સત્યના પ્રયોગો/ઢેડવાડો
હિંદુસ્તાનમાં આપણી મોટામાં મોટી સમાજસેવા કરનારા ઢેડ, ભંગી ઇત્યાદિ જેને અસ્પૃશ્ય ગણીએ છીએ તેને ગામ બહાર નોખા રાખીએ છીએ, ગુજરાતીમાં તેમના વાસને ઢેડવાડો કહીએ છીએ, ને તે નામ લેતાં સુંગાઈએ છીએ. આ જ પ્રમાણે ખ્રિસ્તી યુરોપમાં એક જમાનામાં યહૂદીઓ અસ્પૃશ્ય ગણતા ને તેમને સારુ જે ઢેડવાડો વસાવવામાં આવતો તેનું નામ ‘ઘેટો’ કહેવાતું. તે અપશુકનિયું નામ ગણાતું. આ જ પ્રમાણે દક્ષિણ આફ્રિકામાં આપણે હિંદીઓ ત્યાંના ઢેડ બન્યા છીએ. ઍન્ડ્રૂઝના આપભોગથી ને શાસ્ત્રીજીની જાદુઈ લાકડીથી આપણી શુદ્ધિ થશે એને પરિણામે આપણે ઢેડ મટી સભ્ય ગણાઈશું કે નહીં તે હવે જોવાનું.
હિંદુઓની જેમ યહૂદીઓ પોતાને ઈશ્વરના માનીતા ને બીજાને અણમાનીતા ગણીને તે ગુનાની શિક્ષા વિચિત્ર રીતે ને અઘટિત રીતે પામ્યા. લગભગ તે જ રીતે હિંદુઓનું પણ પોતાને સંસ્કૃત કે આર્ય માની પોતાના જ એક અંગને પ્રાકૃત, અનાર્ય કે ઢેડ માન્યું છે. તેના પાપનું ફળ વિચિત્ર રીતે, ને ભલે અણઘટતી રીતે, દક્ષિણ આફ્રિકા ઇત્યાદિ સંસ્થાનોમાં તેઓ મેળવી રહ્યા છે, ને તેમાં તેમના પડોશી મુસલમાન, પારસી જેઓ તેમના જ રંગના ને દેશના છે તે સંડોવાયા છે એવી મારી માન્યતા છે.
જોહાનિસબર્ગના લોકેશનને વિશે આ પ્રકરણ રોક્યું છે તેનો કંઈક ખ્યાલ વાંચનારને હવે આવશે. આપણે દક્ષિણ આફ્રિકામાં ‘કુલી’ તરીકે ‘પંકાયેલા’ છીએ. ‘કુલી’ શબ્દનો અર્થ અહીં તો માત્ર મજૂર કરીએ છીએ. પણ દક્ષિણ આફ્રિકામાં થતો તે શબ્દનો અર્થ ઢેડ, પંચમ, ઇત્યાદિ તિરસ્કારવાચક શબ્દોથી જ સૂચવી શકાય. દક્ષિણ આફ્રિકામાં જે સ્થાન ‘કુલી’ઓને રહેવા માટે નોખું રાખવામાં આવે છે તે ‘કુલી લોકેશન’ કહેવાય છે. આવું લોકેશન જોહાનિસબર્ગમાં હતું. બીજી બધી જગ્યાએ જે ‘લોકેશન’ રાખવામાં આવ્યાં હતાં ને હજુ છે ત્યાં હિંદીઓને કશો માલકીહક નથી હોતો. પણ આ જોહાનિસબર્ગના લોકેશનમાં જમીનનો નવાણું વર્ષનો પટ્ટો અપાયો હતો. આમાં હિંદીઓની વસ્તી ખીચોખીચ હતી. વસ્તી વધે પણ લોકેશન વધે તેમ નહોતું. તેનાં પાયખાનાં જેમ તેમ સાફ થતાં ખરાં, પણ આ ઉપરાંત કશી જ વધારે દેખરેખ મ્યુનિસિપાલિટી તરફથી નહોતી થતી. ત્યાં સડક કે દીવાબત્તી તો હોય જ શેનાં? આમ જ્યાં લોકોની શૌચાદિને લગતી રહેણી વિશે પણ કોઈને દરકાર નહોતી ત્યાં સફાઈ ક્યાંથી હોય? જે હિંદીઓ ત્યાં વસતા હતા તે કંઈ શહેરસુધરાઈ, આરોગ્ય ઇત્યાદિના નિયમો જાણનારા સુશિક્ષિત આદર્શ હિંદીઓ નહોતા કે તેમને મ્યુનિસિપાલિટીની મદદની કે તેમની રહેણી ઉપર તેની દેખરેખની જરૂર ન હોય. જંગલમાં મંગળ કરી શકે, ધૂળમાંથી ધાન કરી શકે એવા હિંદીઓ ત્યાં જઈ વસ્યા હોત તો તેમનો ઇતિહાસ જુદો જ હોત. આવા સંખ્યાબંધ લોકો દુનિયામાં ક્યાંક પરદેશ ખેડતા જોવામાં નથી આવતા. સામાન્ય રીતે લોકો ધન અને ધંધાને અર્થે પરદેશ ખેડે છે. હિંદુસ્તાનથી તો મુખ્ય ભાગ ઘણા અભણ, ગરીબ, દીનદુઃખી મજૂરોનો જ ગયો. આને તો ડગલે ડગલે રક્ષાની જરૂર હતી. તેમની પાછળ વેપારી ને બીજા સ્વતંત્ર હિંદીઓ ગયા તે તો ખોબા જેટલા હતા.
આમ સફાઈની રક્ષા કરનાર ખાતાની અક્ષમ્ય ગફલતથી ને હિંદી રહેવાસીઓના અજ્ઞાનથી લોકેશનની સ્થિતિ આરોગ્યદૃષ્ટિએ અવશ્ય ખરાબ હતી. તેને સુધારવાની જરા પણ યોગ્ય કોશિશ સુધરાઈખાતાએ ન જ કરી. પણ પોતાના જ દોષથી ઉત્પન્ન થયેલી ખરાબીને નિમિત્ત કરીને મજકૂર લોકેશનનો નાશ કરવાનો નિશ્ચય તે ખાતાએ કર્યો, ને તે જમીનનો કબજો લેવાની સત્તા ત્યાંની ધારાસભા પાસેથી મેળવી. હું જ્યારે જોહાનિસબર્ગમાં જઈ વસ્યો ત્યારે આ સ્થિતિ વર્તતી હતી.
રહેનારાઓ પોતાની જમીનના ધણી હતા, એટલે તેમને કંઈ નુકસાની તો આપવી જ જોઈએ. નુકસાનીની રકમ ઠરાવવાને સારુ ખાસ અદાલત બેઠી હતી. મ્યુનિસિપાલિટી જે રકમ આપવા તૈયાર થાય તે જો ઘરધણી ન સ્વીકારે તો મજકૂર અદાલત જે ઠરાવે તે મળે. જો મ્યુનિસિપાલિટીએ કહેલા કરતાં અદાલત વધારે ઠરાવે તો ઘરધણીના વકીલનો ખર્ચ મ્યુનિસિપાલિટી ચૂકવે એવો કાયદો હતો.
આમાંના ઘણાખરા દાવાઓમાં ઘરધણીઓએ મને રોક્યો હતો. મારે આમાંથી પૈસા પેદા કરવાની ઇચ્છા નહોતી. મેં તેમને કહી દીધું હતું: ‘જો તમે જીતશો તો જે કેટલુંક ખર્ચ મ્યુનિસિપાલિટી તરફથી મળશે તેટલાથી હું સંતોષ માનીશ. તમારે તો હાર થાય કે જીત, મને પટ્ટા દીઠ દશ પાઉન્ડ આપવા એટલે બસ થશે.’ આમાંથી પણ અરધોઅરધ રકમ ગરીબોને માટે ઇસ્પિતાલ બાંધવાને કે એવા કોઈ સાર્વજનિક કામમાં વાપરવા સારુ નોખી રાખવાનો ઇરાદો મેં તેમને જણાવ્યો. સ્વાભાવિક રીતે આથી બધા બહુ રાજી થયા.
લગભત સિત્તેર કેસમાંથી એકમાં જ હાર થઈ. એટલે મારી ફીની રકમ મોટી થઈ પડી. પણ તે જ વેળા ‘ઇન્ડિયન ઓપીનિયન’ની માગણી તો મારી ઉપર ઝઝૂમી જ રહી હતી, એટલે લગભગ ૧૬૦૦ પાઉન્ડનો ચેક તેમાં જ ચાલ્યો ગયો એવો મને ખ્યાલ છે.
આ દાવાઓમાં મારી માન્યતા પ્રમાણે મારી મહેનત સરસ હતી, અસીલોની તો મારી પાસે ગિરદી જ રહેતી. આમાંના લગભગ બધા, ઉત્તર તરફના બિહાર ઇત્યાદિથી અને દક્ષિણ તરફના તામિલ, તેલુગુ પ્રદેશથી, પ્રથમ બંધણીથી આવેલા ને પછી મુક્ત થયે સ્વતંત્ર ધંધો કરનારા હતા.
આ લોકોએ પોતાનાં ખાસ દુઃખો મટાડવા સારુ સ્વતંત્ર હિંદી વેપારી વર્ગના મંડળથી અલગ એક મંડળ રચ્યું હતું. તેમાં કેટલાક બહુ નિખાલસ દિલના, ઉદાર ભાવનાવાળા ને ચારિત્ર્યવાન હિંદીઓ પણ હતા. તેના પ્રમુખનું નામ શ્રી જેરામસિંહ હતું. ને પ્રમુખ નહીં છતાં પ્રમુખ જેવા જ બીજાનું નામ શ્રી બદ્રી હતું. બંનેનો દેહાંત થઈ ગયો છે. બંને તરફથી મને અતિશય મદદ મળતી હતી. શ્રી બદ્રીના પરિચયમાં હું બહુ જ વધારે આવેલો ને તેમણે સત્યાગ્રહમાં મોખરે ભાગ લીધો હતો. આ અને આવા ભાઈઓની મારફતે હું ઉત્તર દક્ષિણના સંખ્યાબંધ હિંદીઓના ગાઢ સંબંધમાં આવ્યો, અને તેમનો વકીલ જ નહીં પણ ભાઈ જ થઈને રહ્યો, અને તેમનાં ત્રણે પ્રકારનાં દુઃખમાં હું ભાગીદાર બન્યો. શેઠ અબદુલ્લાને મને ‘ગાંધી’ તરીકે ઓળખવાનો ઇનકાર કર્યો. ‘સાહેબ’ તો મને કહે કે ગણે જ કોણ? તેમણે અતિશય પ્રિય નામ શોધ્યું. મને તેઓ ‘ભાઈ’ કહી બોલાવવા લાગ્યા. તે નામ આખર લગી દક્ષિણ આફ્રિકામાં રહ્યું. પણ આ ગિરમીટમુક્ત હિંદીઓ જ્યારે મને ‘ભાઈ’ કહી બોલાવતા ત્યારે તેમાં મને ખાસ મીઠાશ લાગતી.