સત્યના પ્રયોગો/રામરાખે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૨. ‘જેને રામ રાખે’

હવે તુરતમાં દેશ જવાની અથવા તો ત્યાં જઈને સ્થિર થવાની આશા મેં છોડી હતી. હું તો પત્નીને એક વર્ષની ધીરજ દઈને દક્ષિણ આફ્રિકા પાછો આવ્યો હતો. વર્ષ તો વીત્યું ને મારું પાછું ફરવાનું દૂર થયું. તેથી છોકરાંને બોલાવવાનો નિશ્ચય કર્યો.

છોકરાં આવ્યાં. તેમાં મારો ત્રીજો દીકરો રામદાસ પણ હતો. તે રસ્તે સ્ટીમરના નાખુદાની સાથે ખૂબ હળી ગયો હતો, ને તેની સાથે રમતાં તેનો હાથ ભાંગ્યો હતો. કપ્તાને તેની બરદાસ ખૂબ કરી હતી. દાક્તરે હાડકું સાંધ્યું હતું. ને જ્યારે તે જોહાનિસબર્ગ પહોંચ્યો ત્યારે તેનો હાથ લાકડાની પાટલી વચ્ચે બાંધી રૂમાલની ગળાઝોળીમાં અધ્ધર રાખેલો હતો. સ્ટીમરના દાક્તરની ભલામણ હતી કે જખમ કોઈ દાક્તરની પાસે દુરસ્ત કરાવવો.

પણ મારો આ કાળ તો ધમધોકાર માટીના પ્રયોગો કરવાનો હતો. મારા જે અસીલોને મારા ઊંટવૈદા ઉપર વિશ્વાસ હતો તેમની પાસે પણ હું માટીના ને પાણીના પ્રયોગો કરાવતો. રામદાસને સારુ બીજું શું થાય? રામદાસની ઉંમર આઠ વર્ષની હતી. ‘હું તારા જખમની સારવાર જાતે કરું તો તું ગભરાશે તો નહીં,’ એમ મેં તેને પૂછયું. રામદાસે હસીને મને પ્રયોગ કરવાની રજા આપી. જોકે એ અવસ્થાએ તેને સારાસારની ખબર ન પડે, તોપણ દાક્તર અને ઊંટવૈદનો ભેદ તો તે સારી પેઠે જાણતો હતો. છતાં તેને મારા પ્રયોગો વિશે ખબર હતી ને મારા ઉપર વિશ્વાસ હતો એટલે તે નિર્ભય રહ્યો.

ધ્રૂજતાં ધ્રૂજતાં મેં તેનો પાટો ખોલ્યો, જખમને સાફ કર્યો, ને સાફ માટીની લોપરી મૂકી જેમ પહેલાં બાંધ્યો હતો તેમ પાટો બાંધી લીધો. આમ હમેશાં હું જાતે જખમ સાફ કરતો ને માટી મૂકતો. મહિના માસમાં જખમ તદ્દન રુઝાઈ ગયો. કોઈ દિવસે કશું વિઘ્ન ન આવ્યું ને દિવસે દિવસે જખમ રૂઝતો ગયો. દાક્તરી મલમપટ્ટીથી પણ એટલો સમય તો જશે જ એમ સ્ટીમરના દાક્તરે કહેવરાવ્યું હતું.

આ ઘરગથુ ઉપાચરો વિશે મારો વિશ્વાસ અને તેનો અમલ કરવાની મારી હિંમત વધ્યાં. આ પછી મેં પ્રયોગોનું ક્ષેત્ર ખૂબ વધાર્યું. જખમો, તાવ, અજીર્ણ, કમળો ઇત્યાદિ દર્દોને સારુ માટીનાં, પાણીના ને અપવાસના પ્રયોગો નાનાંમોટાં, સ્ત્રીપુરુષો ઉપર કર્યા અને ઘણાખરા સફળ થયા. આમ છતાં જે હિંમત મને દક્ષિણ આફ્રિકામાં હતી તે અહીં નથી રહી, અને અનુભવે એમ પણ જોયું છે કે આ પ્રયોગોમાં જોખમો રહ્યાં જ છે.

આ પ્રયોગોના વર્ણનનો હેતુ મારા પ્રયોગોની સફળતા સિદ્ધ કરવાનો નથી. એક પણ પ્રયોગ સર્વાંશે સફળ થયો છે એવો દાવો કરી શકાય એમ નથી. દાક્તરો પણ એવો દાવો ન કરી શકે. પણ હેતુ એટલું જ કહેવાનો છે કે, જેને નવા અપરિચિત પ્રયોગો કરવા હોય તેણે પોતાનાથી આરંભ કરવો જોઈએ. આમ થાય તો સત્ય વહેલું પ્રગટ થાય છે ને તેવા પ્રયોગ કરનારને ઈશ્વર ઉગારી લે છે.

માટીના પ્રયોગોમાં જે જોખમો હતાં તે જ યુરોપિયનોના નિકટ સમાગમમાં હતાં. ભેદ માત્ર પ્રકારનો હતો. પણ એ જોખમોનો મને પોતાને તો વિચાર સરખો પણ નથી આવ્યો.

પોલાકને મારી સાથે જ રહેવાનું નિમંત્રણ આપ્યું ને અમે સગા ભાઈની જેમ રહેવા લાગ્યા. પોલાકને જે બાઈ સાથે તેઓ પરણ્યા તેની સાથે મૈત્રી તો કેટલાંક વર્ષો થયાં હતી. બન્નેએ સમય આવ્યે વિવાહ કરી લેવાનો નિશ્ચય પણ કર્યો હતો. પણ પોલાક કંઈક દ્રવ્યસંગ્રહની રાહ જોતા હતા એવું મને સ્મરણ છે. રસ્કિનનો તેમનો અભ્યાસ મારા કરતાં ઘણો વધારે બહોળો હતો, પણ પશ્ચિમના વાતાવરણમાં રસ્કિનના વિચારોનો પૂરો અમલ કરવાનું તેમને સૂઝે તેમ નહોતં. મેં દલીલ કરી, ‘જેની સાથે હૃદયની ગાંઠ બંધાઈ તેનો વિયોગ કેવળ દ્રવ્યને અભાવે ભોગવવો એ અયોગ્ય ગણાય. તમારે હિસાબે તો ગરીબ કોઈ પરણી જ ન શકે. વળી હવે તમે તો મારી સાથે રહો છો. એટલે ઘરખરચનો સવાલ નથી. તમે વહેલા પરણો એ જ હું તો ઇષ્ટ માનું છું.’

મારે પોલાકની સાથે બે વાર દલીલ કરવાપણું કદી રહ્યું જ નથી. તેમણે તુરત મારી દલીલ ઝીલી લીધી. ભાવિ મિસિસ પોલાક તો વિલાયતના હતાં. તેમની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેઓ રાજી થયાં, ને થોડા જ માસમાં વિવાહ કરવા જોહાનિસબર્ગમાં આવી પહોંચ્યાં.

વિવાહમાં ખર્ચ તો કંઈ જ કર્યું નહોતું. વિવાહનો કંઈ ખાસ પોશાક પણ નહોતો. એમને ધર્મવિધિની ગરજ નહોતી. મિસિસ પોલાક જન્મે ખ્રિસ્તી નો પોલાક યહૂદી હતા. બન્નેની વચ્ચે જે સામાન્ય ધર્મ હતો તે નીતિધર્મ હતો.

પણ આ વિવાહનો એક રમૂજી પ્રસંગ લખી નાખું. ટ્રાન્સવાલમાં ગોરાઓના વિવાહની નોંધ કરનારા અમલદારા કાળા માણસના વિવાહની નોંધ લે નહીં. આ વિવાહમાં અણવર તો હું હતો. ગોરા મિત્રને અમે શોધી શક્યા હોત, પણ પોલાક તે સહન કરે તેમ નહોતું. તેથી અમે ત્રણે જણ અમલદારની પાસે હાજર થયાં. હું જેમાં અણવર હોઉં એ વિવાહમાં બન્ને પક્ષ ગોરા જ હોય એવી અમલદારને શી ખાતરી! તેણે તપાસ કરવા ઉપર મુલતવી રાખવા માગ્યું. વળતે દિવસે નાતાલનો તહેવાર હતો. ઘોડે ચડેલાં સ્ત્રીપુરુષના વિવાહની નોંધતારીખ આમ બદલાય એ સહુને અસહ્ય લાગ્યું. વડા માજિસ્ટ્રેટને હું ઓળખતો હતો. તે આ ખાતાનો ઉપરી હતો. હું આ દંપતીને લઈ તેની આગળ હાજર થયો. તે હસ્યો ને મને ચિઠ્ઠી લખી આપી. આમ વિવાહ રજિસ્ટર થયા.

આજ લગી થોડાઘણા પણ પરિચિત ગોરા પુરુષો મારી સાથે રહેલા. હવે એક પરિચય વિનાની અંગ્રેજ બાઈ કુટુંબમાં દાખલ થઈ. મને પોતાને તો કોઈ દિવસ કશો વિખવાદ થયો હોય એવું યાદ નથી. પણ જ્યાં અનેક જાતિના અને સ્વભાવના હિંદીઓ આવજા કરતા, જ્યાં મારી પત્નીને હજુ આવા અનુભવ જૂજ હતા, ત્યાં તેમને બન્નેને કોઈ વાર ઉદ્વેગના પ્રસંગો આવ્યા હશે. પણ એક જ જાતિના કુટુંબને તેવા પ્રસંગો જેટલા આવે તેના કરતાં આ વિજાતીય કુટુંબને વધારે આવ્યા નથી જ. બલ્કે, જે આવ્યાનું સ્મરણ છે તે પણ નજીવા ગણાય. સજાતીયવિજાતીય એ મનના તરંગો છે. આપણે સૌ એક કુટુંબ જ છીએ.

વેસ્ટના વિવાહ પણ અહીં જ ઊજવી લઉં. જિંદગીના આ કાળે બ્રહ્મચર્ય વિશેના મારા વિચારો પાકા નહોતા થયા. તેથી મારો ધંધો કુંવારા મિત્રોને પરણાવી દેવાનો હતો. વેસ્ટને જ્યારે પિતૃયાત્રા કરવાનો સમય આવ્યો ત્યારે મેં તેમને બની શકે તો પરણીને જ પાછા આવવાની સલાહ આપી. ફિનિક્સ અમારું બધાનું ઘર થયું હતું ને સૌ ખેડૂત થઈ બેઠા હતા. એટલે વિવાહ કે વંશવૃદ્ધિ ભયનો વિષય નહોતો.

વેસ્ટ લેસ્ટરની એક સુંદર કુમારિકાને પરણી લાવ્યા. આ બાઈનું કુટુંબ લેસ્ટરમાં જોડાનો મોટો ધંધો ચાલે છે તેમાં કામ કરનારું હતું. મિસિસ વેસ્ટે પણ થોડો સમય જોડાના કારખાનામાં ગાળેલો હતો. તેને મેં ‘સુંદર’ કહેલ છે કે કેમ કે તેના ગુણોનો હું પૂજારી છું, ને ખરું સૌંદર્ય તો ગુણમાં જ હોય. વેસ્ટ પોતાની સાસુને પણ સાથે લાવેલા. આ ભલી ડોસી હજુ જીવે છે. તેના ઉદ્યમથી ને તેના હસમુખા સ્વભાવથી તે અમને બધાને હંમેશાં શરમાવતી.

જેમ આ ગોરા મિત્રોને પરણાવ્યા તેમ હિંદી મિત્રોને પોતાનાં કુટુંબોને બોલાવવા ઉત્તેજ્યા. તેથી ફિનિક્સ એક નાનુસરખું ગામડું થઈ પડયું, અને ત્યાં પાંચસાત હિંદી કુટુંબો વસવા લાગ્યાં ને વૃદ્ધિ પામતાં થયાં.