સત્યના પ્રયોગો/બ્રહ્મચર્ય1
હવે બ્રહ્મચર્ય વિશે વિચાર કરવાનો સમય આવ્યો છે. એક પત્નીવ્રતને તો વિવાહ થતાં જ મારા હૃદયમાં સ્થાન હતું. પત્ની પ્રત્યેની વફાદારી મારા સત્યવ્રતનું અંગ હતું. પણ સ્વસ્ત્રી પ્રત્યે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું એ મને દક્ષિણ આફ્રિકામાં જ સ્પષ્ટ સમજાયું. કયા પ્રસંગથી અથવા કયા પુસ્તકના પ્રભાવથી એ વિચાર મને ઉદ્ભવ્યો, એ અત્યારે મને ચોખ્ખુ નથી યાદ આવતું. એટલું સ્મરણ છે કે, એમાં રાયચંદભાઈની અસરનું પ્રાધાન્ય હતું.
તેમની સાથેનો એક સંવાદ મને યાદ છે. એક વેળા હું મિસિસ ગ્લૅડસ્ટનના ગ્લૅડસ્ટન પ્રત્યેના પ્રેમની સ્તુતિ કરતો હતો. આમની સભામાં પણ મિસિસ ગ્લૅડસ્ટન પોતાના પતિને ચા બનાવીને પાતાં; આ વસ્તુનું પાલન આ નિયમબદ્ધ દંપતીના જીવનનો એક નિયમ થઈ પડયો હતો, એ મેં ક્યાંક વાંચેલું. તે મેં કવિને વાંચી સંભળાવ્યું, ને તેને અંગે મેં દંપતીપ્રેમની સ્તુતિ કરી. રાયચંદભાઈ બોલ્યા, ‘એમાં તમને મહત્ત્વનું શું લાગે છે? મિસિસ ગ્લૅડસ્ટનનું પત્નીપણું, કે તેનો સેવાભાવ? જો તે બાઈ ગ્લૅડસ્ટનનાં બહેન હોત તો? અથવા, તેની વફાદાર નોકર હોત ને તેટલા જ પ્રેમથી ચા આપત તો? એવી બહેનો, એવી નોકરોનાં દૃષ્ટાંતો આપણને આજે નહીં મળે? અને નારીજાતિને બદલે એવો પ્રેમ નરજાતિમાં જોયો હોત તો તમને સાનંદાશ્ચર્ય ન થાત? હું કહું છું તે વિચારજો.’
રાયચંદભાઈ પોતે વિવાહિત હતા. એ વેળા તો મને તેમનું વચન કઠોર લાગેલું એવું સ્મરણ છે. પણ તે વચને મને લોહચુંબકની જેમ પકડયો. પુરુષ ચાકરની એવી વફાદારીની કિંમત પત્નીની વફાદારીની કિંમત કરતાં તો હજારગણી ચડે. પતિપત્ની વચ્ચે ઐક્ય હોય, એટલે તેમની વચ્ચે પ્રેમ હોય એમાં આશ્ચર્ય નથી. નોકરશેઠ વચ્ચે તેવો પ્રેમ કેળવવો પડે. દિવસે દિવસે કવિના વચનનું બળ મારી આગળ વધતું જણાયું.
મારે પત્નીની સાથે કેવો સંબંધ રાખવો? પત્નીને વિષયભોગનું વાહન બનાવવી એમાં પત્ની પ્રત્યે ક્યાં વફાદારી આવે છે? હું જ્યાં લગી વિષયવાસનાને આધીન રહું ત્યાં લગી મારી વફાદારીની પ્રાકૃત કિંમત જ ગણાય. મારે અહીં કહેવું જોઈએ કે, અમારી વચ્ચેના સંબંધમાં કોઈ દિવસ મને પત્ની તરફથી આક્રમણ થયું જ નથી. એ દૃષ્ટિએ હું જ્યારે ઇચ્છું ત્યારે મારે સારુ બ્રહ્મચર્યનું પાલન સુલભ હતું. મારી અશક્તિ અથવા આસક્તિ જ મને રોકી રહી હતી.
હું જાગ્રત થયા પછી પણ બે વખત તો નિષ્ફળ જ ગયો. પ્રયત્ન કરું પણ પડું. પ્રયત્નમાં મુખ્ય હેતુ ઊંચો નહોતો. મુખ્ય હેતુ પ્રજોત્પત્તિ અટકાવવાનો હતો. તેના બાહ્યોપચારો વિશે કંઈક મેં વિલાયતમાં વાંચ્યું હતું. દાક્તર ઍલિન્સનના એ ઉપાયોના પ્રચારનો ઉલ્લેખ હું અન્નાહારવાળા પ્રકરણમાં કરી ચૂક્યો છું. તેની કંઈક અને ક્ષણિક અસર મારા ઉપર થયેલી. પણ મિ. હિલ્સના તેના વિરોધની અને આંતરસાધનના-સંયમના સમર્થનની અસર ઘણી વધારે નીવડી અને અનુભવે ચિરસ્થાયી બની. તેથી પ્રજોત્પત્તિની અનાવશ્યકતા સમજાતાં સંયમપાલનનો પ્રયત્ન આદર્યો.
સંયમપાલનની મુશ્કેલીઓનો પાર નહોતો. નોખા ખાટલા રાખ્યા. રાત્રે થાકીને જ સૂવાનો પ્રયત્ન કર્યો. આ બધા પ્રયત્નનું બહુ પરિણામ હું તુરત ન જોઈ શક્યો. પણ આજે ભૂતકાળની ઉપર આંખ ફેરવતાં જોઉં છું કે એ બધા પ્રયત્નોએ મને છેવટનું બળ આપ્યું.
અંતિમ નિશ્ચય તો છેક ૧૯૦૬ની સાલમાં જ કરી શક્યો. તે વખતે સત્યાગ્રહનો આરંભ નહોતો થયો. તેનું મને સ્વપ્ન સરખુંયે નહોતું. બોઅર યુદ્ધ પછી નાતાલમાં ઝૂલુ ‘બળવો’ થયો. એ વેળા હું જોહાનિસબર્ગમાં વકીલાત કરતો હતો. પણ મને લાગ્યું કે મારે તે ‘બળવા’ને અંગે પણ મારી સેવા નાતાલ સરકારને અર્પવી જોઈએ. મેં તે અર્પી. તે કબૂલ થઈ. તેનું વર્ણન હવે પછી આવશે. પણ આ સેવાને અંગે મને તીવ્ર વિચારો ઉત્પન્ન થયા. મારા સ્વભાવ પ્રમાણે, મારા સાથીઓ જોડે મેં તેની ચર્ચા કરી. મને લાગ્યું કે પ્રજોત્પત્તિ અને પ્રજાઉછેર જાહેરસેવાનાં વિરોધી છે. આ ‘બળવા’માં દાખલ થવા સારુ મારે મારું જોહાનિસબર્ગનું ઘર વીખવું પડયું હતું. ટાપટીપથી વસાવેલા ઘરનો અને રાચરચીલાનો, તે વસાવ્યાં માંડ મહિનો થયો હશે તેટલામાં, મેં ત્યાગ કર્યો. પત્નીને અને બાળકોને ફીનિક્સમાં રાખ્યાં, ને હું ભોઈની ટુકડી લઈને નીકળી પડયો. કઠણ કૂચો કરતાં મેં જોયું કે, જો મારે લોકસેવામાં જ તન્મય થઈ જવું હોય તો પુત્રૈષણા તેમ જ વિત્તૈષણાનો ત્યાગ કરવો જોઈએ, અને વાનપ્રસ્થધર્મનું પાલન કરવું જોઈએ.
‘બળવા’માં તો મારે દોઢ મહિનાથી વધુ ન રોકાવું પડયું. પણ આ છ અઠવાડિયાં મારી જિંદગીનો અતિશય કીમતી કાળ હતો. વ્રતનું મહત્ત્વ હું આ વેળા વધારેમાં વધારે સમજ્યો. મેં જોયું કે વ્રત બંધન નથી પણ સ્વતંત્રતાનું દ્વાર છે. આજ લગી મારા પ્રયત્નોમાં ઘટતી સફળતા ન મળી, કેમ કે હું નિશ્ચિયવાન નહોતો. મને મારી શક્તિનો અવિશ્વાસ હતો. મને ઈશ્વરકૃપાનો અવિશ્વાસ હતો. અને તેથી મારું મન અનેક તરંગો ને અનેક વિકારોને વશ વર્તતું હતું. મેં જોયું કે વ્રતથી ન બંધાવામાં મનુષ્ય મોહમાં પડે છે. વ્રતથી બંધાવું એ વ્યભિચારમાંથી નીકળી એક પત્નીનો સંબંધ બાંધવા જેવું છે. ‘હું પ્રયત્ન કરવામાં માનું છું, વ્રતથી બંધાવા નથી માગતો,’ એ વચન નિર્બળતાની નિશાની છે ને તેમાં સૂક્ષ્મ રીતે ભોગની ઇચ્છા છે. જે વસ્તુ ત્યાજ્ય છે તેનો સર્વથા ત્યાગ કરવામાં હાનિ કેમ હોઈ શકે? જે સરપ મને કરડવાનો છે તેનો હું નિશ્ચયપૂર્વક ત્યાગ કરું છું, ત્યાગનો માત્ર પ્રયત્ન નથી કરતો. હું જાણું છું કે માત્ર પ્રયત્ન પર રહેવામાં મરવું રહેલું છે. પ્રયત્નમાં સરપની વિકરાળતાના સ્પષ્ટ જ્ઞાનનો અભાવ છે. તે જ પ્રમાણે, જે વસ્તુના ત્યાગનો આપણે માત્ર પ્રયત્ન કરીએ છીએ, તે વસ્તુના ત્યાગની યોગ્યતાને વિશે આપણને સ્પષ્ટ દર્શન નથી થયું એમ સિદ્ધ થાય છે. ‘મારા વિચાર પાછળથી બદલાય તો?’ આવી શંકા કરીને ઘણી વેળા આપણે વ્રત લેતાં ડરીએ છીએ. આ વિચારમાં સ્પષ્ટ દર્શનનો અભાવ જ છે. તેથી જ નિષ્કુળાનંદે કહ્યું છે કે,
‘ત્યાગ ન ટકે રે વૈરાગ વિના.’ જ્યાં અમુક વસ્તુને વિશે સંપૂર્ણ વૈરાગ્ય ઉત્પન્ન થયો છે ત્યાં તેને વિશે વ્રત અનિવાર્ય વસ્તુ છે.