સત્યના પ્રયોગો/કોજાનેકલકી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૬. કો જાને કલ કી

ખબર નહીં ઇસ યુગમેં પલ કી,

સમઝ મન! કો જાને કલ કી?

કેસ પૂરો થયો એટલે પ્રિટોરિયામાં રહેવાનું મને પ્રયોજન ન રહ્યું. હું ડરબન ગયો. ત્યાં જઈ હિંદુસ્તાન પાછા જવાની તૈયારી કરી. અબદુલ્લા શેઠ મને માનપાન વિના જવા દે તેમ નહોતું. તેમણે સિડનહૅમમાં મારે સારુ ખાનપાનનો મેળાવડો કર્યો. ત્યાં આખો દિવસ ગાળવાનો હતો.

મારી પાસે કેટલાંક છાપાં પડ્યાં હતાં. તે હું જોઈ રહ્યો હતો. તેના એક ખૂણામાં મેં એક નાનકડો ફકરો જોયો. મથાળું ‘ઇન્ડિયન ફ્રેંચાઇઝ’ હતું. તેનો અર્થ ‘હિંદી મતાધિકાર’ થયો. ફકરાની મતલબ એ હતી કે, હિંદીઓને નાતાલની ધારાસભામાં સભ્યોની ચૂંટણી કરવાના હક હતા તે લઈ લેવા. આને લગતો કાયદો ધારાસભામાં ચર્ચાઈ રહ્યો હતો. હું આ કાયદાથી અજાણ્યો હતો. મિજલસમાંના કોઈને હિંદીઓના હક લઈ લેનારા આ ખરડા વિશે કંઈ ખબર નહોતી.

મેં અબદુલ્લા શેઠને પૂછયું. તેમણે કહ્યું, ‘આવી બાબતમાં અમે શું જાણીએ? અમને તો વેપાર ઉપર કંઈ આફત આવે તો તેની ખબર પડે. જુઓની, ઑરેન્જ ફ્રી સ્ટેટમાં અમારા વેપારની જડ ઊખડી ગઈ. તે બાબત અમે મહેનત કરી. પણ અમે તો અપંગ રહ્યા. છાપાં વાંચીએ તોયે ભાવતાલ જેટલું સમજીએ. કાયદાની વાતોની શી ખબર પડે? અમારાં આંખકાન અમારા ગોરા વકીલો.’

‘પણ અહીં જન્મેલા ને અંગ્રેજી ભણેલા આટલા બધા નૌજવાન હિંદીઓ આપણે ત્યાં છે તેનું શું?’ મેં પૂછયું.

‘અરે ભાઈ,’ અબદુલ્લા શેઠે કપાળે હાથ મૂક્યો. ‘તેમની પાસેથી તે શું મળે? તે બિચારા આમાં શું સમજે? તેઓ અમારી પાસે પણ ન ફરકે, ને સાચું પુછાવો તો અમે પણ તેમને ન ઓળખીએ. એ રહ્યા ખ્રિસ્તી એટલે પાદરીઓના પંજામાં, અને પાદરીઓ ગોરા, તે સરકારને તાબે!’

મારી આંખ ઊઘડી. આ વર્ગને અપનાવવો જોઈએ. ખ્રિસ્તી ધર્મનો આ જ અર્થ? તેઓ ખ્રિસ્તી એટલે દેશના મટયા? ને પરદેશી થયા?

પણ મારે તો દેશ પાછા ફરવું હતું એટલે ઉપરના વિચારોને મેં મૂર્તિમંત ન કર્યા. અબદુલ્લા શેઠને પૂછયું :

‘પણ આ કાયદો જો એમ ને એમ પસાર થાય તો તમને ભારે પડવાનો. આ તો હિંદીઓની વસ્તીના નાશનું પહેલું પગથિયું છે. આમાં સ્વમાનની હાનિ છે.’

‘તે હોય. પણ તમને હું આ ફરેંચાઈઝ (આમ અંગ્રેજી ભાષાના ઘણા શબ્દો પલટાઈને દેશીઓમાં રૂઢ થઈ ગયા હતા. ‘મતાધિકાર’ કહો તો કોઈ ન સમજે.)નો ઇતિહાસ કહું. અમે તો એમાં કંઈ જ ન સમજીએ. પણ આપણો મોટો વકીલ મિ. એસ્કંબ છે એ તો તમે જાણો જ છો. એ જબરો લડવૈયો છે. તેની ને અહીંના ફુરજાના એન્જિનિયરની વચ્ચે ખૂબ લડાઈ ચાલે છે. મિ. એસ્કંબને ધારાસભામાં જવામાં આ લડાઈ આડે આવતી હતી. તેણે એમને અમારી સ્થિતિનું ભાન કરાવ્યું. તેના કહેવાથી અમે અમારાં નામ મતાધિકારપત્રમાં નોંધાવ્યાં ને તે બધા મત મિ. એસ્કંબને આપ્યા. હવે તમે જોશો કે અમે આ મતની કિંમત તમે આંકો છો તેવી કેમ નથી આંકી. પણ તમે કહો છો તે હવે અમારાથી સમજી શકાય છે. વારુ, ત્યારે તમે શી સલાહ આપો છો?‘

આ વાત બીજા મહેમાનો ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા. તેમાંના એકે કહ્યું, ‘હું તમને સાચી વાત કહું? જો તમે આ સ્ટીમરમાં ન જાઓ ને મહિનોમાસ રોકાઈ જાઓ તો અમે તમે કહો તે પ્રમાણે લડીએ.’

બીજા બોલી ઊઠયા :

‘એ ખરી વાત છે. અબદુલ્લા શેઠ, તમે ગાંધીભાઈને રોકી રાખો.’

અબદુલ્લા શેઠ ઉસ્તાદ હતા. તે બોલ્યા, ‘હવે તેમને રોકવાનો મારો અધિકાર નથી, અથવા તો મને તેટલો તમને. પણ તમે કહો છો તે બરાબર છે. આપણે બધા તેમને રોકીએ. પણ એ તો બારિસ્ટર છે. એમની ફીનું શું?’

હું દુભાયો ને વચ્ચે પડયો.

‘અબદુલ્લા શેઠ, આમાં મારી ફીની વાત હોય જ નહીં. જાહેર સેવામાં ફી કેવી? હું રોકાઉં તો એક સેવક તરીકે રોકાઈ શકું. આ ભાઈઓને બધાને હું બરાબર ન ઓળખું. પણ તમે માનતા હો કે બધા મહેનત કરશે તો હું એક મહિનો રોકાઈ જવા તૈયાર છું. એટલું ખરું કે, જોકે તમારે મને કંઈ આપવાનું નથી છતાં આવા કામ તદ્દન વગર પૈસે તો ન જ થાય. આપણે તારો કરવા પડે, કંઈ છપાવવું પડે. જ્યાંત્યાં જવું જોઈએ તેનાં ગાડીભાડાં થાય. વખતે આપણે સ્થાનિક વકીલનીયે સલાહ લેવી પડે. મને અહીંના કાયદાની ખબર ન હોય. કાયદાનાં પુસ્તકો તપાસવાં જોઈએ. વળી આવાં કામ એક હાથે ન થાય. ઘણાએ તેમાં ભળવું જોઈએ.’

ઘણા અવાજ એકસાથે સંભળાયા : ‘ખુદાની મહેર છે, પૈસા તો ભેળા થઈ રહેશે. માણસો પણ છીએ. તમે રહેવાનું કબૂલ કરો એટલે બસ.’

મિજલસ મટી ને કાર્યવાહક સમિતિ થઈ પડી. ખાવાપીવાનું વહેલું ઉકેલી ઘેર પહોંચવાનું મેં સૂચવ્યું. લડતની રૂપરેખા મેં મનમાં ગોઠવી. મતાધિકાર કેટલાને છે વગેરે જાણી લીધું. મેં એક માસ રહી જવાનો નિશ્ચય કર્યો.

આમ દક્ષિણ આફ્રિકામાં મારા સ્થાયી રહેઠાણનો પાયો ઈશ્વરે રચ્યો ને સ્વમાનની લડતનું બીજ રોપાયું.