સત્યના પ્રયોગો/પ્રાયશ્ચિતરૂપે
બાળકો અને બાળાઓને પ્રામાણિકપણે ઉછેરવાકેળવવામાં કેટલી ને કેવી રીતે કઠણતાઓ છે તેનો અનુભવ દિવસે દિવસે વધતો ગયો. શિક્ષક અને વાલી તરીકે તેમનાં હૃદયમાં પ્રવેશ કરવાનો હતો, તેમનાં સુખદુઃખમાં ભાગ લેવાનો હતો; તેમનાં જીવનની ગૂંચો ઉકેલવાની હતી, તેમની ઊછળતી જુવાનીના તરંગોને સીધે માર્ગે દોરવાના હતા.
કેટલાક જેલીઓ છૂટતાં ટૉલ્સ્ટૉય આશ્રમમાં થોડા જ માણસો રહ્યા. આ મુખ્યત્વે ફિનિક્સવાસીઓ હતા. તેથી આશ્રમ ફિનિક્સ લઈ ગયો. ફિનિક્સમાં મારી તીખી પરીક્ષા થઈ. ટૉલ્સ્ટૉય આશ્રમથી રહેલા આશ્રમવાસીઓને ફિનિક્સ મૂકી હું જોહાનિસબર્ગ ગયો. જોહાનિસબર્ગ થોડા દિવસ રહ્યો ત્યાં જ મારા ઉપર બે વ્યક્તિઓના ભયંકર પતનના સમાચાર આવ્યા. સત્યાગ્રહની મહાન લડતમાં ક્યાંયે નિષ્ફળતા જેવું દેખાય તેથી મને આઘાત ન પહોંચતો, પણ આ બનાવે મારી ઉપર વજ્રસમો પ્રહાર કર્યો. હું ઘવાયો. મેં તે જ દહાડે ફિનિક્સની ગાડી લીધી. મિ. કૅલનબૅકે સાથે આવવાનો આગ્રહ ધર્યો. તે મારી દયામણી સ્થિતિ વરતી ગયા હતા. મને એકલાને જવા દેવા ચોખ્ખી ના પાડી. પતના ખબર મને તેમની મારફતે પડ્યા હતા.
રસ્તામાં મેં મારો ધર્મ જાણી લીધો, અથવા જાણી લીધો એમ માન્યું એમ કહીએ. મને લાગ્યું કે પોતાની રક્ષા નીચે રહેલાના પતનને સારુ વાલી કે શિક્ષક થોડેઘણે અંશે પણ જવાબદાર છે. આ બનાવમાં મારી જવાબદારી મને સ્પષ્ટ જણાઈ. મારી પત્નીએ મને ચેતપણી આપી જ હતી. પણ હું સ્વભાવે વિશ્વાસુ હોવાથી મેં તેની ચેતવણીને નહોતી ગણકારી. વળી મને ભાસ્યું કે, જો હું આ પતનને સારુ પ્રાયશ્ચિત્ત કરીશ તો જ આ પતિત થયેલાં મારું દુઃખ સમજી શકશે, ને તેથી તેમને પોતાને દોષનું ભાન થશે ને કંઈક માપ આવશે. તેથી મેં સાત દિવસના ઉપવાસ અને સાડા ચાર માસ એકટાણું કરવાનું વ્રત લીધું. મિ. કૅલનબૅકે મને વારવા પ્રયત્ન કર્યો. એ નિષ્ફળ ગયો. છેવટે પ્રાયશ્ચિત્તની યોગ્યતા તેમણે સ્વીકારી, ને તેમણે પણ મારી સાથે જ તે વ્રત રાખવાનો આગ્રહ કર્યો. તેમના નિર્મળ પ્રેમને હું રોકી ન શક્યો. આ નિશ્ચય કર્યો કે તુરત હું હળવો થયો, શાંત થયો, દોષિત ઉપરનો ક્રોધ ઊતર્યો, ને તેમની ઉપર દયા જ રહી.
આમ ટ્રેનમાં જ હવળું મન કરી હું ફિનિક્સ પહોંચ્યો. તપાસ કરી વધારે જાણવાનું હતું તે જાણી લીધું. જોકે મારા ઉપવાસથી સહુને કષ્ટ તો થયું, પણ તેથી વાતાવરણ શુદ્ધ થયું. પાપ કરવાની ભયંકરતા સહુને જણાઈ, અને વિદ્યાર્થીઓ તેમ જ વિદ્યાર્થિનીઓ અને મારી વચ્ચેનો સંબંધ વધારે મજબૂત અને સરળ થયો.
આ બનાવમાંથી જ થોડા સમય પછી મારે ચૌદ ઉપવાસ કરવાનો પ્રસંગ આવેલો. તેનું પરિણામ ધાર્યા કરતાં પણ વધારે સારું આવ્યું એવી મારી માન્યતા છે.
આ બનાવ ઉપરથી મારો એવું સિદ્ધ કરવાનો આશય નથી કે શિષ્યોના પ્રત્યેક દોષને સારુ હમેશાં શિક્ષકોએ ઉપવાસાદિ કરવાં જ જોઈએ. પણ હું માનું છું કે કેટલાક સંજોગોમાં આવા પ્રાયશ્ચિત્તરૂપ ઉપવાસને અવશ્ય સ્થાન છે. પણ તેને સારુ વિવેક અને અધિકાર જોઈએ. જ્યાં શિક્ષકશિષ્ય વચ્ચે શુદ્ધ પ્રેમબંધન નથી, જ્યાં શિક્ષકને પોતાને શિષ્યના દોષનો ખરો આઘાત નથી, જ્યાં શિષ્યને શિક્ષક પ્રત્યે આદર નથી, ત્યાં ઉપવાસ નિરર્થક છે અને કદાચ હાનિકર પણ થાય. પણ આવાં ઉપવાસએકટાણાંને વિશે ભલે શંકા હોય, પરંતુ શિક્ષક શિષ્યના દોષોને સારુ થોડેઘણે અંશે જવાબદાર છે એ વિશે મને લેશ પણ શંકા નથી.
સાત ઉપવાસ અને એકટાણાં અમને કોઈને વસમાં ન લાગ્યાં. તે દરમિયાન મારું પણ કંઈ પણ કામ બંધ કે મંદ નહોતું થયું. આ કાળે હું કેવળ ફળાહારી જ હતો. ચૌદ ઉપવાસનો છેલ્લો ભાગ મને સારી પેઠે વસમો લાગ્યો હતો. તે વેળા રામનામનો ચમત્કાર હું પૂરો સમજ્યો નહોતો, એટલે દુઃખ સહન કરવાની શક્તિ ઓછી હતી. ઉપવાસ દરમિયાન ગમે તેવે પ્રયત્ને પણ પાણી ખૂબ પીવું જોઈએ એ બાહ્ય કળાની મને માહિતી નહોતી, તેથી પણ આ ઉપવાસ ભારે પડ્યા. વળી પહેલા ઉપવાસ સુખશાંતિથી ગયા હતા તેથી ચૌદ ઉપવાસ વખતે બેદરકાર રહ્યો હતો. પહેલા ઉપવાસ વખતે હમેશાં ક્યુનીનાં કટિસ્નાન કરતો. ચૌદ ઉપવાસમાં બે કે ત્રણ દિવસ પછી તે બંધ કર્યાં. પાણીનો સ્વાદ જ નહોતો ગમતો ને તે લેતાં મોળ આવતી હતી તેથી પાણી ઘણું જ થોડું પીતો. આથી ગળું સુકાયું, ક્ષીણ થયું, ને છેવટના દિવસોમાં કેવળ ધીમે સાદે જ બોલી શકતો. આમ છતાં લખાવવાનું આવશ્યક કામ છેલ્લા દિવસ સુધી કરી શક્યો હતો, ને રામાયણ ઇત્યાદિ છેવટ લગી સાંભળતો. કંઈ પ્રશ્નો વિશે અભિપ્રાયો આપવાનું આવશ્યક કાર્ય પણ કરી શકતો હતો.