સત્યના પ્રયોગો/અસહકારનો
ખાદીની પ્રગતિ હવે પછી કેમ થઈ એનું વર્ણન આ પ્રકરણોમાં ન આપી શકાય. તે તે વસ્તુઓ પ્રજાની આગળ કેમ આવી એટલું બતાવ્યા પછી તેના ઇતિહાસમાં ઊતરવાનું આ પ્રકરણોનું ક્ષેત્ર નથી. ઊતરવા જતાં તે વિષયોનું પુસ્તક થઈ પડે. સત્યની શોધ કરતાં વસ્તુઓ મારા જીવનમાં એક પછી એક અનાયાસે કેમ આવી રહી એટલું જ બતાવવાનો અહીં આશય છે.
એટલે હવે અસહકારને વિશે થોડું કહેવાનો સમય આવ્યો ગણાય. ખિલાફતની બાબત અલીભાઈઓનું જબરદસ્ત આંદોલન તો ચાલી જ રહ્યું હતું. મરહૂમ મૌલાના અબદુલ બારી વગેરે ઉલેમાઓની સાથે આ વિષયમાં ખૂબ ચર્ચા થઈ. મુસલમાન શાંતિને, અહિંસાને ક્યાં લગી પાળી શકે એ વિશે વિવેચનો થયાં; ને છેવટે નક્કી થયું કે અમુક હદ લગી યુક્તિ તરીકે તેને પાળવામાં બાધ હોય નહીં, અને એક વાર અહિંસાની પ્રતિજ્ઞા કરી હોય તો તે પાળવા બંધાયેલ છે. છેવટે અસહકારનો ઠરાવ ખિલાફત પરિષદમાં મુકાયો, ને તે ઘણી ચર્ચાઓ પછી પસાર થયો. મને યાદ છે કે અલ્લાહાબાદમાં એક વખત આને સારુ આખી રાત લગી સભા ચાલી હતી. હકીમ સાહેબને શાંતિમય અસહકારની શક્યતા વિશે શંકા હતી. પણ તેમની શંકા દૂર થયા પછી તેઓ તેમાં ભળ્યા, ને તેમની મદદ અમૂલ્ય થઈ પડી.
ત્યાર બાદ ગુજરાતમાં પરિષદ થઈ તેમાં હું અસહકારનો ઠરાવ લાવ્યો. તેમાં વિરોધ કરનારની પ્રથમ એ દલીલ હતી કે જ્યાં લગી મહાસભા અસહકારનો ઠરાવ ન કરે ત્યાં લગી પ્રાંતિક પરિષદોને ઠરાવ કરવાનો અધિકાર નહોતો. મેં સૂચવ્યું કે પ્રાંતિક પરિષદોને પાછું પગલું ન હઠી શકે. આગળ પગલાં ભરવાનો બધી પેટા સંસ્થાઓને અધિકાર છે, એટલું જ નહીં પણ તેમને હિંમત હોય તો તેમનો ધર્મ છે. તેમાં મુખ્ય સંસ્થાનું ભૂષણ વધે છે. ગુણદોષ ઉપર પણ સારી ને મીઠી ચર્ચા થઈ. મતો ગણાયા, ને મોટી બહુમતીથી અસહકારનો ઠરાવ પસાર થયો. આ ઠરાવ પસાર કરવામાં અબ્બાસ તૈયબજી તથા વલ્લભભાઈનો મોટો ફાળો હતો. અબ્બાસ સાહેબ પ્રમુખ હતા અને તેમનું વલણ અસહકારના ઠરાવ તરફ જ ઢળતું હતું.
મહાસમિતિએ આ પ્રશ્નનો વિચાર કરવા મહાસભાની ખાસ બેઠક કલકત્તામાં ૧૯૨૦ના સપ્ટેમ્બર માસમાં ભરવાનો વિચાર કર્યો. તૈયારીઓ બહુ મોટા પ્રમાણમાં થઈ. લાલા લજપતરાય પ્રમુખ ચૂંટાયા હતા. ખિલાફત સ્પેશિયલ ને કાýગ્રેસ સ્પેશિયલ મુંબઈથી છૂટી. કલકત્તામાં સભ્યોનો ને પ્રેક્ષકોનો બહુ મોટો સમુદાય એકઠો થયો.
મૌલાના શૌકતઅલીની માગણીથી મેં અસહકારના ઠરાવનો મુસદ્દો રેલગાડીમાં તાયાર કર્યો. આજ લગી મારા મુસદ્દાઓમાં ‘શાંતિમય’ શબ્દ ઘણે ભાગે નહોતો આવતો. હું મારાં ભાષણોમાં એ શબ્દનો ઉપયોગ કરતો. કેવળ મુસલમાન ભાઈઓની સભાઓમાં ‘શાંતિમય’ શબ્દથી મારે સમજાવવાનું હું સમજાવી નહોતો શકતો. તેથી મૌલાના અુબલ કલામ આઝાદ પાસેથી મેં બીજો શબ્દ માગ્યો. તેમણે ‘બાઅમન’ શબ્દ આપ્યો, અને અસહકારને સારુ ‘તકેં મવાલાત’ શબ્દ આપ્યો.
આમ હજુ ગુજરાતીમાં, હિંદીમાં, હિંદુસ્તાનીમાં અસહકારની ભાષા મારા મગજમાં ઘડાઈ રહી હતી તેવામાં મહાસભાને સારુ ઠરાવ ઘડવાનું ઉપર પ્રમાણે મારે હાથ આવ્યું. તેમાંથી ‘શાંતિમય’ શબ્દ રહી ગયો. મેં ઠરાવ ઘડીને ટ્રેનમાં જ મૌલાના શૌકતઅલીને આપી દીધો. મને રાતના સૂઝયું કે મુખ્ય શબ્દ ‘શાંતિમય’ તો રહી ગયો છે. મેં મહાદેવને દોડાવ્યા અને કહેવડાવ્યું કે ‘શાંતિમય’ શબ્દ છાપવામાં ઉમેરે. મને એવો ખ્યાલ છે કે એ શબ્દ ઉમેરાય તે પહેલાં ઠરાવ છપાઈ ગયો હતો. વિષયવિચારિણી સભા તે જ રાત્રે હતી, એટલે તેમાં તે શબ્દ પાછળથી મારે ઉમેરાવવો પડયો હતો. મેં જોયું કે જો હું ઠરાવ લઈને તૈયાર ન થયો હોત તો બહુ મુશ્કેલી પડત.
મારી સ્થિતિ દયાજનક હતી. કોણ સામે થશે ને કોણ ઠરાવ પસંદ કરશે એની મને ખબર નહોતી. લાલાજીના વલણ વિશે હું કશું જાણતો નહોતો. રીઢા થઈ ગયેલા યોદ્ધાઓ કલકત્તામાં હાજર થયા હતા. વિદુષી એની બેસંટ, પંડિત માલવીયજી, વિજયરાઘવાચાર્ય, પંડિત મોતીલાલજી, દેશબંધુ, વગેરે તેઓમાં હતાં.
મારા ઠરાવમાં ખિલાફત અને પંજાબના અન્યાય પૂરતો જ અસહકારની વાત હતી. શ્રી વિજયરાઘવાચાર્યને એમાં રસ ન આવ્યો. એ કહેઃ ‘જો અસહકાર કરવો તો અમુક અન્યાયને સારુ જ શો? સ્વરાજ્યનો અભાવ એ મોટામાં મોટો અન્યાય છે, ને તેને સારુ અસહકાર થાય.’ મોતીલાલજીને પણ એ દાખલ કરવું હતું. મેં તરત જ સૂચનાનો સ્વીકાર કર્યો, ને સ્વરાજ્યની માગણી પણ ઠરાવમાં દાખલ કરી. વિસ્તારપૂર્વક ગંભીર ને કંઈક તીખી ચર્ચાઓ પછી અસહકારનો ઠરાવ પસાર થયો.
મોતીલાલજી તેમાં પ્રથમ જોડાયા. મારી સાથેની તેમની મીઠી ચર્ચા મને હજુ યાદ છે. કંઈક શબ્દફેરની તેમણે સૂચના કરેલી તે મેં સ્વીકારી. દેશબંધુને મનાવવાનું બીડું તેમણે ઝડપ્યું હતું. દેશબંધુનું હૃદય અસહકાર તરફ હતું, પણ તેમની બુદ્ધિ એમ સૂચવતી હતી કે અસહકારને પ્રજા નહીં ઝીલે. દેશબંધુ અને લાલાજી અસહકારમાં પૂરા તો નાગપુરમાં આવ્યા. આ ખાસ બેઠક વેળા મને લોકમાન્યની ગેરહાજરી બહુ દુઃખદાયક થઈ પડી હતી. મારો અભિપ્રાય આજ લગી એવો છે કે તેઓ જીવતા હોત તો કલકત્તાના પ્રસંગને વધાવી લેત. પણ તેમ ન થાત ને તેઓ વિરોધ કરત તોયે તે મને ગમત. હું એમાંથી શીખત. તેમની સાથે મારે મતભેદો હમેશાં રહેતા, પણ તે બધા મીઠા હતા. અમારી વચ્ચે નિકટ સંબંધ હતો એમ મને તેમણે હમેશાં માનવા દીધું હતું. આ લખતી વેળા જે તેમના અવસાનનો ચિતાર મારી સામે ખડો થાય છે. મધરાત્રે મને અવસાનનો ટેલિફોન મારા સાથી પટવર્ધને કર્યો હતો. તે જ વખતે મેં સાથીઓની પાસે ઉદ્ગાર કાઢેલાઃ ‘મારી પાસે ભારે ઓથ હતી તે તૂટી પડી.’ આ વેળા અસહકારનું આંદોલન પુરજોરથી ચાલી રહ્યું હતું. તેમની પાસેથી હૂંફ મેળવવાની હું આશા રાખતો હતો. છેવટે જ્યારે અસહકાર પૂરો મૂર્તિમંત થયો ત્યારે તેઓ કયું વલણ લેત એ તો દૈવ જાણે, પણ એટલું હું જાણું છું કે પ્રજાના ઇતિહાસની આ ભારે ઘડીને વખતે સહુને તેમની હાજરીનો અભાવ સાલતો હતો.