સત્યના પ્રયોગો/ધર્મની ઝાંખી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૦. ધર્મની ઝાંખી

છ કે સાત વર્ષથી માંડીને હવે સોળ વર્ષનો થયો ત્યાં સુધી અભ્યાસ કર્યો, પણ ક્યાંયે ધર્મનું શિક્ષણ નિશાળમાં ન પામ્યો. શિક્ષકો પાસેથી સહેજે મળવું જોઈએ તે ન મળ્યું એમ કહેવાય. એમ છતાં વાતાવરણમાંથી કંઈક ને કંઈક તો મળ્યા જ કર્યું. અહીં ધર્મનો ઉદાર અર્થ કરવો જોઈએ. ધર્મ એટલે આત્મભાન, આત્મજ્ઞાન.

મારો જન્મ વૈષ્ણવ સંપ્રદાયમાં, એટલે હવેલીએ જવાનું વખતોવખત બને. પણ તેને વિશે શ્રદ્ધા ઉત્પન્ન ન થઈ. હવેલીનો વૈભવ મને ન ગમ્યો. હવેલીમાં ચાલતી અનીતિની વાતો સાંભળતો તેથી તેને વિશે મન ઉદાસ થઈ ગયું. ત્યાંથી મને કંઈ જ ન મળ્યું.

પણ જે હવેલીમાંથી ન મળ્યું તે મારી દાઈ પાસેથી મળ્યું. તે કુટુંબની જૂની નોકર હતી. તેનો પ્રેમ મને આજે પણ યાદ છે. હું આગળ જણાવી ગયો છું કે હું ભૂતપ્રેત આદિથી ડરતો. તેનું ઔષધ રામનામ છે એમ રંભાએ સમજાવ્યું. મને તો રામનામના કરતાં રંભા ઉપર વધારે શ્રદ્ધા હતી, તેથી મેં બાળવયે ભૂતપ્રેતાદિના ભયથી બચવા રામનામનો જપ શરૂ કર્યો. તે બહુ સમય ન ટક્યો. પણ જે બીજ બચપણમાં રોપાયું તે બળી ન ગયું. રામનામ આજે મારે સારુ અમોઘ શક્તિ છે, તેનું કારણ હું રંભાબાઈએ રોપેલું બીજ ગણું છું.

આ જ અરસામાં મારા એક કાકાના દીકરા જે રામાયણના ભક્ત હતા તેમણે અમ બે ભાઈઓને સારુ રામરક્ષાનો પાઠ શીખવવાનો પ્રબંધ કર્યો. અમે તે મોઢે કરીને પ્રાતઃકાળમાં સ્નાન પછી હમેશાં પઢી જવાનો નિયમ કર્યો. પોરબંદરમાં રહ્યા ત્યાં લગી તો આ નભ્યું. રાજકોટના વાતાવરણમાં તે ભૂંસાઈ ગયું. આ ક્રિયા વિશે પણ ખાસ શ્રદ્ધા નહોતી. પેલા વડીલ ભાઈના પ્રત્યે માન હતું તેથી અને કંઈક રામરક્ષા શુદ્ધિ ઉચ્ચારથી પઢી જવાય છે એ અભિમાનથી તેનો પાઠ થતો.

પણ જે વસ્તુએ મારા મન ઉપર ઊંડી છાપ પાડી તે તો રામાયણનું પારાયણ હતી. પિતાશ્રીની માંદગીનો કેટલોક સમય પોરબંદરમાં ગયેલો. અહીં તેઓ રામજીના મંદિરમાં રોજ રાત્રે રામાયણ સાંભળતા. સંભળાવનાર રામચંદ્રજીના એક પરમ ભક્ત, બીલેશ્વરના લાધા મહારાજ કરીને હતા. તેમને વિશે એમ કહેવાતું કે, તેમને કોઢ નીકળ્યો હતો તેની દવા કરવાને બદલે તેમણે બીલેશ્વરનાં બીલીપત્ર જે મહાદેવ ઉપરથી ઊતરતાં તે કોઢિયેલ ભાગ ઉપર બાંધ્યાં ને કેવળ રામનામનો જપ આદર્યો. અંતે તેમનો કોઢ જડમૂળથી નાશ પામ્યો. આ વાત ખરી હો કે ન હો, અમે સાંભળનારાઓએ ખરી માની. એટલું પણ ખરું કે લાધા મહારાજે જ્યારે કથાનો આરંભ કર્યો ત્યારે તેમનું શરીર તદ્દન નીરોગી હતું. લાધા મહારાજનો કંઠ મીઠો હતો. તેઓ દોહાચોપાઈ ગાતા ને અર્થ સમજાવતા. પોતે તેના રસમાં લીન થઈ જતા અને શ્રોતાજનને લીન કરી મૂકતા. મારી ઉંમર આ સમયે તેર વર્ષની હશે, પણ મને તેમના વાચનમાં ખૂબ રસ આવતો એ યાદ છે. આ રામાયણ-શ્રવણ મારા રામાયણ પરના અત્યંત પ્રેમનો પાયો છે. આજે હું તુલસીદાસના રામાયણને ભક્તિમાર્ગનો સર્વોત્તમ ગ્રંથ ગણું છું.

થોડા માસ પછી અમે રાજકોટમાં આવ્યા. ત્યાં આવું વાચન નહોતું. એકાદશીએ દિવસે ભાગવત વંચાય ખરું. તેમાં કોઈ વેળા હું બેસતો, પણ ભટજી રસ ઉત્પન્ન નહોતા કરી શક્યા. આજે હું જોઈ શકું છું કે ભાગવત એવો ગ્રંથ છે કે જે વાંચીને ધર્મરસ ઉત્પન્ન કરી શકાય. મેં તો તે ગુજરાતીમાં અતિ રસથી વાંચ્યો છે. પણ મારા એકવીસ દિવસના ઉપવાસમાં ભારતભૂષણ પંડિત મદનમોહન માલવિયાજીને શુભ મુખેથી મૂળ સંસ્કૃતના કેટલાક ભાગો સાંભળ્યા ત્યારે એમ થયું કે બચપણમાં તેમના જેવા ભગવદ્ભક્તને મોઢેથી સાંભળત તો તેના ઉપર પણ મારી ગાઢ પ્રીતિ બચપણમાં જ જામત. તે વયમાં પડેલા શુભ-અશુભ સંસ્કારો બહુ ઊંડાં મૂળ ઘાલે છે એમ હું ખૂબ અનુભવું છું, અને તેથી કેટલાક ઉત્તમ ગ્રંથો સાંભળવાનું મને તે વયે ન મળ્યું એ સાલે છે.

રાજકોટમાં મને અનાયાસે સર્વ સંપ્રદાયો વિશે સમાન ભાવ રાખવાની તાલીમ મળી. હિંદુ ધર્મના પ્રત્યેક સંપ્રદાય પ્રત્યે આદરભાવ શીખ્યો, કેમ કે માતપિતા હવેલીએ જાય, શિવાલયમાં જાય અને રામમંદિર પણ જાય અને અમને ભાઈઓનએ લઈ જાય અથવા મોકલે.

વળી પિતાજી પાસે જૈન ધર્માચાર્યોમાંથી કોઈ હમેશાં આવે. પિતાજી તેમને વહોરાવે પણ ખરા. તેઓ પિતાજી સાથે ધર્મની તેમ જ વ્યવહારની વાતો કરે. ઉપરાંત, પિતાજીને મુસલમાન અને પારસી મિત્રો હતા તે પોતપોતાના ધર્મની વાતો કરે અને પિતાજી તેમની વાતો માનપૂર્વક અને ઘણી વેળા રસપૂર્વક સાંભળે. આવા વાર્તાલાપો વખતે હું ‘નર્સ’ હોવાથી ઘણી વેળા હાજર હોઉં. આ બધા વાતાવરણની અસર મારા ઉપર એ પડી કે સર્વ ધર્મો પ્રત્યે મારામાં સમાનભાવ પેદા થયો.

ખ્રિસ્તી ધર્મ માત્ર અપવાદમાં હતો. તેના પ્રત્યે કંઈક અભાવ થયો. તે કાળે હાઈસ્કૂલને ખૂણે કોઈ ખ્રિસ્તી વ્યાખ્યાન આપતા. તે હિંદુ દેવતાઓની ને હિંદુ ધર્મીઓની બદગોઈ કરતા. આ મને અસહ્ય લાગ્યું. હું એકાદ જ વખત એ વ્યાખ્યાન સાંભળવા ઊભો હોઈશ, પણ બીજી વખત ત્યાં ઊભવાનું મન જ ન થયું. એ જ સમયે એક જાણીતા હિંદુ ખ્રિસ્તી થયાનું સાંભળ્યું. ગામચર્ચા એ હતી કે તેને ખ્રિસ્તી ધર્મમાં પ્રવેશ કરાવવામાં આવ્યો ત્યારે ગોમાંસ ખવડાવવામાં આવ્યું ને દારૂ પિવડાવવામાં આવ્યો. તેનો પોશાક પણ બદલવામાં આવ્યો, ને તે ભાઈ ખ્રિસ્તી થયા પછી કોટ, પાટલૂન ને અંગ્રેજી ટોપી પહેરતા થયા. આ વાતોથી મને ત્રાસ પેદા થયો. જે ધર્મને અંગે ગોમાંસ ખાવું પડે, દારૂ પીવો પડે, ને પોતાનો પોશાક બદલવો પડે એ ધર્મ કેમ ગણાય? આવી દલીલ મારા મને કરી. વળી જે ભાઈ ખ્રિસ્તી થયા હતા તેમણે પોતાના પૂર્વજોના ધર્મની, રીતરિવાજની અને દેશની નિંદા શરૂ કર્યાનું સાંભળવામાં આવ્યું. આ બધી વાતોથી મારા મનમાં ખ્રિસ્તી ધર્મ પ્રત્યે અભાવ પેદા થયો.

આમ જોકે બીજા ધર્મો પ્રત્યે સમભાવ આવ્યો, છતાં મને કંઈ ઈશ્વર પ્રત્યે આસ્થા હતી એમ ન કહી શકાય. આ વખતે મારા પિતાજીના પુસ્તકસંગ્રહમાંથી મનુસ્મૃતિનું ભાષાંતર હાથ આવ્યું. તેમાં જગતની ઉત્પત્તિ વગેરેની વાતો વાંચી. તેના પર શ્રદ્ધા ન બેઠી. ઊલટી કંઈક નાસ્તિકતા આવી. મારા બીજા કાકાના દીકરા જે હાલ હયાત છે તેમની બુદ્ધિ ઉપર મને વિશ્વાસ હતો. તેમની પાસે મેં મારી શંકાઓ રજૂ કરી. પણ તે મારું સમાધાન ન કરી શક્યા. તેમણે મને ઉત્તર આપ્યો : ‘ઉંમરે પહોંચતા આવા પ્રશ્નો તું તારી મેળે ઉકેલતાં શીખશે. એવા પ્રશ્નો બાળકોએ ન કરવા ઘટે.’ હું ચૂપ રહ્યો. મનને શાંતિ ન થઈ. મનુસ્મૃતિના ખાદ્યાખાદ્યના પ્રકરણમાં અને બીજા પ્રકરણોમાં પણ મેં ચાલુ પ્રથાનો વિરોધ જોયો. આ શંકાનો ઉત્તર પણ મને લગભગ ઉપરના જેવો જ મળ્યો. ‘કોક દિવસ બુદ્ધિ ખૂલશે. વધારે વાંચીશ ને સમજીશ’ એમ વિચારી મન વાળ્યું.

મનુસ્મૃતિ વાંચી હું એ વેળાએ અહિંસા તો ન જ શીખ્યો. માંસાહારની વાત તો આવી ગઈ. તેનો તો મનુસ્મૃતિનો ટેકો મળ્યો. સર્પાદિ અને માંકડ આદિને મારવા એ નીતિ છે એમ પણ લાગ્યું. એ સમયે ધર્મ ગણી માંકડ આદિનો નાશ કર્યાનું મને સ્મરણ છે.

પણ એક વસ્તુએ જડ ઘાલી – આ જગત નીતિ ઉપર નભેલું છે નીતિમાત્રનો સમાવેશ સત્યમાં છે. સત્ય તો શોધવું જ રહ્યું. દિવસે દિવસે સત્યનો મહિમા મારી નજર આગળ વધતો ગયો. સત્યની વ્યાખ્યા વિસ્તાર પામતી ગઈ અને હજુ પામતી રહી છે.

વળી એક નીતિનો છપ્પો પણ હૃદયમાં ચોંટયો. અપકારનો બદલો અપકાર નહીં પણ ઉપકાર જ હોઈ શકે એ વસ્તુ જિંદગીનું સૂત્ર બની ગઈ. તેણે મારી ઉપર સામ્રાજ્ય ચલાવવું શરૂ કર્યું. અપકારીનું ભલું ઇચ્છવું ને કરવું એ મારો અનુરાગ થઈ પડયો. તેના અગણિત અખતરાઓ આદર્યા. આ રહ્યો એ ચમત્કારી છપ્પો :

પાણી આપને પાય, ભલું ભોજન તો દીજે;
આવી નમાવે શીશ, દંડવત કોડે કીજે.
આપણે ઘાસે દામ, કામ મહોરોનું કરીએ;
આપ ઉગારે પ્રાણ, તે તણા દુઃખમાં મરીએ.
ગુણ કેડે તો ગુણ દશ ગણો, મન, વાચા. કર્મે કરી;
અવગુણ કેડે જે ગુણ કરે, તે જગમાં જીત્યો સહી.