ્ક્યુલેટર દ્વારા નાનીમોટી વિવિધ પ્રકારની અંકગણતરી માટે આપણે તો જેનાથી અતિ પરિચિત છીએ તે-એક થી નવ અને શૂન્ય-અંકો તથા ગુણાકાર, ભાગાકાર વગેરે સંજ્ઞાઓ દર્શાવતા કળોનો જ ઉપયોગ કરીએ છીએ. તેનો ઉકેલ પણ પરિચિત અંકોમાં જ મેળવીએ છીએ. એ પ્રમાણે ડિજિટલ કૅમેરા વાપરનારને પણ પારંપારિક છબિકળા તથા કૅમેરા સાથે સંકળાયેલી આવશ્યક્તા ઊભી થતી નથી. પ્રકાશ અને તેનું નિયંત્રણ કરતી લેન્સ વગેરે સામગ્રી સાથે સંબંધિત ભૌતિક લાક્ષણિકતાઓ બદલાતી નથી. આથી છબિ લેતી વેળા જરૂરી મોટા ભાગના નિર્ણયો ૫ણ ચક્ષુગમ્ય અનુભૂતિઓને આધારે જ લઈ શકાય છે.

ક્રિકેટ તથા એવી રમતગમતની નરી આંખે જોઈ-માપી-સમજી ન શકાય તેવી બારીકીઓની ભરોસાપાત્ર નોંધ માટે ફોટોગ્રાફી અને ડિજિટલ ટેકનોલોજિનો સહિયારો ઉપયોગ વધતો ચાલ્યો છે. ‘થર્ડ અમ્પાયર’ દ્વારા અઘરા નિર્ણયો લેવા આવશ્યક બનતી આ પદ્ધતિનો પ્રેક્ષકોને રમતગમતની બારીકીઓ સમજાવતી માહિતી આપવા ઉપરાંત તેનો રોમાંચક આનંદ આપવામાં પણ મહત્ત્વનો હિસ્સો રહ્યો છે.

ઔદ્યોગિકીકરણનો પ્રભાવ વધતાં હસ્તકૌશલ્ય પર આધારિત અનેક લઘુ તથા ગૃહઉદ્યોગો પર તેની અવળી અસર પણ વધતી ચાલી હતી. ડિજિટલ ટેકનોલોજિને કારણે હવે નાના નાના અનેક છબિ-સ્ટુડિયો બંધ થઈ ગયા છે. બિનધંધાદારી સ્તરે પોતાના ડાર્કરૂમમાં છબિકારો ઉત્તમ છબિ છાપી લેતા હતા તે પરિસ્થિતિ હવે અતિશય મોંઘી તથા જગ્યા રોકતી જટિલ ડિજિટલ યંત્રસામગ્રીની આવશ્યક્તાને કારણે લગભગ અશક્ય બની ગઈ છે. જોકે વ્યક્તિગત સ્તરે ‘કળાકૃતિ’ સમી છબિનું સર્જન કરવા ઇચ્છતા કેટલાક ગણ્યાગાંઠયા છબિકારો સિવાયના ઘણી મોટી સંખ્યા ધરાવતા ‘આમ’ કૅમેરા ધારકોને આવી કોઈ પણ સમસ્યા નડતી નથી.

ફિલ્મના ઉપયોગવાળી તથા ડિજિટલ પ્રકારની છબિકળામાં પ્રક્રિયાઓ તથા સાધન સામગ્રીમાં ફેરફાર થયા હોવા છતાં તેના દ્વારા બનેલી છબિઓના વિવિધ ઉપયોગો તથા સ્વરૂપોમાં કોઈ દેખીતો ફરક જણાતો નથી. પરન્તુ એક ઘણી મોટી શક્યતા ઊભી થઈ છે ખરી. કૅમેરાની સામેની ચીજ, વસ્તુ, વ્યક્તિ, પ્રસંગ, પરિસ્થિતિની છબિ ‘ખેંચવા’ કે ‘ઝડપવા’માં આવતી હતી તેને સ્થાને હવે રૂપાકૃતિઓ-કલ્પનો (ઈમેજિસ) ‘સર્જવાની’ સંભાવનાઓ પણ ખૂબ વધી છે.

ચિત્રકળા(પેઈન્ટિંગ), છાપકળા(પ્રિન્ટ મેકિંગ) તથા છબિકળાના અંગ્રેજી નામાંકનો એની સાથે સંલગ્ન પ્રક્રિયાઓ વ્યક્ત કે સ્પષ્ટ કરતી વ્યાખ્યાઓ જેવાં બની રહ્યાં છે. પરન્તુ એથી એ સ્વરૂપો સીમાબદ્ધ બની રહે તેવો દુરાગ્રહ નિરર્થક ગણાય. કળાકારોએ છબિકળાની સીમાઓ ઓળંગવાનું એના આરંભકાળે જ શરૂ કરી દીધેલું. હવે તો એ સીમાઓ પારખવાનું પણ મુશ્કેલ થાય એટલી હદે આ કળાપ્રકારો એકબીજામાં ભળી ચૂક્યા છે. આમ થઈ શકવાનું એક મુખ્ય કારણ દ્વિપરિમાણિતસપાટી પર જોઈ શકાય તેવા પ્રકારની કલ્પન-સર્જના ગણી શકાય. અન્યથા આગવી લાક્ષણિકતા ધરાવતા આ ત્રણેય કળાપ્રકારોમાં જોવા મળતી આ એક સામાન્ય ખાસિયત છે. આથી કલ્પન સર્જનમાં જે કોઈ પ્રકારની આગવી લાક્ષણિકતા તથા પ્રક્રિયાઓ ઉપયોગી નીવડે અથવા સરળતા પ્રદાન કરે તેને સ્વીકારી લઈ આગળ જવાનું વલણ સ્વાભાવિક રીતે જ કળાકારોમાં વધત ચાલ્યું છે.

માહિતી મેળવવા માટે કળાસંબંધિત પુસ્તકો અને સામયિકો ઉપરાન્ત ઈન્ટરનેટનો તથા કળાકૃતિના સર્જન માટે પેન્સિલ, ક્રેયોન, પીંછીનો તેમજ એચિંગ, વૂડકટ માટે બીબાં કોતરવા માટેના તીક્ષ્ણ ધાર કે અણી ધરાવતા ઓજારોની સાથોસાથ કમ્પ્યૂટર અને તેની સાથે સંકળાયેલા ‘માઉસ’નો ઉપયોગ પણ કળાકારો કરવા લાગ્યા છે. નાના કે મધ્યમ કદના ડિજિટલ કેમેરા માફક ‘લેપટૉપ’ કમ્પ્યૂટરનો ઉપયોગ પણ હવે ઘણા છબિકારો તથા ચિત્રકારો કરવા લાગ્યા છે અને તેને હંમેશાં પોતાની સાથે રાખવા લાગ્યા છે.

અમૂર્ત કલ્પનાને દૃશ્યકલ્પન સ્વરૂપે રજૂ કરવા માટે જરૂરી તાલીમ, હસ્તકૌશલ્ય, સમય જેવી બાબતોની આવશ્યકતા બાધારૂપ બની રહેતી હતી તે પરિસ્થિતિ આજે ડિજિટલ ટેકનોલોજિ સાથે સંકળાયેલા સરસાધનોની મદદને કારણે ભૂતકાળમાં ધકેલાઈ ગઈ છે. સારા શબ્દકોશની જેમ, અમરકોશ પ્રકારે કક્કાવારી પ્રમાણે તેમજ સ્થળ, કાળ, શૈલી આદિના સંદર્ભે વિષયવાર વર્ગીકરણ કરેલાં લાખ્ખો દૃશ્યકલ્પનો હવે પ્રાપ્ય બન્યા છે. કમ્પ્યૂટર દ્વારા આવાં કલ્પનોનાં રંગ-રૂપ-માપ વગેરેમાં જરૂરી ફેરફારો પણ સહેલાઈથી થઈ શકે છે.

કવિઓ, લેખકો, ગાયકો તથા વાદકો સહિત વધુ ને વધુ લોકો પોતાની અમૂર્ત, અદૃશ્ય સંવેદનાઓ, ઊર્મિઓ, અનુભવો તથા ભાવનાઓને પોતાની પસંદગીના અને પ્રભુત્વ મેળવેલાં અભિવ્યક્તિ માધ્યમોનાં આગવાં સ્વરૂપો દ્વારા વ્યક્ત કરે છે તેમ દૃશ્યકલ્પનો રૂપે પણ સર્જી શકશે, જોઈ અને દેખાડીય શકશે.

મોહોલી નાજીએ ભાખેલી આવતીકાલની ઉષાની લાલીમા હવે પૂર્વાકાશ પર છવાઈ ગઈ છે.

જાન્યુઆરી-૨૦૦૮