સત્યની શોધમાં/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નિવેદન
[પહેલી આવૃત્તિ]

આ વર્ષના નોબેલ-પારિતોષિક માટે જેના નામની ભલામણ દુનિયાના તમામ દેશોના વિદ્વાનો તરફથી કરવામાં આવી છે, તે સમર્થ અમેરિકન ચિંતક અને લેખક શ્રી અપ્ટન સિંકલેરના ‘સેમ્યુઅલ ધ સીકર’ નામે પુસ્તકને આધારે રચવામાં આવેલી આ ચોપડી છે. વસ્તુસંકલના અને વિચારણા મૂળ ગ્રંથકારની જ છે. અહીંના સંસારને બંધબેસતું ચિત્ર કરવાની કોશિશ મારી છે. મૂળ પુસ્તક કલાલક્ષી નથી, ધ્યેયલક્ષી છે. તેથી એનાં ચિત્રોનાં આછાંપાતળાં રંગરેખાનો વિશેષ ઉઠાવ કરવાની તેમ જ કેટલાક ઘાટઘૂટ આપવાની જવાબદારી મેં લીધી છે. ઉપરાંત મૂળ પુસ્તકનાં કુલ ૩૧૫ પાનાંને અહીં ૨૦૦માં સમાવી લીધાં છે. પરપ્રજાની સમાજકથાઓનું ચોકઠું ઉઠાવી તેમાં આપણા સંસારને બંધબેસતો કરવાની પ્રથા વિશે મોટા બે મત છે. મેં પણ ખચકાતી કલમે જ આ પ્રયાસ કર્યો છે. બચાવ માત્ર આટલો જ છે કે આ નરી સામાજિક કથા નથી, એમાં આર્થિક–રાજકારણી તત્ત્વો આગળ પડતાં છે. મૂડીવાદની સત્તા અમેરિકામાં સંપૂર્ણતાએ પહોંચેલી હશે, અહીં મર્યાદિત હશે, છતાં મૂડીવાદના પાયા પર ચણાતા સમાજનું સ્વરૂપ સર્વત્ર લગભગ સમાન જ હોય છે. એને સંસ્કારોના કે સંસ્કૃતિના તફાવતો નડતા નથી. તે છતાં આવી વાર્તાઓની પણ ઝીણી ઝીણી સામાજિક વિગતોમાં અત્યંત કાળજી જરૂરની છે. નહીં તો વેશ પહેરાવ્યા જેવું લાગ્યા કરે. દાખલા તરીકે આંહીંના ખેડુની કક્ષા ધ્યાનમાં લેતાં શામળને કાઠિયાવાડના કરતાં ગુજરાતના કોઈ સુધરેલા વ્યાપારીખેડુનો પુત્ર કલ્પવાથી ઔચિત્ય વિશેષ સચવાય. તેજુને પણ પંદર-સોળ વર્ષની ઠરાવવી જોઈએ. વાચકોએ એમ જ સમજી લેવું. વળી શામળ, વિનોદિની ને તેજુ જેવાં પાત્રોની જ્ઞાતિનો નિર્દેશ મારાથી થઈ શક્યો નથી, તેનું પણ એ જ કારણ છે કે એમ કરવા જતાં વાત મેળ ખાય જ નહીં. બીજું: મૂળ પુસ્તક મુજબ આખી કથાને બનતાં થોડા દિવસો જ લાગે છે. ખરી રીતે શામળને આટલા બધા અનુભવોમાંથી પસાર કરાવવા સારુ છ-બાર માસ જવા દેવા જ જોઈએ. વાર્તાના વસ્તુ તેમ જ રહસ્ય ઉપર અભિપ્રાય આપવાનો અધિકાર મને નથી. મૂડીવાદના સાચા સપાટા જેઓએ ભોગવેલ છે, અથવા તો નજીક જઈને પ્રેક્ષકરૂપે નિહાળેલ છે, તેઓની અને શ્રી અપ્ટન સિંકલેરની વચ્ચે જ એ ગુણદોષ તોળવાનું કાર્ય થઈ શકે. મારા જેવાને તો એ ત્રીસ વર્ષના સ્વાનુભવી અને જગન્માન્ય ચિંતકના બોલો ઉપર વિશ્વાસ જ શોભે. અલબત્ત, આજે આપણા દેશના શાસન પર દેશી મૂડીવાદ સંપૂર્ણત: સત્તારૂઢ નથી થયો, એટલે અંશે કદાચ આખું ચિત્ર અહીંની પરિસ્થિતિને પૂરો ન્યાય ન આપતું હોય, તો તેટલા પૂરતું એને વર્તમાન પરત્વે ઓછું સ્થાન. પણ આજે નહીં તો કાલે કે પરમદિવસે દેશના શાસન પર દેશી મૂડીવાદની સત્તાના એકાદ-બે દાયકા કલ્પવા કઠિન નથી. એવા એક-બે દાયકાની છાયા તળે સમાજ સહેજે આવું સ્વરૂપ ધારણ કરેય ખરો. એવા કોઈ ભાવિની સામે ચેતવણી તરીકે આ ચોપડીનું સ્થાન ખરું કે નહીં? આમાં આવતાં પાત્રોને કોઈપણ જીવતી કે વિગત વ્યકિત સાથે કશો જ સંબંધ નથી. બોટાદ: ૭-૭-૧૯૩૨
ઝવેરચંદ મેઘાણી

[બીજી આવૃત્તિ]

નવી આવૃત્તિમાં બે ઊણપો પૂરી લેવાની સલાહ આ પુસ્તકના પ્રેમીજનો તરફથી મળી હતી: એક તો એ કે પુસ્તકનો અંત એકાએક આવી જાય છે, માટે એમાં થોડાં પ્રકરણો ઉમેરીને ‘સત્યની શોધ’ની સિદ્ધિ બતાવવી, કંઈ નહીં તો શામળ-તેજુનો મંગળ હસ્તમેળાપ કરી આપવો, એ બાપડાંનો સંબંધ હવે સંદિગ્ધ ન રાખવો; બીજું, પુસ્તકના આંરભમાં અપ્ટન સિંકલેરનું સંક્ષિપ્ત જીવનચરિત્ર ઉમેરવું. પહેલી સલાહને વિચારી જોતાં આખરે એમ લાગ્યું કે એક તો મૂળ પુસ્તકની મર્યાદા બહાર જવાથી એના કર્તાને અન્યાય થશે. બીજું, શામળ-તેજુના જીવનનું જોડાણ તો છેવટની સંગ્રામભૂમિ ઉપર સૂચક તેમ જ શોભતી રીતે થઈ ચૂક્યું છે. એ રણ-લગ્ન ઉપર શોણિતનો અભિષેક છંટાયો છે. મૃત્યુના મુખ સામે ઉજવાયેલું, અને કોઈપણ પુરોહિતના સ્તોત્રોચ્ચાર કરતાં અનંતગણા વધુ પુનિત ગીતધ્વનિ વડે ગજવાયેલું એ લગ્ન બન્યું છે. એવા સૂચક સંયોગને વધુ શાબ્દિક કરવાથી ફાયદો શો? અને અંત અધૂરો લાગે છે? ઉકેલ અપાયો નથી? તોપણ શું? કોઈપણ પ્રશ્નનો ઉકેલ આપવાનું કામ વાર્તાલેખકનું નથી. ઉકેલ આપનાર એ કોણ? એ તો ફક્ત પરિસ્થિતિની છણાવટ કરે, પ્રશ્નો અણદીઠ પડ્યા છે તેને ઉઠાવી દુનિયાની સામે ધરે; દુનિયાના હૃદયમાં એ પ્રશ્નના અસ્તિત્વનું ભાન અને એ પ્રશ્નના નિકાલની મનોવેદના, ઝંખના, તાલાવેલી જાગ્રત કરે; પોતાને સૂઝતી હોય તેવી કોઈક એક નિર્ણય-દિશા પ્રત્યે આંગળી ચીંધાડે; એથી વધુ એ ન જ કરે – જો એ ડાહ્યો હોય તો. વાર્તાલેખક એ વકીલ નથી, વૈદ પણ નથી, રાજપુરુષ પણ નથી. ઉકેલ શોધવાનું કામ તો સમાજરચનાના અગ્રણીઓનું, વ્યવહારદક્ષોનું, કર્મનિષ્ઠ પુરુષોનું છે. અપ્ટન સિંકલેરે એ મર્યાદા સાચવવામાં યોગ્ય વિવેકનું પાલન કર્યું છે. એણે તો ફક્ત એટલું જ ચોખ્ખું કર્યું છે, કે શું નવયુગી રિદ્ધિ-સિદ્ધિ, શું વિરાટ હુન્નર-ઉદ્યોગો, શું ન્યાયમંદિરો, વિદ્યાપીઠોનાં પાંડિત્યો, ધર્મસંસ્થાઓના શુભાશયો, કે શું પ્રજાપ્રતિનિધિત્વનાં કહેવાતાં બંધારણો, એ તમામ એકાદ સ્થાપિત હિતવાળા લોકવર્ગની સોનેરી જાળ બની જાય છે – જો વર્ગ વર્ગ વચ્ચેનાં હિતોની દીવાલોને પ્રથમ ન તોડી નાખવામાં આવે તો. અને સિંકલેરે વિનોદિનીનું પાત્ર સર્જીને તો લેખકોની જૂની પરંપરાગત મનોદશા પર એક માર્મિક પ્રહાર કર્યો છે. વાર્તાના ગરીબ નાયકને કોઈ રાજકુળની અથવા કોઈ શ્રીમંત અગ્રેસરની કન્યા જોડે ‘સુમુહૂર્ત શુભલગ્નં’ કરાવીને સમાજની નવરચનાનો માયાવી માર્ગ દેખાડનાર લેખકો ખરી રીતે તો બે પાત્રોની આસપાસ જૂઠી, આંજી નાખનારી અદ્ભુતતા જ સરજે છે. અપ્ટન સિંકલેર શામળ-વિનોદિનીના સંબંધ દ્વારા એવો ધ્વનિ કાઢે છે કે વર્ગ વર્ગ વચ્ચેનું એવું કોઈ ભાવના-લગ્ન સંભવિત જ નથી, અથવા ઇષ્ટ જ નથી, કેમ કે એવું લગ્ન અકુદરતી છે. અથવા કોઈ એકાદ કિસ્સામાં એવું લગ્ન શક્ય બન્યું તોયે તેથી શું? સમાજની પુરાણી રચનાને ઉથલાવી પાડવા માટે એ લગ્નમાં જોડાયેલાંની તૈયારી હોઈ શકે જ નહીં. વર્ગીય સ્વાર્થવૃત્તિ એવા લગ્નને પોતાનું જ સાધન બનાવી કાઢે છે. એ રીતે અપ્ટન સિંકલેરે આ પુસ્તકને આપણી પાસે સમાજવાદની એક બાળપોથીરૂપે મૂકેલું છે. સમાજવાદને એણે સંકલનાબદ્ધ વાર્તારૂપે રજૂ કરેલ છે. સમાજવાદને અત્યારની અંધાધૂંધીનો એકમાત્ર ઉગાર-માર્ગ ગણી એ હિમાયત કરે છે, એટલે જ એનો છેવટનો અંગુલિનિર્દેશ આ પુસ્તકમાં સમાજવાદ તરફ થયો છે – પણ તે ગર્ભિત રીતે થયો છે. પ્રચારકે કલાકારને છેક ભક્ષી નથી લીધો. અપ્ટન સિંકલેરની જીવનકથા અહીં ન આપવામાં મારો ઉદ્દેશ એ કથાને વધુ શાંતિથી વધુ સારી રીતે રજૂ કરવાનો જ છે. સંક્ષેપમાં પતાવી દેવા જેવી એ કથા નથી. અપ્ટન સિંકલેરની આપવીતી એટલે એક બહુરંગી જીવનસંગ્રામ. યુવાન પ્રજાની પાસે ધરવા જેવી એ કથા છે. એની સાહિત્યકૃતિ, બીજા અનેક ગ્રંથલેખકોને વિશે હોય છે તેથી ઊલટી રીતે, એના આત્મઘડતરની તેમ જ એના કર્મજીવનની જબાન છે. એના અક્ષરદેહને એના ચારિત્ર્યથી જુદો પાડી શકાય તેમ નથી. એની સાહિત્યપ્રવૃત્તિ કલાકાર તરીકેની નથી, એ તો છે જીવનનો નેક ઉચ્ચાર. માટે જ ટૂંકામાં પતાવી લેવા લાયક એ કથા નથી. એટલે વિસ્તૃત જીવનકથા પાછળથી આપવાની નેમ રાખી છે. મુંબઈ: ૨૩-૧૧-૧૯૩૩
ઝવેરચંદ મેઘાણી

[ત્રીજી આવૃત્તિ]

લાંબી વાર્તાનો કસબ શીખવાની સૌ પહેલી તાલીમ આ કથાલેખન થકી મળી છે, એ એક ગણતરીએ આનું સ્થાન મારી સર્જકતાના વિકાસમાં મને પક્ષપાત પ્રેરે એવા પ્રકારનું રહ્યું છે. નવી આવૃત્તિ કરવામાં આખા લખાણને કાળજીપૂર્વક નજર તળે કાઢી ગયો છું. બોટાદ: ૧૯૪૬
ઝવેરચંદ મેઘાણી