સત્યના પ્રયોગો/ગળીનોડાઘ
ચંપારણ જનક રાજાની ભૂમિ છે. ચંપારણમાં જેમ આંબાનાં વન છે તેમ ત્યાં સને ૧૯૧૭માં ગળીનાં ખેતરો હતાં. પોતાની જ જમીનના ભાગમાં ચંપારણના ખેડૂતો ગળીનું વાવેતર તેના મૂળ માલિકને સારુ કરવા કાયદેથી બંધાયેલા હતા. આનું નામ ‘તીનકઠિયા’ કહેવાતું હતું. વીસ કઠાનો ત્યાંનો એક એકર ને તેમાંથી ત્રણ કઠાનું વાવેતર એનું નામ તીનકઠિયાનો રિવાજ.
મારે કબૂલ કરવું જોઈએ કે હું ત્યાં પહોંચ્યો તેના પહેલાં ચંપારણનાં નામનિશાન જાણતો નહોતો. ગળીનું વાવેતર થાય છે એ ખ્યાલ પણ નહીં જેવો જ હતો. ગળીની ગોટીઓ જોઈ હતી, પણ એ ચંપારણમાં બનતી હતી ને તેને અંગે હજારો ખેડૂતોને દુઃખ વેઠવું પડતું હતું એની કશી ખબર નહોતી.
રાજકુમાર શુક્લ કરીને ચંપારણના એક ખેડૂત હતા. તેમની ઉપર દુઃખ પડેલું. એ દુઃખ તેમને કઠતું હતું. પણ તેમને આ ગળીનો ડાઘ બધાને સારુ ધોઈ નાખવાની ધગશ પોતાના દુઃખમાંથી થઈ આવી હતી.
લખનૌની મહાસભામાં હું ગયો ત્યાં આ ખેડૂતે મારો કેડો પકડયો. ‘વકીલ બાબુ આપકો સબ હાલ બતાયેંગે,’ એમ કહેતા જાય ને મને ચંપારણ જવાને નોતરતા જાય.
વકીલ બાબુ તે મારા ચંપારણના પ્રિય સાથી, બિહારના સેવાજીવનના પ્રાણ બ્રજકિશોરબાબુ. તેમને રાજકુમાર શુક્લ મારા તંબૂમાં લાવ્યા. તેમણે કાળુ આલપાકાનું અચકન, પાટલૂન વગેરે પહેરેલાં. મારી ઉપર કંઈ સારી છાપ ન પડી. મેં માની લીધું કે ભોળા ખેડૂતને લૂંટનાર આ કોઈ વકીલ સાહેબ હશે.
મેં ચંપારણનો કિસ્સો તેમની પાસેથી થોડોક સાંભળ્યો. મારા રિવાજ પ્રમાણે મેં જવાબ દીધોઃ ‘જાતે જોયા વિના આ વિષય ઉપર હું કંઈ અભિપ્રાય ન આપી શકું. તમે મહાસભામાં બોલજો. મને તો હમણાં છોડી જ દેજો.’ રાજકુમાર શુક્લને મહાસભાની મદદ તો જોઈતી જ હતી. ચંપારણને વિશે મહાસભામાં બ્રજકિશોરબાબુ બોલ્યા ને દિલસોજીનો ઠરાવ પાસ થયો.
રાજકુમાર શુક્લ રાજી થયા, પણ તેટલેથી જ તેમને સંતોષ ન થયો. તે તો મને જાતે ચંપારણના ખેડૂતોનાં દુઃખ દેખાડવા માગતા હતા. મેં કહ્યું, ‘મારા ભ્રમણમાં હું ચંપારણને પણ લઈશ, ને એકબે દિવસ આપીશ.’ તેમણે કહ્યું: ‘એક દિન કાફી હોગા, નજરોંસે દેખિયે તો સહી.’
લખનૌથી હું કાનપુર ગયેલો. ત્યાં પણ રાજકુમાર શુક્લ હાજર જ. ‘યહાંસે ચંપારણ બહોત નજદીક હૈ, એક દિન દે’દો.’ ‘હમણાં મને માફ કરો. પણ હું આવીશ એટલું વચન આપું છું.’ એમ કહી હું વધારે બંધાયો.
હું આશ્રમ ગયો તો રાજકુમાર શુક્લ મારી પૂઠે જ હતા, ‘અબ તો દિન મુકરર કીજિયે.’ મેં કહ્યું, ‘જાઓ, મારે ફલાણી તારીખે કલકત્તા જવું છે ત્યાં આવજો ને મને લઈ જજો.’ ક્યાં જવું, શું કરવું, શું જોવું એની મને કશી ખબર નહોતી. કલકત્તામાં હું ભૂપેનબાબુને ત્યાં પહોંચુ તેના પહેલાં તેમણે તેમને ત્યાં ધામો નાખ્યો જ હતો. આ અભણ, અણધડ પણ નિશ્ચયવાન ખેડૂતે મને જીત્યો.
૧૯૧૭ની સાલના આરંભમાં કલકત્તાથી અમે બે જણ રવાના થયા. બંને સરખી જોડી. બંને ખેડૂત જેવા જ લાગીએ. રાજકુમાર શુક્લ લઈ ગયા તે ગાડીમાં અમે બંને પેઠા. સવારના પટણા ઊતર્યા.
પટણાની આ મારી પહેલી મુસાફરી હતી. પટણામાં હું કોઈને ઘેર ઊતરી શકું એવી ઓળખાણ કોઈની સાથે મને નહોતી. મારા મનમાં એમ હતું કે, રાજકુમાર શુક્લ જોકે અણધડ ખેડૂત છે છતાં તેમને કંઈ વગવસીલો હતો હશે જ. ટ્રેનમાં મને તેમની કંઈક વધારે ખબર પડવા લાગી. પટણામાં પોત કળાઈ ગયું. રાજકુમાર શુક્લની બુદ્ધિ નિર્દોષ હતી, તેમણે જેમને મિત્ર માન્યા હતા તે વકીલો તેમના મિત્ર નહોતા, પણ રાજકુમાર શુક્લ તેમના વસવાયા જેવા હતા. ખેડૂત અસીલ અને વકીલોની વચ્ચે તો અંતર ચોમાસાની ગંગાના પહોળા પટ જેટલું હતું.
મને તે રાજેદ્રબાબુને ત્યાં લઈ ગયા. રાજેદ્રબાબુ પુરી કે ક્યાંક ગયા હતા. બંગલે એકબે નોકર હતા. ખાવાનું કંઈક મારી સાથે હતું. મારે ખજૂર જોઈતું હતું તે બિચારા રાજકુમાર શુક્લ બજારમાંથી લાવ્યા.
પણ બિહારમાં તો છૂતાછૂતનો રિવાજ સખત હતો. મારી ડોલના પાણીના છાંટા નોકરને અભડાવે. નોકર શું જાણે હું કઈ જાત હોઈશ. અંદરના પાયખાનાનો ઉપયોગ કરવાનું રાજકુમારે બતાવ્યું. નોકરે બહારના પાયખાના તરફ આંગળી ચીંધી. મને આમાં ક્યાંયે મૂંઝાવાનું કે રોષનું કારણ નહોતું. આવા અનુભવોમાં હું રીઢો થયો હતો. નોકર તો પોતાનો ધર્મ પાળતો હતો, ને રાજેદ્રબાબુ પ્રત્યેની પોતાની ફરજ બજાવતો હતો. આ રમૂજી અનુભવોથી રાજકુમાર શુક્લ વિશે જેમ મારું માન વધ્યું તેમ તેમને વિશે મારું જ્ઞાન પણ વધ્યું. પટણાથી મેં લગામ મારે હાથ કરી.