સત્યના પ્રયોગો/પાછોઆફ્રિકા
મણિલાલ સાજો તો થયો, પણ મેં જોયું કે ગિરગામવાળું મકાન રહેવાલાયક નહોતું. તેમાં ભેજ હતો. પૂરું અજવાળું નહોતું. તેથી રેવાશંકરભાઈની સાથે મસલત કરી અમે બન્નેએ મુંબઈના કોઈ પરામાં ખુલ્લી જગ્યામાં બંગલો લેવાનો નિશ્ચય કર્યો. હું વાંદરા, સાંતાક્રુઝ વગેરેમાં ભટક્યો. વાંદરામાં કતલખાનુ હતું તેથી વાંદરામાં રહેવાની અમારામાંથી કોઈની ઇચ્છા ન થઈ. ઘાટકુપર વગેરે દરિયાથી દૂર લાગ્યાં. સાંતાક્રુઝમાં એક સુંદર બંગલો મળી આવ્યો તેમાં રહેવા ગયા, ને આરોગ્યની દૃષ્ટિએ અમે સુરક્ષિત થયા એમ લાગ્યું. મેં ચર્ચગેટ જવાનો પહેલા વર્ગનો પાસ કઢાવ્યો. પહેલા વર્ગમાં ઘણી વાર હું બેઠેલો જ હોઉં તેથી કાંઈક અભિમાન પણ માનતો એમ યાદ છે. ઘણી વેળા વાંદરાથી ચર્ચગેટ જતી ખાસ ગાડી પકડવા સાંતાક્રુઝથી વાંદરા હું ચાલીને જતો.
મારો ધંધો, આર્થિક દૃષ્ટિએ, મેં ધાર્યું હતું તેના કરતાં ઠીક ચાલ્યો એમ લાગ્યું. દક્ષિણ આફ્રિકાના અલીલો મને કંઈક કામ સોંપ્યા કરતા. તેમાંથી મારું ખરચ સહેલાઈથી નભી રહેશે એમ મને લાગ્યું.
હોઈકોર્ટનું કામ તો મને હજુ કંઈ મળતું નહોતું. પણ તે વેળા ‘મૂટ’ (ચર્ચા) ચાલતી હતી તેમાં હું જતો. ભાગ લેવાની તો હિંમત નહોતી. મને યાદ છે કે તેમાં જમિયતરામ નાનાભાઈ સારો હિસ્સો લેતા. હાઈકોર્ટમાં બીજા નવા બારિસ્ટરોની જેમ હું પણ કેસ સાંભળવા જતો. ત્યાં જાણવાનું મળતું તેના કરતાં સમુદ્રની હવા ફરફર ચાલી આવતી તેમાં ઝોલું ખાવાની ગમ્મત ઠીક મળતી. બીજા પણ ઝોલું ખાનારા સાથીઓ હું જોતો, તેથી મને શરમ ન લાગતી. મેં જોયું કે ઝોલાં ખાવાં એ ‘ફૅશન’ છે એમ ગણાતું.
હાઈકોર્ટના પુસ્તકાલયનો ઉપયોગ કરવા માંડયો ને ત્યાં કંઈ ઓળખાણો કરવા માંડી. મને લાગ્યું કે થોડા સમયમાં હું પણ હાઈકોર્ટમાં કામ કરતો થઈ જઈશ.
આમ એક તરફથી મારા ધંધા વિશે કંઈક નિશ્ચિતતા આવવા લાગી.
બીજી તરફ ગોખલેની આંખ તો મારી ઉપર તરવર્યા જ કરતી હતી. અઠવાડિયામાં બેત્રણ વખત ચેમ્બરમાં આવી મારી ખબર કાઢી જાય ને પોતાના ખાસ મિત્રોને પણ કોઈ કોઈ વાર લઈ આવે. પોતાની કાર્ય કરવાની ઢબથી મને વાકેફ કરતા જાય.
પણ મારા ભવિષ્યની બાબતમાં મારું ધાર્યું કંઈ જ ઈશ્વરે ઊભવા નથી દીધું એમ કહીએ તો ચાલે.
જ્યાં મેં સ્વસ્થ થવાનો નિશ્ચય કર્યો ને સ્વસ્થતા અનુભવી ત્યાં દક્ષિણ આફ્રિકાથી અણધાર્યો તાર આવ્યોઃ ‘ચેમ્બરલેન અહીં આવે છે, તમારે આવવું જોઈએ.’ મારું વચન તો મને યાદ હતું. મેં તાર દીધો, ‘મારું ખરચ મોકલો, આવવા તૈયાર છું.’ તેઓએ તુરત પૈસા મોકલ્યા ને ઑફિસ સંકેલી હું રવાના થયો.
મેં ધાર્યું હતું કે મને એક વર્ષ તો સહેજે ચાલ્યું જશે. બંગલો ચાલુ રાખ્યો ને બાળબચ્ચાં ત્યાં જ રહે એ ઇષ્ટ માન્યું.
હું તે વેળા માનતો હતો કે, જે જુવાનિયાઓ દેશમાં ન કમાતા હોય ને સાહસિક હોય તેમણે દેશાવર નીકળી જવું એ સારું છે. તેથી મારી સાથે ચારપાંચને લઈ ગયો. તેમાં મગનલાલ ગાંધી પણ હતા.
ગાંધી કુટુંબ મોટું હતું. આજ પણ છે. મારી દાનત એવી હતી કે તેમાંના જે સ્વતંત્ર થવા ઇચ્છે તે સ્વતંત્ર થાય. મારા પિતા ઘણાને નિભાવતા, પણ તે રજવાડાની નોકરીમાં. આ નોકરીમાંથી નીકળાય તો સારું એમ મને લાગ્યું. હું તેઓની નોકરી મેળવવામાં મદદ કરું તેમ નહોતું. શક્તિ હોય તોયે ઇચ્છા નહોતી. તેઓ તેમ જ બીજા સ્વાશ્રયી બને તો સારુ એવી ધારણા હતી.
પણ છેવટે તો જેમ મારા આદર્શ આગળ ગયા (એમ હું માનું છું) તેમ આ જુવાનોના આદર્શોને પણ વાળવાનો મેં પ્રયત્ન કર્યો. તેમાં મગનલાલ ગાંધીને દોરવામાં હું બહુ સફળતા પામ્યો. પણ આ વિષય આગળ ઉપર હાથ લેવો પડશે.
બાળબચ્ચાંઓનો વિયોગ, બાંધેલો માળો તોડવો, નિશ્ચિત વસ્તુમાંથી અનિશ્ચિતમાં પ્રવેશ – આ બધું ક્ષણભર સાલ્યું. પણ હું તો અનિશ્ચિત જિંદગીથી ટેવાઈ ગયો હતો. આ જગતમાં જ્યાં ઈશ્વર કહો કે સત્ય કહો, તે સિવાય બીજું કંઈ જ નિશ્ચિત નથી, ત્યાં નિશ્ચિતપણાનો ખ્યાલ કરવો એ જ દોષમય લાગે છે. એ જે બધું આપણી આસપાસ દેખાય છે ને બને છે તે બધું અનિશ્ચિત છે, ક્ષણિક છે; તેમાં જે એક પરમતત્ત્વ નિશ્ચિતરૂપે છુપાયેલું છે તેની ઝાંખી સરખી થાય, તેની ઉપર શ્રદ્ધા રહે, તો જ જીવ્યું સાર્થક થાય. તેની શોધ એ જ પરમ પુરુષાર્થ છે.
હું ડરબન એક દિવસ પણ વહેલો પહોંચ્યો એમ ન કહેવાય. મારે સારુ કામ તૈયાર જ હતું. મિ. ચેમ્બરલેન પાસે ડેપ્યુટેશન જવાની તારીખ મુકરર થઈ ચૂકી હતી. મારે તેમની સમક્ષ વાંચવાની અરજી ઘડવાની હતી ને ડેપ્યુટેશનની સાથે જવાનું હતું.