સત્યના પ્રયોગો/કસોટીએ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૦. કસોટીએ ચડયા

આશ્રમની હસ્તીને હજુ થોડા જ મહિના થયા હતા, તેટલામાં જેવી કસોટીની મને આશા નહોતી તેવી અમારી કસોટી થઈ. ભાઈ અમૃતલાલ ઠક્કરનો કાગળ મળ્યોઃ ‘એક ગરીબ અને પ્રામાણિક અંત્યજ કુટુંબ છે. તેની ઇચ્છા તમારા આશ્રમમાં આવીને રહેવાની છે. તેને લેશો?’

હું ભડક્યો ખરો. ઠક્કર બાપા જેવાની ભલામણ લઈને આવનાર અંત્યજ કુટુંબ આટલું વહેલું આવે એવી મેં મુદ્દલ આશા રાખી નહોતી. સાથીઓને કાગળ વંચાવ્યો. તેમણે વધાવ્યો. તે કુટુંબ આશ્રમના નિયમ પાળવા તૈયાર હોય તો તેને લેવાની તૈયારી ભાઈ અમૃતલાલ ઠક્કરને જણાવી.

દૂદાભાઈ, તેમનાં પત્ની દાનીબહેન અને રીખતી ધાવણી લક્ષ્મી આવ્યાં. દૂદાભાઈ મુંબઈમાં શિક્ષકનું કામ કરતા હતા. નિયમોનું પાલન કરવા તૈયાર હતા. તેમને આશ્રમમાં લીધા.

સહાયક મંત્રીમંડળમાં ખળભળાટ થયો. જે કૂવામાં બંગલાના માલિકનો ભાગ હતો તે કૂવામાંથી પાણી ભરવામાં જ અડચણ આવવા લાગી. કોસવાળાને અમારા પાણીના છાંટા અડે તો તે અભડાય. તેણે ગાળો શરૂ કરી, દૂદાભાઈને પજવવાનું શરૂ કર્યું. ગાળો સહન કરવાનું ને દૃઢતાપૂર્વક પાણી ભરવાનું જારી રાખવાનું મેં સહુને કહી દીધું. અમને ગાળ સાંભળતા જોઈ કોસવાળો શરમાયો ને તેણે છેડ મૂકી. પણ પૈસાની મદદ તો બંધ થઈ. જે ભાઈએ આશ્રમના નિયમો પાળનારા અંત્યજોના પ્રવેશ વિશે પ્રથમથી જ શંકા કરી હતી તેમને તો આશ્રમમાં અંત્યજ દાખલ થવાની આશા જ નહોતી. પૈસાની મદદ બંધ પડી. બહિષ્કારની અફવા મારે કાને આવવા માંડી. મેં સાથીઓની સાથે વિચારી મેલ્યું હતું. ‘જો આપણો બહિષ્કાર થાય ને આપણી પાસે કશી મદદ ન રહે તોયે આપણે હવે અમદાવાદ નહીં છોડીએ. અંત્યજવાડામાં જઈને તેમની સાથે રહીશું, ને જે કંઈ મળી રહેશે તેની ઉપર અથવા મજૂરી કરીને નિર્વાહ કરીશું.’

છેવટે મગનલાલે મને નોટિસ આપીઃ ‘આવતે મહિને આશ્રમખર્ચ ચલાવવાના પૈસા આપણી પાસે નથી.’ મેં ધીરજથી જવાબ આપ્યોઃ ‘તો આપણે અંત્યજવાડે રહેવા જઈશું.’

મારી ઉપર આવી ભીડ આ પહેલી વાર નહોતી. દરેક વારે છેલ્લ ઘડીએ શામળાએ મદદ મોકલી દીધી છે.’

મગનલાલે નોટિસ આપ્યા પછી તુરત જ એક સવારે કોઈ બાળકે ખબર આપ્યાઃ ‘બહાર મોટર ઊભી છે, ને એક શેઠ તમને બોલાવે છે.’ હું મોટર પાસે ગયો. શેઠે મને પૂછયુઃ ‘મારી ઇચ્છા આશ્રમને કંઈક મદદ દેવાની છે, તમે લેશો?’ મેં જવાબ આપ્યોઃ ‘જો કંઈ આપો તો હું જરૂર લઉં. મારે કબૂલ કરવું જોઈએ કે અત્યારે હું ભીડમાં પણ છું.’

‘હું કાલે આ જ વેળાએ આવીશ ત્યારે તમે આશ્રમમાં હશો?’ મેં હા કહી ને શેઠ ગયા. બીજે દહાડે નીમેલે સમયે મોટરનું ભૂંગળું વાગ્યું. બાળકોએ ખબર આપી. શેઠ અંદર ન આવ્યા. હું તેમને મળવા ગયો. તેઓ મારા હાથમાં રૂ. ૧૩,૦૦૦ની નોટો મૂકી ચાલતા થયા.

આ મદદની મેં કદી આશા નહોતી રાખી. મદદ આપવાની રીત પણ નવી ભાળી. તેમણે આશ્રમમાં પહેલાં કદી પગ મૂક્યો નહોતો. તેમને હું એક જ વાર મળ્યો હતો એવું મને યાદ છે. ન આશ્રમમાં આવવું, ન પૂછવું; બારોબાર પૈસા આપીને ચાલતા થવું. મારો પહેલો જ અનુભવ હતો. આ મદદથી અંત્યજવાડામાં જવાનું આળસ્યું. લગભગ એક વર્ષનું ખર્ચ મને મળી ગયું.

પણ જેમ બહાર ખળભળાટ થયો તેમ જ આશ્રમમાંયે થયો. જોકે દક્ષિણ આફ્રિકામાં મારે ત્યાં અંત્યજો વગેરે આવતા, રહેતા, જમતા, પણ અહીં અંત્યજ કુટુંબનું આવવું પત્નીને અને બીજા સ્ત્રીમંડળને ગમ્યું એમ ન કહેવાય. દાનીબહેન પ્રત્યેનો અણગમો નહીં તો તેમના પ્રત્યેની ઉદાસીનતા, એવી બાબતમાં મારી બહુ ઝીણી આંખ જોઈ જતી અને તીણા કાન સાંભળી જતા. આર્થિક મદદના અભાવની બીકે મને જરાય ચિંતામાં નહોતો નાખ્યો. પણ આ આંતરખળભળાટ વસમો થઈ પડયો. દાનીબહેન સામાન્ય બાઈ હતી. દુદાભાઈનું ભણતર સહજ હતું, પણ તેમની સમજણ સારી હતી, તેમની ધીરજ મને ગમી હતી. તેમને કોઈ વેળા ક્રોધ આવતો, પણ એકંદરે તેમની સહનશક્તિની મારી ઉપર સારી છાપ પડેલી. ઝીણાં અમપાનો ગળી જવાનું હું દૂદાભાઈને વીનવતો ને તે સમજી જતા અને દાનીબહેન પાસે સહન કરાવતા.

આ કુટુંબને આશ્રમમાં રાખીને આશ્રમને ઘણા પાઠ મળ્યા છે. અને આરંભકાળમાં જ અસ્પૃશ્યતાને આશ્રમમાં સ્થાન નથી જ એમ સાવ સ્પષ્ટ થઈ જવાથી, આશ્રમની મર્યાદા અંકાઈ ગઈ, ને તેનું કામ એ દિશામાં બહુ સરળ થઈ ગયું. આમ છતાં, આશ્રમને તેનું ખર્ચ, વધતું જતું હોવા છતાં, મુખ્ય ભાગ્યે ચુસ્ત ગણાતા હિંદુઓ તરફથી જે મળતું આવ્યું છે એ કદાચ સ્પષ્ટ રીતે સૂચવે છે કે અસ્પૃશ્યતાની જડ સારી પેઠે હલી ગઈ છે. આના બીજા પુરાવા તો ઘણાયે છે જ. પણ અંત્યજની સાથે જ્યાં ખાવા સુધીના વહેવાર રાખવામાં આવે છે ત્યાં પણ પોતાને સનાતની માનતા હિંદુ મદદ આપે એ નજીવો પુરાવો ન ગણાય.

આ જ પ્રશ્નને અંગે ત્રીજી પણ આશ્રમમાં થયેલી ચોખવટ, તેને અંગે ઊઠેલા નાજુક પ્રશ્નોનો ઉકેલ, કેટલીક અણધારી અગવડોનું વધાવી લેવું, વગેરે સત્યની શોધને અંગે થયેલા પ્રયોગોનાં વર્ણનો પ્રસ્તુત હોવા છતાં મારે મેલી દેવાં પડે છે, એનું મને દુઃખ છે. પણ હવે પછીનાં પ્રકરણોમાં આ દોષ રહ્યે જ જશે. અગત્યની હકીકતો મારે છોડવી પડશે, કેમ કે તેમાં ભાગ લેનારાં પાત્રો ઘણાં હજુ મોજૂદ છે, અને તેમની રજા વિના, તેમનાં નામો ને તેમની સાથેના પ્રસંગોનો છૂટથી ઉપયોગ કરવો અયોગ્ય લાગે છે. બધાની સંમતિ વખતોવખત માગવી અથવા તેમને લગતી હકીકતો તેમને મોકલી સુધરાવવી એ ન બને તેવું છે, ને આ આત્મકથાની મર્યાદાની બહારની એ વાત છે. તેથી, હવે પછીની કથા, જોકે મારી દૃષ્ટિએ સત્યના શોધકને સારુ જાણવાયોગ્ય છે તે છતાં, અધૂરી અપાયા કરશે એવો મને ડર છે. આમ છતાં, અસહકારના યુગ લગી ઈશ્વર પહોંચવા દે તો પહોંચવું એવી મારી ઇચ્છા ને આશા છે.