સત્યની શોધમાં/૧૨. બબલો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૨. બબલો

“ઓહો, બચ્ચાજી!” ફતેહમામદ ફોજદારે શામળના ચહેરા પર બત્તી ધરીને જૂની ઓળખાણ તાજી કરી, “તમે પાછા આવ્યા કે! તે દિવસે મૅજિસ્ટ્રેટસાહેબની પાસે ચાલાકી કરીને છૂટી ગયેલા, ત્યારે જ હું જાણતો’તો કે તમે પાછા આવવાના!” “આ વેળા તો ખૂનના કેસ બદલ આવેલ છે.” કૉન્સ્ટેબલે કહ્યું. “એ તો એમ જ હોયને! લક્ષ્મીનગરમાં આવીને આદમીની ચાલાકી આગળ જ વધેને!” ફોજદારસાહેબે પોતાની ફાંદ ઉપર કોટનાં બટન બીડવાનો પ્રયત્ન કરતાં કહ્યું. ‘ચાલાકી’ શબ્દ એક મંત્રની માફક પાંચ મહિને ફરી વાર શામળને કાને પડ્યો. “ખૂનનો કેસ છે, તે સાહેબ જ છોને કડાકૂટ કરતા – આપણે શું? ઓ મારા અલ્લા! જહન્નમ જેવી છે સાલી આ નોકરી.” એમ બોલતા ફતેહમામદ ફોજદાર કેટલીક મુસીબતે પોતાના પંચભૂતને ખુરસીટેબલની વચ્ચેથી બહાર કાઢી શક્યા, ને ટેલિફોન પર ગયા. “એ બેટાને ઠાંસ પેલા બબલાદાદાની જોડે. ત્યાં એ સીધો રહેશે.” શામળ જેલની કોટડીમાં ધકેલાયો. લોખંડી સળિયાના બારણા ઉપર તાળા-ચાવીની ચીસ નીકળી. આ વેળા શામળને નામોશીની લાગણી જરીકે ન થઈ. પણ એનું હૃદય વલોવાતું હતું, હતભાગિની મૃણાલિનીને માટે. કોટડીમાં બારણા પાસે એ આંટા મારવા લાગ્યો. ત્યાં તો ઓચિંતો એક ખૂણેથી પશુ જેવો ઘુરકાટ આવ્યો: “હવે ભલો થઈને ઊંઘવા દઈશ કે નહીં? તારા ઠબઠબાટ સવાર પર મુલતવી રાખને, ભાઈ!” “ઓહો, માફ કરજો હો ભાઈ! મને ખબર નહોતી.” શામળને યાદ આવ્યું કે પોતે કોઈક બબલાદાદા નામના માનવીનો સંગાથી બનેલ છે. “શા તહોમતમાં આવ્યા છો, મિસ્તર?” “ખૂનના.” શામળે કહ્યું. સફાળો જ સાથી પથારીમાંથી ઊભો થઈ ગયો: “શું? શાના? ખૂનના?” “પણ મેં નથી જ કર્યું. એ તો એ બાઈએ પોતે જ પોતાનું ગળું કાપ્યું.” શામળે ઉતાવળે ખુલાસો કર્યો. “ક્યાં બન્યું એ?” “સરદારગૃહ હોટેલમાં.” “પણ તારે ને એને ક્યાંથી પનારાં પડ્યાં?” “હું જ એને ત્યાં મૂકવા ગયેલો.” “તને ક્યાં મળી’તી એ રાંડ ચુડેલ?” “‘નંદનવન’માં.” “‘નંદનવન’માં? દિત્તુ શેઠને ઘેરે?” બબલાદાદાએ પોતાના અવાજ વધુ વેગ મૂક્યો. “હા, એ દિત્તુ શેઠની દોસ્ત હતી, જમવા આવી’તી. શેઠે ધક્કા મારીને કાઢી મૂકી.” “પણ તને ક્યાંથી ખબર?” “હું ત્યાં નોકરી કરતો’તો.” “ઓ મારા બાપ! તેં આ બધી વાત ફોજદારને કહી?” “ના, મને એણે કશું પૂછ્યું જ નથીને!” બબલોદાદો પથારીમાંથી એકદમ ઊભો થયો. એણે પહેરેગીરને પોકાર્યો: “સંત્રી! ઓ સંત્રી!” “શું છે?” પહેરેગીર પાસે આવ્યો. “ફોજદારસા’બને કહે એક મિનિટ અહીં આવી જાય. જલદી આવે. આ જુવાનની પાસે એકદમ જાણવા જેવી બાતમી છે.” ફોજદારસાહેબ આવ્યા. બબલો તો એ સહુનો નગદ દોસ્ત – કેમ ન આવે? “સાહેબ!” બબલાએ કહ્યું, “આને એમ ને એમ ઠાંસી દીધો, પણ કાંક પૂછોગાછો તો ખરા! પેલી ખૂનવાળી રાંડ ક્યાંથી આવી’તી ખબર છે?” “ના.” “એ ‘નંદનવન’માંથી. ત્યાં ગઈ’તી ખાવા. આ જુવાન ત્યાં નોકર છે. જરીક પૂછો તો ખરા. એમ ને એમ શું ફોજદારું ઠોક્યે રાખો છો, મારા સાહેબ?” “ઓ અલ્લા!” ફોજદારસાહેબ દાઢી ખજવાળી, શામળને બહાર કાઢી, ખાનગી ઓરડામાં લઈ ગયા. ત્યાં તો સાહેબ આવી પહોંચ્યા. બાટલીવાળા સાહેબ પારસી હતા. તોતિંગ જડબાં હતાં. કદાવર શરીર હતું. એણે શામળને બોલાવીને ત્રાડથી જ કામ શરૂ કર્યું: “સું – સાલા ડામીજ, તું આય સું બકેચ?” “પણ સાહેબ, – શું –! હું શું—” શામળ થરથરી ઊઠ્યો. “તું આ કોણને ભનાવેચ, સાલા ડામીજ!” સાહેબનો અવાજ ઊંચે ચડ્યો, “એ રંડી ‘નંદનવન’માંથી આવેલી, એમ કે?” “જી હા, સાહેબ!” “એ...મ કે? સાલા, મુને તું નાનો પોરિયો ધારેચ?” અવાજ ત્રીજા સપ્તક પર ચડ્યો. “હું સાચું જ કહું છું, સાહેબ!” “સાચું! સાચું, એમ કે? મને બેવકૂફ બનાવેચ? ને સું તીયાં એ રંડી ખાવા આવેલી કે?” અવાજ તો હવે છાપરું તોડવા મથતો હતો. “હા, સાહેબ.” “એ....મ! હજુયે તારી ચાલાકી છોડતો નથી કે?” ચાલાકી! “સાચે જ સાહેબ! એ ત્યાં આવેલી.” “એ...મ! કોઈની ઇજ્જત ઉપર તું હાથ નાખેચ કે? પોરિયા! તારી આ ચાલાકી હું ઉતારી નાખસ, હાં કે?” “પણ સાહેબ, હું સાચું જ કહું છું; એ ત્યાં વાળુ કરવા આવેલી.” બાટલીવાળાસાહેબની પાસે આ ગુના તપાસવાની એક કરામત હતી. અક્કેક સવાલ ત્રણ વાર, એક પછી એક ચડિયાતે અવાજે, બોલનાર જૂઠું જ બોલે છે એમ સમજીને, પૂછ્યે જવો; ને તેમાં જો એ ઇસમ આરપાર નીકળી જાય, જો એ ત્રાડોની સામે વગર થોથરાયે ટક્કર ઝીલી કાઢે, તો સાહેબ માને કે એ સાચું કહે છે. શામળને પાછો બબલાદાદાની જોડે પૂરી દેવામાં આવ્યો. સાથીએ પૂછ્યું: “કાં, તારી વાતને બરાબર વળગી રહેલો કે, દોસ્ત?” “હા જ તો.” “તો તો હાલઘડીએ કાં’ક જાદુ થાશે.” —ને જાદુ થયું. કલાક પછી ફોજદારે આવીને ચાવી ફેરવી. બબલાને તથા શામળને એક ખૂણે લઈ ગયા. શામળને પૂછ્યું: “છોકરા, બોલ, તારે દિત્તુ શેઠની સાથે કાંઈ અદાવત છે?” “ના. શા સારુ હોય?” “તને છોડી દઈએ, તો આ કિસ્સા બાબત તારી જબાન બંધ રહી શકશે?” “જરૂર – જો તમે કહેતા હો તો હું એક શબ્દ પણ ન ઉચ્ચારું.” “શાબાશ! ને બબલા, તું આમ જો. તારો ગુનો તું સમજે છે ને? તું દસ વરસના કાળાપાણીમાં ટિપાઈ જવાનો છે, જાણે છે?” “હા જ તો. જીવતી કબર.” “તો પછી આપણે સાટું કરવું છે?” “શી રીતે?” “તારે લક્ષ્મીનગર છોડી જવું, ને આ ‘નંદનવન’વાળા મામલા વિશે એક હરફ પણ ક્યાંય ન કાઢવો. છે કબૂલ?” “કબૂલ.” “વાહ વાહ! આ લે ત્યારે આ તારાં ઓજારો. પાછળની બારીના સળિયા ખેસવીને પરોઢિયા પહેલાં રફુચક્ક્ર થઈ જવાનું. આ લે રૂપિયા ૫૦ રોકડા ખરચીના. આ જુવાનને પણ સાથે લઈ જવો. નવીનાબાદ જઈને એને ત્યાં ગુમ કરી દેવો. સમજાયું?” “બરાબર સમજાયું.” “તો પછી બસ, કામ શરૂ કર.” ફરી વાર પાછી પોલીસ-જેલ ઉપર ચુપકીદી પથરાઈ ગઈ. બબલાએ એનાં ઓજારો હાથમાં લીધાં. ઓજારો એટલે બારીના સળિયા ઉખેડી નાખવાનાં ચોર-આયુધો. બે કલાકમાં ચુપચાપ બબલાએ પછવાડેની બારીમાંથી આખો આદમી નીકળી શકે તેટલી જગ્યા કરી નાખી, પોતાનાં ઓજારો એણે ખીસામાં નાખ્યાં. શામળ પડ્યો હતો તેને કહ્યું: “ચલો, મિસ્ટર!” પ્રથમ પોતે – પછી શામળ: બંને બારીમાંથી નીકળીને કૂદકો મારી રસ્તે પડ્યા. થોડે ચાલીને પછી એણે શામળને એક અંધારી ગલીમાં લીધો. એકાદ માઈલની ગલીકૂંચી વટાવ્યા પછી એક ઘર આવ્યું. બબલાએ ચાવી ફેરવીને તાળું ખોલ્યું. બીજા માળ પર પછવાડેના ભાગમાં એક ઓરડો હતો ત્યાં જઈ બબલાએ બત્તી કરી, કોટ ઉતાર્યો, શામળને કહ્યું કે, “હવે આંહીં મોજથી રહે, દોસ્ત.” “આ તમારું ઘર છે?” “હા દોસ્ત. પણ હજુ આ કોઈ ખૂંટડાઓએ જોયું નથી.” ખૂંટડા એટલે પોલીસો. “પણ આપણે તો શહેર છોડીને જવાનું હતું ને?” “તું તારે લહેર કરને, યાર!” “એટલે શું આપણે નથી જવાનું?” “ના રે! લક્ષ્મીનગર છોડીને જવાય? આ શહેરમાં ચરી ખાવાનો તો મને સદર પરવાનો છે.” “એટલે શું તમને નહીં પકડે હવે?” “મગદૂર નથી – સિવાય કે હું ખૂન કરું.” “પણ તમારી એને શી બીક?” “બીક? જોને યાર, દાખલા તરીકે આ દિત્તુ શેઠવાળો જ કિસ્સો: આપણે નવીનાબાદ જઈને ત્યાંના ‘તોપ’ નામના છાપામાં જ છપાવીએ, એટલે આંહીંની પોલીસને સાતપાંચ થઈ જાય, ખરું કે નહીં?” “ખરું.” બબલો ચુંગી સળગાવીને ધુમાડાનાં ગૂંચળાં કાઢતો પોતાના ઢોલિયા પર લેટ્યો, કહ્યું: “મારી સાથે તને પૂરવામાં તો દોસ્ત, એ ખૂંટડાઓએ મને ન્યાલ કરી નાખ્યો.” “તમે કોણ છો?” “હું – હું શાહુકાર છું – ચીનનો.” “એટલે?” “એટલે? ઓય ગીગલો! સમજ્યો નહીં? હું છું તિજોરીઓ તોડનાર મોટો ઉઠાઉગીર.” શામળ ચકિત થઈને આ મનુષ્યની મુખમુદ્રા વાંચવા લાગ્યો. ઊંચો, સૂકલ દેહ; ફિક્કો ચહેરો; દાઝ્યો પડેલી અશાંત આંખો; બહારપડતું નાક; લાંબી ડોક; જાણે કે કોઈ ચોંકેલું સારસ પક્ષી. “મારાથી ગભરાય છે? ના દોસ્ત, ચમક નહીં, હું કાંઈ કાયમનો ઉઠાઉગીર નહોતો.” “ત્યારે? તમે કોણ હતા?” “બડો કસબી ને ઇલમી હતો, ભાઈ!” “ઇલમી!” શામળે હસવું ખાળ્યું. “હા, હા, મશ્કરી નથી. આ લખમીનંદન શેઠના કારખાનામાં કાચ ફુલાવવાના સંચા છે એ તેં જોયા છે?” “ના.” “એ માંહેલા ત્રણ સંચા મેં મારા ઇલમથી જ શોધી કાઢ્યા’તા. એ ત્રણેય સંચા સાલા લખમીનંદન ડોસાએ મારી કનેથી ધૂતીને લઈ લીધા. બાપના સમ!” “ધૂતી લીધા?” શામળ આભો બન્યો. લક્ષ્મીનંદન સરીખો ભાગ્યશાળી અને સમર્થ લોક-અગ્રેસર કોઈનો ઇલમ ધૂતી લ્યે, એ વાત શામળના ભેજામાં જ ન ઊતરી. “હા, હા, ધરાર ધૂતી લીધા. ગરીબ કચ્છી લુવાર. રોટલી સારુ અહીં શહેર વેઠવા આવ્યો. અહીં મારું ભિખારીનું કહ્યું કોણ માને કે મારો શોધેલ સંચો આ કરોડપતિ ધૂતી લ્યે છે? પણ એણે કોને છોડ્યા છે? પોતાની નજીક આવનાર તમામને એણે ધૂત્યા છે.” “મને ખબર નહોતી.” “ત્યારે તો તું એની હડફેટમાં ચડ્યો નથી લાગતો,” બબલો હોકલી પીતો પીતો હસ્યો, “તું અહીં ક્યાંથી આવે છે?” શામળે અથ-ઇતિ પોતાનો ઇતિહાસ કહ્યો. એમાં પેલા કાચના કારખાનાના શૅરો રૂ. ૧૦૦૦ના ડૂબ્યા તે વાત પણ આવી. “બાપ રે બાપ!” બબલો બોલી ઊઠ્યો, “તું તો કહેતો’તો ને કે લખમીનંદન શેઠના સપાટામાં તું આવ્યો જ નથી? ત્યારે પછી આ રૂપિયા ૧૦૦૦ એણે તારી કનેથી ધૂત્યા ન કહેવાય કે?” “નહીં જ તો. એમાં એ શું કરે? એમાં એનો શો દોષ? એ ગુજરી ગયા તે વખતે શૅરોના ભાવ બેસી ગયા!” “મૂરખો રે મૂરખો! પણ એટલું તો વિચાર કે એ મરી જાય તેમાં શૅરોના ભાવ શા સારુ બેસી જાય? – સિવાય કે એણે પોતાની ઇસ્કામત કરતાં દસગણી રકમનાં કાગળિયાં છાપીને લોકોની છાતી ઉપર ચાંપ્યાં હોય?” શામળનું ડાચું બિડાયું: “આવું તો મેં વિચાર્યું જ નહોતું!” પછી શામળે પોતાના ભૂખમરાની, પ્રોફેસર ચંદ્રશેખરના મેળાપની, ચંદ્રશેખરસાહેબે સમજાવેલી નવી ફિલસૂફીની વગેરે વાતો કરી. “હું દુનિયાનો એક ભાગ્યહીન, નાલાયક, કમતાકાત માણસ હતો તે પ્રોફેસરસાહેબે મને દીવા જેવું કરી દેખાડ્યું.” “ને તું એનું થૂંકેલું બધુંય ગળી ગયો?” બબલાના મોંમાંથી હોકલી નીકળી ગઈ. “હા જ તો. મારે ગળે ઘૂંટડો ઊતરી ગયો.” “ને બસ, તું એ મુજબ વર્તવા નીકળી પડ્યો? ભૂખમરાથી જાન કાઢી નાખવા—” “હા, બીજો કયો માર્ગ હતો?” “વાહ વાહ! મારે જ્યારે ભૂખે મરવાનું ટાણું આવ્યું’તું, ત્યારે મને તો ખાસો મજાનો બીજો જ એક માર્ગ મળી ગયો’તો, દોસ્ત! હાં, ચલાવ તારી વાત.” પછી પોતે દિત્તુ શેઠની જિંદગી કેવી રીતે બચાવી, ને પછી શું બન્યું, તે બધું શામળે વર્ણવ્યું. “ભાઈ ભાઈ!” બબલાએ ઉચ્ચાર્યું, “તેં તો કમાલ કરી યાર!” દિત્તુ શેઠ તારો દેવ બન્યો, તારા સ્વપ્નની મૂર્તિ બન્યો, એમ ને? બધી લાયકી ને બધા સદ્ગુણ તેં એને પહેરાવ્યાં, કમાલ! કમાલ કરી તેં તો, યાર.” “કાં?” “અરે બબૂચક, છાપું તો વાંચ કોઈક દિવસ! બે વરસથી એ રેઢિયાળ છોકરો નવીનાબાદમાં જુગાર, શરાબી અને રંડીબાજી વિના બીજી વાત જાણતો નથી. એને માથે કેટલાં તો તહોમતો લટકે છે. જેના સાટુ કોઈ એક ટીપું પણ લોહી ન આપે, એના વાસ્તે તું તારો જાન કુરબાન કરવા દોડ્યો!” “આ તો ભયંકર વાત!” શામળે જાણે કોઈ છૂપું ભોયરું દેખ્યું. “ભયંકર વાત તો એ છે ભાઈ શામળ, કે તું હદથી જ્યાદો ભલો આદમી છે. એ જ તારી નાલાયકાત છે. તું જીવવાને વાસ્તે નાલાયક છે. તું લખમીનંદન શેઠને લાયક ગણતો’તો ને? શી લાયકી હતી એનામાં? – વાઘદીપડાની બકરાં ખાવામાં જે લાયકી હોય છે તે જ કે બીજી કોઈ? એ ને મારો બાપ, બેઉ એક જ નિશાળે ભણતા’તા. પછી આ લખમીનંદને શરૂઆત જ કરી પોતાની સગી, માજણી બેનોને ફરેબ દઈને વારસામાંથી બાતલ કરવાની. પછી એક કાચનું કારખાનું પોતાને ઘેર ઘરાણે હતું, એના દસ્તાવેજ ફેરવીને કપટથી કારખાનું કબજે કરી લીધું. પછી વીમાની મોટી રકમ સારુ પોતે જ કારખાનાને દીવાસળી મેલાવી બાળી નાખ્યું. પછી રેલવેમાં વચલા લોકોને ખૂબ કમિશનો કાપી દઈ કંતરાટો લીધા. પછી મજૂરોનાં ‘યુનિયનો’ના બેઈમાન આગેવાનોનાં ખીસાં ભરી દઈ, પોતાનાં હરીફ કારખાનાંમાં હડતાલો પડાવી. હડતાલોથી રદબાતલ કરાવીને પછી એ હરીફ કનેથી પાણીને મૂલે કારખાનાં ખરીદી લીધાં. પછી તમામ કારખાનાં એકહથ્થુ કરીને મોટા પગારો ચૂકવવાથી કંટાળ્યા, એટલે ‘યુનિયન’વાળા આગેવાનોને ફોડીને પોતાને ત્યાં જ હડતાલો પડાવી. પછી થોડાકને હાથ કરી હડતાલોમાં ભંગાણ પડાવ્યું. ને સાચૂકલા હડતાલિયાઓના ટોળા ઉપર પોલીસની બંદૂકો છોડી મુકાવી. એમ હડતાલોને અને ‘યુનિયનો’ને સાફ કરી નાખી, પછી કાચનાં કારખાનાંની જબ્બર કંપની કરી. ને છેલ્લે એ તમામ કારખાનાંની કિંમત કરતાં પાંચગણી રકમના શૅરોનાં ચીંથરાં છપાવીને તારા જેવા હૈયાફૂટાને પાંચ-પાંચ દસ-દસ પકડાવી દીધાં. “આ એમ એણે જાદુના ખેલ કરી લાખોની થાપણ જમાવી; એ એની લાયકી, એની શક્તિ, ને એ એની આગેવાની. આ તું જોઈ આવ્યો તે મહેલાતો ને બાગબગીચાની ઇંદ્રાપુરી એ લાયકીના નમૂના છે. હવે એ ગુજરી ગયો એટલે વંઠેલ દિત્તુ શેઠ એ તમામનો માલિક બન્યો. જેણે કદી જનમ ધરીને એક તણખલું તોડ્યું નથી, જેને કોઈ પંદર રૂપિયાને મહિને કારકુની કરવાય ન રાખે, તે બન્યો કરોડપતિ. એવા નસીબદારના ચરણો નીચે તારા જેવા હૈયાફૂટાએ પોતાના શરીરની પથારી કરી જીવતર ધન્ય માન્યું. આ તારી આખી વાતનું રહસ્ય.” શામળ સ્તબ્ધ બનીને પોતાના અજ્ઞાનની – પોતાની બેવકૂફીની – ઘોર અંધારી ખાઈમાં તાકી રહ્યો હતો. બબલાભાઈએ છેલ્લો પડદો ઊંચક્યો: “હવે એ ભાઈસાહેબની પાસે લક્ષ્મી છે, એટલે એને સતાવનાર તારા-મારા સરીખાની ખબર લઈ લેનાર આ ખૂંટડાઓનું ટોળું પણ છે. એ આખલાઓને પોતે વરસોવરસ ખૂબ ચારો નીરે છે. નીકર આ પેલી ‘રાંડ’નું મોત છુપાવવા તને ને મને એ આખલા કદી છોડે કે? – ખેર. પછી એ પોતાના નામનાં બાવલાં ને તકતીઓ બેસારી મોટી કૉલેજો કાઢે છે. ને ચંદ્રશેખર જેવા બબૂચકોને ભાડે રાખી ખુરસીએ બેસારે છે, એ શા સાટુ? તારા જેવા હૈયાફૂટા જુવાનિયાઓને ‘લાયકી- નાલાયકી’ની વાતના ગોટાળામાં ચડાવી ‘ચડ જા બચ્ચા સૂલી પર’ એ મતલબની કુરબાનીનું અફીણ પાવા સાટુ! સમજ્યો, બોઘા?” એટલું કહી બબલાએ શામળની છાતીમાં આંગળીનો ઘોંકો માર્યો. “એની પાસે પૈસા થયા માટે એ ધરતી માથે જીવવા લાયક, અને તું નહીં – ખરું? તું એની બધી બૂરાઈઓ અને બદીઓ સાંખી લઈ, એના પાપમાં શામિલ થઈ એની એકાદ દુકાનનો ભાગીદાર બન્યો હોત તો તું ‘લાયક’ કહેવાત, ખરું કે નહીં? અથવા તો એના માથામાં લોઢાની અડી લગાવીને એના ખીસામાંથી નાણાં લઈ નાઠો હોત તોય તું એના કરતાં વધારે સમર્થ, વધારે લાયક, વધારે આવડતવાળો ગણાત, ખરું ને? મારા બેટાએ મને પણ એમ જ રદબાતલ કરી દીધો હોત, મારાંય ખીસાં ખાલી કરીને મને રસ્તે રઝળતો કર્યો હોત. પણ મેં તો સામી કળા વાપરી જાણી, ભાઈ શામળ!” “ચોરવાની કળા ને?” શામળ હજુ નીતિને ચોંટી રહ્યો હતો. “નહીં, લડવાની – વેર વસૂલ કરવાની કળા.” બબલાએ કહ્યું. “એ કળા વાપરી એટલે જ હું જીવતોજાગતો બેઠો છું. ભલે મારે મહેલાતો નથી, કોઈ લક્ષાધિપતિની છોકરી આશક થઈ પડે એવું મોઢું પણ નથી, પણ હું ભૂખે તો નથી મરતો ને? મીઠાવાળો રોટલો તો મળે છે ને? ને વળી આ કાળી રાતનાં મારાં પરાક્રમો મને કકડીને ભૂખ લગાડે છે, એ લાભ વધારાનો.” એટલું કહીને બબલાએ એક પેટી ઉઘાડી અંદરથી રોટલીની થપ્પી કાઢી, મરચાંનું અને ગાજરનું અથાણું પણ કાઢ્યું, શામળને કહ્યું: “આવી જા, દોસ્ત! ઉડાવ આ પકવાન. આ રાઈતાં ગાજર દેખ્યાં? લજ્જત તો લે! આ કોણે આપેલ છે જાણછ? મારી એક માશૂકે. જેલમાં મને બીક જ મોટી એ હતી કે ક્યાંઇક મારાં આ ગાજર સાળા પેલા ખૂંટડાઓને હાથ પડશે.” શામળના મોંમાં પાણી છૂટતું હતું. એની જીભ હોઠ ચાટવા લાગી. પણ એ મફતનું કેમ ખાય? મફતનું ખાવું તો હરામ કર્યું હતું. બબલો મીઠાશથી ખાતો ગયો, ને શામળ જોતો રહ્યો. “પણ મારે હવે શું કરવું?” શામળે ઉદ્ગાર કાઢ્યો. “બીજું શું? મારી સાથે ચાલ, બચ્ચા! મારા કસબ શીખવું. પછી તારે કોઈના બાપની સાડીબાર નહીં, કોઈની તાબેદારી જ ઉઠાવવાની ન રહે, ને તું પૂરો કાબેલ ન બની જાય ત્યાં સુધી મારામાં તારો ચોથ ભાગ.” “શું હું ચોરી શીખું!” ભયભીત બનીને શામળે પૂછ્યું. “બેશક. બીજું તું શું કરવાનો હતો?” “એ તો કોણ જાણે!” “પૈસા છે તારી પાસે?” “થોડાંક જ દોઢિયાં છે. મને મારો ચડત પગાર તો મળ્યો નથી હજુ.” “ઓહો! એ તો તું દિત્તુ શેઠ પાસે લેવા જવાનો, ખરું?” “નહીં, હવે કદી ન જાઉં.” “તો પછી ફરી વાર પાછો ધંધો શોધવા નીકળવાનો, ને છેવટે પેલી કુરબાનીને રસ્તે ચડવાનો, ખરું?” “રહો, રહો. મને વિચાર કરી જોવા દો.” “વિચાર છોડી દે, ભાઈ; કહું છું કે આજ રાતે જ ચાલ, મારો કસબ માંડી દઈએ. પેલા ખૂંટડાઓ તને કે મને કશું નથી કરી શકવાના. કેમ કે એને તો દિત્તુ શેઠનું પાપ ઢાંકી રાખવાનું છે. માટે આવો લાગ શા સારુ જવા દે છે, યાર?” “પણ ચોરી તો મહાપાપ છે.” શામળ ગોખવા લાગ્યો. “નસીબ તારાં!” કહીને બબલાએ રોટીનો દાબડો ને અથાણાની શીશી પેટીમાં મૂક્યાં. “આજની રાત ભૂખ્યે પેટે સૂઈ રહે, એટલે સવારે અક્કલ આવશે તને.” “નહીં, ભૂખ્યો રહેવાથી હું નહીં બદલાઉં.” “તો રૂડી વાત. પણ હું તને ખાવાનું નથી દેવાનો. દઉં તો દાન દીધું કહેવાય, ને તારાથી દાન ન જ લેવાય. કુદરતની આડે મારાથી ન જ અવાય!” શામળના જ શબ્દોનો એ કટાક્ષ કરીને લક્ષ્મીનગરનો મવાલી દાદો બબલો ઊંઘી ગયો. શામળને પણ ભૂખ્યે પેટે ઊંઘ આવી ગઈ. સવાર પડ્યું. બબલાએ ફરી વાર પેટીમાંથી રોટીનો દાબડો ને રાઈતાં ગાજરનું અથાણું કાઢ્યાં. ગાજરની ચીરના અક્કેક બટકા સાથે રોટલીનો અક્કેક ટુકડો એના મોંમાં બચકારા બોલાવવા લાગ્યો. શામળ ટાંપીને બેઠો રહ્યો. પછી તો ક્ષુધાએ એટલો બધો અકળાવી મૂક્યો કે એને નિર્ણય કરવો જ પડ્યો. એણે વિચારી જોયું: આ લક્ષ્મીનગરનો મવાલી બબલો જેટલા જેટલા મુદ્દા કહી ગયો તેમાંનો એક્કેય જૂઠો પાડી શકાય તેવો છે? ના. એનો જવાબ મારી કને નથી. ત્યારે બીજી વાત. ધુરંધર વિદ્વાન પ્રો. ચંદ્રશેખરના કહેવા મુજબ પણ જિંદગી એક રણસંગ્રામ જેવી છે; જીવવાના જ આ પછાડા છે, ને જેના ગજવામાં નાણાં પડે તે જ સાચો જીતેલો છે. ને આ બધા જીતેલાઓને જો બેકારોની જરૂર ન હોય તો તેઓ એને ભૂખે મારે છે, અથવા જેલમાં પુરાવે છે. ખરું? ખરું. તો પછી બેકારોને પણ સામે પોતાનો ટકાવ કરવા વાસ્તે ઇલાજો અજમાવવાનો હક છે ને! અને પોતાની શક્તિ તથા જીવવાની લાયકી પુરવાર કરવાનો માર્ગ પણ એ જ છે, કે જેના ખીસામાં પૈસા હોય, તેની કનેથી તે સેરવી લેવા. ખરું? ખરું. ને ખુદ પ્રો. ચંદ્રશેખર જ પોતાના એક પ્રાચીન તત્ત્વવેત્તાની વાણી ટાંકતા હતા ને! – કોણ, કોણ એ? હર્બર્ટ – હર્બર્ટ સ્પેન્સર જ કહી ગયા છે કે “શિકારને પકડવાની કમતાકાત, એટલે જ આદર્શની સિદ્ધિથી પુરુષાર્થનું વેગળાપણું.” એટલે? એટલે કે બેકારોએ શિકાર પકડવાની તાકાત બતાવવી રહી. ખરું? ખરું. બીજી વાત સીધી ને સટ છે. જો આ દુષ્ટ લોકોને હાથે તમામ સારાં સ્ત્રીપુરુષો ભૂખમરો ભોગવીને ખતમ થઈ જશે, તો દુનિયામાં બાકી રહેશે એકલા દુષ્ટો. એ પણ ઠીક નહીં. આવા આવા વિચારદોર પર શામળનું મન ખેંચાતું ગયું. વળી દિત્તુ શેઠનાં છેલ્લાં ટોણાં હજુ એના કાનમાં ઝણેણી રહ્યાં હતાં. શામળના અંતરાત્મામાં સ્પષ્ટ ધ્વનિ ઊઠ્યો: “એ દિત્તુ શેઠને ખાતર મારે શા સારુ આ દુનિયામાંથી ખસી જવું? શા સારુ?” સવાર ગયું. બપોરની જમવા વેળા પણ થઈ. રાતે વાળુની વેળા થઈ. બબલા- દાદાએ ફરી વાર પોતાની માશૂકની રાંધેલી રોટીનું તથા રાઈતાં ગાજરનું ભાતોડિયું ઉઘાડ્યું. અંદરથી ભભક છૂટી. બબલાએ પૂછ્યું: “કાં! આવોને! અજમાવી જુઓ ને એક વાર આનો સ્વાદ!” “ચાલો, ચાખું આજ તો.” કહીને શામળે હાથ ધોયા, બેસીને ત્રાપડ દેવા લાગ્યો. જમતાં જમતાં વચ્ચે એક વાર એ થંભ્યો, હાથમાં રાઈતાં ગાજરની ચીર હતી; એને કોઈક અંદરથી પૂછતું હતું: “શામળ! તેં તો ચોર બનવાના કોલ આપ્યા.” બબલાની આંખ આ નવા ચેલકા ઉપર જ ચોંટી હતી. ભાઈબંધ ક્યાંક પાછા ચલિત ન થઈ જાય તે એ તપાસી રહ્યો હતો. એણે પૂછ્યું: “કાં ફરી નથી જવું ને?” “નહીં,” શામળે જવાબ દીધો, “હવે મારે ફરવાનું નથી. હું તો વિચારું છું કે આ પણ એક ભારી અચરજનો મામલો જામ્યો. નહીં?”