સંજ્ઞા – વર્ગીકૃત સૂચિ/કૃતિ-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કૃતિ-પરિચય

‘સંજ્ઞા’ ત્રૈમાસિકનો આરંભ ૧૯૬૭માં ગુજરાતી સાહિત્યના આધુનિક સમયગાળાના પ્રતિષ્ઠિત સર્જક–વિવેચક જ્યોતિષ જાનીના સંપાદન હેઠળ થયો હતો. થોડાં વર્ષો માટે પ્રકાશન સ્થગિત રહ્યા બાદ આ સામયિક ૧૯૭૩માં ફરી શરૂ થાય છે. આમ, ૧૯૬૭થી ૧૯૭૬ દરમિયાન પ્રકાશિત થયેલા કુલ એકવીસ અંકો દ્વારા ગુજરાતી સાહિત્યના આધુનિક યુગના વિવિધ સંચલનો, વિચારપ્રવાહો, વાદ-વિવાદો તથા પ્રયોગશીલ અભિવ્યક્તિઓનું જીવંત ચિત્રણ મળે છે.

આ સામયિકને રામપ્રસાદ બક્ષી, હરિવલ્લભ ભાયાણી, મધુસૂદન બક્ષી, દિગીશ મહેતા અને પ્રમોદકુમાર પટેલ જેવા સંનિષ્ઠ અને વિચારશીલ વિવેચકોની સમૃદ્ધ વિચારસંપદાનો વિશેષ લાભ મળ્યો છે. સર્જનાત્મક પક્ષે ચંદ્રકાન્ત બક્ષીની વિવાદાસ્પદ વાર્તા ‘કુત્તી’, ઓછા જાણીતા વાર્તાકારો નલિન રાવળ અને ભરત નાયકની વાર્તાઓ, તેમજ સુનીલ કોઠારી, દિગીશ મહેતા, લાભશંકર ઠાકર અને પ્રબોધ પરીખ જેવા લેખકોનું લલિત ગદ્ય નોંધપાત્ર છે. આ સાથે દિગીશ મહેતા, હર્ષદ દેસાઇ અને જ્યોતિષ જાની દ્વારા લેવામાં આવેલી સુરેશ જોષીની મુલાકાત અને ભૂપેન ખખ્ખરનું ઓછું જાણીતું નાટક ‘વાડીલાલ ડ્રેસવાલા અને કુકર્મોની કહાણી’ પણ ‘સંજ્ઞા’ની મહત્વપૂર્ણ સાહિત્યિક ઉપલબ્ધિ તરીકે ગણી શકાય.

કિશોર વ્યાસના શબ્દોમાં કહીએ તો, “‘રે’ અને ‘સંસ્કૃતિ’ જેવા બે છેડાઓ વચ્ચેનું આ સામયિક હતું. ‘સંજ્ઞા’ પાછળ સાહિત્યને માટે અર્જુન જેવુ સ્વ્યસાચી દૃષ્ટિ કેળવવાની, પૂરતા નમ્ર થવાની ને ઊંડા ચિંતન-મનનના પરિપાકને વ્યાપકતાથી ધરવાની ખેવના ‘સંજ્ઞા’નાં પૃષ્ઠો પર દેખાય છે.”

‘સંજ્ઞા’ની આ સૂચિને આધારે આજના નવા અભ્યાસી કે વિદ્યાર્થીઓને આપણા સાહિત્યના સમૃદ્ધ ભૂતકાળનો ચિતાર મળશે. ઉપરાંત ગુજરાતી સાહિત્યના આધુનિક યુગ અને તેના પરિણામો અંગે પુનર્વિચાર કરવા ઈચ્છનાર કોઈપણ સંશોધક કે અભ્યાસુને અત્યંત ઉપયોગી નીવડશે.