સત્યના પ્રયોગો/બળવો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૪. ઝૂલુ ‘બળવો’

ઘર માંડીને બેઠા પછી સ્થિર થઈને બેસવાપણું મારે નસીબે રહ્યું જ નથી. જોહાનિસબર્ગમાં હું થાળે પડ્યા જેવું લાગ્યું તેવી જ અણધારી બિના બની. નાતાલમાં ઝૂલુ ‘બળવો’ થયાના સમાચાર વાંચ્યા. મને કંઈ ઝૂલુ લોક સાથે વેર નહોતું; તેમણે એક પણ હિંદીનું નુકસાન નહોતું કર્યું. ‘બળવા’ની યોગ્યતા વિશે પણ મને શંકા હતી. પણ અંગ્રેજી સલ્તનતને તે કાળે હું જગતનું કલ્યાણ કરનારી સલ્તનત માનતો. મારી વફાદારી હાર્દિક હતી. તે સલ્તનતનો ક્ષય હું ન ઇચ્છતો. એટલે બળ વાપરવા વિશેની નીતિઅનીતિનો વિચાર મારા પગલામાં મને રોકે તેમ નહોતું. નાતાલ ઉપર આપત્તિ આવે તો તેની પાસે રક્ષણ સારુ સ્વયંસેવકોનું લશ્કર હતું. ને આપત્તિ વેળાએ તેમાં કામ પૂરતી ભરતી પણ થાય. મેં વાંચ્યું કે સ્વયંસેવકોનું લશ્કર આ બળવો શમાવવા નીકળી પડયું હતું.

મને પોતાને હું નાતાલવાસી ગણતો, ને નાતાલની સાથે મારો નિકટ સંબંધ તો હતો જ. તેથી મેં ગર્વનરને કાગળ લખ્યો કે, જો જરૂર હોય તો જખમીઓની સારવાર કરનારી હિંદીઓની ટોળી લઈને હું સેવા કરવા જવા તૈયાર છું. ગવર્નરનો તુરત જ હકારમાં જવાબ આવ્યો. મેં અનુકૂળ જવાબની અથવા આટલી ઝડપથી જવાબ ફરી વળવાની આશા રાખી નહોતી, છતાં એ કાગળ લખતાં પહેલાં મેં મારી ગોઠવણ તો કરી જ લીધી હતી. એમ ઠરાવ્યું હતું કે, જો ગવર્નર તરફથી માગણીનો સ્વીકાર થાય તો જોહાનિસબર્ગનું ઘર ભાંગી નાખવું, મિ. પોલાકે નોખું, નાનકડું ઘર લઈ રહેવું. ને કસ્તૂરબાઈએ ફિનિક્સ જઈ રહેવું. આ યોજનામાં કસ્તૂરબાઈની પૂર્ણ સંમતિ મળી. મારાં આવાં પગલાંમાં તેના તરફથી કોઈ દિવસ મને હરકત કરવામાં આવી હોય એવું સ્મરણ નથી. ગવર્નરનો જવાબ વળતાં મેં ઘરધણીને ઘર ખાલી કરવા બાબત એક માસની રીતસર ચેતવણી આપી. કેટલોક સામાન ફિનિક્સ ગયો, કેટલોક મિ. પોલાક પાસે રહ્યો.

ડરબન પહોંચતાં મેં માણસો માટે માગણી કરી. મોટી ટુકડીની જરૂર નહોતી. અમે ચોવીસ જણ તૈયાર થયા. તેમાં મારા ઉપરાંત ચાર ગુજરાતી હતા, બાકી મદ્રાસ ઇલાકાના ગિરમીટયુક્ત હિંદીઓ હતા, ને એક પઠાણ હતો.

સ્વમાન જળવાય ને કામ વધારે સગવડપૂર્વક થાય એ સારુ અને એવો રિવાજ હતો તેથી ઔષધખાતાના મુખ્યાધિકારીએ મને ‘સારજંટ મેજર’નો મુદ્દતી હોદ્દો આપ્યો, ને હું પસંદ કરું એવા બીજા ત્રણને ‘સારજંટ’નો ને એકને ‘કૉરપોરલ’નો એમ હોદ્દા આપ્યા. પાશાક પણ સરકાર તરફથી જ મળ્યા. આ ટુકડી છ અઠવાડિયાં સતત સેવા કરી એમ કહી શકું છું.

‘બળવા’ના સ્થળ ઉપર પહોંચતાં મેં જોયું કે બળવા જેવું તો કંઈ ન કહેવાય. કોઈ સામે થતું હતું એમ જોવામાં ન આવ્યું. બળવો માનવાનું કારણ એ હતું કે એક ઝૂલુ સરદારે ઝૂલુ લોકોની ઉપર મુકાયેલો નવો કર ન આપવાની તેમને સલાહ આપી હતી, અને કર ઉઘરાવવા ગયેલા એક સારજંટને તેમણે કાપી નાખ્યો હતો. ગમે તે હો, મારું હૃદય તો ઝૂલુઓની તરફ હતું. અને મથક ઉપર પહોંચતાં જ્યારે અમારે ભાગે મુખ્યત્વ ઝૂલુ જખમીઓની સારવાર કરવાનું જ કામ આવ્યું ત્યારે હું બહુ રાજી થયો. દાક્તર અમલદારે એમને વધાવી લીધા. તેણે કહ્યું, ‘ગોરા કોઈ આ જખમીઓની સારવાર કરવા તૈયાર નથી થતા. હું એકલો કોને પહોંચું? તેમના જખમ સડે છે. હવે તમે આવ્યા એ તો હું આ નિર્દોષ લોકો ઉપર ઈશ્વરની કૃપા જ થઈ સમજું છું.’ આમ કહી મને પાટા, જંતુનાશક પાણી વગેરે આપ્યું ને પેલા દરદીઓની પાસે લઈ ગયો. દરદીઓ અમને જોઈને ખુશ થઈ ગયા. ગોરા સિપાહીઓ જાળિયામાંથી ડોકિયાં કરી અમને જખમો સાફ કરતા રોકવાનો પ્રયત્ન કરે, અમે ન માનીએ એટલે ચિડાય, અને ઝૂલુઓને વિશે જે ભૂંડા શબ્દો બોલે તેથી તો કાનના કીડા ખરે.

ધીમે ધીમે આ સિપાહીઓ સાથે પણ મારો પરિચય થયો ને તે મને રોકતાં બંધ પડ્યા. આ લશ્કરમાં સને ૧૮૯૬માં મારો સખત વિરોધ કરનાર કર્નલ સ્પાર્ક્સ અને કર્નલ વાયલી હતા. તેઓ મારા પગલાથી આશ્ચર્યચકિત થયા. મને ખાસ બોલાવીને મારો ઉપકાર માન્યો. મને જનરલ મૅકૅન્ઝીની પાસે પણ લઈ ગયા ને તેની ઓળખાણ કરાવી.

આમાંના કોઈ ધંધે સિપાહી હતા એમ વાંચનાર ન માને. કર્નલ વાયલી ધંધે જાણીતા વકીલ હતા. કર્નલ સ્પાર્ક્સ કતલખાનાના જાણીતા માલેક હતા. જનરલ મૅકૅન્ઝી નાતાલના જાણીતા ખેડૂત હતા. આ બધા સ્વયંસેવક હતા, ને સ્વયંસેવક તરીકે તેમણે લશ્કરી તાલીમ અને અનુભવ મેળવ્યાં હતાં.

જે દરદીઓની સારવારનું કામ અમને સોંપવામાં આવ્યું હતું તેમને લડાઈમાં જખમી થયેલા કોઈ ન માને. આમાંનો એક ભાગ શકથી પકડાયેલા કેદીઓનો હતો. તેમને જનરલે ચાબખા ખાવાની સજા કરી હતી. આ ચાબખાથી પડેલા ઘા સારવારને અભાવે પાકી ઊઠયા હતા. બીજો ભાગ જેઓ ઝૂલુ મિત્રો ગણાતા તેમનો હતો. આ મિત્રોને તેમણે મિત્રતા દર્શાવનારાં નિશાન પહેર્યાં હતાં તોપણ ભૂલથી સિપાહીઓએ ઘાયલ કર્યા હતા.

આ ઉપરાંત મને પોતાનો ગોરા સિપાહીઓને સારુ પણ દવા મેળવવાનું ને તેમને દવા આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું. દાક્તર બૂથની નાનકડી ઇસ્પિતાલમાં આ કામની મેં એક વર્ષ તાલીમ લીધી હતી તેથી મારે સારુ એ સહેલું કામ હતું. આ કામે મને ઘણા ગોરાઓનો સારો પરિચય કરાવ્યો.

પણ લડાઈમાં રોકાયેલું લશ્કર કંઈ એક સ્થળે બેસી ન જ રહે. જ્યાંથી ભયના સમાચાર આવે ત્યાં દોડી જાય. ઘણા તો ઘોડેસવાર જ હતા. અમારી છાવણી મથકેથી ઊપડી, ને અમારે તેની પાછળ અમારી ડોળીઓ ખાંધે ઉપાડી ચાલવાનું રહ્યું હતું. બેત્રણ પ્રસંગે તો એકે દિવસે ચાળીસ માઈલની કૂચ કરવાનો વારો આવ્યો હતો. અહીં પણ અમને તો કેવળ પ્રભુનું જ કામ મળ્યું. ઝૂલુ મિત્રો ભૂલથી ઘવાયેલા તેમે ડોળીઓમાં ઊંચકી જઈ છાવણીમાં પહોંચાડવાના હતા ને ત્યાં તેમની સારવાર કરવાની હતી.