સત્યના પ્રયોગો/કેસ
કેસ ચાલ્યો. સરકારી વકીલ, મૅજિસ્ટ્રેટ વગેરે ગભરાયેલા હતા. શું કરવું તે તેમને સૂઝતું નહોતું. સરકારી વકલી સુનાવણી મુલતવી રાખવાની માગણી કરી રહ્યો હતો. હું વચ્ચે પડયો ને મેં વિનંતી કરી કે મુલતવી રાખવાની કશી જરૂર નથી, કેમ કે મારે ચંપારણ છોડવાની નોટિસનો અનાદર કર્યાનો ગુનો કબૂલ કરવો છે. એમ કહીને મેં બહુ જ નાનકડું બયાન તૈયાર કર્યું હતું તે વાંચી ગયો. તે આ પ્રમાણે હતું:
‘ફોજદારી કામ ચલાવવાની રીતના કાયદાની ૧૪૪મી કલમ મુજબ કરેલા હુકમનો દેખીતો અનાદર કરવાનું ગંભીર પગલું મારે કેમ લેવું પડયું તે વિશે ટૂંકું બયાન અદાલતની પરવાનગીથી રજૂ કરવા ઇચ્છું છું. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે એ અનાદરનો સવાલ નથી, પણ સ્થાનિક સરકાર અને મારી વચ્ચે મતભેદનો સવાલ છે. હું આ પ્રદેશમાં જનસેવા અને દેશસેવા કરવાના હેતુથી દાખલ થયો. રૈયત સાથે નીલવરો ન્યાયથી વર્તતા નથી એ કારણે તેમને મદદ કરવાને આવવાનો ભારે આગ્રહ મને થયો એટલે જ મારે આવવું પડયું છે. આખા પ્રશ્નના અભ્યાસ વિના હું તેમને મદદ શી રીતે કરી શકું? એટલે હું એ પ્રશ્નનો અભ્યાસ કરવા, બની શકે તો સરકાર અને નીલવરોની મદદ લઈને, અભ્યાસ કરવા આવ્યો છું. બીજો કોઈ પણ ઉદ્દેશ મેં રાખ્યો નથી, અને મારા આવવાથી લોકોની શાંતિમાં ભંગ થશે અને ખુનામરકી થશે એ હું માની શકતો નથી. આ બાબતમાં મને ઠીક ઠીક અનુભવ છે એવો મારો દાવો છે. પણ સરકારનો વિચાર આ બાબતમાં મારાથી જુદો પડે છે. તેમની મુશ્કેલી હું સમજુ છું, અને હું એ પણ કબૂલ કરું છું કે તેમણે તો મળેલી હકીકત ઉપર જ વિશ્વાસ રાખવો રહ્યો. કાયદાને માન આપનાર પ્રજાજન તરીકે તો મને આપવામાં આવેલા હુકમને સ્વીકારવાનું સ્વાભાવિક મન થાય, અને થયું હતું. પણ તેમ કરવામાં હું જેમને માટે અહીં આવ્યો છું તેમના પ્રતિ મારા કર્તવ્યનો ઘાત કરું એમ મને લાગ્યું. મને લાગે છે કે તેમની સેવા મારાથી તેમની મધ્યમાં રહીને જ આજે થઈ શકે. એટલે સ્વેચ્છાએ ચંપારણ છોડી શકું એમ નથી. આવા ધર્મસંકટમાં મને ચંપારણમાંથી ખસેડવાની ફરજ હું સરકાર ઉપર નાખ્યા વિના ન રહી શક્યો.
‘હિંદના લોકજીવનમાં મારા જેવો જેની પ્રતિષ્ઠા છે તેવા માણસે અમુક પગલું લઈ દાખલો બેસાડવામાં ભારે કાળજી રાખવી જોઈએ એ હું બરોબર સમજું છું. પણ મારી દૃઢ માન્યતા છે કે, આજે જે અટપટી પરિસ્થિતિમાં અમે મુકાયેલા છીએ તેમાં મારા જેવા સંજોગોમાં મુકાયેલા સ્વાભિમાની માણસની પાસે બીજો એકે સલામત અને માનભર્યો રસ્તો નથી – સિવાય કે હુકમનો અનાદર કરી તે બદલ જે સજા થાય તે મૂંગે મોઢે ખમી લેવી.
‘મને જે સજા કરવા ધારો કે ઓછી કરવાના હેતુથી આ બયાન હું નથી રજૂ કરતો, પણ હુકમનો અનાદર કરવામાં કાયદેસર સ્થપાયેલી સત્તાનું અપમાન કરવાનો મારો ઉદ્દેશ ન હોઈ, મારું અંતર જે વધારે મોટો કાયદો સ્વીકારે છે – એટલે કે અંતરાત્માનો અવાજખ્ર્તેને અનુસરવાનો જ મારો ઉદ્દેશ છે. એ જ મારે જણાવવું હતું.
હવે કેસની સુનાવણી મુલતવી રાખવાપણું તો ન રહ્યું. પણ મૅજિસ્ટ્રેટ કે વકીલ આ પરિણામની આશા નહોતા રાખતા, તેથી સજાને સારુ કોર્ટે કેસ મુલતવી રાખ્યો. મેં વાઇસરૉયને બધી હકીકતનો તાર મોકલી દીધો હતો. પટણા પણ તાર કર્યો હતો. ભારતભૂષણ પંડિત માલવીયજી વગેરેને પણ હકીકતના તાર મોકલી દીધા હતા. સજાને સારુ કોર્ટમાં જવાનો સમય આવ્યો તેના પહેલાં મારી ઉપર મૅજિસ્ટ્રેટનો હુકમ આવ્યો કે ગર્વનર સાહેબના હુકમથી કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો છે, ને કલેક્ટરનો કાગળ મળ્યો કે મારે જે તપાસ કરવી હોય તે કરવી, ને તેમાં જે મદદ અમલદારો તરફથી જોઈએ તે માગવી. આવા તાત્કાલિક ને શુભ પરિણામની આશા અમે કોઈએ નહોતી રાખી.
હું કલેક્ટર મિ. હેકોકને મળ્યો. તે પોતે ભલો ને ઇન્સાફ કરવા તત્પર જણાયો. જે કાગળિયાં કે બીજું કંઈ જોવું હોય તે માગી લેવાનું, ને જ્યારે તેને મળવું હોય ત્યારે મળવાનું તેણે જણાવ્યું.
બીજી તરફથી આખા હિંદુસ્તાનને સત્યાગ્રહનો અથવા કાયદાના સવિનયભંગનો પહેલો સ્થાનિક પદાર્થપાઠ મળ્યો, છાપામાં વાત ખૂબ ચર્ચાઈ ને ચંપારણને તથા મારી તપાસને અણધારેલું જાહેરનામું મળ્યું.
મારી તપાસને સારુ જોકે સરકાર તરફથી નિષ્પક્ષપાતતાની મને જરૂર હતી, છતાં છાપાંની ચર્ચાની અને તેમના ખબરપત્રીઓની જરૂર નહોતી, એટલું જ નહીં પણ, તેમની અતિશય ટીકા તથા તપાસના મોટા રિપોર્ટોથી હાનિ થવાનો ભય હતો. તેથી મેં મુખ્ય છાપાના અધિપતિઓને વિનંતી કરી હતી કે તેમણે રિપોર્ટરોને મોકલવાના ખર્ચમાં ન ઊતરવું. જેટલું છાપવાની જરૂર હશે તેટલું હું મોકલતો રહીશ ને તેમને ખબર આપતો રહીશ.
ચંપારણના નીલવરો ખૂબ ખિજાયા હતા એ હું સમજતો હતો; અલમદારો પણ મનમાં રાજી ન હોય એ હું સમજતો હતો.
છાપાંમાં સાચીખોટી ખબરો આવે તેથી તેઓ વધારે ચિડાય, ને તેની ખીજની અસર મારી ઉપર તો શું જ ઊતરે, પણ ગરીબડી, બીકણ રૈયત ઉપર ઊતર્યા વિના ન રહે. અને આમ થવાથી જે સત્ય હકીકત હું શોધવા માગતો હતો તેમાં વિઘ્ન આવે. નીલવરો તરફથી તો ઝેરી હિલચાલ શરૂ થઈ ગઈ. તેમની તરફથી છાપાંમાં મારે વિશે ને સાથીઓ વિશે ખૂબ જૂઠાણાં ફેલાયાં, પણ મારી અત્યંત સાવધાનીને લીધે તથા ઝીણામાં ઝીણી બાબતમાં પણ સત્યને વળગી રહેવાની ટેવને લીધે તેમનાં તીર ફોકટ ગયાં.
બ્રજકિશોરબાબુની અનેક પ્રકારે નિંદા કરવામાં નીલવરોએ જરાયે કચાશ ન રાખી. પણ જેમ જેમ તેમની નિંદા કરતા કરતા ગયા તેમ તેમ બ્રજકિશોરબાબુની પ્રતિષ્ઠા વધતી ગઈ.
આવી નાજુક સ્થિતિમાં રિપોર્ટરોને આવવામાં મેં મુદ્દલ ઉત્તેજન ન આપ્યું. આગેવાનોને ન બોલાવ્યા. માલવીયજીએ મને કહેવડાવી મૂક્યું હતું: ‘જ્યારે જરૂર હોય ત્યારે બોલાવજો. હું આવવા તૈયાર છું.’ તેમને પણ તસ્દી ન આપી. લડતને રાજ્યપ્રકરણી સ્વરૂપ કદી પકડવા ન દીધું. જે બનતું હતું તેને વિશે પ્રસંગોપાત્ત રિપોર્ટ હું મુખ્ય પત્રોને મોકલ્યા કરતો હતો. રાજ્યપ્રકરણી કામ કરવાને સારુ પણ, જ્યાં રાજ્યપ્રકરણને અવકાશ ન હોય ત્યાં રાજ્યપ્રકરણનું સ્વરૂપ આપવાથી, બાવાનાં બંને બગડે છે, અને આમ વિષયનું સ્થાનાંતર ન કરવાથી બંને સુધરે છે, એમ મેં પુષ્કળ અનુભવે જોઈ લીધું હતું. શુદ્ધ લોકસેવામાં પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે રાજ્યપ્રકરણ રહેલું જ છે, એ ચંપારણની લડત સિદ્ધ કરી રહી હતી.