સત્યના પ્રયોગો/રાજનિષ્ઠા
શુદ્ધ રાજનિષ્ઠા મેં જેટલી મારે વિશે અનુભવી છે તેટલી ભાગ્યે જ બીજામાં મેં જોઈ હોય. એ રાજનિષ્ઠાનું મૂળ સત્ય ઉપરનો મારો સ્વાભાવિક પ્રેમ હતો એમ હું જોઈ શકું છું. રાજનિષ્ઠાનો કે બીજી કોઈ વસ્તુનો ડોળ મારાથી કોઈ દિવસ કરી જ નથી શકાયો. નાતાલમાં જ્યારે હું કોઈ સભામાં જતો ત્યારે ત્યાં ‘ગૉડ સેવ ધ કિંગ’ તો ગવાય જ. મને લાગ્યું કે મારે પણ તે ગાવું જોઈએ. બ્રિટિશ રાજનીતિમાં ખોડો ત્યારે પણ હું જોતો, છતાં એકંદરે મને તે નીતિ સારી લાગતી હતી. બ્રિટિશ અમલનું ને અમલદારોનું વલણ એકંદરે પ્રજાનું પોષક છે એમ હું ત્યારે માનતો.
દક્ષિણ આફ્રિકામાં ઊલટી નીતિ જોતો, રંગદ્વેષ જોતો. તે ક્ષણિક અને સ્થાનિક છે એમ માનતો. તેથી રાજનિષ્ઠામાં હું અંગ્રેજોની હરીફાઈ કરવા મથતો. ખંતથી અંગ્રેજોના રાષ્ટ્રગીત ‘ગૉડ સેવ ધ કિંગ’નો સૂર મેં શીખી લીધો. તે સભાઓમાં ગવાય તેમાં મારો સૂર ભેળવતો. અને જે જે પ્રસંગો આડંબર વિના વફાદારી બતાવવાના આવે તેમાં હું ભાગ લેતો.
એ રાજનિષ્ઠાને મારી જિંદગીભરમાં મેં કોઈ દિવસ વટાવી નથી. મારો અંગત લાભ સાધવાનો મને વિચાર સરખોયે નથી થયો. વફાદારીને ફરજ સમજી મેં સદાય તે અદા કરી છે.
જ્યારે હિંદુસ્તાન આવ્યો ત્યારે રાણીની ડાયમંડ જ્યુબિલીની તૈયારીઓ શરૂ થઈ હતી. રાજકોટમાં પણ એક સમિતિ નિમાઈ. તેમાં મને આમંત્રણ થયું. મેં તે સ્વીકાર્યું. મને તેમાં દંભની ગંધ આવી. તેમાં દેખાવને સારુ બહુ થતું મેં જોયું. એ જોઈ મને દુઃખ થયું. સમિતિમાં રહેવું કે નહીં એ પ્રશ્ન મારા આગળ ખડો થયો. અંતે મારા કર્તવ્યનું પાલન કરીને સંતોષ માનવાનો મેં ઠરાવ કર્યો.
વૃક્ષારોપણ કરવાની એક સૂચના હતી. આમાં હું દંભ જોઈ ગયો. વૃક્ષારોપણ કેવળ સાહેબલોકને પ્રસન્ન કરવા પૂરતું કરવાનું હતું એમ જણાયું. લોકોને મેં સમજાવવા પ્રયત્ન કર્યો કે વૃક્ષારોપણની કોઈ ફરજ નથી પાડતું, એ ભલામણરૂપ છે. વાવવાં તો દિલ દઈને વાવવાં અથવા તો મુદ્દલ નહીં. મને કંઈ સ્મરણ છે કે આમ કહેતો ત્યારે લોકો મારી વાત હસી કાઢતા. મેં મારા ભાગનું ઝાડ તો બરોબર વાવ્યું, ને તે ઊછર્યું એટલું મને યાદ છે.
‘ગૉડ સેવ ધ કિંગ’ હું કુટુંબનાં બાળકોને શીખવતો. મેં ટ્રેનિંગ કૉલેજના વિદ્યાર્થીઓને શીખવ્યાનું મને સ્મરણ છે. પણ તે આ જ પ્રસંગે કે સાતમા એડવર્ડના રાજ્યારોહણ પ્રસંગે એ મને બરોબર યાદ નથી. આગળ જતાં મને આ ગીત ગાવું ખટક્યું. અહિંસાના મારા વિચારો મારામાં જેમ પ્રબળ તથા ગયા તેમ મારી વાણી અને વિચારો ઉપર હું વધારે ચોકી કરવા લાગ્યો. એ ગીતમાં બે લીટી આ પણ છેઃ
તેના શત્રુઓનો નાશ કરજે,
તેમનાં કાવતરાંને નિષ્ફળ કરજે.
આ ગાવાનું મને ખટક્યું. મારા મિત્ર દા. બૂથને મેં મારી મુશ્કેલીની વાત કરી. તેમણે પણ કબૂલ કર્યું કે એ ગાવું અહિંસક મનુષ્યને શોભે નહીં. શત્રુ કહેવાયા તે દગો જ કરે એમ કેમ માની લેવાય? શત્રુ માન્યા તે ખોટા જ હોય એમ કેમ કહેવાય? ઈશ્વરની પાસે તો ન્યાયની જમ માગણી કરાય. દા. બૂથે આ દલીલ સ્વીકારી. તેમણે પોતાના સમાજમાં ગાવા સારું નવું જ ગીત રચ્યું. દા. બૂથની વિશેષ ઓળખાણ હવે પછી કરીશું.
જેમ વફાદારીનો ગુણ મારામાં સ્વાભાવિક હતો તેમ શુશ્રૂષાનો. માંદાં, પછી સગાં હોય કે પરાયાં, તેમની સેવા કરવાનો મને શોખ હતો એમ કહી શકાય. રાજકોટમાં મારું દક્ષિણ આફ્રિકાનું કામ ચાલતું હતું તે દરમિયાન હું મુંબઈ જઈ આવ્યો. મુખ્ય શહેરોમાં સભાઓ ભરી લોકમત વિશેષ કેળવવાનો ઇરાદો હતો. એને અંગે જ હું ગયેલો. પ્રથમ તો ન્યાયમૂર્તિ રાનડેને મળ્યો. તેમણે મારી વાત ધ્યાન દઈને સાંભળી ને મને સર ફિરોજશાને મળવાની સલાહ આપી. પછી હું જસ્ટિસ બદરૂદ્દીન તૈયબજીને મળ્યો. તેમણે પણ મારી વાત સાંભળીને તે જ સલાહ આપી. ‘જસ્ટિસ રાનડે અને હું તમને બહુ થોડા દોરી શકીશું. અમારી સ્થિતિ તો તમે જાણો છો. અમારાથી જાહેરમાં ભાગ ન લઈ શકાય, પણ અમારી લાગણી તો તમારી સાથે છે જ. ખરા દોરનાર સર ફિરોજશા છે.’
સર ફિરોજશાને તો હું મળવાનો હતો જ. પણ આ બે વડીલોને મોઢેથી તેમની સલાહ પ્રમાણે ચાલવાનું સાંભળી, સર ફિરોજશાના પ્રજા ઉપરના કાબૂનું મને વિશેષ ભાન થયું.
સર ફિરોજશાને મળ્યો. હું તેમનાથી અંજાવાને તો તૈયાર હતો જ. તેમને અપાતાં વિશેષણો સાંભળ્યાં જ હતાં. ‘મુંબઈના સિંહ’, ‘મુંબઈના બેતાજ બાદશાહ’ને મારે મળવાનું હતું. પણ બાદશાહે મને ડરાવ્યો નહીં. વડીલ જે પ્રેમથી પોતાના જુવાન દીકરાને મળે તેમ તે મળ્યા. મારે તેમના ચેમ્બરમાં તેમને મળવાનું હતું. તેમની પાસે અનુયાયીઓનો ડાયરો તો જામેલો જ હોય. વાચ્છા હતા, કામા હતા. તેમની સાથે મારી ઓળખાણ કરાવી. વાચ્છાનું નામ મેં સાંભળ્યું હતું જ. એ ફિરોજશાનો જમણા હાથ ગણાતા. આંકડાશાસ્ત્રી તરીકે વીરચંદ ગાંધીએ મને તેમની ઓળખ આપી હતી. તેમણે કહ્યું, ‘ગાંધી, આપણે પાછા મળશું.’
આ બધું થતાં તો ભાગ્યે બે મિનિટ થઈ હશે. સર ફિરોજશાએ મારી વાત સાંભળી લીધી. ન્યાયમૂર્તિ રાનડે અને તૈયબજીને મળ્યો હતો તે પણ મેં તેમને જણાવ્યું. ‘ગાંધી, તારે સારુ મારે જાહેર સભા કરવી પડશે. તને મદદ દેવી જોઈએ.’ મુનશીની તરફ વળ્યા, ને તેને સભાનો દિવસ મુકરર કરવાનું કહ્યું. દિવસ મુકરર કરી મને વિદાયગીરી આપી. સભાને આગલે દહાડે પોતાને મળવાનું ફરમાવ્યું. હું નિર્ભય થઈ મનમાં મલકાતો ઘેર ગયો.
મુંબઈની આ મુલાકાત દરમિયાન મારા બનેવી જે મુંબઈમાં રહેતા તેમને હું મળવા ગયો. તે માંદા હતા. તેમની સ્થિતિ ગરીબ હતી. બહેન એકલી તેમની સારવાર કરી શકે તેમ નહોતું. માંદગી સખત હતી. મેં તેમને મારી જોડે રાજકોટ ચાલવા કહ્યું. તેથી રાજી થયાં. બહેનબનેવીને લઈ હું રાજકોટ ગયો. માંદગી ધાર્યા કરતાં વધારે ગંભીર થઈ પડી. મેં તેમને મારી ઓરડીમાં રાખ્યા. આખો દિવસ હું તેમની પાસે જ રહેતો. રાતના પણ જાગવું પડતું. તેમની સેવા કરતાં દક્ષિણ આફ્રિકાનું કામ હું કરી રહ્યો હતો. બનેવીનો સ્વર્ગવાસ થયો. પણ તેમના છેલ્લા દિવસોમાં તેમની સેવા કરવાનો પ્રસંગ મને મળ્યો એથી મને ભારે સંતોષ થયો.
શુશ્રૂષાના મારા આ શોખે આગળ જતાં વિશાળ સ્વરૂપ પકડયું. તે એટલે સુધી કે, તે કરવામાં હું મારો ધંધો છોડતો, મારી ધર્મપત્નીને રોકતો ને આખા ઘરને રોકી દેતો. આ વૃત્તિને મેં શોખ તરીકે ઓળખાવી છે, કેમ કે હું જોઈ શક્યો છું કે આ ગુણો જ્યારે આનંદદાયક થઈ પડે છે ત્યારે જ નભી શકે છે. તાણીતૂશીને અથવા દેખાવ કે શરમને ખાતર થાય છે ત્યારે તે માણસને કચડી નાખે છે, ને તે કરતો છતો માણસ કરમાય છે. જે સેવામાં આનંદ નથી મળતો તે નથી સેવકને ફળતી, નથી સેવ્યને ભાવતી. જે સેવામાં આનંદ મળે છે તે સેવા આગળ એશઆરામ કે ધનોપાર્જન ઇત્યાદિ પ્રવૃત્તિ તુચ્છ લાગે છે.