સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/કાવ્યપરીક્ષાનું વસ્તુલક્ષી ધોરણ
કાવ્યપરીક્ષાનું વસ્તુલક્ષી ધોરણ કયું?
કુંતકના આ વિચારો આકર્ષક છે પરંતુ એ તો સ્પષ્ટ છે કે કવિવ્યાપાર કે તદ્વિદાહ્લાદકારિત્વ એ કાવ્યપરીક્ષાનાં વસ્તુલક્ષી ધોરણો ન બની શકે. એમાં આત્મલક્ષિતાને ઘણો અવકાશ છે. કવિવ્યાપાર કાવ્યરચનામાં પ્રતિબિંબિત થવો જોઈએ અને તદ્વિદાલાકારિત્વનું કારણ પણ કાવ્યરચનામાં શોધવાનું હોય છે. એટલે અંતે આપણે કાવ્યના રચનાગત વૈશિષ્ટ્યો આગળ જ આવીને ઊભા રહેવાનું થાય છે. કાવ્યપરીક્ષાનું આ જ વસ્તુલક્ષી ધોરણ બની રહે છે. વક્રતાના પ્રકારો દ્વારા કુંતકે આ વસ્તુલક્ષી ધોરણ જ પ્રસ્તુત કર્યું છે અને એ જ એના ગ્રંથનો ઘણો મોટો ભાગ રોકે છે. કવિવ્યાપાર અને તદ્વિદાહ્લાદકારિત્વ એ સમગ્ર કાવ્યઘટનાના બે મહત્ત્વના છેડા છે અને એ આપણા ધ્યાનમાં બરાબર રહેવા જોઈએ. પણ એ બેની વચ્ચે જેનું નક્કર અસ્તિત્વ છે તે કાવ્યરચનાની તપાસનું કાવ્યપરીક્ષામાં ઓછું મૂલ્ય આંકવાની ભૂલ ન થવી જોઈએ.