સત્યના પ્રયોગો/ચાલાકી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચાલાકી

મારી સલાહની યોગ્યતા વિશે મને મુદ્દલ શંકા નહોતી. પણ તે કેસને પૂરો ન્યાય આપવાની મારી યોગ્યતા વિશે શંકા પુષ્કળ હતી. એવો જોખમવાળા કેસની દલીલ વરિષ્ઠ અદાલતમાં મારે કરવી એ મને બહુ જોખમભરેલું લાગ્યું. તેથી મનમાં ધ્રૂજતો ધ્રજૂતો હું ન્યાયાધીશોની સામે ઊભો રહ્યો. જેવી પેલી ભૂલની વાત નીકળી તેવા જ એક ન્યાયાધીશ બોલી ઊઠયાઃ

‘આ ચાલાકી ન કહેવાય?’

હું રાતોપીળો થયો. જ્યાં ચાલાકીની ગંધ સરખીયે નહોતી ત્યાં ચાલાકીનો શક આવે એ અસહ્ય લાગ્યું. ‘પહેલેથી જ જ્યાં જજ ભરમાયા છે ત્યાં આ કઠણ કેસ કેમ જીતી શકાય?’ મેં મનમાં વિચાર્યું.

મારા રોષને દબાવ્યો, ને મેં શાન્ત થઈ જવાબ આપ્યોઃ

‘મને આશ્ચર્ય થાય છે કે આપ પૂરી હકીકત સાંભળ્યા પહેલાં જ ચાલાકીનો આરોપ મૂકો છો?’

‘હું આરોપ નથી મૂકતો, માત્ર શંકા ઉઠાવું છું,’ જજ બોલ્યા.

‘આપની શંકા જ મને તો આરોપરૂપ લાગે છે. મારી હકીકત સમજાવું ને પછી શંકાને સ્થાન હોય તો આપ અવશ્ય શંકા ઉઠાવજો,’ મેં ઉત્તર આપ્યો.

‘હું દિલગીર છું કે તમને મેં અધવચમાં રોક્યા છે. તમારો ખુલાસો સમજાવો.’ જજ શાંત થઈ બોલ્યા.

મારી પાસે ખુલાસાને સારુ સંપૂર્ણ મસાલો હતો. આરંભકાળમાં જ શંકા ઊઠી ને જજનું ધ્યાન હું મારી દલીલ ઉપર પરોવાવી શક્યો, તેથી મને હિંમત આવી ને મેં વિગતવાર સમજણ પાડી. જજોએ તે ધીરજપૂર્વક સાંભળી, ને તેઓ સમજ્યા કે ભૂલ સરતચૂકથી જ થયેલી છે; ને ઘણા પરિશ્રમે તૈયાર થયેલો હિસાબ રદ કરવો એ તેમને ન રુચ્યું.

સામેના વકીલને તો ખાતરી જ હતી કે ભૂલના સ્વીકાર પછી તેમને બહુ દલીલ કરવાપણું નહીં રહે. પણ જજો આવી સ્પષ્ટ ને સુધરી શકે તેવી બાબતમાં પંચનો ઠરાવ રદ કરવા મુદ્દલ તૈયાર નહોતા. સામા પક્ષના વકીલે પુષ્કળ માથાકૂટ કરી, પણ જે જજને શંકા ઊઠી હતી તે જ મારા હિમાયતી થઈ બેઠા હતા.

‘મિ. ગાંધીએ ભૂલ કબૂલ ન કરી હોત તો તમે શું કરત?’ જજ બોલ્યા.

‘જે હિસાબના વિશારદને અમે નીમ્યા તેના કરતાં વધારે હોશિયાર કે પ્રામાણિક વિશારદને અમે ક્યાંથી લાવીએ?’

‘તમે તમારો કેસ બરોબર જાણો છો એમ અમારે માનવું જોઈએ. હરકોઈ હિસાબના અનુભવી ભૂલ કરી શકે એવી ભૂલ ઉપરાંત બીજી ભૂલ તમે ન બતાવી શકો તો કાયદાની નજીવી બારીને લીધે બન્ને પક્ષોને નવેસરથી ખર્ચમાં ઉતારવા અદાલત તૈયાર નહીં થાય. ને જો તમે કહેશો કે અદાલતે જ આ કેસ નવેસરથી સાંભળવો તો એ બનવાજોગ નથી.’

આવી ને આવી જાતની અનેક દલીલોથી વકીલને શાન્ત કરી, ભૂલ સુધારીને અથવા એટલી ભૂલ સુધારીને ફરી ઠરાવ મોકલવાનો હુકમ પંચ ઉપર કરી, તે સુધરેલા ઠરાવને બહાલ રાખ્યો.

મારા હર્ષનો પાર ન રહ્યો. અસીલ અને મોટા વકીલ રાજી થયા, ને વકીલાતના કામમાં પણ સત્ય જાળવીને કામ થઈ શકે એવી મારી માન્યતા દૃઢ થઈ.

ધંધાર્થે કરેલી વકીલાતમાત્રના મૂળમાં જે દોષ રહેલો છે તેને આ સત્યની રક્ષા ઢાંકી નથી શકતી એ વાંચનારે યાદ રાખવાની જરૂર છે.