સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/આ વ્યાખ્યાનોનો ઉપક્રમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આ વ્યાખ્યાનોનો ઉપક્રમ


આ પરિસ્થિતિમાં આ વ્યાખ્યાનો માટે આ વિષય પસંદ કરવામાં મેં સાહસ કર્યું છે એમ જ કહેવાય. હું સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો પંડિત નથી, જિજ્ઞાસુ છું મેં કાવ્યશાસ્ત્રીય ગ્રંથોનું નિયમિત ને વ્યવસ્થિત પરિશીલન કર્યું નથી, પ્રસંગોપાત્ત ને મારા પ્રયોજન પૂરતું મર્યાદિત પરિશીલન કર્યું છે. એની સઘળી વિભાવનાઓને અને વિગતોને મેં આત્મસાત્ કરી નથી પણ મહત્ત્વની વિભાવનાઓનું અને એ વિભાવનાઓની એમાં થયેલી વિશ્લેષણપૂર્વકની પ્રયોગપરક સ્પષ્ટરેખ રજૂઆતનું મેં ભારે આકર્ષણ અનુભવ્યું છે. એમાં મને એવી સદ્ધરતા અને નક્કરતા લાગી છે કે મારી મર્યાદિત કાવ્યશાસ્ત્રીય સૂઝ અને સજ્જતાનો આધુનિક ગુજરાતી સાહિત્યના વિવેચનમાં વિનિયોગ કરવાનો અને એ રીતે કાવ્યશાસ્ત્રની વ્યવહારુતા ચકાસી જોવાનો ઉદ્યમ પણ મેં કર્યો છે. અનિલ જોશીના ‘કન્યાવિદાય’ એ કાવ્યના મર્મો સંસ્કૃત કાવ્યશાસ્ત્રના લક્ષણાવ્યાપારની ચાવીથી ખોલી આપવાની મેં કોશિશ કરી તેણે તો ઘણા કાવ્યરસિકો અને અભ્યાસીઓનું ધ્યાન ખેંચ્યું. લાભશંકર ઠાકરને તો મારો એ પ્રયાસ એટલોબધો નોંધપાત્ર લાગ્યો કે હું એ દિશામાં હજુ આગળ કામ કરું એવી સ્પૃહા એમણે પ્રગટ કરી અને આ વ્યાખ્યાનોનો વિષય પણ એમણે જ સૂચવ્યો. વિષયની દુર્ઘટતા અને મારી પોતાની કેટલીક મુશ્કેલીઓને કારણે હું મહત્ત્વાકાંક્ષી થઈ શકું તેમ નથી. પ્રાચીન – અર્વાચીન સમયમાં પશ્ચિમમાં જે સાહિત્યવિચારણાઓ પ્રવર્તી છે અને જેનું અવલંબન આપણા વિવેચનમાં લેવાને આપણે હંમેશાં ઉત્સાહી હોઈએ છીએ, તેના કેટલાક વિભાવો, સંસ્કૃત કાવ્યવિચારમાં જોવા મળે છે કદાચ વધારે ચોકસાઈથી અને સ્પષ્ટતાથી વ્યાકૃત થયેલા જોવા મળે છે. એટલે પાશ્ચાત્ય સાહિત્યવિચાર સાથે સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો મુકાબલો રસિક અને બોધક બની શકે – એ દ્વારા સંસ્કૃત કાવ્યશાસ્ત્રની અર્થપૂર્ણતા અને ઉપયોગિતા પર વધારે પ્રકાશ પડી શકે, પણ અહીં એ મુકાબલો કરવાનો ઇરાદો હું સેવી શકું તેમ નથી. એ કાર્ય, એક અલાયદો અને વિશેષ સજ્જતાભર્યો પ્રયાસ માગે. હું તો પ્રસંગોપાત્ત મને સહજ રીતે સૂઝે તેવાં તુલનાત્મક નિરીક્ષણોથી જ સંતોષ માની શકું. આધુનિક સાહિત્યના વિવેચન પરત્વે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની સઘળી ક્ષમતાને બહાર લાવવાનો ઉપક્રમ પણ હું કરી ન શકું. એ માટે જરૂરી એવો એનો સઘન અભ્યાસ, મેં આગળ કહ્યું તેમ, મારી પાસે નથી. હું કેટલાક મહત્ત્વના કાવ્યશાસ્ત્રીય વિચારો અને વિવેચન-ઓજારો આજે પણ કેમ ઉપયોગમાં આવી શકે એનું દિગ્દર્શનમાત્ર કરાવી શકું. વળી, એવું તો કેમ કહી શકાય કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો આશ્રય લેવાથી આજની આપણી સર્વ વિવેચન-સમસ્યાઓનો અંત આવી જશે? સાહિત્યવિવેચન-વિષયક આપણી આજની કેટલીક જરૂરિયાતોને સંતોષે એવું સંસ્કૃત કાવ્ય-શાસ્ત્રમાંથી ન પણ મળે. ઉપરાંત, નૂતન સર્જનાત્મક ઉન્મેષોને સમજાવવામાં, એની પરીક્ષા કરવામાં આજનું કાવ્યશાસ્ત્ર પણ કેટલીક વાર ઊણું ઊતરે છે, અને એ માટે નવા વિવેચનસિદ્ધાંતોની જરૂર પડે છે તો એ સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પણ પહોંચ બહાર રહે તો એમાં નવાઈ નથી. જોવાનું એટલું જ છે કે આજે આપણે જે અનેક વિવેચન-ઓજારો ને ધોરણો પ્રયોજીએ છીએ તેની સામે પોતાની મૂલ્યવત્તા સ્થાપિત કરતાં વિવેચન–ઓજારો ને ધોરણો સંસ્કૃત કાવ્યવિચારમાંથી કેટલાં સાંપડે છે અને આપણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની વિવરણ-વિશ્લેષણપદ્ધતિ કેટલે અંશે પુનર્જીવિત કરી શકીએ. એવું તો કદાચ ન બની શકે કે સંસ્કૃત કાવ્યવિચાર આપણે બેઠો ને બેઠો, એ ને એ સ્વરૂપમાં ઉપયોગમાં લઈ શકીએ. એના મર્મ ગ્રહીને આપણે એનું કેટલુંક પુનર્ઘટન પણ કરવું પડે, એનું વિસ્તરણ પણ કરવું પડે. આપણી સમીક્ષાદષ્ટિ પ્રવર્તે અને કેટલુંક આપણે સંસ્કારવાનું પણ આવે. પાશ્ચાત્ય સાહિત્યશાસ્ત્રમાં પણ અનુકરણ, ટ્રેજેડી વગેરેની વિભાવનાઓનું સંસ્કરણ – વિસ્તરણ થતું રહ્યું છે અને એ રીતે એ વિભાવનાઓ પ્રસ્તુત બનતી રહી છે. આપણે ત્યાં રામનારાયણ પાઠકે સંસ્કૃત કાવ્યશાસ્ત્રને આ રીતે સંસ્કારવાનું અને વિસ્તારવાનું ઇષ્ટ ગણ્યું છે. મને પણ એ માર્ગ યોગ્ય લાગે છે. એ માર્ગ જ આજે વધારે કાર્યસાધક બની શકે, સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પોતે જ પૂર્વપરંપરાની સમીક્ષાપૂર્વક વિકસતું રહ્યું છે, એમાં વિભિન્ન વિચારસરણીઓ અને વિશ્લેષણપદ્ધતિઓને સમાસ મળ્યો છે. આપણે એનું દોહન કરી એને આગળ લઈ જઈ શકીએ. આ વ્યાખ્યાનોમાં મારો અભિગમ આ પ્રકારનો પણ રહેશે. આગળ નિર્દેશ્યું તેમ સંપૂર્ણ કાવ્યશાસ્ત્ર સાથે બાથ ભીડવાની હું આકાંક્ષા રાખી શકું નહીં, ધ્વનિસિદ્ધાંત અને રસસિદ્ધાંત સંસ્કૃત કાવ્યશાસ્ત્રનાં મહત્ત્વનાં પ્રસ્થાનો છે. મારો ઉદ્યમ મુખ્યત્વે એની પ્રસ્તુતતા વિચારવાનો રહેશે. વક્રોક્તિસિદ્ધાંત પણ આજે ધ્યાનપાત્ર બની રહેલું એક પ્રસ્થાન છે. એના વિશે પણ સંક્ષેપમાં મારું દૃષ્ટિબિંદુ રજૂ કરીશ. પણ ઔચિત્ય, ગુણ, રીતિ, અલંકાર વગેરે કાવ્યશાસ્ત્રીય સંપ્રત્યયોની વિચારણા તો આનુષંગિક રીતે જ ગૂંથાશે. એની માંડીને, વ્યવસ્થિત ચર્ચા કરવાની તક અહીં નહીં હોય, ધ્વનિ, રસ આદિની પણ સર્વગ્રાહી વિચારણા કરવાનું શક્ય નથી. હું, એની જે વિભાવનાઓ અને વિશ્લેષણપદ્ધતિઓ આજે પણ પ્રસ્તુત બની શકે એવી મને જણાઈ છે તેના પર જ મારું ધ્યાન કેન્દ્રિત કરીશ. અને મારો પ્રયત્ન ઝીણી વિગતો ટાળીને, પંડિતાઈનો નહીં પણ સાદી સમજનો આધાર લઈને, પરિભાષાનો ભાર શક્ય તેટલો ઓછો કરીને, દૃષ્ટાંતાત્મક વિચારણા કરવા તરફનો હશે. સૈદ્ધાંતિક ચર્ચા હું સાવ ટાળી શકીશ નહીં – કેટલાક એવા મુદ્દા મારી સામે આવશે જ – પણ એ હું સંક્ષેપમાં જ કરીશ. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીય વિભાવનાઓના વિનિયોગનું પ્રત્યક્ષ નિદર્શન કરવા તરફ જ હું વિશેષ લક્ષ રાખીશ. એ માટેનાં ઉદાહરણો બને ત્યાં સુધી નજીકના સમયના ગુજરાતી સાહિત્યમાંથી લઈશ. પણ આધુનિક સાહિત્યના સર્વ આવિર્ભાવોને હું આમાં સાંકળી શકીશ એમ કહી શકતો નથી. ઉદાહરણો બહુધા કવિતાનાં રહેશે અને એ પણ મને વધુ પરિચિત કવિતાનાં. આ વ્યાખ્યાનો માટે ખાસ આધુનિક સાહિત્યનો અભ્યાસ કરીને એમાંથી ઉદાહરણો લાવવાનું હું કરી શક્યો નથી. એટલે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની ક્ષમતા તાગવા-ચકાસવાનું કામ અહીં પૂરેપૂરું થઈ જશે એમ હું માનતો નથી. એને માત્ર દિગ્દર્શન જ ગણવાનું છે. પણ મેં દર્શાવેલી દિશાની યોગ્યતા અભ્યાસીઓ પ્રમાણશે તોયે હું મારો પ્રયાસ સાર્થક માનીશ.