સત્યના પ્રયોગો/સંયમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૦. સંયમ પ્રતિ

ખોરાકના કેટલાક ફેરફારો કસ્તૂરબાઈની માંદગીને નિમિત્તે થયા એ છેલ્લા પ્રકરણમાં કહી ગયો. પણ હવે તો દિવસે દિવસે બ્રહ્મચર્યની દૃષ્ટિએ તેમાં ફેરફારો થતા ગયા.

તેમાં પ્રથમ ફેરફાર દૂધ છોડાવાનો થયો. દૂધ ઇંદ્રિયવિકાર પેદા કરનારી વસ્તુ છે એમ હું પ્રથમ રાયચંદભાઈ પાસેથી સમજ્યો હતો. અન્નાહારનાં અંગ્રેજી પુસ્તકો વાંચવાથી તે વિચારમાં વૃદ્ધિ થઈ. પણ જ્યાં સુધી બ્રહ્મચર્યનું વ્રત નહોતું લીધું ત્યાં સુધી દૂધ છોડવાનો ખાસ ઇરાદો નહોતો કરી શક્યો. શરીરના નિભાવને સારુ દૂધની જરૂર નથી એમ તો હું ક્યારનોયે સમજતો થઈ ગયો હતો. પણ તે ઝટ છૂટે તેવી વસ્તુ નહોતી. ઇંદ્રિયદમનને અર્થે દૂધ છોડવું એમ હું વધારે ને વધારે સમજતો હતો; તેવામાં ગાયભેંસો ઉપર ગવળી લોકો તરફથી ગુજારવામાં આવતા ઘાતકીપણા વિશેનું કેટલુંક સાહિત્ય મારી પાસે કલકત્તેથી આવ્યું. આ સાહિત્યની અસર ચમત્કારી થઈ. મેં તે વિશે મિ. કૅલનબૅક સાથે ચર્ચા કરી.

જોકે મિ. કૅલનબૅકની ઓળખ હું સત્યાગ્રહના ઇતિહાસમાં કરાવી ચૂક્યો છું અને આગલા એક પ્રકરણમાં પણ સહેજ ઉલ્લેખ કરી ગયો છું. પણ અહીં બે બોલ વધારે કહેવાની જરૂર છે. તેમનો મેળાપ મને અનાયાસે જ થયેલો. મિ. ખાનના એ મિત્ર હતા, અને તેમનામાં વૈરાગ્યવૃત્તિ ઊંડે ઊંડે હતી એમ મિ. ખાને જોયેલું, તેથી મને તેમની ઓળખાણ કરાવી એવી મારી સમજ છે. જ્યારે ઓળખાણ થઈ ત્યારે તેમના શોખોથી ને ખર્ચાળપણાથી હું ભડકી ગયો હતો. પણ પહેલી જ ઓળખાણે તેમણે મને ધર્મ વિશે પ્રશ્નો કર્યા. તેમાં બુદ્ધ ભગવાનના ત્યાગની વાત સહેજે નીકળી. આ પ્રસંગ પછી અમારો પ્રસંગ વધતો ચાલ્યો. તે એટલે સુધી કે જે વસ્તુ હું કરું તે તેમણે કરવી જ જોઈએ એવો તેમના મનમાં નિશ્ચય થઈ ગયો. તે એકલે પંડ હતા. પોતાની એક જાત ઉપર જ ઘરભાડા ઉપરાંત લગભગ રૂ. ૧૨૦૦ દર માસે ખર્ચતા. તેમાંથી છેવટે એટલી સાદાઈ પર આવ્યા કે એક વખતે તેમનું માસિક ખર્ચ રૂ. ૧૨૦ ઉપર જઈ ઊભું. મેં ઘરબાર વીંખ્યા પછી ને પહેલી જેલ પછી અમે બન્ને સાથે રહેવા લાગ્યા હતા. તે વખતે અમારું બન્નેનું જીવન ઘણું-પ્રમાણમાં-સખત હતું.

આ અમારા ભેગા વસવાટના સમય દરમિયાન દૂધ વિશેની મજકૂર ચર્ચા થઈ. મિ. કૅલનબૅકે સૂચના કરીઃ ‘દૂધના દોષોની તો આપણે ઘણી વેળા વાતો કરીએ છીએ. ત્યારે આપણે દૂધ કાં ન છોડીએ? એની જરૂર તો નથી જ.’ હું આ અભિપ્રાયથી સાનંદાશ્ચર્ય પામ્યો. મેં સૂચના વધાવી લીધી. ને અમે બન્નેએ ટૉલ્સ્ટૉય ફાર્મમાં તે જ ક્ષણે દૂધનો ત્યાગ કર્યો. આ બનાવ ૧૯૧૨ની સાલમાં બન્યો.

આટલા ત્યાગથી શાંતિ ન થઈ. કેવળ ફળાહારનો અખતરો કરવો એ નિશ્ચય પણ દૂધના ત્યાગ પછી થોડી જ મુદતમાં કર્યો. ફળાફારમાં પણ જે સોંઘામાં સોઘું ફળ મળે તેની ઉપર નિભાવ કરવાની ધારણા હતી. ગરીબમાં ગરીબ માણસ જે જીવન ગાળે તે જીવન ગાળવાની અમારી બન્નેની હોંશ હતી. ફળાહારની સગવડ પણ અમે ખૂબ અનુભવી, ફળાહારમાં ઘણે ભાગે ચૂલો સળગાવવાની જરૂર તો હોય જ નહીં. વગર ભૂંજેલી મગફળી, કેળાં, ખજૂર, લીંબું ને જીતુનનું તેલ – આ અમારો સામાન્ય ખોરાક થઈ પડયો હતો.

બ્રહ્મચર્યનું પાલન કરવાની ઇચ્છા રાખનારને અહીં એક ચેતવણી આપવાની આવશ્યકતા છે. જોકે મેં બ્રહ્મચર્યની સાથે ખોરાક અને ઉપવાસનો નિકટ સંબંધ બતાવ્યો છે, છતાં આટલું ચોક્કસ છે કે તેનો મુખ્ય આધાર મનની ઉપર છે. મેલું મન ઉપવાસથી શુદ્ધ થતું નથી. ખોરાક તેની ઉપર અસર કરતો નથી. મનનો મેલ વિચારથી, ઈશ્વરધ્યાનથી ને છેવટે ઈશ્વરપ્રસાદથી જ જાય છે, પણ મનને શરીરની સાથે નિકટ સંબંધ છે, અને વિકાર મન વિકારી ખોરાકને શોધે છે. વિકારી મન અનેક પ્રકારના સ્વાદો ને ભોગો શોધે છે. અને પછી તે ખોરાકો અને ભોગની અસર મન ઉપર થાય છે તેથી ને તેટલે અંશે ખોરાકની ઉપર અંકુશની અને નિરાહારની આવશ્યકતા અવશ્ય ઉત્પન્ન થાય છે. વિકારી મન શરીરની ઉપર, ઇંદ્રિયોની ઉપર કાબૂ મેળવવાને બદલે શરીરને અને ઇંદ્રિયોને વશ વર્તે છે, તેથી પણ શરીરને શુદ્ધ અને ઓછામાં ઓછા વિકારી ખોરાકની મર્યાદાની અને પ્રસંગોપાત્ત નિરાહારની-ઉપવાસની આવશ્યકતા રહી છે. એટલે જેઓ એમ કહે છે કે સંયમીને ખોરાકની મર્યાદાની કે ઉપવાસની જરૂર નથી તેઓ એટલા જ ભૂલમાં પડેલા છે, જેટલા ખોરાક અને નિરાહારને સર્વસ્વ માનનાર. મારો અનુભવ તો મને એમ શીખવે છે કે, જેનું મન સંયમ પ્રતિ જઈ રહ્યું છે તેને ખોરાકની મર્યાદા અને નિરાહાર બહુ મદદ કરનારાં છે. તેની મદદ વિના મનની નિર્વિકારતા અસંભવિત જણાય છે.