સત્યના પ્રયોગો/પહેલોઅનુભવ
હું દેશમાં આવ્યો તે પહેલાં ફિનિક્સથી જેઓ પાછા ફરવાના હતા તેઓ આવી પહોંચ્યા હતા. ગણતરી એવી હતી કે હું તેમના પહેલાં પહોંચીશ, પણ હું લડાઈને સારુ લંડનમાં રોકાઈ ગયો એટલે ફિનિક્સવાસીઓને ક્યાં મૂકવા એ એક પ્રશ્ન મારી પાસે હતો. સૌ એકસાથે જ રહી શકે અને ફિનિક્સ આશ્રમનું જીવન ગાળી શકે તો સારું એમ મારા મનમાં હતું. હું કોઈ આશ્રમ ચલાવનારના પરચિયમાં નહોતો કે જેથી તેમને ત્યાં જવાનું લખી શકું. તેથી મેં તેમને ઍન્ડ્રૂઝને મળી તે કહે તેમ કરવાનું લખ્યું હતું.
તેમને પ્રથમ કાંગડી ગુરુકુળમાં મૂકવામાં આવ્યા, જ્યાં સદ્ગત શ્રદ્ધાનંદજીએ તેમને પોતાનાં જ બાળકોની જેમ રાખ્યા. ત્યાર પછી તેમને શાંતિનિકેતનમાં મૂકવામાં આવ્યા. ત્યાં કવિવરે અને તેમના સમાજે તેમને એવા જ પ્રેમથી નવરાવ્યા. આ બે જગ્યાએ તેમને મળેલો અનુભવ તેમને સારુ ને મારે સારુ બહુ ઉપયોગી નીવડયો.
કવિવર, શ્રદ્ધાનંદજી અને શ્રી સુશીલ રુદ્રને હું ઍન્ડ્રૂઝની ત્રિમૂર્તિ ગણતો. દક્ષિણ આફ્રિકામાં તે આ ત્રણનાં વખાણ કરતાં થાકે જ નહીં. અમારા દક્ષિણ આફ્રિકાના સ્નેહસંમેલનનાં ઘણાં સ્મરણોમાં આ તો મારી આંખ આગળ તર્યા જ કરે છે કે આ ત્રણ મહાપુરુષોનાં નામ તેમને હૈયે ને હોઠે હોય જ. સુશીલ રુદ્રના સંબંધમાં પણ ઍન્ડ્રૂઝે મારાં બાળકોને મૂકી દીધાં હતાં. રુદ્રની પાસે આશ્રમ નહોતું, પોતાનું ઘર જ હતું. પણ તે ઘરનો કબજો તેમણે આ મારા કુટુંબને સોંપી દીધો હતો. તેમનાં દીકરાદીકરી તેમની સાથે એક જ દિવસમાં એવાં ભળી ગયાં હતાં કે તેમને ફિનિક્સ ભુલાવી દીધું હતું.
હું જ્યારે મુંબઈ બંદરે ઊતર્યો ત્યારે જ મને ખબર પડી કે તે વખતે આ કુટુંબ શાંતિનિકેતનમાં હતું. એટલે ગોખલેને મળી હું ત્યાં જવા અધીરો થયો હતો.
મુંબઈમાં માન મેળવતાં જ મારે એક નાનકડો સત્યાગ્રહ તો કરવો પડયો હતો. મિ. પિટીટને ત્યાં મારે સારુ મેળાવડો કરવામાં આવ્યો હતો તેમાં તો મારી હિંમત ગુજરાતીમાં જવાબ દેવાની ન ચાલી. એ મહેલમાં અને આંખને અંજાવે એવા દબદબામાં ગિરમીટિયાઓના સહવાસમાં રહેલો હું મને ગામડિયા જેવો લાગ્યો. આજના મારા પોશાક કરતાં તે વખતે પહેરેલું અંગરખું, ફેંટો વગેરે પ્રમાણમાં સુધરેલો પોશાક કહેવાય, છતાં હું એ અલંકૃત સમાજમાં નોખો તરી આવતો હતો. પણ જેમતેમ ત્યાં તો મારું કામ મેં નભાવ્યું ને ફિરોજશા મહેતાની કૂખમાં મેં આશ્રય લીધો.
ગુજરાતીઓનો મેળાવડો તો હતો જ. સ્વ. ઉત્તમલાલ ત્રિવેદીએ આ ગોઠવ્યો હતો. આ મેળાવડા વિશે મેં કેટલીક હકીકત જાણી લીધી હતી. મિ. ઝીણા પણ ગુજરાતી એટલે તેઓ તેમાં હાજર હતા. તે પ્રમુખ હતા કે મુખ્ય બોલનાર એ તો હું ભૂલી ગયો છું. પણ તેમણે પોતાનું ટૂંકું ને મીઠું ભાષણ અંગ્રેજીમાં કર્યું. બીજાં ભાષણો પણ ઘણે ભાગે અંગ્રેજીમાં જ થયાં એવું મને ઝાંખું સ્મરણ છે. જ્યારે મારો બોલવાનો વારો આવ્યો ત્યારે મેં ઉત્તર ગુજરાતીમાં જ વાળ્યો, ને ગુજરાતીનો તથા હિંદુસ્તાનીનો મારો પક્ષપાત મેં થોડા જ શબ્દોમાં જાહેર કરી, ગુજરાતીઓની સભામાં અંગ્રેજીના ઉપયોગની સામેનો મારો નમ્ર વિરોધ નોંધાવ્યો. મારા મનમાં આમ કરવા વિશે સંકોચ તો હતો જ. લાંબી મુદતની ગેરહાજરી પછી પરદેશથી વળેલો બિનઅનુભવી માણસ ચાલતા પ્રવાહની સામે જાય એમાં અવિવેક તો નહીં હોય એવું મને લાગ્યા કરતું હતું. પણ ગુજરાતીમાં ઉત્તર વાળવાની મેં હિંમત કરી તેનો કોઈએ અનર્થ ન કર્યો ને સૌએ મારો વિરોધ સાંખી લીધો એ જોઈ હું રાજી થયો, ને મારા નવા લાગતા બીજા વિચારો પ્રજા આગળ મૂકવામાં મને અડચણ નહીં આવે એવો સાર પણ મેં આ સભામાંથી ખેંચ્યો.
આમ મુંબઈમાં બેક દિવસ રહી આરંભિક અનુભવો લઈ હું ગોખલેની આજ્ઞાથી પૂના ગયો.