સત્યના પ્રયોગો/ઉપવાસ1
મજૂરોએ પહેલાં બે અઠવાડિયાં ખૂબ હિંમત બતાવી; શાંતિ પણ ખૂબ જાળવી; રોજની સભામાં ખૂબ સંખ્યામાં હાજરી આપી. રોજ પ્રતિજ્ઞાનું સ્મરણ તેમને હું કરાવતો. ‘અમે મરશું, પણ અમારી એક ટેક કદી નહીં છોડીએ,’ એમ રોજ તેઓ પોકારી પોકારીને કહેતા.
પણ છેવટે તેઓ મોળા પડતા લાગ્યા, ને નબળો આદમી જેમ હિંસક હોય છે તેમ નબળા પડ્યા તે જેઓ મિલમાં જતા તેમનો દ્વેષ કરવા લાગ્યા, ને કદાચ કોઈની ઉપર બળાત્કાર વાપરશે એવી મને બીક લાગી. રોજની સભામાં માણસોની હાજરી મોળી પડી. આવ્યા તેમના ચહેરા ઉપર ઉદાસીનતા છવાઈ હતી. મને ખબર મળી કે મજૂરો ડગવા લાગ્યા છે. હું મૂંઝાયો. આવે સમયે મારો ધર્મ શો છે એ વિચારવા લાગ્યો. દક્ષિણ આફ્રિકાની મજૂરોની હડતાળનો મને અનુભવ હતો, પણ આ અનુભવ નવો હતો. જે પ્રતિજ્ઞા કરવામાં મારી પ્રેરણા હતી, જેનો હું રોજ સાક્ષી બનતો, એ પ્રતિજ્ઞા કેમ તૂટે? આ વિચાર અભિમાન ગણાય, અથવા તે મજૂરો પ્રત્યેનો અને સત્ય પ્રત્યેનો પ્રેમ ગણાય.
સવારનો પહોર હતો. હું સભામાં હતો. મને કંઈ ખબર નહોતી કે મારે શું કરવું છે. પણ સભામાં જ મારાથી કહેવાઈ ગયું, ‘જો મજૂરો પાછા સજ્જ ન થાય ને નિકાલ ન થાય ત્યાં લગી હડતાળ નિભાવી ન શકે તો અને ત્યાં લગી મારે ઉપવાસ કરવો છે.’
હાજર રહેલા મજૂરો હેબતાઈ ગયા, અનસૂયાબહેનની આંખમાંથી આંસુની ધારા ચાલી. મજૂરો બોલી ઊઠયા, ‘તમે નહીં, અમે ઉપવાસ કરીશું, પણ તમારાથી ઉપવાસ થાય નહીં. અમને માફ કરો, અમારી ટેક પાળશું.’
મેં કહ્યું, ‘તમારે ઉપવાસ કરવાની જરૂર નથી. તમે તમારી પ્રતિજ્ઞાનું પાલન કરો એટલે બસ છે. આપણી પાસે પૈસા નથી, આપણે મજૂરોને ભિક્ષાન્ન ખવડાવી હડતાળ નથી ચલાવવી. તમે કંઈક મજૂરી કરો ને તમારી રોજની રોટી જેટલા પૈસા મેળવો એટલે હડતાળ ગમે તેટલી ચાલે તોપણ તમે નિશ્ચિંત રહી શકો. મારો ઉપવાસ હવે નિકાલ પહેલાં ન છૂટે.’
વલ્લભભાઈ તેમને માટે મ્યુનિસિપાલિટીમાં કામ શોધતા હતા, પણ ત્યાં કંઈ મળે તેમ નહોતું. આશ્રમની વણાટશાળામાં રેતીની પૂરણી પૂરવાની હતી, તેમાં ઘણાં મજૂરોને કામ સોંપવું એમ મગનલાલે સૂચવ્યું. મજૂરો તેમ કરવા તૈયાર થયા. અનસૂયાબહેને પહેલ કરી, ને નદીમાંથી રેતીના ટોપલા સારતા મજૂરોની હાર જામી. આ દૃશ્ય જોવા જેવું હતું. મજૂરોમાં નવું જોર આવ્યું. તેમને પૈસા ચૂકવનારા ચૂકવતાં થાક્યા.
આ ઉપવાસમાં એક દોષ હતો. માલિકોની સાથે મને મીઠો સંબંધ હતો એ હું લખી ચૂક્યો છું. તેથી તેમને ઉપવાસ સ્પર્શ કર્યા વિના ન જ રહે. સત્યાગ્રહી તરીકે મારાથી તેમની સામે ઉપવાસ ન જ કરાય એ હું જાણતો હતો. તેમની ઉપર જે અસર પડે તે મજૂરોની હડતાળની જ પડવી જોઈએ. મારું પ્રાયશ્ચિત્ત તેમના દોષોને સારું નહોતું; મજૂરોના દોષને અંગે હતું. હું મજૂરોનો પ્રતિનિધિ હતો, તેથી તેમનો દોષે હું દોષિત થાઉં. માલિકોને તો મારાથી માત્ર વીનવાય, તેમની પાસે ઉપવાસ કરવો ત્રાગામાં ખપે. છતાં મારા ઉપવાસની તેમના ઉપર અસર પડ્યા વિના ન જ રહે એમ હું જાણતો હતો. પડી પણ ખરી. પણ મારા ઉપવાસને હું રોકી શકતો નહોતો, આવો દોષમય ઉપવાસ કરવાનો મારો ધર્મ મેં પ્રત્યક્ષ જોયો.
માલિકોને મેં સમજાવ્યા, ‘મારા ઉપવાસથી તમારે તમારો માર્ગ છોડવાની જરાયે જરૂર નથી.’ તેમણે મને કડવાંમીઠાં મહેણાં પણ માર્યાં. તેમ કરવાનો તેમને અધિકાર હતો.
શેઠ અંબાલાલ આ હડતાળની સામે મક્કમ રહેવામાં અગ્રેસર હતા. તેમની દૃઢતા આશ્ચર્ય પમાડનારી હતી. તેમની નિખાલસતા પણ મને તેટલી જ ગમી. તેમની સામે લડવું મને પ્રિય લાગ્યું. એમના જેવા અગ્રેસર જ્યાં વિરોધી પક્ષમાં હતા ત્યાં ઉપવાસની તેમની ઉપર પડનારી આડી અસર મને ખૂંચી. વળી તેમનાં ધર્મપત્ની શ્રી સરલાદેવીનો મારા પ્રત્યે સગી બહેનના જેટલો પ્રેમ હતો. મારા ઉપવાસથી તેમને થતી અકળામણ મારાથી જોઈ જતી નહોતી.
મારા પહેલા ઉપવાસમાં તો અનસૂયાબહેન, બીજા ઘણા મિત્રો ને મજૂરો સાથી થયા. તેમને વધારે ઉપવાસ ન કરવા હું મુશ્કેલીથી સમજાવી શક્યો. આમ ચોમેર વાતાવરણ પ્રેમમય બની ગયું. માલિકો કેવળ દયાને વશ થઈ સમાધાની કરવાના રસ્તા શોધવા લાગ્યા. અનસૂયાબહેનને ત્યાં તેમની મસલતો ચાલવા લાગી. શ્રી આનંદશંકર ધ્રુવ પણ વચમાં પડ્યા. છેવટે તેઓ પંચ નિમાયા અને હડતાળ છૂટી. મારે ત્રણ જ ઉપવાસ કરવા પડ્યા. માલિકોએ મજૂરોને મીઠાઈ વહેંચી. એકવીસ દિવસે સમાધાની થઈ. સમાધાનીનો મેળાવડો થયો તેમાં માલિકો અને ઉત્તર વિભાગના કમિશનર હાજર હતા. કમિશનરે મજૂરોને સલાહ આપી હતી, ‘તમારે હમેશાં મિ. ગાંધી કહે તેમ કરવું.’ એમની જ સામે મારે આ બનાવ પછી તુરત ઝૂઝવું પડયું હતું. સમય બદલાયો એટલે તે પણ બદલાયા, ને ખેડાના પાટીદારોને મારી સલાહ ન માનવાનું કહેવા લાગ્યા.
એક રસિક તેમ જ કરુણાજનક બનાવની નોંધ અહીં લેવી ઘટે છે. માલિકોએ તૈયાર કરાવેલી મીઠાઈ પુષ્કળ હતી, અને તે હજારો મજૂરોમાં કઈ રીતે વહેંચવી એ સવાલ થઈ પડયો હતો. જે ઝાડના આશ્રય તળે મજૂરોએ પ્રતિજ્ઞા લીધી હતી ત્યાં તે વહેંચવી યોગ્ય છે એમ જાણીને, અને બીજે ક્યાંયે હજારો મજૂરોને એકઠા કરવા અગવડભરેલું ગણાય એમ સમજીને, ઝાડની આસપાસના ખુલ્લા મેદાનમાં વહેંચવાનો ઠરાવ થયો હતો. મારા ભોળપણમાં મેં માની લીધું કે એકવીસ દિવસ લગી નિયમનમાં રહેલા મજૂરો વિનાપ્રયત્ને હારબંધ ઊભા રહી મીઠાઈ લેશે ને અધીરા થઈ મીઠાઈ ઉપર હુમલો નહીં કરે. પણ મેદાનમાં વહેંચવાની બેત્રણ રીતો અજમાવી તે નિષ્ફળ ગઈ. બેત્રણ મિનિટ સીધું ચાલે ને તુરત બાંધેલી હાર તૂટે. મજૂરોના આગેવાનોએ ખૂબ પ્રયત્ન કર્યા પણ તે ફોગટ નીવડ્યા. છેવટે ભીડ, ઘોંઘાટ ને હુમલો એવાં થયાં કે કેટલીક મીઠાઈ કચરાઈ બરબાદ ગઈ. મેદાનમાં વહેંચવાનું બંધ કરવું પડયું, ને મુશ્કેલીથી રહેલી મીઠાઈને બચાવીને શેઠ અંબાલાલના મિરજાપુરને બંગલે પહોંચાડી શક્યા. આ મીઠાઈ બીજે દહાડે બંગલાના મેદાનમાં જ વહેંચવી પડી.
આમાં રહેલો હાસ્યરસ સ્પષ્ટ છે. ‘એક ટેક’ના ઝાડ પાસે મીઠાઈ ન વહેંચી શકાઈ તેનું કારણ શોધતાં એમ જોવામાં આવ્યું કે, મીઠાઈ વહેંચવાની છે એ જાણવાથી અમદાવાદના ભિખારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા, ને તેમણે કતારો તોડી મીઠાઈ ઝડપવાના પ્રયત્નો કરેલા. આ કરુણરસ હતો.
આ દેશ ભૂખમરાથી એવો પીડાય છે કે, ભિખારીઓની સંખ્યા વધતી જાય છે ને તેઓ ખાવાનું મેળવવાને સારુ સામાન્ય મર્યાદાનો લોપ કરે છે. ધનિક લોકો વગરવિચારે, આવા ભિખારીઓને સારુ કામ શોધી આપવાને બદલે તેમને ભિક્ષા આપી પોષે છે.