સત્યના પ્રયોગો/ત્યાગવૃત્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪. વધતી જતી ત્યાગવૃત્તિ

ટ્રાન્સવાલમાં કોમી હકોને સારુ કઈ રીતે લડવું પડયું ને એશિયાઈ ખાતાના અમલદારોની સાથે કેમ વર્તવું પડયું તેના વર્ણનમાં આગળ વધુ તે પહેલાં મારા જીવનના બીજા ભાગ ઉપર નજર નાખવાની આવશ્યકતા છે.

આજ લગી કંઈક દ્રવ્ય એકઠું કરવાની ઇચ્છા હતી, પરમાર્થની સાથે સ્વાર્થનું મિશ્રણ હતું.

મુંબઈમાં જ્યારે ઑફિસ ખોલી ત્યારે એક અમેરિકન વીમાદલાલ આવ્યો હતો. તેનો ચહેરો ખુશનુમા હતો. તેની વાત મીઠી હતી. કેમ જાણે અમે જૂના મિત્રો ન હોઈએ, એમ તેણે મારી સાથે મારા ભાવિ કલ્યાણની વાતો કરીઃ ‘અમેરિકામાં તો તમારી સ્થિતિના ઘણા માણસો પોતાની જિંદગીનો વીમો ઊતરાવે. તમારે પણ તેમ કરી ભવિષ્યને સારુ નિશ્ચિંત થવું જોઈએ. જિંદગીનો ભરોસો તો છે જ નહીં. અમેરિકામાં અમે તો વીમો ઉતારવાને ધર્મ માનીએ છીએ. તમને એક નાનીસરખી પૉલિસી કઢાવવા ન લલચાવી શકું?’

ત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં ને હિંદુસ્તાનમાં ઘણા દલાલોને મેં દાદ દીધેલી નહીં. મને લાગ્યું કે વીમો ઉતરાવવામાં કંઈક ભીરુતા ને ઈશ્વરને વિશે અવિશ્વાસ છે. પણ આ વેળા હું લલચાયો. પેલો જેમ વાત કરતો જાય તેમ મારી સામે પત્ની અને પુત્રોની છબી ખડી થાય. ‘જીવ, તેં પત્નીના દાગીના લગભગ બધા વેચી નાખ્યા છે. જો તને કંઈ થાયકરે તો પત્નીનો અને છોકરાઓના પાલનનો બોજો ગરીબ ભાઈ, જેમણે બાપનું સ્થાન લીધું છે ને શોભાવ્યું છે, તેમની જ ઉપર પડે ને? એ કંઈ યોગ્ય ન ગણાય.’ આવી જાતની મારા મન સાથે દલીલ કરીને મેં રૂ. ૧૦,૦૦૦ની પૉલીસી કઢાવી.

પણ દક્ષિણ આફ્રિકામાં મારી બદલાયેલી સ્થિતિએ મારા વિચારો બદલાવ્યા. દક્ષિણ આફ્રિકાની નવી આપત્તિને સમયે મેં જે પગલાં ભર્યા તે ઈશ્વરને સાક્ષી રાખીને જ ભરેલાં. દક્ષિણ આફ્રિકામાં કેટલો સમય જશે તેની મને કંઈ જ ખબર નહોતી. મેં માનેલું કે હું હિંદુસ્તાન પાછો જવા નહીં પામું. મારે બાળબચ્ચાંને સાથે જ રાખવાં જોઈએ. તેમનો વિયોગ હવે ન જ હોવો જોઈએ. તેમના ભરણપોષણનું પણ દક્ષિણ આફ્રિકામાં જ થવું જોઈએ. આમ વિચાર કરવાની સાથે જ પેલી પૉલીસી મને દુઃખદ થઈ પડી. વીમાદલાલની જાળમાં ફસાયાને સારુ હું શરમાયો. ‘ભાઈ જો બાપ જેવા છે તો તે નાના ભાઈની વિધવાનો બોજો ભારે ગણશે એમ તેં કેમ ધાર્યું? તું જ પહેલો મરશે એમ પણ કેમ ધાર્યું? પાલન કરનાર તો ઈશ્વર છે; નથી તું ને નથી ભાઈ. વીમો ઊતરાવીને તેં તારા બાળબચ્ચાંને પણ પરાધીન બનાવ્યાં. તેઓ કેમ સ્વાવલંબી ન થાય? અસંખ્ય ગરીબોનાં બાળબચ્ચાનું શું થાય છે? તું તને તેમના જેવો કાં ન ગણે?’

આમ વિચારોની ધારા ચાલી. તેનો અમલ એકાએક નહોતો કર્યો. એક લવાજમ તો દક્ષિણ આફ્રિકામાંથીયે આપ્યાનું મને સ્મરણ છે.

પણ આ વિચારપ્રવાહને બહારનું ઉત્તેજન મળ્યું. દક્ષિણ આફ્રિકાની પહેલી મુસાફરીમાં હું ખ્રિસ્તી વાતાવરણમાં આવી ધર્મને વિશે જાગ્રત રહ્યો. આ વેળા થિયોસૉફીના વાતાવરણમાં આવ્યો. મિ. રીચ થિયૉસૉફિસ્ટ હતા. તેમણે મને જોહાનિસબર્ગની સોસાયટીના સંબંધમાં મૂક્યો. તેમાં હું સભ્ય તો ન જ થયો. મારે મતભેદો રહેલા. છતાં લગભગ દરેક થિયૉસોફિસ્ટના ગાઢ પ્રસંગમાં હું આવ્યો. તેમની સાથે રોજ ધર્મચર્ચા થાય. તેમનાં પુસ્તકો વંચાય, તેમના મંડળમાં મારે બોલવાનું પણ બને. થિયૉસૉફીમાં ભાતૃભાવના કેળવવી અને વધારવી એ મુખ્ય વસ્તુ છે. આ વિશેની ચર્ચા અમે ખૂબ કરતાં; ને હું જ્યાં એ માન્યતામાં અને સભ્યોના આચરણમાં ભેદ જોતો ત્યાં ટીકા પણ કરતો. આ ટીકાની અસર મારી પોતાની ઉપર સારી પેઠે થઈ. હું આત્મનિરીક્ષણ કરતો થઈ ગયો.