સંચયન-૯

From Ekatra Foundation
Jump to navigation Jump to search
Sanchayan final logo.png
સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક
બીજો તબક્કો
સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ


સંચયન - ૯

॥ પ્રારંભિક ॥

Ekatra Logo black and white.png

એકત્ર ફાઉન્ડેશન : USA

તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)

સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ): ૨૦૨૩
અંક - ૯ : સપ્ટેમ્બર ૨૦૨૫
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : કનુ પટેલ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪


આ અંકનું પ્રકાશન : તા. ૩૦/૦૯/૨૦૨૫



Ekatra Logo black and white.png

એકત્ર ફાઉન્ડેશન

અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર

મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા

Sanchayan Art work 1.png
Sanchayan Titile Gujarati Art work.png

(પ્રારંભઃ ઓગસ્ટ, ૨૦૧૩)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩

એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org/magazine/sanchayan
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ
(ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ૩૦/૦૯/૨૦૨૫

Sanchayan Art work 1.png

જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.



॥ અનુક્રમ ॥

સંચયનઃ બીજો તબક્કોઃ અંક - ૯ : સપ્ટેમ્બર, ૨૦૨૫

સમ્પાદકીય
હું કદાચ કવિતા વિના રહી જ ના શકું ~ કિશોર વ્યાસ
કવિતા
એવો રે વરસાદ ક્યાંથી લાવવો? ~ ભગવતીકુમાર શર્મા
બોલ વ્હાલમના ~ મણિલાલ દેસાઈ
પાંદડું લીલું ને રંગ રાતો ~ અવિનાશ વ્યાસ
મારું મન મોહી ગયું ~ અવિનાશ વ્યાસ
આવી નોરતાની રાત ~ અવિનાશ વ્યાસ
સૂના સરવરિયાને કાંઠડે ~ અવિનાશ વ્યાસ
મારે પાલવડે બંધાયો ~ અવિનાશ વ્યાસ
છેલાજી રે... ~ અવિનાશ વ્યાસ
વગડાની વચ્ચે વાવડી ~ અવિનાશ વ્યાસ
તાલીઓના તાલે ~ અવિનાશ વ્યાસ
ગઝલ ~ ભરત વિંઝુડા
એક ગઝલ ~ કુમાર જૈમિનિ શાસ્ત્રી
ગઝલ ~ હર્ષદ સોલંકી
ઝાડનાં કાવ્યો ~ રાજેશ પંડ્યા
રાધાની આંખ ~ વિવેક મનહર ટેલર
દાદા હો દીકરી વાગડમાં ના દેજો રે સૈ ~ લોકગીત
વાર્તાજગત
મોક્ષારોહી ~ વસુધા ઈનામદાર
છબિલકાકાનો બીજો પગ ~ રાવજી પટેલ

નિબંધ
નીરન્ધ્ર પ્રસન્નતા ~ સુરેશ જોષી
તડકો ~ સુરેશ જોષી
પ્લવંગમ લય ~ સુરેશ જોષી
એકધારો વરસાદ ~ સુરેશ જોષી
તાવની આંચ ~ સુરેશ જોષી
પડછાયો ~ સુરેશ જોષી

વિવેચન
પડછાયો ~ ઉમાશંકર જોશી
આત્માની માતૃભાષા ~ ઉમાશંકર જોશી
સમસંવેદન ~ ઉમાશંકર જોશી

કલાજગત
કલા બત્રીસી ~ કનુ પટેલ

Sanchayan 8 - 2.jpg

રવિન્દ્રનાથ ટાગોરની ચિત્ર કૃતિ - પ્રકૃતિ દૃશ્યઃ ૧૯૩૦-૪૦

॥ સમ્પાદકીય ॥

હું કદાચ કવિતા વિના રહી જ ના શકું
Sanchayan 9 - 1 - Kishor Vyas.jpg

જયંત પાઠકની જાણીતી રચના છે ‘કવિતા ન કરવા વિશે કવિતા’ કવિ એમાં કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય એ વાતને પ્રકૃતિતત્વોને જોડીને વાત કરે છે. સરોવરો સુકાઈ જાય? નદીઓ વહેતી થંભી જાય? ડુંગરા ડોલી ઊઠે? આવા પ્રશ્નથી શરૂ થતી કવિતાના અંતે કવિ કહે છે કે ‘કવિતા કરવાનું બંધ કરીએ તો આમ તો કશું ના થાય.’ અને અંતે વળ ચઢાવી કહે છે- એટલે કે કશું થાય જ નહીં! આપણે કાવ્યવાચન માટે પણ આ રચનાને ખપમાં લઈને કહેવું હોય તો કહી શકીએ કે કાવ્ય ન વાચીએ-સાંભળીએ કે આસ્વાદ ન લઈએ તો આમ તો કશું ન થાય- એટલે કે કશું થાય જ નહીં! હા, સંવેદનજગતને ખાલી ચઢી જાય. કેવળ ખાલીપણું, જડતા બાકી બચે. કવિતાની એક અજબ તરસ હોય છે સૌને. કવિતાના સ્પર્શમાત્રથી વંચિત રહ્યા હોય એવા માનવી મળે ખરાં? માણસને સુખદુ:ખમાં હાથવગો સાથી તો કવિતા જ. ઉત્તમ કવિતા સાવ અડોઅડ રહે અને મનુષ્યની ચેતનાને સંકોર્યા કરે. આપણું સુખદુઃખનું આંગણું રોજ છલકાયા કરતું હોય ત્યારે એ ઘડીમાં આપણો હાથ ઝાલે છે એ કવિતા. એ આપણને ગાતા કરે છે.ખુશ કરે છે. સહેલાવે છે ને આવાસિત પણ કરે છે. મોટો આધાર છે કવિતાનો. ક્યારેક કાવ્યને માથે મૂકીને ભલે આપણે નાચી ન ઊઠતાં હોઈએ પણ આપણું અંતર તો છલાંગો ભરતું હોય છે. ઊર્મિઓને પ્રગટ કરવા હૈયે-હોઠેથી સરી પડતાં કાવ્યને ખરો ઘાટ આપવા સર્જક મથામણ કરતો હોય છે. એની પ્રતિભા, નિપુણતા કે અભ્યાસને ખપમાં લઈને જ્યારે કાવ્ય લઈ સમક્ષ થાય છે ત્યારે કવિતાનો કવિએ કરેલો ઉછેર ધ્યાનમાં આવ્યા વિના રહેતો નથી. એવું કાવ્ય ચિત્તમાં રમી રહે. કવિતાકોશથી ભર્યા ભર્યા સંસારમાં એવું બની આવે કે કૃતક કવિતાથી આપણે નિરાશ થઈ ઊઠીએ. કવિતાઓના એકવિધ સૂરની તારસ્વરે ફરિયાદ કરીએ પણ કવિતાથી દૂર જવું ક્યારેય સંભવ બનતું નથી. આપણી પ્રતીતિ છે કે હું કદાચ કવિતા વિના રહી જ ના શકું. પ્રત્યેક ભાષાની કાવ્યપરંપરા મનુષ્યસમાજને જીવંત રાખતી હોય છે. ‘સૂતી ઊઠી મારી આદ્યવાણી’ કહેનારા કવિનો શબ્દ અરવલ્લીની ટેકરીઓ કૂદીને અંતરિયાળ ગ્રામીણ પ્રદેશો સુધી ગાતા-સાંભળતા પ્રસાર પામતો ગયો. મોંસૂઝણું થતાં સુધીમાં ઘેર ઘેર ગવાતાં પ્રભાતિયા ને સાંજના ઝાલરટાણે થતાં આરતી, કીર્તનો, છેક સવાર સુધી ભજનમાં મસ્ત બનીને ઝૂમતા ભજનિકો કાવ્યગુણે પણ ઉત્તમને રજૂ કરી રહેતા હતા. પ્રારંભિક ગુજરાતી ભાષા પગથિયાં ચઢતી ચઢતી દોઢસો વર્ષ રાસ સ્વરૂપનો દબદબો ઊભો કરી શકી. એ યુગને ‘રાસયુગ’ જેવુ નામાવિધાન સાંપડ્યું ને એ પછી આખ્યાન શિરોમણિ કહેવા તત્પર થઈ ઊઠીએ એવા આખ્યાનયુગે કવિતાના વિધવિધ રસનો સ્વાદ પ્રજાને સંપડાવ્યો. એ કેવળ ‘પરપંચ પેટ ભરવા તણો નહોતો’ કાળદેવતાએ એ સાબિત કરી આપ્યું છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની કવિતારાશિને જીવાતા જીવનથી દૂરની કવિતા લેખે આજે આપણે એને જોઈ શકતા નથી. એ કાવ્યશાસ્ત્રની સમર્થ બાજુઓને કારણે તો નવયુગની કવિતા પરંપરા પછી પણ એનાથી વિમુખ ક્યાં થઈ શક્યા છીએ? આ સમયમાં પણ ખેતર ખેડનારો નિરક્ષર ખેડૂત દેશીઓ ગાઈ ખુશીથી પરસેવો વહાવતો કે શ્રમજીવી વર્ગ ખાયણા ગાતો કિલ્લોલતો. ઘરમાં હાલરડાં, આરતી, થાળ, લોકગીતો સ્વાભાવિકપણે ગવાતાં.ખોબા જેવડા ગામમાં કોઈ દીકરીના લગ્નપ્રસંગે હકડેઠઠ ભરાયેલી ઓસરીમાં ફટાણાં ગાઈ વેવાઈની ઠઠ્ઠા-મશ્કરી કરતા સમૂહનો એ આનંદ આજે અલોપ થયો છે તેમ છતાં એમ કહી શકાય એમ નથી કે સામાજિક વર્ગ કવિતાથી સાવ દૂર થઈ ગયો છે. સ્વાતંય ગાળામાંની પ્રભાતફેરીઓ, સભા-સરઘસોમાં કે દાંડીકૂચ જેવા પ્રસંગોમાં ગવાતા ગીતોથી સમૂહની ઐક્યભાવનાનો વિકાસ થયેલો એ પણ આપણા સ્મરણમાં ક્યાં નથી? કવિતાના આસ્વાદ માટેનું આ પણ એક વાતાવરણ. રચનાઓમાં પમાતી નરી શબ્દાળુતા કે સપાટી પરની કાવ્યકૃતિઓ નેપથ્યે ધકેલાઈ જતી હોય છે અને યાદ રહે છે કેવળ કાવ્યગુણે સમૃદ્ધ એવી કવિતા. સમયે સમયે મોં ભરાઈ જાય એવા પ્રતિભાશાળી કવિઓએ લય, છંદ, વિચાર, સંવેદન, પ્રયોગશીલતા અને સ્વરૂપ વિશેષતાઓ સાથે કામ પાર પાડ્યું છે. કોઈ ખૂણે બેસીને કાવ્યસાધના કરનારા કવિની એકાદ-બે બળૂકી રચનાઓથી પણ એ કવિ આપણે હૈયે વસી જતો હોય છે. ઓચિંતું કોઈ છંદોબધ્ધ કાવ્ય કે અછાંદસ વાંચવા મળી જાય કે કોઈ લયછલકતું ગીત વાંચવા મળી જાય એનાથી વધારે મોટી ઘટના કોઈ નથી. કવિતાથી લાંબો સમય કોઈ દૂર રહી જ ના શકે. સમૂહમાધ્યમો એની વારંવાર યાદ અપાવે. રેડિયો પર, ટેલીવિઝનમાં, અખબારો-સામયિકોમાં કે ફિલ્મોમાં ન ઇચ્છવા છતાં કવિતાનો ભેટો થવાનો જ. રસિક વર્ગ કાવ્યવાચન, કાવ્યઆસ્વાદ, કવિ મુશાયરાઓને માણતો રહે છે. એની પોતપોતાની સિદ્ધિ-મર્યાદાઓ પણ છે. વાહવાહીના પૂરમાં કવિતા તણાતી ચાલી હોય એવું બનાવાજોગ છે પણ કવિતાનો સજ્જ ભાવક ખરી કવિતાને પામી લેતો હોય છે. સુરેશ જોષીએ એક જગાએ વ્યંગમાં લખ્યું છે કે: ‘આપણને એક વાતનું સુખ છે. આપણે સમકાલીન છીએ એટલે એકબીજાનું લખેલું વાંચવાની જવાબદારીમાંથી મુક્ત છીએ’ એથી પ્રત્યેક સમયની વિલક્ષણ રચનાઓને વાચવી, આસ્વાદવી અને એની ચર્ચા માંડવી એ ભાવનની પહેલી શરત છે. નિસબતથી કાવ્યવાચન ભણી વળવાની ને કાવ્યસમજ કેળવતા રહેવાની આજે તો ક્યારેય ન હતી એવી અનિવાર્યતા છે. રવીન્દ્રનાથની પંક્તિને કાવ્યપ્રેમના સંદર્ભમાં યોજીએ તો કહી શકાય એમ છે કે ‘તેં કેટલાયે અજાણ્યાને ઓળખાવ્યા, તેં કેટલાંય ઘરમાં મને આશ્રય આપ્યો. આ બદલની કૃતજ્ઞતાથી મારું હૃદય ભરાઈ ગયું છે.’ આપણી શ્રેષ્ઠ કાવ્યરચનાઓ આ કામ કરી શકે. બેશક, એ કામ કવિતા જ કરી શકે.

- કિશોર વ્યાસ

॥ કવિતા ॥


(જન્મ : ૩૧ મે ૧૯૩૪,
મૃત્યુ : ૫ સપ્ટેમ્બર ૨૦૧૮)

એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
ભગવતીકુમાર શર્મા

ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
કાજળ કાઢીને મારી ભૂરીછમ આંખનું
મેઘને તે કેમ કરી આંજવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
હીંચકાની સાંકળમાં નેવાં છલે ને
મોર તોરણ આ ટહુકે આકાશને
ઝાંઝરની ઘુઘરીમાં લાવી મઢાવું કેમ
કોરા આ સોનલ બોલાશને?
સૂનાં તે ઓરડામાં કેમ કરી
મેઘધનુ કેરાં ગુલમહોર ને તે વાવવો?
ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
ખેતર જવાને પંથ અધવચ્ચે આવીને
છોગાળો એવો મુને આંતરે
કાંડું વછોડી કહું ઊભે મારગ ને
ઘરમાં આવીને ગીત છેડજે!
કેટલું તો મ્હેકે મારી કાયા અબોટી
એમાં માટીનો તોર ક્યાંથી લાવવો?
ઝુમ્મર જડેલી મારી છતમાં ઘેરાય
આવી વાદળ શ્રાવણને અષાઢના
ઓકળિયે ટપ ટપ હું પગલાં મૂકુને,
વન ઉભરાયે ભીની લીલાશનાં
વાડામાં વહેતી હો નાનકડી નીક,
એમાં દરિયો તે ક્યાંથી છલકાવવો?
ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?



(જન્મ : ૧૯ જુલાઈ ૧૯૩૯,
મૃત્યુ : ૪થી મે ૧૯૬૬)

બોલ વ્હાલમના
મણિલાલ દેસાઈ

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.
કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.
આજની જુદાઈ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.



(જન્મ : ૨૧ જુલાઈ ૧૯૧૨,
મૃત્યુ : ૨૦ ઓગસ્ટ ૧૯૮૪)

પાંદડું લીલું ને રંગ રાતો
અવિનાશ વ્યાસ

પાંદડું લીલું ને રંગ રાતો
મારી મહેંદીનો રંગ મદમાતો.
ભૂલી રે પડી હું તો રંગના બજારમાં
લાગ્યો મને રંગ કેરો છાંટો પાંદડું...
રેશમની કાયા તારી જાણે લજામણી
લટકંતી લટ તો જાણે ભૂલ રે ભૂલામણી
રૂપને ઘેરીને બેઠો ઘૂંઘટનો છેડલો...
વાયરાની લહેરમાં લહેરાતો પાંદડું...
રંગરસિયા, જરા આટલેથી અટકો
દિલને લોભાવે તારા લોચનનો લટકો;
વારી વારી થાકી તોયે છેલ રે છબીલા
તું તો અણજાણે આંખોમાં છુપાતો પાંદડું...
છૂપી છૂપી કોણે મારું દિલડું દઝાડ્યું?
છૂપી છૂપી કોણે મને ઘેલું રે લગાડ્યું ?
ક્યાં રે છુપાવું મારા દાઝેલા દિલને ?
હાય કાળજાની કોરે લાગ્યો કાંટો

પાંદડું... મારું મન મોહી ગયું
અવિનાશ વ્યાસ

હે તને જાતાં જોઈ પનઘટની વાટે,
મારું મન મોહી ગયું.
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારું મન મોહી ગયું. હે...
કેડે કંદોરો ને કોટમાં દોરો,
તારા લહેરિયાની લાલ લાલ ભાતે
મારું મન મોહી ગયું.
બેડલું માથે ને મહેંદી ભરી હાથે,
તારી ગાગરની છલકાતી છાંટે
મારું મન મોહી ગયું.
રાસે રમતી આંખને ગમતી,
પૂનમની રઢિયાળી રાતે
મારું મન મોહી ગયું.

આવી નોરતાની રાત
અવિનાશ વ્યાસ

હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત,
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત
ચંદ્રમાનું ચંદન ને સૂરજનું કંકુ
આસમાની ઓઢણીમાં ટપકિયાળી ભાત –
કાલે હજુ તાલે રમી રંગને રેલાવ્યો,
શેરીએ શેરીએ ગરબો વેરી રાસડો રચાવ્યો;
બીડ્યું ને ઊઘડ્યું નયન એનું એ પ્રભાત –
નભના તારલિયા તારી આરતી ઉતારે,
સમીરની શરણાઈ ગાઈ તુજને સત્કારે;
માવડીના મિલનિયે જાગ્યું આ વિરાટ.

સૂના સરવરિયાને કાંઠડે
અવિનાશ વ્યાસ

સૂના સરવરિયાને કાંઠડે હું
બેડલું મેલીને ન્હાવા ગઈ-
પાછી વળી ત્યારે બેડલું નહિ-
બેડલું નહિ બેડલું નહિ.
હું તો મનમાં ને મનમાં મૂંઝાણી મારી બઈ,
શું રે કહેવું મારે માવડીને જઈ?
પાછી વળી ત્યારે બેડલું નહિ.
કેટલું કહ્યું તોયે કાળજું ના કોર્યું
ને ચોરી ચોરીને એણે બેડલું ચોર્યું;
ખાલીખમ બેડલાથી વળે ન કાંઈ,
પાછી વળી ત્યારે બેડલું નહિ.
નીતરતી ઓઢણી ને નીતરતી ચોળી,
બેડલાનો ચોર મારે કેમ લેવો ખોળી?
દઈ દે મારું બેડલું મારા દિલડાને લઈ,
પાછી વળી ત્યારે બેડલું નહિ.



Sanchayan 9 - 5.jpg


Sanchayan 9 - 6.jpg

મારે પાલવડે બંધાયો
અવિનાશ વ્યાસ

મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો,
આખા રે મલકનો માણીગર મોહન
એક નાની શી ગાંઠે ગંઠાયો - જશોદાનો જાયો૦
એવો રે બાંધ્યો કે છૂટ્યો ના છૂટે,
આંખ્યુંનાં આંસુ એનાં ખૂટ્યાં ના ખૂટે -
આજ ઠીક નાથ હાથ મારે આયો - જશોદાનો જાયો૦
મારે કાંકરિયાં ને મટુકી ફૂટે,
મારગ આવી મારાં મહીડાં નિત લૂટેઃ
મને લૂંટતાં એ પોતે લુંટાયો - જશોદાનો જાયો૦
સ્થંભ વિના આખું આકાશ લટકાવ્યું,
મહિ ચન્દ્ર-સૂરજ-તારાનું તોરણ ટિંગાવ્યું;
સહુને ટિંગાવનાર લટકતો લાલ
મારા પાલવની કોરે ટીંગાયો - જશોદાનો જાયો૦


Sanchayan 9 - 7.jpg

છેલાજી રે...
અવિનાશ વ્યાસ

છેલાજી રે,
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ;
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો – છેલાજી...
રંગ રતુંબલ કોર કસુંબલ,
પાલવ પ્રાણ બિછાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો – છેલાજી...
ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર,
ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર;
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો – છેલાજી...
ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે,
એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે;
નથણી લવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો – છેલાજી...


વગડાની વચ્ચે વાવડી
અવિનાશ વ્યાસ

વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમડી,
દાડમડીના દાણા રાતાચોળ સે.
પગમાં લક્કડ પાવડી ને જરિયળ પે’રી પાઘલડી,
પાઘલડીનો તાણો રાતોચોળ સે.
આણીકોર પેલીકોર મોરલો બોલે,
ઉત્તર દખ્ખણ ડુંગરા ડોલે;
ઈશાની વાયરો વીંજણો ઢોળે,
વેરી મન મારું ચઢ્યું ચકડોળે;
નાનું અમથું ખોરડું ને ખોરડે ઝૂલે છાબલડી
છાબલડીમાં બોરાં રાતાચોળ સે.
હે ગામને પાદર રૂમતા રે ઝૂમતા
નાગરવેલનાં વન છે,
હે તીરથ જેવો સસરો મારો
નટખટ નાની નણંદ છે.
મહિયર વચ્ચે માવડી ને સાસર વચ્ચે સાસલડી,
સાસલડીનાં નેણા રાતાચોળ સે.
એક રે પારેવડું પેપળાની ડાળે
ને બીજું રે પારેવડું સરવર પાળે;
રૂમઝૂમ રૂમઝૂમ જોડલી હાલે,
નેણલાં પરોવીને નેણલાં ઢાળે;
સોના જેવો કંથડો ને હું સોનાની વાટકડી,
વાટકડીમાં કંકુ રાતુંચોળ સે.

તાલીઓના તાલે
અવિનાશ વ્યાસ

તાલીઓના તાલે
ગોરી ગરબે ઘૂમી ગાય રે
પૂનમની રાત – ઊગી પૂનમની રાત !
આસમાની ચૂંદડીના લહેરણિયાં લહેરાય રે;
પૂનમની રાત – ઊગી પૂનમની રાત !
ગોરો ગોરો ચાંદલિયો ને
દિલ ડોલાવે નાવલિયો
કહેતી મનની વાત રે !
પૂનમની રાત – ઊગી પૂનમની રાત !
ઓરી ઓરી, આવ ગોરી, ઓરી ઓરી,
ચાંદલિયો હીંચોળે ત્હારા હૈયા કેરી દોરી,
રાતડી રળિયાત રે !
પૂનમની રાત – ઊગી પૂનમની રાત !
ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો,
રૂમઝૂમો, ગોરી રૂમઝૂમો,
રાસ રમે જાણે શામળિયો, જમુનાજીને ઘાટ રે !
પૂનમની રાત …
પૂનમની રાત – ઊગી પૂનમની રાત !
(પાંદડું લીલું ને રંગ રાતો -સં.સુરેશ દલાલ)



(જન્મ : ૨૨ જુલાઈ ૧૯૫૬)

ગઝલ
ભરત વિંઝુડા

બે અને બે ચાર કરવાના હતા,
દાખલા સાદા જ ગણવાના હતા.
નાવમાં જો મૂકી દીધાs હોત તો,
પથ્થરો પાણીમાં તરવાના હતા.
પાણી છાંટી ઓલવી નાખ્યા તમે,
એ તિખારાઓય ઠરવાના હતા.
ઝાડ નીચે જઈ ઊભા નહીં તો અમે,
ઝાડની જેમ જે પલળવાના હતા.
બંધ પેટીમાં ન રાખ્યાં હોત તો,
આ હીરા મોતી ચમકવાનાં હતાં.
કાશ એવું પણ લખાયેલું મળે,
ભાગ્ય પોતાનું બદલવાના હતા.
FB


(જન્મ : ૧૯૬૦)

એક ગઝલ...
કુમાર જૈમિનિ શાસ્ત્રી

સ્વપ્ન મારાં માત્ર મારા ગજા ઉપર રહ્યાં
ભોંય પર રહ્યા અમે એ છજા ઉપર રહ્યાં
સાંજ પણ નક્કી કરી, સ્થાન પણ નિયત કર્યું,
પણ પ્રણયના દેવતાઓ રજા ઉપર રહ્યા
કંઈ ખુશી આવીને ગઈ પણ મને મળી નહીં,
તો અમે નિર્ભર અમારી મજા ઉપર રહ્યા
કંઈક ઝંઝાવાત ત્યાં આવતા જતા રહ્યા,
દેવ નિજ સ્થાને રહ્યા, એ ધજા ઉપર રહ્યા...
FB


(જન્મ : ૧૯૭૯)

ગઝલ
હર્ષદ સોલંકી

તમારી આંખ આગળ હોય ને દેખાય નહિ જ્યારે,
કહો! શું થાય તમને! કે કશુંયે થાય નહિ જ્યારે.
પછી મનની સ્થિતિ શું હોય છે એ તો કહો અમને,
મલકવું હોય મનને ને છતાં મલકાય નહિ જ્યારે.
તમે ભૂલા પડીને ક્યાંક ભટકી જઈ શકો છો હોં,
તમારાથી તમારી આંગળી પકડાય નહિ જ્યારે.
એ શબ્દો જાય છે ક્યાં ને પછી શું થાય છે એનું,
તમારે બોલવા તો હોય પણ બોલાય નહિ જ્યારે.
રહીને સાવ મૂંગા જૂઠ સૌના સાંભળી લેવા,
તમારું સત્ય સૌની સામે સાબિત થાય નહિ જ્યારે.
FB



(જન્મ : ૧૯૬૫)

ઝાડનાં કાવ્યો
રાજેશ પંડ્યા


ઝાડની લીલાશ
આપણા સુક્કા ભૂખરા જીવનને
થોડુંક જોવા જેવું બનાવે છે.
એથી પથરા જેવો કઠણ સમય
થોડો લિસ્સો થાય છે
અને કદરૂપાં ઘર
થોડાં નમણાં લાગે છે.
એટલે જ આંખ આખા વેરાનમાં ફરતી
ફરી ત્યાં જઈ ઠરે છે
જ્યાં ઝાડ હોય છે.
ઝાડને જોવું એ
કોઈ છોકરીને જોવા કરતાં
ઓછું સુંદર નથી હોતું.
છોકરીના સુંદર ચહેરાની જેમ ઝાડ પણ
વારેવારે તમારી આંખને એના ભણી ખેંચે છે અને
ઝાડની ડાળી પર બેઠેલાં ચંચલ પક્ષીઓ જે
બંને આંખો ઊડતી-કૂદતી રહે છે
આ ડાળથી તે ડાળ, આ પાનથી તે પાન
ત્વિચ ત્વિચ બોલાશે લીલ રંગ છલકાવતી
છલકાવતી છેવટ સંતાય જાય છે ક્યાંક
ક્યારેક કોઈ શોધી કાઢે ફરી, એ માટે.
હું એના ફરી દેખાવાની રાહ જોતો
ઊભો છું. અહીં. બરાબર ઝાડ સામે.
આ પથરાળ દુનિયામાં એક ઝાડનું હોવું
ને એય કોઈ છોકરીના ચહેરા જેવું સુંદર
જેની આંખોમાં પંખી ઊડતાં હોય
ડાળે ડાળે લીલાં દૃશ્યો રચાતાં જે
પાણીની જેમ ભીંજવી જતાં હોય આમૂલાગ્ર...
આથી વધારે શું જોઈએ
કોઈને, આ પથરાળ દુનિયામાં?


ખૂબ અઘરું હોય છે
કોઈ ઝાડ માટે
રસ્તાની ધારે ઊભા રહી
પાંચપંદર વરસ ટકી રહેવું તે.
રસ્તો નહોતો
એ વખતે તો એ બધે હતું
પછી રસ્તો થયો ત્યારે ખસતું ખસતું એ
ધારે આવી ગયું છેવટ
હવે ક્યાં જઈ શકાય એમ છે
એ વિચારતું ઊભું છે અત્યારે
રસ્તાની ધારે.
ખૂબ અઘરું છે
કોઈ પંખી માટે
રસ્તાની ધારે ઊભેલા ઝાડ પર
ક્યાંકથી સાંઠીકડાં તણખલાં
ચાંચમાં ઊંચકી લાવીને
માળો બાંધવો એ.
રસ્તા પરથી
ધમધમતાં વાહનો
સડસડાટ પસાર થાય ઝપાટાબંધ
ઝાડની ડાળીઓમાં કડેડાટી બોલાવતાં
ત્યારે
માળામાં ગોઠવેલાં તણખલાં ધ્રૂજે છે
કે પછી પીંછાં કાંપે છે
એ બરાબર કળી શકાય નહીં. કોઈથી.
કેમ કે રસ્તાની ધારે
સંભાળીને ચાલતા રહેવું
ખૂબ અઘરું હોય છે.


એક સવારે મેં બારી બહાર જોયું
સામે ફળિયાની માટીને આઘીપાછી હડસેલી
એક ફણગો ફૂટી રહ્યો’તો.
નવજાત બાળકનાં પોપચાં
જેમ એની પાંદડી ફરકતી’તી.
થોડા દિવસ પછી મેં બારીની બહાર જોયું
ત્યારે નાનકો છોડ હવામાં ઝૂલતો’તો
સૂરજનાં કિરણોને પાનેપાને ઝીલી લેવા સજ્જ.
કેટલાય દિવસો વીતી ગયા પછી
એક સુંદર સવારે ફરી મેં બારીમાંથી જોયું બહાર
તો ડાળેડાળે લેલૂંબ ફળ ઝુલાવતું ઝાડ ઊભું’તું રસદાર.
કેટલાંય વરસો પછી
મેં ફરી એક વાર
બારી ઉઘાડીને જોયું બહાર
પણ મને એ દેખાયું નહીં.
કદાચ
કદાચ મને કંઈ દેખાતું નથી.
કદાચ બહાર કંઈ નથી.


કાલે
કદાચ એનાં મૂળિયાં ફેલાઈ
પાયા સોંસરાં ફરી વળી
મકાનના સાંધેસાંધા ઢીલા કરી દેત
કે પછી
બથમાં ન સમાય એવડા ઘેરાવાવાળું થડ
આસપાસ ઘણી જગ્યા રોકી લેત
આવતી કાલે.
પાનખરમાં તો પીળાં પાંદડા ઊડ્યા કરત ચારેકોર
ત્યારે બારીબારણાં વાખવાં પડત જડબેસલાક નહીંતર
ઘર આખું ભરાઈ જાત ધૂળિયા સુક્કાં પાંદડાંથી.
વળી
કેટલાંય પંખીઓના અવાજથી
ઊંઘ ઊડી જાત સવારે સવારે
આમ કાચી ઊંઘમાંથી ઊઠ્યા પછી
આખ્ખો દિ’ શરીર ઢીલુંઢફ રે’ત.
આવાં બધાં કારણોસર ભાઈએ
ફળિયા વચ્ચોવચ પગભર થવાનું શીખી ગયેલ
કેડસમાણો છોડ વધુ વધે એ પહેલાં જ
વાઢી નાખ્યો.
આજે
એ જ ફળિયામાં
જ્યાં આંબો હોત એ ઠેકાણે બેસી
હું એની કવિતા કરું છું.
ને એમ એને ફરી ઉગાડવા માગું છું
કલમના ઇલમથી. કવિતામાં.
હવે એ કવિતામાં જીવશે, કદાચ.
જો આવતી કાલે કવિતા બચશે તો.
અથવા
આવતી કાલ બચશે, કવિતા માટે, તો.
‘એતદ્’માંથી



(જન્મ : ૧૬ માર્ચ ૧૯૭૧)

રાધાની આંખ !
વિવેક મનહર ટેલર

જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
તીરથો ને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાંખ.
રાધાનાં શમણાંના સાત રંગ રોળાયા
તંઈ જંઈ એક મોરપિચ્છ રંગાયું,
હૈડું ફાડીને પ્રાણ ફૂંક્યા કંઈ ઘેલીએ,
એ દિ’ આ વાંસળીએ ગાયું,
મોરલીની છાતીથી નીકળતા વેદનાના સૂર, સખી ! સાંખી શકે તો જરી સાંખ !
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
ગોધૂલિવેળાની ડમરીમાં ડૂબકી દઈ
આયખું ખૂંદે છે ખાલીખમ પાદર;
રાહનાં રૂંવાડાને ઢાંકવા પડે નાની
આ ચોર્યાસી લાખ તણી ચાદર.
છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
‘ગરમાળો’ - કાવ્યસંગ્રહ, સ્વયમ્ પ્રકાશન, ૨૦૧૧

દાદા હો દીકરી વાગડમાં ના દેજો રે સૈ
(લોકગીત)

દાદા હો દીકરી વાગડમાં ના દેજો રે સૈ,
વાગડની વઢિયારી સાસુ દોહ્યલી રે
દાદા હો દીકરી...
દી’એ દળાવે મને રાતડીએ કંતાવે રે સૈ,
પાછલ રે પરોઢિયે પાણીડાં મોકલે રે
દાદા હો દીકરી...
ઓશિકે ઈંઢોણી મારી પાંગતે સીંચણિયું રે સૈ,
સામે તે ઓરડીએ વહુ તમારું બેડલું રે
દાદા હો દીકરી...
ઘડો બૂડે નૈ મારું સીંચણિયું ના પૂગે રે સૈ,
ઊગ્યો દી’ આથમિયો કૂવાકાંઠડે રે
દાદા હો દીકરી...
ઊડતા પંખીડા! મારો સંદેશો લઈ જાજો રે સૈ,
દાદાજીને કે’જો કે દીકરી કૂવે પડે રે
દાદા હો દીકરી...
દાદાજીને કે’જો મારી માતાને ના કે’જો રે સૈ,
માયાળુ માવલડી આંસુડાં સારશે રે
દાદા હો દીકરી...
કૂવે ના પાડજો દીકરી અફીણિયાં ના ખાજો રે સૈ,
અંજવાળી આઠમનાં આણાં આવશે રે
દાદા હો દીકરી...
F.B

॥ વાર્તાજગત ॥

મોક્ષારોહી
વસુધા ઈનામદાર
Sanchayan 9 - 13- Vasudha Imandar.jpg

અમર કૈલાસનગર આવ્યો. એણે આસપાસ જોયું. એકવીસ નંબરના ઘર આગળ એક લીમડાનું ઝાડ હતું અને ત્યાં એક ભંગાર લાગતી કાળા કલરની ઍમ્બેસૅડર કાર પડી હતી. અમર થોડોક જ આગળ વધ્યો. એને આસપાસ જોતાં લાગ્યું કે આ નાનકડો બંગલો જાણે કે આથમતા વૈભવની ચાડી ખાય છે. અંદર જવા માટે આરસનાં ચારેક પગથિયાં ચઢ્યા પછી સરસ મજાનો પૉર્ચ હતો, ત્યાં ઝગમગતી સાંકળ સાથે જકડાયેલો, ખખડધજ થયેલો પણ સુંદર કોતરણીવાળો સાગનો હીંચકો હતો. સોનેરી બટનવાળો ડૉરબેલ એણે ક્યાંય સુધી દબાવી રાખી! અંદરથી થાકેલો પણ મીઠો મધુરો અવાજ આવ્યો, “ભાઈ, જરા ખમો આવું છું.”

એંશીની આસપાસની ઉંમરવાળાં રૂપાળાં લાગતાં વૃદ્ધાએ બોખે મોઢે હસીને બારણું ઉઘાડ્યું! એમના શરીર ફરતે ક્રીમ કલરની લાઈટ બ્રાઉન બોર્ડરવાળી સિલ્કની સાડી હતી. કપાળમાં આંખે ઊડીને વળગે એવો મોટો ચાંદલો હતો. કાનને શોભાવે એવી હીરાની બુટ્ટી હતી. આ ઉંમરે પણ માજી ગરવાં લાગતાં હતાં. અમરને જોઈ આછું સ્મિત કરી અંદર આવવાનું ઇજન આપતાં હોય એમ, બારણેથી થોડાંક ખસીને બોલ્યાં, ‘સુખધામ’માંથી આવો છો ને? “આવો ભાઈ, તમારી જ રાહ જોતી હતી.” અમરે અંદર પ્રવેશ કરતાં કહ્યું, “હા, ત્યાંથી જ તમને લેવા મને શાહસાહેબે મોકલ્યો છે.” એણે જોયું. ઘરની અંદરની ભવ્યતા અને વિશાળતા આંખે ઊડીને વળગે એવી હતી. તેઓ હસીને બોલ્યાં, “બેસોને ભાઈ!” અમરને થયું કે એક સમયે આ ઘર નિતનવા અવાજો અને હાસ્યથી ધમધમતું હશે! એના મનમાં ચાલતા વિચારોનો છેડો જાણે પકડી પાડ્યો હોય તેમ, માલતીબહેને એની સામે જોયું, એ ચહેરો અપરોક્ષ રીતે અમરને કહેવા માગતો હતો, આ ઘરની નીરવતામાં મહાલતો ખાલીપો મારાં મનમાં ચાલતા ઘોંઘાટને વળગી પડે છે! એ સ્થળ, એ સમય અને સામે ઊભેલી પ્રતિભાશાળી વ્યક્તિથી અમર અંજાઈ ગયો. સામે અડધી ભીંતને કવર કરી દેતો મોટો ફોટો હતો. ઊભા રહેલા એ પર્વતારોહકોની પાછળ ફોટાના બૅકગ્રાઉન્ડમાં હિમાલયનાં શિખરો હોય એમ એને લાગ્યું. એ ફોટોની ફ્રેમ ઘણી જ કીમતી દેખાતી હતી, કોઈ મ્યુઝિયમમાં શોભે એવી! ગૌરવભર્યા અતીતને દૃશ્યમાન કરતી એ છબી એ નિહાળી રહ્યો. માલતીબહેન નજીક આવીને બોલ્યાં, “તને ગમ્યો? આ અમારો પર્વતારોહણનો ફોટો છે, મારા પતિ ઉત્તમ ફોટોગ્રાફર હતા. હું હજારો ફૂટની ઊંચાઈને આંબતી હોઉં ત્યારે, તેઓ ગળામાં કેમેરા સાથે અન્ય ઓજારો અને સાધનો લઈ મારી એ ક્ષણોને કેદ કરી રાખતા. એ પણ સારા પર્વતારોહક અને ઉત્તમ ગાઈડ હતા. જોકે તેઓ પોતાને ફોટોગ્રાફર તરીકે જ ઓળખાવતા. એમના ફોટોગ્રાફ્સ નૅશનલ જિયોગ્રાફિક જેવાં અને અન્ય આંતરરાષ્ટ્રીય માસિકોમાં આવતા ત્યારે તેઓ ખૂબ ગર્વ અનુભવતા!! પર્વતારોહણની તાલીમ આપતી સંસ્થા સાથે વર્ષો સુધી કામ કર્યાં પછી અમે બંનેએ અમારું પોતાનું પર્વતારોહકો માટેનું તાલીમ કેન્દ્ર ખોલ્યું હતું. આ બધા મારા વિદ્યાર્થીઓ સાથે પાડેલો ફોટો છે.” એ આશ્ચર્યથી એમની સામે જોઈ રહ્યો, તેઓ બોલ્યે જતાં હતાં: “હિમાલય વર્ષોથી ઋષિમુનિઓ અને સાધુસંતોની તપોભૂમિ માટેનું આકર્ષણનું કેન્દ્ર છે. એની સુંદરતા કુદરતે સર્જેલી વિવિધતાના થાળ જેવી છે. જે હિમાલયના પહાડી સૌંદર્યને દિવ્ય જ નહીં, પણ અલૌકિક અને અદ્ભુત બનાવે છે. કદાચ તેથી જ હજારો વર્ષો પછી પણ સમગ્ર માનવજાતને તે તીર્થધામ જેવું પવિત્ર લાગે છે અને એનું ચઢાણ સ્વર્ગ જેવી દિવ્યાનુભૂતિ કરાવે છે. આવા સ્થળે જવાનું કોને ના ગમે? અનેક યુવાન અને યુવતીને અમે એમની મહેચ્છા પૂરી પાડવામાં મદદ કરી છે. હું તો એમને સાહસવીરો જ કહું છું. મારી દૃષ્ટિએ પર્વતારોહણ એ રમતોનો રાજા છે. ત્યાં સ્પર્ધા નથી હોતી, ત્યાં એકબીજાના કૌશલ્યને, એમની ક્ષમતાએ હિંમતને વધાવીને ગૌરવાન્વિત થવાનું હોય છે. ચઢાણ કરતી વખતે ગ્રુપમાં હોવા છતાંય એ સાહસ અને સંઘર્ષ વ્યક્તિગત હોય છે. અમારા વિદ્યાર્થીઓ પર્વતારોહણને સ્વેચ્છાએ સ્વીકારેલો પડકાર સમજી ચઢાણ કરતા! એમણે આત્મવિવાસથી હિમાલયનાં નાનાંમોટાં શિખરો સર કરવાનો એ શોખ ઉન્માદ અને નશાના હદ સુધીનો હતો! મારા આ પગે માઈલોના માઈલ ચઢાણ ચઢવામાં હંમેશા મને સાથ આપ્યો હતો, અને હવે આ જ થાકેલા પગ વૉકરની મદદથી ચાલવામાં પણ ખોડંગાય છે. માફ કરજો ભાઈ, ઘણા સમય પછી આ ફોટોગ્રાફ વિશે પૂછીને મને સાંભળવાવાળું કોઈ મળ્યું, તમને મારી વાતોથી કંટાળો...” “ના, ના... તમારી વાતોમાં મને રસ પડ્યો છે, તમે જ એમ.પી. જાડેજા ને? મેં તમારું નામ ખૂબ સાંભળ્યું છે, પર્વતારોહણ વિશેનાં તમારાં પુસ્તકો વાંચ્યાં છે. તમને આ રીતે મળાશે એવું ક્યારેય કલ્પ્યું નહોતું. મારી દૃષ્ટિએ સાહસિકતાનો પર્યાય એટલે પર્વતારોહણ ! અમારાં મા-બાપની ઇચ્છા વિરુદ્ધ અમે ભાઈ-બહેન એવા સાહસમાં જોડાયાં હતાં. મારી બહેન મારી કરતાં ખૂબ કુશળ પર્વતારોહક હતી, પણ પાંચેક વર્ષ પહેલાં થયેલા હિમપ્રપાતનો બે દિવસ સામનો કર્યા પછી તે મૃત્યુના મુખમાંથી હિંમતભેર બહાર આવી પણ એ કારણે હવે એ વ્હીલચેરમાં છે, તેથી મારાં માતા-પિતાના અત્યંત આગ્રહને માન આપીને મેં મારા શોખને તિલાંજલી આપી છે. પણ તમારાં જેવાં પાસેથી આમ સાહસની વાતો સાંભળું છું, ત્યારે મારામાં સૂતેલો હિમાલય જાગી જાય છે, એક વાત કહું? મીઠી નિદ્રામાં આવેલાં સોનેરી સપનાં સવાર પડતાં જ ભુલાઈ જાય છે, પણ ક્યારેક ત્રાસરૂપ હોય છે. ખરું ને!” માલતીબહેને કરુણાસભર દૃષ્ટિથી જોતાં કહ્યું, “તારે ફરી પર્વતારોહક બનવું હોય તો હું તને મદદ કરી શકું એમ છું.” અમરે એમની સામે જોયું, પણ કશો જવાબ ના આપ્યો, માત્ર હળવું સ્મિત કર્યું! બીજી દીવાલ પર જુદી જુદી ફ્રેમવાળા અનેક નાનામોટા ફોટાઓ હતા. અમરની નજર એ તરફ ગઈ, એ જોઈ માલતીબહેને કહ્યું, “એ મારો દીકરો શૈલેષ, અમેરિકામાં છે. આ એની અમેરિકન પત્ની જૅનેટ અને આ મારાં પૌત્રપૌત્રીઓ.” અમરથી પુછાઈ ગયું. “તમે એમની સાથે નથી રહેતાં? આટલા મોટા ઘરમાં એકલાં?” એ મ્લાન હસીને બોલ્યાં, “એકલાં શાનાં? આ ચાર દીવાલોમાં મૌનભર્યું ઉપવન મહેંકતું રહે છે. ને એમાં ક્યારેક અતીતનો કલબલાટ અને તેનો ગુંજારવ પણ સંભળાય છે! વૃદ્ધાવસ્થામાં પોતાનું ધ્યાન રાખવા આપણે સમર્થ ના હોઈએ ત્યારે ‘સુખધામ’ જેવા સ્થળે....” તેઓ થોડી ક્ષણ છત સામે જોઈ રહ્યાં ને બોલ્યાં, “પાંખ આવતાં સંતાનો ઘરમાંથી ઊડી જાય તો એમની સાથે બાંધેલો માળો વિખેરાઈ નથી જતો, પણ ખાલી થઈ જાય છે. આગળ જતાં એ સંતાનો સાથેનો સંવાદ ક્યારેક ઔપચારિકતા બની જાય છે. જીવનનાં સુખ-દુઃખમાં સાથ દેનારો જીવનસાથી જ્યારે લાંબા સહવાસ પછી વિખૂટો પડે છે, ત્યારે એમ થાય છે કે વૃદ્ધાવસ્થાના શિખર સુધી જતામાં ઘણું બધું ગુમાવવું પડતું હોય છે.” અમર એમની વાતો ખૂબ ધ્યાનપૂર્વક સાંભળતો હતો. માલતીબહેન બોલે જતાં હતું. “પશુ-પંખી વૃદ્ધાવસ્થામાં પણ પોતાનું જીવન પ્રાકૃતિક રીતે અંત સમય સુધી જીવે છે. પોતાનો ખોરાક જાતે જ શોધે છે. માણસ જ એક એવો છે કે જે અપેક્ષાની સાંકળમાંથી મુક્ત થવા ઇચ્છતો નથી કે થઈ શકતો નથી. ઉંમર વધતાં સમજદારીપૂર્વક બિનજરૂરી ભૌતિક વસ્તુઓનો મોહ ઓછો કરવાનું શીખવું પડે. વૃદ્ધાવસ્થા ક્યારેક આંખ, કામ, અને દૈહિક હલનચલનની મર્યાદાઓ લઈને આવે છે. કાળના પ્રવાહમાં દરેકે પોતપોતાની મર્યાદાનું આકાશ નિર્માણ કરી ત્યાં વિહરવાનું હોય છે. મને મારું નાનકડું આકાશ મળી ગયું છે. આ બંગલો મેં પર્વતારોહણની ટ્રેનિંગ સંસ્થાને ભેટ ધરી દીધો છે. મારી ઇચ્છા અને અપેક્ષાની સાંકળમાંથી મુક્ત થવાનો હું પ્રયાસ કરું છું. હા, પણ ‘સુખધામ’ જતાં પહેલાં એક ઇચ્છા પૂરી થાય તો મને ગમશે!” અમરે પૂછ્યું, “એ કઈ?” માલતીબહેનની આંખો ચમકી ઊઠી, પ્રસન્ન ચહેરે તે બોલ્યાં, “અરે ખાસ એવું કાંઈ નથી. ડૉક્ટર કહે છે કે, હું ટૂંક સમયની મહેમાન છું. મારું જીવન સંતૃપ્ત છે. આ સ્થળ અને આ ઘરનો સહજ ત્યાગ કર્યો છે, પણ એક નાનકડી અભિલાષા છે. શક્ય હોય તો મને શહેરમાંથી લઈ જઈશ?” અમરથી બોલાઈ ગયું, “પણ એ તો દૂરનો રસ્તો થયો, ને ટ્રાફિક...?” “ભલે ને ટ્રાફિક હોય, મને શું ફરક પડવાનો છે. દૂર કે નજીક! ‘સુખધામ’ એ જ છેલ્લો વિસામો! અમર કશું બોલ્યો નહીં. “ભાઈ, વાત એ છે ને, ઘડપણમાં ઘરથી દૂર જવાનું થાય ત્યારે, ત્યાંની યાદો અંદરમાં ઘર કરી જાય છે. આ ઘરમાં મારું મૌન ઘૂઘવતું રહેશે. ગહન અને ધૂંધળું, નિરાકાર છતાંય સર્વત્ર વ્યાપીને આ દીવાલોમાં તે વહેતું રહેશે, સ્વરહીન, અનંત પર્વતીય મૌન! મારા દિલમાં ધરબાઈને ધબકતા રહેલા મારા અતીતને મારે થોડીક ક્ષણો માટે ફરી માણવો છે. ચાલ ભાઈ, નીકળીશુંને આપણે?” અમરે એમની સૂટકેસ ગાડીમાં મૂકીને હાથ પકડીને એમને ગાડીમાં બેસાડ્યાં અને શહેર તરફ ગાડી હંકારી ને થોડા સમય પછી એણે પૂછ્યું, “તમે કહો ત્યાંથી જઈએ.” “જો ભાઈ, આ મોટા દરવાજેથી મને અંદરની ગલીમાં લઈ જા.” અંદર પેસતાં જ તેઓ બોલ્યાં, “જો, પેલું બે માળવાળું મકાન અમારું હતું, ત્યાં ઉપર પેલી બારી દેખાય છે ને, બસ ત્યાં બેસીને હું મારાં મા-બાપની આવવાની રાહ જોતી.” “ઓહ... મકાન તો હવે સાવ ખખડી ગયું છે. મારી જેમ જ સ્તો!” આગળ જતાં ગલીકૂચીમાંથી માંડ ટૅક્સી જઈ શકે એવા સ્સ્તેથી પડું પડું થતી એક જૂની ઈમારત આગળ તેઓ એકીટસે જોઈ રહ્યાં ને પછી બોલ્યાં, “હું રોજ અહીં મારા પિતા સાથે ટેનિસ રમવા આવતી. જો દૂર પેલો બંગલો દેખાય છે ને ત્યાં મારાં લગ્ન પછી થોડાં વર્ષ અમે રહ્યાં હતાં. અમારા એ બંગલાની પાછળ જ અમારું ટ્રેનિંગ સેન્ટર હતું, પેલી ટેકરી દેખાય છે ને ત્યાં! અરે એ ટેકરી પર કેટલી ઊંચી બિલ્ડિંગ?” એમનો ચહેરો ઉદાસ થઈ ગયો. અમરે જોયું, એમની આંખો ભરાઈ આવી હતી. અમરે ગાડી ઊભી રાખી, ત્યાંથી પસાર થતી વખતે માલતીબહેન, બધી ઇમારતોને હાથ હલાવી આવજો કહેતાં હતાં. થોડાક સમય માટે એમણે અતીતને ઉલેચીને વહેતો મૂક્યો! ને પછી સ્મૃતિમુક્ત થયાં હોય એમ પ્રસન્ન વદને બોલ્યાં, “ચાલ ભાઈ, લઈ જા મને હવે ‘સુખધામ!’ ” તેઓ અમરને સંભળાય એવા મૃદુ સાદે બોલ્યાં, “અંતકાળ ક્યારે અને કેવી રીતે આવશે, એનો તો શો ભરોસો? આકાશમાં વિહરતા પંખી દશ દિશામાં ઊડી જાય તેમ દેહવૃક્ષ પર મજા કરનારા પંચપ્રાણ દેહનું વળગણ છોડી મુક્ત થશે, કોઈ પણ ક્ષણે વાસનો હિસાબ તો પૂરો થઈ જશે! આમેય મૃત્યુ તો અકળ છે! ક્યારેક કોમળ અને ઋજુ સ્વરૂપે આવે, તો ક્યારેક જીવને આકુળવ્યાકુળ કરીને પ્રતીક્ષા કરાવે! હવે કોઈ પણ જાતની અપેક્ષા વિના હું આ દેહમાંથી મુક્ત થવા ઇચ્છું છું. હવે માત્ર મોક્ષારોહણ! જીવનને શ્રદ્ધાંજલી આપી, મોક્ષા શિખર પર નથી અનંતમાં વિલીન થવાનું!” અમર એમની વાતો સાંભળીને ક્ષણભર માટે ક્ષુબ્ધ થયો. અમરની ગાડી ‘સુખધામ’ આવી. ગાડીમાંથી ઊતરીને માલતીબહેને પર્સમાંથી રૂપિયાની થોડી નોટો કાઢીને અમરને આપવા માંડી, અમર એમને પગે લાગ્યો ને બોલ્યો, “આજે હું તમારી પાસેથી ઘણું પામ્યો છું. તમને મળીને, તમારી વાતો સાંભળીને હું ધન્ય થયો છું! ને આમેય હું અહીં નોકરી કરું છું, મારાથી આ ન લેવાય.” એટલામાં તો એક બહેન આવીને એમને વ્હીલચૅરમાં બેસાડી અંદર લઈ ગયાં, ‘સુખધામ’નો એ વિશાળ દરવાજો ધીરે ધીરે બંધ થયો. એને થયું એ બંધ દરવાજા પાછળ ગણ્યાગાંઠ્યા વાસોની આવનજાવન! અમરે વિચાર્યું, માલતીબહેને અત્યાર સુધી પર્વતનાં ઘણાં શિખરો સર કર્યાં હશે પણ આ મૃત્યુ તરફ ગતિ કરતું, અંતિમ પણ સર્વોચ્ચ શિખર હશે! સર્વસ્વનો ત્યાગ કરીને. સ્વમાંથી પણ મુક્ત થવા માટેનો એમનો એ પ્રયાસ કેટલો અદ્ભુત છે! અમરને થયું માલતીબહેન, હવે પર્વતારોહીને બદલે મોક્ષારોહી બનશે! અમર મનોમન બોલ્યો, ‘એ મોક્ષગામિનીની અનંતમાં વિલીન થવાની યાત્રા સુભગ રહો’, અમર ગાડીમાં બેઠો. મેઘધનુષી રંગો ઉછાળતો સૂર્ય ઢળવાની તૈયારીમાં હતો. એણે ગાડી ઘર તરફ પુરપાટ દોડાવી.

સડબરી, બોસ્ટન, ૧-૭૮૧-૪૬૨-૮૧૭૩ ‘અખંડ આનંદ’માંથી

છબિલકાકાનો બીજો પગ
રાવજી પટેલ



(જન્મ : ૧૫ નવેમ્બર ૧૯૩૯,
મૃત્યુ : ઓગસ્ટા ૧૦,૧૯૬૮)

ખી ખી કરતો બાબુડિયો દાદર પરથી નીચે ઊતરી પડ્યો. વાસણ માંજતાં માંજતાં એણે ‘મેરી જાં-મેરી જાં’ની સિસોટી મારી. પાણી છાંટીને થાળી પરનું નામ વાંચ્યું: છબિલદાસ જુગલદાસ ત્રિવેદી. ગામ-અમદાવાદ. હડફડ હડફડ હાથ ફેરવી-ધોઈને એ ચપ ચપ કરતો દાદરો ચડી ગયો. છબિલદાસ પાન બનાવતા હતા. એક પગ ભોંય પર લટકાવી હળવેકથી હીંચકાને ઠેલો આપતા હતા અને સોપારી કાપતાં બોલવા લાગ્યા.: ‘અલ્યા તારે પાન ખાવું છે?’ બાબુડિયો વાસણ ગોઠવતો અવાજ ન થાય એવું હસી લે છે. પૂરું હસી ન શક્યો એટલે નાકનું લફરું સફળક કરતું અડધે આવીને અટક્યું; એને નળ આગળ જેવું હસતાં ફાવતું હતું એવું રસોડામાં ન ફાવ્યું; એટલે વાંકો વળીને ચડ્ડીની કિનારથી નાક લૂછીને હાશ કર્યું. અને બગીચાનું ફૂલ સૂંઘતો હોય એમ ઓરડામાં પ્રસરેલી અગરબત્તીને સૂંઘી. અવાજ ન થાય એ રીતે વાસણ મૂકવાનો આ ઘરમાં ‘ધારો’ હતો એટલે મંછુ ભાભીના છોકરાને ઘોડિયામાં સુવાડતો હોય એમ બાબુડિયો થાળી-વાટકો-તપેલી ગોઠવતો હતો. અચાનક ઠાકોરજીની મૂર્તિ જેવો ‘પવિત્ર’ પગ રસોડાના બારણા વચ્ચે આવ્યો, બાજુમાં ઘોડીનો ઠોયોઃ બાબુના નામ જેવો-કઠણ. ‘મેં કહ્યું તારે -’ બારણા બહાર બોલાયેલા એ અર્ધ વાક્ય પછી ‘ઓહ ઠાકોરજીની પૂજા કરે છે? મેં કીધું...’ વાક્ય જોડાયું અને ઠપક ઠપક કરતા હીંચકા તરફ જતા રહ્યા. બાબુડિયો ફસાક દઈને હસી પડ્યો. પછી અપરાધભાવ જાગ્રત થયો અને ‘જય ઠાકુર જય ઠાકુર’ બબડ્યો અને કળશ મૂકવા જતાં જતાં પાણિયારા આગળ તે ઊભો રહ્યો. જીબાકાકીના હોઠ ફફળ ફફળ થતા હતા. બાબુડિયાને આવાસન મળી ગયું હોય એમ હરખ્યો. એમ કે પોતે ચોખા વેરાઈ જાય એવું ખુલ્લું હસ્યો છે એવું બેમાંથી એકે જાણી નથી ગયું, નહીં તો ગયા બુધવાર જેવું થાય - ‘તારું નખ્ખોદ જાય મુઆ બાબુડિયા, અમે ખાવા બેઠા હોય ત્યાં શું જોઈ રહ્યો છે?’ ‘હવે છોકરું છે! મારા ભૈ, એમાં કરાંઝે શું? જા લ્યા, ફરી વાર ડોકાચિયું ન કરતો.’ અને અગરબત્તીના ધુમાડામાં એનું મોં ખીલ્યું. ‘જી રે મેં તો મુંબઈનો દરિયો દીઠો!’ એવું કશુંક ગાવાનું મન થયું. પછી હિંમત કરીને એ છબિલદાસ પાસે ગયો. જીબાકાકી ઠાકોરજીને માથું નમાવે એમ એણે પ્રણામ ઝાપટ્યાં. ‘મિલન’માં સુનિલ દત્ત બારણાં વચ્ચે બેસે છે એમ હીંચકા સામે તે બેઠો. ઘડી પહેલાં ચડ્ડીની કિનાર લફરાવાળી થઈ હતી; એ યાદ આવતાં એના પર જમણો હાથ મૂકી દીધો. મોં પર સગુંવહાલું મરી ગયું હોય એવી ઉદાસીનતા લાવ્યો. હસવું આવી જાય એવો ક્ષુદ્ર અવિવેક ન થઈ જાય એટલે બેઉ હોઠ બીડી લીધા. ક્લાસમાં સતીશ માસ્તર આગળ ઊભો રહે ને જેવું મોં કરે એમ કર્યું. ‘શું છે ‘લ્યા તારે?’ છબિલદાસે અંદર અવાજ જાય એવું પૂછ્યું. ‘કંઈ નહીં કાકા, એ તો મારી માને પગે વાગ્યું છે એ કહેવા બેઠો છું.’ તારી માને પગે વાગ્યું છે? ક્યારે? વધારે તો નથી વાગ્યું ને? લોઢુંબોઢું તો નથી વાગ્યું ને? જીબાકાકી બારણા આગળ આવ્યાં એ જોઈને બાબુડિયો મનમાં રાજી થયો. એણે મોં ઢીલુંઢસ કરી નાખ્યું. ઊહુહુ કરીને મોં નીચું કરી નાખ્યું. આંખ ખૂબ ચોળી. ‘હવે ગાંડિયા, એમાં આટલું શું કામ રડતો હઈશ? જા, બાથરૂમમાં હડી કાઢ, મોં ધોઈ નાખ. તારે સોપારી ખાવી છે?’ બાબુડિયો દશશેરી હલાવીને ઊભો થઈ ગયો. છબિલદાસના કહ્યા મુજબ બાથરૂમમાં પેઠો. અંદરથી સાંકળ વાસી. તાકામાં સનલાઈટ પડ્યો હતો તે ચડ્ડીના ખિસ્સામાં મૂક્યો. મોં ધોઈને બહાર નીકળ્યો. એને સેકેલી સોપારી - છબિલદાસના હાથે કાતરેલી - ખાવા મળી. જીબાકાકીનો સ્નેહ પણ કાકા જેવો બની ગયો. પરમદાડે બપોરે સુખડી શેકી હતી તેનાં બે ચકદાં મળ્યાં. એ દિવસે સોડમથી તે કેટલો ચકરઈ ગયેલો! આંબાવાડી, નવરંગપુરા, આશ્રમરોડ અને વાડીલાલ થઈને વિવેકાનંદ પાછો આવેલો. એની મા શોધાશોધ કરતી હતી. છોકરો રખડતો થઈ જાય તો? નિશાળમાંથી પણ કેટકેટલી ફરિયાદો આવે છે? શારદામંદિરનાં છાપરાં બાજુથી એક છોકરી ચોથા ધોરણમાં આવે છે એને ધીબી નાખી’તી. અઢી રૂપિયા ચોરી ગયો હતો. વગેરે વગેરે... ‘હવે તારી માને પગે કેવું છે?’ છબિલદાસના આ પ્રશ્નથી જીબાકાકીને ચીડ થઈ. કેમ કંઈ અઠવાડિયાનું વાગ્યાને થયું છે તે પૂછો છો? આજ વાગ્યું ને આજ પૂછો છો? આ તે કેવા છે?’ બાબુડિયો તોય મોં બગાડતો નથી. હસવાનું તો પછી છે જ, થોડુંક દાબી રાખવામાં જ ફાયદો સમજવો. છબિલદાસે એને નવો કક્કો ભણાવ્યો છે. બારણાની સ્ટૉપર ઊંચીનીચી કરવાથી દુઃખી માણસ દેખાવાય એવું ‘દિલ એક મંદિર’માં કે ‘દો બદન’માં જોયેલું. એણે માથું ઢળેલું રાખ્યું ને દોઢ રૂપિયો મળ્યોઃ પૂર્વપ્લાન મુજબ; બાર આના આમ અને બાર આના તેમ... ‘લે પાટો બંધાવીને મને ખબર કહી જજે. અને બીજા જોઈએ તો લઈ જજે.’ પછી ઊભો રહે એનું નામ બાબુડિયો નહીં. બસ-સ્ટેન્ડની બાજુમાં મોટું ખેતર છે. એમાં છાપરાં છે. લાકડીઓના ટેકાથી ગોદડીઓ ઢાંકીને પણ કેટલાકે ઘર બનાવ્યાં છે. દોઢ રૂપિયામાંથી અધેલો તોડ્યો. એક કલકત્તી પાન, નંબર ત્રીસ સાદી અને બે ચૉકલેટ. થાંભલાને ટેકે ઊભો. કાથીના છેડાથી સાદી સળગાવી. ચડ્ડીના ભાગમાં વલૂર્યું. પછી છાપરામાં છે કે નહીં એની ખાતરી કરી લીધી. કાળિયા કૂતરાની જેમ તરાપો મારતો બસ-સ્ટેન્ડ પાસેની આંબલી નીચે આવ્યો. છાપરામાંથી બેચાર છોકરાંઓ ભેગાં કર્યાં. આંબલી નીચે ગબી હતી, એમાંથી ધૂળ સાફ કરી દાવના વારા નક્કી કર્યા અને ‘મુજકો નીંદ નહીં આતી’ ગાતો ગાતો બાબુડિયો પગની પાની પર ભાર દઈ અંગૂઠાથી અર્ધું વર્તુલ દોરીને ઊભો. પિચકારી મારી, ત્રાસી આંખથી તપાસ કરી અને દાવ લીધો. છ-સાત દાવ પછી રેવી આવી. બાબુડિયો છબિલકાકાની જેમ આંખમાં હસ્યો. વિચાર કર્યો - સાતેય છોકરાને અલોપ કરી દીધા હોય તો! અને હીંચકા પર બેઠો હોય એમ મુઠ્ઠીમાંના સાતેય પૈસા અને પોતાનો પંજો (પાંચ પૈસા) ખખડાવતો વાંકો વળ્યો. પગથી ઠેલો મારતો હોય એમ ફરીથી પાછો વંકાયો અને ‘જે ઠાકોર’ કરીને ગબીને લક્ષમાં લીધી. ‘તારે રમવું છે?’ ‘પણ પૈસા ક્યાં છે?’ ‘લે હું આલું.’ અને પિચકારી મારીને પાન ખાવાનો ચસકો લગાડ્યો. એકેએક બધાયના પૈસા જીતીને સૌને કાઢી મૂક્યા. પછી ચડ્ડીના ગજવામાંથી સનલાઈટ કાઢ્યો. રેવી એ જોઈને ‘એ શું લાવ્યો? લાય તો’ કરતી ઝૂંટવવા જાય અને બાબુડિયો જાણી-જોઈને રેલવેના પાટા બાજુ દોડે. પાછળ રેવી, આગળ છબિલકાકાનો બીજો પગ... જીબાકાકી રોજ સાંજકનાં આશ્રમમાં જાય છે. પાછલી ઉમ્મરમાં દેવકથા જ કામ લાગે. દીકરો હોય તો લઢવા માંડે, દીકરી હોય તો સાલ્લો સાલ્લી માગે અને ભાણેજાં-છોકરાં ખોળો બગાડે પણ દેવકથા અવતાર ‘પવિત્ર’ કરે. બાબુડિયાની મા આગળ આવું આવું વેતરાય ત્યારે છબિલદાસ સાથે બાબુડિયો બાજી રમતો હોય. બાજીમાં કૂકી વિશે જ કાકા વાતો કરે... પહેલી વખત સાહિત્યકાર જેવી ભાષામાં છબિલકાકાએ કહ્યું હતું: ‘કૂકી ગંદી છે.’ અને એને ત્રીજે જ દિવસે જીબાકાકીએ ધજાગરો માંડ્યો. ધોકેણું પછાડ્યું. બાબુડિયાના નામ પર થૂંક્યાં. બંગલામાં જેટલા જેટલાએ કામ બાંધ્યું છે એ સણીજાનું’ તે સૌને સંભળાવ્યું. એ મૂઓ ચોન્ટો છે. મારો એકનો એક સાબુ લઈ ગયો. જોકે તે ચાર-પાંચ વખત વાપરેલો હતો. પણ એથી શું થઈ ગયું? એનું નખ્ખોદ જાય, મેં તો એને ઉપરથી સુખડી આપી! એના કરતાં પેલી રેવા નહીં સારી? બચારી બધું જ કામ પૂછ્યા વગર કરી નાખે. નામ પણ કેવું - રેવા. નર્મદા માતાનું બીજું નામ રેવા છે હોં કે ! કામવાળી હોય તો એવી હોવી જોઈએ. બરાબર એ જ વખતે હીંચકા પર બેઠેલા છબિલદાદા, મૂછમાં સોપારી ચાવતા હોય એવું મલક્યા. ખસરક ફીલ હી હી હી... અને પંદર વર્ષના છોકરડાની જેમ રઘવાયા થઈને પગનો ઠેલો માર્યો! ચુંચડ વુંચડ ધસ - ચુંચડ વુંચડ ધસ હીંચકો એ છબિલદાદાનું જોશીલું મન ભેળાં થઈને બાબુડિયો બની ગયો હોય એમઃ ‘અખિયાં હરિદરસન કી પ્યાસી’ રાગડો તાણ્યો. કૂતરું કાન પટપટાવે એમ માથું ધુણાવી, મનોમન ગાયન બેસાડ્યું: એ નહીં આ - ‘મુજકો નીંદ નહીં આતી...’ પણ ધીરે ધીરે બાજુની ભીંતની પેલી પાર કૉલેજિયનો રહેવા આવ્યા છે. બાબુડિયો કહેતો હતો સાલો કે તને ગાવ છો ત્યારે કૉલેજિયનો ઈંગ્લિશ ડાન્સ કરે છે. ખાસ કરીને ફિટ પેન્ટ પહેરે છે તે. એનું નામ પણ બાબુ જ છે. છબિલદાસ પાછા રિવર્સમાં વિચાર કરવા માંડ્યા. ‘જો એનું નામ બાબુ જ હોય તો પછી શો વાંધો?’ અને એમણે ઘોડી સમ્હાલી. હીંચકાના લયને ઘોડીમાં જોડ્યો. બાબુડિયાના નામની બૂમ પાડી. ઘરમાં જીબાકાકી ન હોય ત્યારે તે બરાબર આવી જ ટેક્નિકલ બૂમ પાડે છે. નીચેથીઃ એ આવી! અવાજ આવ્યો અને એ જ વખતે બાજુનું બારણું પણ ઊઘડ્યું. ફિટ પેન્ટ પહેરેલો છોકરો બાબુડિયાથી ખાસ્સો મોટો, રંગ બાબુડિયાને ‘જીરીક’ અમથો મળતો; સહેજ અપમાન થયું હોય એવો ચહેરો કરીને હસ્યો. મોટી ઉમ્મર જોઈને જ કદાય એને હસવું આવ્યું હતું. ‘તમને નહીં ભલા’દમી, એ તો તમારી કાકીને બોલાવતો હતો. નવા રહેવા આવ્યા છો એટલે તમારું નામ તો પૂછવાનો જ હતો, શું નામ તમારું?’ ‘બાબુ.’ ‘જે ઠાકુર’ અને તેમણે મૂછથી સોપારી કાતરી (હસ્યા) અને ઉમેર્યું, ‘એવું? તમારું નામ પણ બાબુ? મારે બ અને ર ઉપર સારો પ્રેમ; લેણદેણ પણ સારી. મારા કામવાળાનું નામ પણ બાબુ છે અને હમણાં નવી રાખી એ છોકરીનું નામ પણ ર ઉપર જ છે. તમારી સાથે છે એ ભાઈનું નામ’ ‘ણપતિશંકર’ એણે અંદર જોઈને નામ કહ્યું. ‘એનું નામ ણ પર છે. મારે ણ સાથે સારી લેણદેણ છે.’ નવો બાબુ પાછો અંદર પેસી ગયો. છબિલદાસને બાબુ ગમી ગયો. છોકરો ગમ્મતિયાળ છે. પણ બાબુની સાથે એને મૂકી ન શકાય. એવી ભૂલ કરવાનું સાહસ કરવાનું સ્વપ્ન પણ આવે તો સારું; નહીં તો આ નવો બાબુડિયો પોતાને ણ નામ ચોપડી દેશે અને સોસાયટીમાં ચવાણાના પડીકા જેવી પોતાની અવ્વલ આબરુને વેરણછેરણ કરી મેલશે. છબિલદાસ સાથે નવો બાબુ વાતચીત કરતો હતો; એ સંવાદ દાદરા પર ચડતાં ચડતાં બાબુડિયો સાંભળી ગયો હતો. એ સમજી ન શક્યો. ભાષા સાલી પોતાના સિવાય બીજો બોલે છે ત્યારે બાયડીની જેમ બદલાઈ જાય છે. અને તેને ખ્યાલ આવ્યો કે પોતે અને પેલો નવો આમ તો બેઉ બાબુડિયા જ છે, પણ જોવા જાવ તો આભ-જમીનનો ફેર છે. પેલો બાબુડિયો છબિલદાસની મશ્કરી કરતો હોય એમ પહેલી વાર મળ્યો તોય ઠસ્સેદાર બોલ્યો ને પોતે સુખડીનાં ચગદાં સારું... એને પહેલી વાર છબિલદાસનું નાક ખવાઈ ગયેલી ખારેક જેવું લાગ્યું. માલ વગરના માણસ પોતાને બાબુડિયો કહી જાય? એ તો ઠીક પણ એ નામથી પાછો એની ફોફરેલા ગાલવાળી બૈરીને બોલાવે! એણે વાસણની કથરોટ જરાક રોષ સાથે પછાડી. જીબાકાકી ‘જે ઠાકોર’ કરતાં ઓરડામાં પેઠાં. ૧૯૩૯ની સાલમાં પહેલો છોકરો પેટે હતો ત્યારે એમની સખીએ ભેટ આપેલું ‘એલારામ’ આશ્રમ જવાનો કાંટો બતાડવા મંડ્યું એટલે ડોશીના પગમાં ભજનની કડીઓ વીંટાતી હોય એમ - (સારું થયું નરસી મેતાની જેમ એકેય ચેલકું જીવ ખાનારું રહ્યું નથી.) થયું. ‘મૂઆ ખસ આઘો ચોન્ટ, તારા કરતાં રેવા સારી.’ એટલું કહીને બારી આગળ જઈને નળ આગળ ઠાકોરજીનાં વાસણ ઘસતી રેવીને વહાલપથી કહ્યું: ‘રેવા ઓ, પછી એ વાસણ તું ઠાકોરજીના તાકામાં ગોઠવી દેજે હોં કે! આ નખોડિયાને ન આપતી.’ અત્યાર સુધી બેખબર રહેલા છબિલદાસને ગોળની ગાંગડી મળી હોય એમ ખિલ ખિલ થયા, ઘોડીને પકડું પકડું થયું અને પગનો ઠેલો, બાબુડિયાનો બરડો અને ખાલી દાદરનો અવકાશ બધું ભેંગું કરીને કરીને બોલ્યાં: ‘તે તું આશ્રમે આજે વહેલી જાય છે. એમ ને?’ અને એ વાક્યનો ‘મરમ’ સારી પેઠનો સમજી ચૂકેલો બાબુડિયો આજે હસવાને બદલે હોઠ દાબવા મંડ્યો, વાસણને પોતાના શરીરમાંથી કાઢીને પછાડતો હોય એમ પછાડવા મંડ્યો. રસોડાવાળી બારીમાં રહીને એણે નીચે - નળ આગળ ઠાકોરજીનાં વાસણો ઘસતી રેવીને જોઈ, પહેલી વખત છબિલદાસથી જરાક જુદો પડે એવો તરુણ ખૂંખારો ખાધો. રેવીએ ઉપર જોયું, નળ આગળ રમતા છોકરાને રેવીએ કહ્યું: ‘પાણી તો છે નહીં અલ્યા, શું કરવા અમસ્તો...’ અને બીજે ખૂંખારે ગરદન પર ઝાટકો મરતો હોય એમ વાસણ નીચે ફેંક્યું. અને છબિલદાસની વહુ ઝાંપા બહાર નીકળી ત્યારે વાસણ લેવા નીચે ઊતરેલા બાબુડિયે રેવીને સુનાવી લીધું હતું. અલબત્ત, સાચી વાત કરી નાખી હતી કે - પવિત્ર વાસણ મૂકી આવ પછી આપણે રેલવેના પાટા તરફ આંબલીના મરવા તોડવા જઈએ વગેરે વગેરે... રોજની જેમ જૂનો બાબુડિયો વાસણ ઘસીને એકલો બહાર જતો ન રહ્યો પણ એની સાથે રેવી પણ ઝાંપા બહાર નીકળી ગઈ હતી, બીજા ભાગમાં રહેતો નવો બાબુડિયો એને જોઈને ડઘાઈ ગયો હતો; એ છબિલદાસના હાલહવાલ જોવા બહાર આવ્યો ત્યારે દાદર આગળ આવીને ‘બચારો જીવ’ વિખૂટા પડેલા પુરાતન પગને જતો જોઈ રહ્યો હતો... નવો બાબુ હસીને કાકાનું નામ પૂછવાનો વિચાર કરતો હતો. ‘રાવજી પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ’માંથી

Sanchayan 9 - 15 - RAVJI-PATEL-NI-SHRESHTH-VARTAO.jpg

॥ નિબંધ ॥

નીરન્ધ્ર પ્રસન્નતા
સુરેશ જોષી


(જન્મ : ૩૦ મે ૧૯૨૧,
મૃત્યુ : ૬ સપ્ટેમ્બર ૧૯૮૬)

આશ્ચર્યનો અન્ત નથી. ખૂબ ખૂબ દુઃખી થવાને કારણ છે. મને ખૂબ ચિન્તા થવી જોઈએ એવો મામલો છે. એક હિતેચ્છુ મિત્રને તો મારે વિષે ભારે ચિન્તા થાય છે, પણ મનેય આશ્ચર્ય થાય છે કે આટલી નફ્ફટાઈ મારામાં ક્યાંથી આવી? હું નિશ્ચિન્ત છું એમ કહું તો નકારાત્મક વલણ થયું. હું પ્રસન્ન છું. ચિન્તાની છાયા ક્યાંયથીય પ્રવેશી ન શકે એવી નીરન્ધ્ર પ્રસન્નતા અનુભવું છું. ચૈત્રની બળતી બપોરે ને મ્લાન ચાંદનીવાળી રાતોમાંથી સ્રવતો આહ્વાદ માણીને પ્રાણ પ્રફુલ્લ છે. ને આ પ્રસન્નતા ને પ્રફુલ્લતા માટે ટ્રાન્સ ઍટલાન્ટિક ક્લિપરમાં ઉડ્ડયન કરવું પડ્યું નથી. હસ્તામલકવત્ આનન્દ પ્રાપ્ત થયો છે. બડભાગી છું. નાનકડા ઘરની પાછળના નાના-શા જમીનના ટુકડામાં પ્રસન્નતાનું વાવેતર કરું છું ને પ્રસન્નતા લણું છું. દસેક દિવસ પર ઉપેક્ષિત શુષ્કપ્રાય મુમૂર્ષુ ગુલાબ (જયદેવ સ્થલપદ્મ કોને કહે છે?)નો છોડ જોયો. એની આ દશા સહેવાઈ નહીં. એને લાવીને અમારા નાના-શા વનસ્પતિપરિવાર વચ્ચે મૂકી દીધો. તે દિવસથી ભારે કુતૂહલથી એને રોજ જોયા કરું છું. પહેલાં તો એ નવા વાતાવરણમાં સંકોચ પામીને સાવ અતડો અતડો રહેવા લાગ્યો. મને કિશોરાવસ્થાના દિવસો યાદ આવ્યા. પિતામહની વાત્સલ્યભરી છાયા નીચે વિવસ્ત બનીને અમે આપણી આજની કવિતા નગરસંસ્કૃતિની કવિતા છે, ને છતાં કવિઓ કદીક કદીક લોકબોલીની નજીક જવાની વાતો કરે છે ખરા! એ જાનપદી ભાષાનું ખમીર આ લોકસાહિત્યમાં જોવા મળે છે. ઉજળિયાતની સંસ્કૃતિના વધતા જતા આક્રમણને કારણે સીમાન્ત પ્રદેશમાં આશ્રય લઈને રહેલી આ પ્રજાનો કણ્ઠ હજુ રૂંધાયો નથી, ને તેથી જ તો વનરાજિના મર્મરનો લય હજુ આપણા કાન પારખે છે. એ સૂર કદી લુપ્ત ન થાઓ.

તડકો
સુરેશ જોષી

આ ઉનાળાની સવારનો તડકો, એનું પોત કેવું ઘટ્ટ હોય છે! એ જાણે વિધાતાની ઝોળીમાંથી અસાવધાનતાને કારણે પડી ગયેલો કોઈકના ભાવી સુખનો ખણ્ડ ન હોય! એને ચોરીછૂપીથી સંતાડી મૂકવાનું મન થાય છે. પણ વિધાતાની અસાવધાનતા કાંઈ ઝાઝી વાર ટકતી નથી, તરત જ કોઈ એને સંકેલીને પાછો લઈ જાય છે, ને મન એની પાછળ રઝળે છે. પછી તો મબલખ તડકો જ તડકો - લૂંટાય એટલો લૂંટો. મનના લોભને ક્યાં થોભ છે! આષાઢના અંધારા દિવસોમાં કામ આવે એટલા માટે આ ચૈત્રવૈશાખના તડકાનો સંચય કરી રાખવાનો લોભ જાગે છે, પણ મેદુરતાનીય અજબ માયા હોય છે! કેટલીક ઊર્મિઓને મેદુરતાને ખોળે જ રમાડી શકાય છે. વિરહને ઐવર્યની જેમ ભોગવવો હોય તો આષાઢની મેદુરતાની આબોહવા જોઈએ.

પ્લવંગમ લય
સુરેશ જોષી

સમુદ્રનાં ઊછળતાં મોજાં સાથે પવન પોતાનો પ્રાસ મેળવે છે. એના સ્રગ્ધરા છન્દની બધી યતિ ઊડી ગઈ છે. એના પ્લવંગમ લય સાથે આપણો લય જાળવવો અઘરો થઈ પડે છે. એ આપણાં બધાં પોલાણ શોધીને એમાં ભરાઈને સુસવાઈ ઊઠે છે ને આપણને બિવડાવી મારે છે. પવન બે વ્યક્તિ વચ્ચે આલાપસંવાદ ચાલવા દેતો નથી; એ બધી સન્ધિઓ છૂટી પાડી દે છે; એક્કેય સમાસ ટકી રહેતો નથી; ઉપસર્ગો ને પ્રત્યયો ક્યાં ને ક્યાં ઊડી જાય છે. આજુબાજુ અસ્પૃશ્યતાના કોટકિલ્લા રચીને આપણી જોડે ચાલતી કોઈ સંકોચશીલ ભીરુ કન્યાને પવન એના એ કોટકિલ્લા તોડીને સ્પર્શની સીમામાં ખેંચી લાવે છે. સાફસૂથરી ગોઠવી રાખેલી આપણી રોજિંદી વાસ્તવિક્તાને એ એની જાદુઈ ફૂંકથી પલક વારમાં ઉડાડી મૂકે છે. આપણી લાગણીના વિન્યાસને પણ એ અસ્તવ્યસ્ત કરી મૂકે છે. ઉપેક્ષાનું અવળું પડ સવળું બનીને પ્રતીક્ષારૂપે દેખા દે છે. ઘણી વાર જિન્દગીનાં કેટલાંય વર્ષોનો પુંજ આ પવન ભેગો ઊડી જાય છે, ને ત્યારે આપણે એટલા તો હળવા બની જઈએ છીએ કે આપણે આપણાપણાનેય બાઝી રહી શકતા નથી.

એકધારો વરસાદ
સુરેશ જોષી

રાતે એકધારો વરસાદ ટપકે છે – પૃથ્વી ટચૂકડી બાળા હતી ત્યારે ભગવાન એને વાતો કહેતા હશે તેની ધારા જેવો. હમણાં જ પ્રગટેલી આ કૂંપળ – હજુ તો એણે પોતાનું અંગ સુદ્ધાં પૂરું ઉકેલ્યું નથી – એના પરથી હાથ પસારીને એક પછી એક બિન્દુ સરી જાય છે, એ સાંભળીને ટચૂકડી કૂંપળ ડોકું હલાવીને હોંકારો પૂરે છે તે હું બેઠો બેઠો સાંભળ્યા કરું છું. એ વખતે મારા મનમાં સહેજ સરખી અદેખાઈ નથી હોતી એમ કહેવાની અપ્રામાણિક્તા હું નહીં વહોરી લઉં. તાર પરથી સીધી લીટીએ ટીપાં સરે છે.– જાણે હવા મણકા સેરવીને આંક શીખવા બેઠી છે. પણે આમલીઓ આખા ઉનાળાની ધૂળ ખાઈને મેલી થયેલી પોતાની ઘટા ધોવા બેઠી છે. વડ જટામાં ગંગા ઝીલતા હોય એવી અદાથી શિવના પાઠમાં ઊભા છે. પગ નીચે તૃણનાં બીજની પાંખોનો ફફડાટ સંભળાય છે.

તાવની આંચ
સુરેશ જોષી

તાવની આંચથી દૃષ્ટિને એક પ્રકારની દાહક તીક્ષ્ણતા પ્રાપ્ત થાય છે. આનો એક લાભ છે. બીજાઓ જ્યારે નિદ્રાધૂસર દૃષ્ટિથી માંડ માંડ સૃષ્ટિને નવેસરથી ઓળખવા મથતા હોય છે, ત્યારે અનિદ્રાને કારણે પ્રાપ્ત થયેલી અકલુષિત તીક્ષ્ણતાથી એકે એક પદાર્થને સ્પષ્ટ કોતરીને એનું રૂ૫ હું આસાનીથી જોઈ શકું છું. પદાર્થોનાં રૂપે કોતરવાની પ્રવૃત્તિ દરરોજ સવારે એકસરખા ઉત્સાહથી કરવી ગમે છે. આ સૃષ્ટિની નવી નવી ‘લિનોકટ’ છબિ તૈયાર થતી જ રહે છે. આથી પદાર્થનું ને વ્યક્તિનું એક શુદ્ધ રૂપ જોવા મળે છે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને આપણે જોતા હોઈએ છીએ ત્યારે એની આજુબાજુનો પરિવેશ, અન્ય વસ્તુઓ ને વ્યક્તિઓ, અવકાશ અને સમય સુધ્ધાં એની સાથે અગોચરરૂપે ભળી જઈને મૂળ રૂપને આવૃત કરી દે છે, આ આવરણમાં થઈને જ પદાર્થો જોવાને આંખ ટેવાઈ જાય છે. પણ કોઈક વાર આ આવરણ આપણને અકળાવી મૂકે છે. સૃષ્ટિનું અનાવૃત રૂ૫ જોવાને આંખ અધીરી બને છે. એ જ્યારે શક્ય બને છે ત્યારે જાણે ફરીથી એક નવા જ વિવમાં આપણો જન્મ થતો હોય એવું લાગે છે.

પડછાયો
સુરેશ જોષી

ઉંબર પર કોઈકનો પડછાયો દેખાય છે. એ તરફ કોઈનું ધ્યાન નથી. એ બીજાને દૃષ્ટિગોચર નહીં હોય! પણ હું એ પડછાયા પરથી દૃષ્ટિ ખસેડી શકતો નથી. વાતચીતમાં મારું ધ્યાન નથી, વાક્યો તૂટે છે. એ પડછાયાની સંકોચશીલ ભીરુતા મને અસ્વસ્થ કરી મૂકે છે. હું એની સાથેનો પરિચય તાજો કરવા મથું છું ને યાદ આવે છે: દીવાની ઝાળથી કાળી બની ગયેલી ચીમની, ઊંઘના ભારથી લચી પડેલી પાંપણો ને સ્થિર થવા આવેલાં નિદ્રાનાં જળને ડહોળી મૂક્તાં અકારણ હીબકાં, છાતીએ ભરાઈ આવેલો ડૂમો. બાલ્યવયનું એ નવજાત દુ:ખ આ બધાં વર્ષો દરમિયાન મારાથી અગોચરે ઊછરતું રહ્યું છે. આજે હવે એ એક જ ખોળિયામાં ભેગું રહેવા આવ્યું છે. હવે એકાન્ત શક્ય નથી. એનો સહવાસ છૂટે એમ નથી. હાસ્યને અન્તે એનો ઉચ્છ્ વાસ સંભળાય છે. દૃષ્ટિની આડે એ ઝાંયની જેમ છવાઈ જાય છે. રાતભર સો સો છિદ્રોમાંથી ઉઘાડા પડી જતા એના વ્રણને ઢાંકવા એ અંધકારનાં થીંગડાં માર્યાં કરે છે. એની સોયના ટાંકાનો અવાજ મને જંપવા દેતો નથી. સવારે મારાં સૂજેલાં પોપચાંને ખોલીને એ સૂર્યની આડે ઊભું રહી જાય છે. પ્રત્યેક પળે એના અન્તરાયને વીંધીને સૃષ્ટિને જોવાનો શ્રમ આંખને ભીની કરી દે છે.

સુરેશ જોષીની નિબંધસૃષ્ટિ- ૧

Sanchayan 9 - 17 - Suresh-Joshini-Nibandhsrushti.jpg


॥ વિવેચન ॥

શબ્દની શક્તિ
ઉમાશંકર જોશી


(જન્મ : ૨૧ જુલાઈ ૧૯૧૧,
મૃત્યુ : ૧૯ ડિસેમ્બર ૧૯૮૮)

કાવ્યસર્જનમાં શબ્દોના અવાજ અને અર્થ એ બે તત્ત્વોનું દ્વૈત નથી, પણ એક ઉપર વધુ પડતો ભાર મૂકવાને કારણે દ્વૈતનો સ્વીકાર થતાં વિવાદનાં બે તડાં પડે છે. એનો ઈશારો કરવા ઉપરની અછડતી ચર્ચા કરી. કવિ માલાર્મેને ચિત્રકાર મિત્રે લખ્યું કે એની પાસે વિચારપુદ્ગલો (આઈડિયાઝ) છે છતાં કવિતા બરોબર થતી નથી ત્યારે કવિએ લખ્યું કે કવિતાનું નિર્માણ શબ્દો વડે થાય છે, “આઈડિયાઝ’ વડે નહીં. તેથી ઊલટો પક્ષ શબ્દના કેવળ અર્થતત્ત્વને આધારે નીપજતા સંદર્ભરૂપે કાવ્યને જોવા કરે છે, જે તો વધુ અંતિમવાદી છે-એમ કહી કવિ મૅકલીશ માલાર્મેની વાત અંગે પણ જરીક ટકોર કરી લે છે કે શું કાવ્યાર્થ એ અવાજોની સંરચના માત્રનું પરિણામ છે? કાવ્ય, નાનું કે મોટું, એક આકારરૂપે-એક અખંડ પુદ્ગલ રૂપે અનુભવાય છે, જેમાં શબ્દના અવાજ અને અર્થ અંગેના તમામ શક્ય ઉન્મેષો પોતાનો ઉત્તમ ફાળો આપી છૂટ્યા હોય છે. એથી કાવ્યની એકતા (યુનીટી)ને ઘણું મહત્ત્વ અપાયું છે. ઉપનિષદનો શબ્દ ‘એકીભવન’ તમામ ઉન્મેષોના સંપૃક્ત થવા અંગે યોજી શકાય. સાહિત્યાચાર્યોએ વાપરેલો શબ્દ ‘એકવાક્યતા’ કદાચ ઉત્તમ છે. છૂટો શબ્દ વાક્વ્યવહાર અંગેનો એકમ નથી, અમુક નિયમોથી પરસ્પર વળગેલા શબ્દોનું વાક્યરૂપી ઘટક એ એવું એકમ છે. કળા, કાવ્યકૃતિનાં તમામ વાક્યો કોઈ સૌંદર્યવિષયક નિયમોથી પરસ્પર વળગેલાં હોય અને આખું એક એકમરૂપે અનુભવાય એમ માગે છે. કહોકે કૃતિના પહેલાથી છેલ્લા વાક્ય સુધીના સમગ્ર શબ્દસાજમાં એકવાક્યતાની અપેક્ષા રાખે છે. સામાન્ય વ્યવહારની બોલચાલમાં અને ગદ્યલખાણમાં સમજદાર ભાષાયોજકો એકવાક્યતા તાકવાના, પણ ક્લાપ્રવૃત્તિમાં એકવાક્યતા એ અનિવાર્યપણે હોવી જોઈએ. આથી, કાવ્યકલામાં શબ્દનો ઉપયોગ એ ભાષાયોજકના મનની / ચેતનાની એકાગ્રતાની /સમાધિની સાક્ષી પૂરતો હોઈ ઉત્તમ ઉપયોગ ગણાવાને પાત્ર ઠરે છે. એ એક વિરોધાભાસ (પૅરેડૉક્સ) ગણાય કે મનુષ્યે જે શબ્દને નિશ્ચિત સંકેતરૂપે વ્યવહારો નિપટાવવા માટે યોજ્યો હતો તેના અર્થને કવિઓએ સંકેતની નિશ્ચિતતાને આછીપાંખી કરી થોડોક ભૂંસ્યો, ધૂંધળો કર્યો, અને તેથી એ ઉત્તમ ઉપયોગ આપનારો નીવડ્યો. કાવ્યકૃતિમાં શબ્દ નર્યા કોશગત અર્થનો વાહક રહેતો નથી, થોડોઘણો ધૂંધળો બને જ છે, પણ કાવ્યના સમગ્ર સંદર્ભના બળે એ સંજીવની પણ પામે છે. ભાષા એ આખી પ્રજાની સરજત હોય છે. કોઈ ભાષા ઉત્તમ કવિતાનું વાહન બનવા માટે અપૂરતી હોતી નથી. અલબત્ત, જુદી જુદી ભાષાને પોત-પોતાની ખાસિયતો હોય છે, અને સરખામણીઓ કરવાથી અમુક ભાષામાં આ જાતની મર્યાદા છે, તો બીજીમાં આ લાભ છે, એમ દેખાય, તેમ છતાં દરેક ભાષા ગમે તેવી મોટી પ્રતિભાનું વાહન બનવા માટેનાં અભિવ્યક્તિનાં ઓજારોથી સંપન્ન હોય છે. એવા પ્રતિભાશાળી કવિને માટે ભાષા-સાજ હંમેશાં હાથવગો છે, એમ કહી શકાય.

આત્માની માતૃભાષા
ઉમાશંકર જોશી

મને મેળાઓ, ઉત્સવો પાસેથી ગીતલય મળ્યા. છંદો, પ્રવાહી બનાવાઈ ચૂકેલા, નવાવતારે મળ્યા. પણ દરેક સર્જકે પોતાની જરૂરિયાતો પ્રમાણે લય ખીલવવાના રહે છે. નવી ચેતના, નવો લય. જેમ પ્રચલિત ઢાળામાં પુરાઈ રહેવું એ આત્મઘાતક, તેમ પોતે ખીલવેલા કશાકનું પુનરાવર્તન કર્યા કરવું પણ આત્મઘાતક. સર્જક પોતાની તે તે સમયની અભિવ્યક્તિની જરૂરિયાતોને પહોંચી શકે એવા લયની ખોજ સતત કરવી રહે છે. ‘વિવશાંતિ’ સમયથી વૈદિક લઢણોનો પ્રવાહી ઉપજાતિ ખેડવા તરફ રુચિ વળી હતી. ‘નિશીથ’ અંગે એવું બન્યું કે મુંબઈથી પરાં તરફ રાતે પાછા વળતાં લોકલમાં મેઘાણીભાઈનો કાગળ ગજવામાં હતો તેની કોરી જગામાં પંક્તિઓ ટપકાવી. વૈદિક છંદોઘોષમાં વીજળીગાડીના યંત્રધબકાર પણ ભળ્યા. બોલ-ચાલની નજીક આવતું પદ્ય ખેડતાં, નાટ્યોર્મિકાવ્યો અને ક્યારેક ‘ત્રીજો અવાજ’ રજૂ કરતી રચનાઓ સુધી પહોંચવું શક્ય બન્યું. ૧૯૫૬માં કશુંક નવતર વ્યક્ત થવા મથતું હતું તેણે ગુજરાતી છંદોરચનાના ચારે પ્રકારોનો અને સાથે સાથે ગદ્યનો લાભ લઈને પોતાનો માર્ગ કર્યો. ‘છિન્નભિન્ન છું’ અને ‘શોધ’નું પ્રથમ પ્રકાશન, તેથી તો અવાજ દ્વારા (આકાશવાણી ઉપર કવિસંમેલનો પ્રસંગે) કરવાની મેં ખાસ તક લીધી હતી. ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો, શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો? સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિવવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્ય મંડળમાં, રવીન્દ્રનાથની વિવભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજમાં-એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં, તો ક્યારેક માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર, કોઈક પળે બે ડગલાં એ સંઘર્ષોના કેન્દ્ર તરફ પણ. એક બાજુ ઋણ વધતું જ જાય, બીજી બાજુ યકિંચિત્ ઋણ અદા કરવાની તક પણ ક્યારેક સાંપડે. શબ્દના ઋણનું શું? શબ્દને વીસર્યો છું? પ્રામાણિકપણે કહી શકું કે શબ્દનો વિચાર વેઠ્યો નથી. શબ્દનો સથવારો એ ખુશીનો સોદો છે, કહો કે સ્વયંભૂ છે. શબ્દને વીસરવો શક્ય નથી. વરસમાં એક જ કૃતિ (જેવી ‘અમે ઈડરિયા પથ્થરો’ છે) રચાઈ હશે ત્યારે પણ નહીં, બલકે ત્યારે તો નહીં જ. કવિતા એ આત્માની માતૃભાષા છે. એ વ્યક્ત થાય છે એ ઇચ્છે ત્યારે, આપણે ઇચ્છીએ ત્યારે નહીં. જગતના, ભલેને ગમે તેવા મહત્ત્વના, પ્રત્યક્ષ અનુભવો સાથે એનો કાર્યકારણસંબંધ જોડી દેવામાં જોખમ છે. મારા અંગત દાખલામાં રચના અંગે બે લાક્ષણિકતાઓ નોંધવા જેવી છે. અધ્યયન સંશોધન-સંપાદનનું, બૌદ્ધિક-વિદ્યાકીય, માનસિક પરસેવો પડાવે એવું, કાંઈ ને કાંઈ કામ સમાંતર ઘણુંખરું ચાલતું હોય. ‘આત્માનાં ખડેર’ ભારતીય બેન્કિગનાં સખત અભ્યાસપરિશ્રમ દરમ્યાન મુખ્યત્વે રચાયું. બીજું, સ્વાતંય, સામાજિક ન્યાય, માનવી ગૌરવ જેવાં મૂલ્યોની સ્થાપનાના કંઈ ને કંઈ સંઘર્ષમાં ઓછેવત્તે અંશે ગૂંથાયેલા હોવું એ જાણે કે કાવ્યરચનાની પૂર્વશરત નહીં તો પણ ભૂમિકા જેવું રહ્યું છે. આ બન્ને વસ્તુઓ સર્જન-કાર્યની વિરોધી જેવી લેખાતી હોય છે, મને એવી લાગી નથી– કહો કે મારે માટે એ બાબતમાં પસંદગીને અવકાશ જ નથી.

સમસંવેદન
ઉમાશંકર જોશી

સર્જકને સર્જન કરવા પ્રેરનાર એવી શી વસ્તુ હશે? એક ગાયકનો દાખલો લઈએ. એ બહુ સુન્દર ગાય છે. આપણે એની ગાયકી ઉપર બહુ જ ખુશ થઈ ગયા અને એને સારી દુનિયાની સાહ્યબી, માનો કે, આપણે આપી. એને માનપાન આપ્યાં, ગાડીઘોડે ફેરવ્યો ને એની ઉચ્ચ સમાજમાં ઉચ્ચોચ્ચ પદે સ્થાપના કરી, તો પણ એમાં એને-કલાકારને શું મળ્યું? એ તો ગાયે જ જાય છે, પહેલાંની જેમ જ સરળતાથી, સમુલ્લાસથી અને શિશુની સહજતાથી. આપણું માનપાન દ્રવ્ય કશું જ એના સુધી-એની અંદરના કલાકાર સુધી પહોંચતું નથી. આપણે મૂંઝાઈએ છીએ. આપણે કેમ એને કશું જ આપી શક્તા નથી ? છેવટે આપણને સમજાય છે કે આપણે એને માટે જો કાંઈ પણ કરી શકીએ એમ હોય તો તે એ જ છે કે એનું સંગીત સાંભળવું, અને તે પણ આપણું હૃદયતંત્ર, સમગ્ર સંવિત્ તંત્ર એના ઉદ્ગારને તત્કાલપૂરતું પણ અનુકૂળ રીતે ગોઠવીને સાંભળવું. આ સિવાય એ સંગીતી માટે- એ કલાકાર માટે આપણે ભાગ્યે જ કાંઈ કરી શકીએ. બીજું કાંઈ પણ આપણું આપ્યું એને કલાકારને તો નકામું જ છે. આમ વિચારતાં આપણે એક પ્રશ્નનો ઉત્તર કાંઈક મેળવી શકીશું. સર્જન પાછળ કલાકારનો જો કોઈ હેતુ હોય તો તે એ હોવા સંભવ છે કે એ સામા માણસમાં સમસંવેદન માગે છે. કલાકારની કોઈ એષણા હોય તો તે એટલી જ કે કોઈ મને સમજે, પોતાના મનની વાત એ સંક્રાન્ત કરવા પ્રવૃત્ત થાય છે તે એ આશયથી કે પોતાને બીજાઓ સમજવા પ્રયત્ન કરે, અને આ માત્ર અંગત આશય નથી. કલાકારને-કવિને કલ્પનાબળે જીવનના અનુભવો સહજમાં થાય છે અને એની પાછળનું સત્ય પણ એને સહજમાં પ્રતીત થાય છે. જીવનની આ સમજણ (અથવા આપણો બીજો સુંદર શબ્દ વાપરું તો ‘સૂઝ’) જેવી પોતાને છે તેવી બીજાઓને પણ પ્રગટે એવી એની હૃદયની વાંછના હોય છે. ખરું કહીએ તો, માત્ર કલાકારને જ શા સારુ? માણસમાત્રને આ જાતની-પોતાને કોઈ સમજે એવી એષણા હોય છે. પણ પોતાને જે સત્ય સૂઝે છે તેને સૌંદર્યમંડિત કરી અન્ય માણસમાં પહોંચાડવાની કવિ પાસે વિશિષ્ટ રીત છે અને કવિ જે સંક્રાન્ત કરે છે તે સામાન્ય માણસની માફક પોતાની અંગત વસ્તુઓ નહિ, પણ જીવનનો સર્વગ્રાહી અનુભવસાર હોય છે, એ પણ કવિની બાબતમાં બીજી વિશેષતા છે. ભાવક કવિનું કાવ્ય ગ્રહણ કરી સમસંવેદન પામી શકે ત્યારે એના આત્માની સંતૃપ્તિ પણ કવિના જેવી જ હોય છે. પોતાને કોઈ સમજનાર છે અથવા હતો એવા ભાનથી, પોતાને અન્ય કોઈ સમજે એવી એની વૃત્તિ પણ પોષાય છે. સર્જકભાવકના આવા હૃદ્ય સંયોગ અત્યંત વિરલ નહિ, પણ તોયે જનતાવ્યાપી તો કદાચ ન પણ હોય. સર્જકને ભાવકોના અસ્તિત્વનું ભાન અત્યંત આવશ્યક છે. પણ ભાવકોની સંખ્યાથી એને નિસ્બત નથી, કારણ કે એ તો જાણે છે જ કે પોતાના કાવ્યાનુભવમાં પોતે સમગ્ર પશુપક્ષી મનુષ્યની ચેતન તેમ જ જડ સૃષ્ટિ સાથે તાદાત્મ્યમાં રમતો હોવા છતાં ઉદ્ગાર તો ઘણું ઘણું ત્યારે મનુષ્યોને જ પહોંચાડી શકે છે.

શ્રેષ્ઠ ઉમાશંકર કલાજગત

॥ કલાજગત ॥

કલા બત્રીસી
- કનુ પટેલ

એક સાંસ્કૃતિક પુનઃ અવલોકન આ વાત છે યુગાબ્દ પાંચહજાર એકસો સત્યાવીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસીની અષાઢી પૂર્ણિમાની.... આનર્તનગરમાં એક મનનશીલ કલાકાર રહેતો હતો. તે ખૂબ જ કુશળ અને સર્જનાત્મક હતો - ક્યારેક તે રંગોથી ચિત્રો દોરતો, તો ક્યારેક તે સ્ટેજ પર અભિનય કરતો. તેની વાણી મધુર હતી અને તેનો સ્વભાવ એટલો સરળ હતો કે તેના દુશ્મનો પણ તેના મિત્ર બની જતા. તે હંમેશા ખુશખુશાલ અને આનંદમાં ડૂબેલો રહેતો. તેની તપસ્થલી (પેઈન્ટીંગ સ્ટુડીઓ) શહેરથી દૂર એકાંત, શાંત અને મનોહર જગ્યાએ હતી. નજીકમાં એક ઝરણું વહેતું હતું, અને થોડે દૂર એક ખેતર હતું. તે ખેતરમાં, એક નિરાકાર ખડક હતો. જ્યારે તે ખેતરનો ખેડૂત નિરાકાર ખડક પર ચઢતો અને પક્ષીઓને ઉડાડતો, ત્યારે ત્યાં કંઈક વિચિત્ર ઘટના ઘટવા લાગતી. અચાનક વાતાવરણમાં એકાએક પલટો આવી જતો - જાણે કોઈ અદૃશ્ય શક્તિએ કકળાટ કરી નાખવાનું શરૂ કરી દીધું હોય તેવું થતું, અને પછી ખેડૂત બેહોશ અવસ્થામાં બૂમો પાડવા લાગતો- “પહેલાં પેલા કલાકારને બોલાવો! એને પૂછી જોઈએ કે તેને કલાનું સાચું જ્ઞાન છે કે નહીં? તેને પૂછો કે શું તે ભારતીય કલા વિશે જાણે છે, કે પછી તે કેવળ પશ્ચિમી કલાની આંધળી નકલ કરે છે? શું તે સમજે છે કે કલા કેવળ વ્યક્તિચિત્રો અને દૃશ્યચિત્રો સુધી મર્યાદિત નથી? તેને પૂછો કે શું તે ભારતીય કલાના આત્મા અને અનંતતાને જાણે છે?” આ રીતે ખેડૂત વિચિત્ર બકવાસ કરતો, જાણે કોઈ અદૃશ્ય શક્તિએ તેને પાશમાં લીધો હોય. ધીમે ધીમે આ વાત કલાકાર સુધી પહોંચી. જિજ્ઞાસાપૂર્વક કલાકાર ખેડૂત પાસે ગયો અને વિવેકથી પૂછ્યું, “ભાઈ, તમે કેમ આવી વાતો કરો છો?” ખેડૂતે અચકાતા ઉત્તર આપ્યો, “હું પોતે સમજી શકતો નથી. મારા મનમાં કંઈ નથી. પણ હું પેલા નિરાકાર ખડક પર ચઢું છું ત્યારે મારી ભીતર કંઈક બીજું કોઈ બોલવા લાગે છે -શું થાય છે મને ખબર પડતી નથી.” કલાકારને આ ભેદ જાણવાની તીવ્ર ઉત્કંઠા થઈ. તેણે તે નિરાકાર ખડક પર ચઢવાનું નક્કી કર્યું. અને ખેડૂતને સાથે લઈ તે જગ્યાએ પહોંચતાની સાથે જ તેણે ફરીવાર વાતાવરણને ડહોળવાનું શરૂ કર્યું. કલાકાર આ જોઈને ચોંકી ઊઠ્યો. તેને સમજાયું કે નક્કી આ જમીનમાં કોઈ રહસ્યમય જાદુ છુપાયેલો છે. તેણે તે સ્થળનું ખોદકામ કરાવ્યું. ખોદકામમાંથી જે બહાર આવ્યું તે વિસ્મયકારક હતું - એક પ્રાચીન કલામંદિર, જેની દીવાલો પર બત્રીસ અદ્ભુત કલાત્મક મૂર્તિઓ કોતરેલી હતી. કલાકારે મંદિર સાફ કરાવ્યું. જ્યારે તે ભીતર પ્રવેશવા ગયો, ત્યારે પ્રથમ પગથાર તરફ આગળ વધતાં જ, પહેલી પૂતળીની આંખો ચમકી ગઈ. તે જાગ્રત થઈ ઊઠી. તેનું શરીર પથ્થરનું હતું, પરંતુ તેના હાવભાવ જીવંત હતા. તેની મુખમુદ્રામાં એક પ્રશ્ન હતો, અને તેના અવાજમાં એક તેજસ્વી શાંતિ હતી. તે અલૌકિક આભાથી ચમકતી હતી. એ પૂતળી - કોઈ સામાન્ય નહોતી. તેની આંખોમાં પ્રશ્નોની જ્યોતિ હતી, તેના અવાજમાં ગંભીર કરુણા અને પડકાર હતો. તેનું નામ હતું - સત્યપ્રીતિ.


કલામંદિર અધ્યાય - ૧ કલા બત્રીસીની પહેલી પૂતળી: ‘સત્યપ્રીતિ’ની ઘોષણા આર્ય વિશેની દંતકથા અને સાંસ્કૃતિક સત્ય જ્યારે કલાકાર ‘કલામંદિર’નું પહેલું સોપાન ચઢે છે ત્યારે પૂતળીએ કલાકાર તરફ જોયું અને ગંભીર સ્વરમાં પૂછ્યું- સત્યપ્રીતિની વાણી તેણીએ કહ્યું “થોભો કલાકાર! - હું, સત્યપ્રીતિ, કલામંદિરની પહેલી પૂતળી, “શું તમે કલાનું સત્ય જાણવા માંગો છો? શું તમે તે બત્રીસ સનાતન કથાઓ સાંભળવા તૈયાર છો, જે ભારતીય કલાનો આત્મા છે?” તમે આ કલામંદિરના પહેલા સોપાન પર પગ મૂકી ચૂક્યા છો, પણ શું તમે તમારા ‘સ્વ’ને ઓળખો છો? શું તમને તમારા લોહીમાં વહેતી સંસ્કૃતિના સ્રોતની જાણકારી છે? શું તમે જાણવાનો પ્રયાસ કર્યો છે કે ‘આર્ય’ કોણ હતા?” “શું તે તલવાર લઈને આવ્યા હતા કે શબ્દો લઈને? શું તે ઘોડા પર સવાર હતા, કે પછી વેદોની ધ્વનિમાંથી તેમનો જન્મ થયો હતો? જો તમે આ યાત્રામાં આગળ વધવા માંગતા હો, તો પહેલા મને ઉત્તર આપો - ‘શું ભારતીય કલા આક્રમિત સંસ્કૃતિનો પડછાયો છે, કે તેની પોતાની માટીમાંથી ફૂટેલો પહેલો અંકુર?’” કલાકારનો ઉત્તર: દંતકથાઓની કથાઓના સ્તરો ઉકેલતા “હે સત્યપ્રીતિ! મને કહેવામાં આવ્યું હતું કે ‘આર્યો’ બહારથી આવ્યા હતા. તેઓ વિજેતા હતા - તેમણે સિંધુ સભ્યતાનો નાશ કર્યો અને એક નવી સંસ્કૃતિ સ્થાપિત કરી. પરંતુ જ્યારે મેં ખડકોને સાંભળ્યા, સીલ પરની કથાઓ વાંચી, અને મૃતકોના હાડકાં સાથે સંવાદ કર્યો - ત્યારે સત્ય કંઈક બીજું હતું.” “આર્યો કોઈ જાતિ નહોતા, પણ ‘સંસ્કૃતિ-ચેતના’ હતા. ‘આર્યો’ એ હતા જે ધર્મનિષ્ઠ, સદાચારી, જ્ઞાની, કુલીન અને સૌહાર્દપૂર્ણ હતા. આર્ય કોઈ જાતિ નહોતી, પણ એક મૂલ્ય હતું.” “ઋગ્વેદ, ઉપનિષદો, સંસ્કૃત નાટકોમાં - ‘આર્ય’, ‘આર્યપુત્ર’, ‘આર્યે’ જેવા શબ્દો કેવળ સન્માન માટે ઉપયોગમાં લેવાતા હતા. ‘આર્ય આક્રમણ’નો ક્યાંય ઉલ્લેખ નથી. એ એક દંતકથા હતી, જે 19મી સદીમાં મેક્સમુલર જેવા યુરોપિયનો દ્વારા ઘડવામાં આવી હતી - ભારતીય સંસ્કૃતિને ‘બાહરી નિર્માણ’ હોવાનું સાબિત કરવા માટે.” સત્યપ્રીતિનો પ્રશ્નઃ “કેવળ ભાવનાઓ નહીં - પુરાવા આપો!” “સત્યમેવ જયતે, કલાકાર! પરંતુ આ કલામંદિર તથ્યો માંગે છે, ભાવનાઓ નહીં. મને કહો - શું તમારી પાસે પુરાવા છે કે સિંધુ સંસ્કૃતિ પર કોઈ આક્રમણ થયું ન હતું? શું તમે સાબિત કરી શકો છો કે ભારતીય સંસ્કૃતિ એક અખંડ પરંપરા છે?” કલાકારનો ઉત્તર: પુરાવાઓનાં પ્રમાણ “હા, હે દેવી! પ્રમાણ છે - અને તે કેવળ ઇતિહાસ નથી, તે આપણા ડી.એનએ.માં જડાયેલા છે.” પ્રો. આર. કેનેડી (કોર્નેલ યુનિવર્સિટી) કહે છે કેઃ મોહેં જો દડોમાંથી મળેલા હાડપિંજરો પર યુદ્ધ દ્વારા થયેલી હિંસાના કોઈ નિશાન નથી. પ્રો. જી. જી. ડેથ (બર્કલે) કહે છે કેઃ આ હાડપિંજરો વિવિધ સમયગાળાના છે - પૂર અને કુદરતી આફતોને કારણે મૃત્યુ પામેલાના. અમલાનંદ ઘોષ (ભારતીય પુરાતત્ત્વવિદ્) કહે છે કેઃ સિંધુ સભ્યતાના અવશેષો સ્થાનિક છે - કોઈ વિદેશી જાતિના નથી. તેમની શારીરિક રચના આજના સિંધી અને ગુજરાતી લોકો સાથે મેળ ખાય છે. “જો આર્યોએ આક્રમણ કર્યું હોત, તો નોર્ડિક, મોંગોલ અથવા ભૂમધ્ય જાતિના હાડપિંજરોના અવશેષો મળી આવ્યા હોત. પરંતુ એવું કંઈ મળ્યું નથી.” આ એક ષડયંત્ર હતું ભારતીય લોકોને વિભાજિત કરવાનું અને ભારતીય સંસ્કૃતિને આયાતી સાબિત કરવાનું. સત્યપ્રીતિની દૃષ્ટિ હવે વધુ ગહન બને છે અને પૂછે છે: “તો સંસ્કૃતિના મૂળ ક્યાં છે?” “જો આર્યો આપણા જ હતા - તો સિંધુ અને વૈદિક સંસ્કૃતિ વચ્ચે શું સામ્ય છે?” “શું તે સમયે કલાનો કોઈ પ્રવાહ વહેતો હતો અથવા બધું કેવળ એક સામાજિક વ્યવસ્થા હતી?” કલાકારનો ઉત્તર: સ્વદેશી ચેતનાની કલાત્મક અભિવ્યક્તિ “કલાનો જન્મ તે સમયે થઈ ચૂક્યો હતો, જ્યારે શહેરો વસતાં હતા, પાયા ખોદાતા હતા, સીલ કોતરવામાં આવતી હતી - ત્યારે કેવળ વ્યવસ્થા જ નહીં, પણ અભિવ્યક્તિનો પણ જન્મ થયો હતો. હડપ્પા સંસ્કૃતિમાં તેના પ્રમાણ છે તે જણાવું જાહેર સ્નાનગૃહ, કૂવા, કોઠાર, ગટર વગેરે સ્થાપત્યની અજાયબી ‘મંદિરના સ્નાનકુંડ - ધાર્મિક શુદ્ધિકરણનો ખ્યાલ કાંસ્ય ‘નર્તકી’ - સૌંદર્ય, આત્મવિવાસ અને ભંગિમાનો ત્રિવેણી સંગમ ‘પૂજારી રાજા’ની પ્રતિમા - સૌંદર્યબોધ અને આત્મસંયમનો આદર્શ માટીનાં વાસણો પર ચિત્રો - વૃષભ, સિંહ, હાથી, માનવ-દેવતા આકૃતિઓ - પ્રતીકવાદની પ્રારંભિક અભિવ્યક્તિ ચિત્રોમાં લય, અલંકરણ અને અભિવ્યક્તિ - જે પાછળથી નાટ્ય, સ્થાપત્ય અને હસ્તકલામાં પરિવર્તિત થયા સત્યપ્રીતિનો અંતિમ પ્રશ્ન: “શું વૈદિક સંસ્કૃતિ અને સિંધુ સભ્યતા વિરોધી હતા?” “યુરોપિયન ઇતિહાસકારો કહે છે - વૈદિક સંસ્કૃતિ ગ્રામીણ હતી, અને સિંધુ સભ્યતા નગરીય હતી. શું આ યુગ્મ સાચું છે, કે બીજી કોઈ વિભાજનની ચાલ?” કલાકારનો ઉત્તર: સાંસ્કૃતિક સમન્વયનો સ્વર “આ વિભાજન કૃત્રિમ છે. ભારત ક્યારેય ગામ અને નગરમાં વિભાજિત નહોતું - તે હંમેશા એક સહજીવન સંસ્કૃતિ હતી.” ઋગ્વેદમાં ‘પુર’ શબ્દ - જેને શરૂઆતમાં માટીનો કિલ્લો માનવામાં આવતો હતો, પરંતુ પછીના વિદ્વાનોએ તેને એક કિલ્લેબંધ નગર તરીકે સ્વીકાર્યો હતો. લોથલ, રંગપુર, કાલીબંગા - જ્યાં અગ્નિકુંડ, યજ્ઞની વેદીઓ મળી આવી હતી - આ વૈદિક પૂજા પ્રણાલીનો નિર્દેશ કરે છે. પુરાતત્ત્વવિદો લક્ષ્મણ સ્વરૂપ, પોસ્સેલ વગેરે તારણ કાઢે છે કે સિંધુ સભ્યતા ઋગ્વેદિક પરંપરાની નગરીય અભિવ્યક્તિ હતી. સત્યપ્રીતિનું અનુમોદન: સત્યનું પ્રથમ સોપાન પાર થયું. “હે કલાકાર, તમે ઇતિહાસનો ભ્રમ તોડ્યો છે. તમે બતાવ્યું છે કે ‘આર્યો’ કોઈ બહારની વ્યક્તિ નહોતા, પરંતુ આ ભૂમિનો આત્મા હતા. તમે સાબિત કર્યું છે કે ભારતીય કલાનો પાયો આક્રમણ પર નહીં, પરંતુ સ્વદેશી અભિવ્યક્તિ અને આધ્યાત્મિક ચેતના પર આધારિત છે. તો પછી સાંભળો - હું, સત્યપ્રીતિ, કલા બત્રીસીની પહેલી પૂતળી, તમને બીજા સોપાન પર જવાની અનુમતિ આપું છું. ત્યાં બીજી પૂતળી ‘ભૂમિરૂપા’, તમારી સત્યતાની અગ્રીમ કસોટી માટે રાહ જોઈ રહી છે...

(‘કલા બત્રીસી’ પુસ્તકમાંથી)

Sanchayan 9 - 21.png


વધુ વાર્તાઓનું પઠન
તબક્કાવાર આવતું રહેશે

ઑડિયો રેકોર્ડિંગ સંકલન : 

શ્રેયા સંઘવી શાહ
ઑડિયો પઠન: 

અનિતા પાદરિયા
અલ્પા જોશી
કૌરેશ વચ્છરાજાની
ક્રિષ્ના વ્યાસ
ચિરંતના ભટ્ટ
દર્શના જોશી
દિપ્તી વચ્છરાજાની
ધૈવત જોશીપુરા
બિજલ વ્યાસ
બ્રિજેશ પંચાલ
ભાનુપ્રસાદ ઉપાધ્યાય
ભાવિક મિસ્ત્રી
મનાલી જોશી
શ્રેયા સંઘવી શાહ
કર્તા-પરિચયો: 

અનિતા પાદરિયા
પરામર્શક: 

તનય શાહ
ઑડિયો એડિટિંગ:

પ્રણવ મહંત
પાર્થ મારુ
કૌશલ રોહિત

ગુજરાતી ઑડિયો વાર્તા
સાંભળવા અહીં ક્લીક કરો


» ગોવાલણી » એક સાંજની મુલાકાત
» શામળશાનો વિવાહ » મનેય કોઈ મારે !!!!
» પોસ્ટ ઓફિસ » ટાઢ
» પૃથ્વી અને સ્વર્ગ » તમને ગમીને?
» વિનિપાત » અપ્રતીક્ષા
» ભૈયાદાદા » સાડાત્રણ ફૂટની ઘટના
» રજપૂતાણી » સળિયા
» મુકુંદરાય » ચર્ચબેલ
» સૌભાગ્યવતી!!! » પોટકું
» સદાશિવ ટપાલી » મંદિરની પછીતે
» જી’બા » ચંપી
» મારી ચંપાનો વર » સૈનિકનાં બાળકો
» શ્રાવણી મેળો » શ્વાસનળીમાં ટ્રેન
» ખોલકી » તરસના કુવાનું પ્રતિબિંબ
» માજા વેલાનું મૃત્યુ » સ્ત્રી નામે વિશાખા
» માને ખોળે » અંધારી ગલીમાં સફેદ ટપકાં
» નીલીનું ભૂત » ઇતરા
» મધુરાં સપનાં » બારણું
» વટ » ત્રેપન સિંહ ચાવડા જીવે છે
» ઉત્તરા » બદલી
» ટપુભાઈ રાતડીયા » લીલો છોકરો
» લોહીનું ટીપું » રાતવાસો
» ધાડ » ભાય
» ખરા બપોર » નિત્યક્રમ
» ચંપો ને કેળ » ખરજવું
» થીગડું » જનારી
» એક મુલાકાત » બદામી રંગનો કોટ અને છત્રી
» અગતિગમન » ગેટ ટુ ગેધર
» વર પ્રાપ્તિ » મહોતું
» પદભ્રષ્ટ » એક મેઈલ